home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ૠણાનુબંધ

‘સાંભળું છું, બરાબર સાંભળું છું.’

ગુજરાત એક્સપ્રેસ ધસમસતો જતો હતો.

રીઝર્વ્ડ કોચમાં બારી પાસેની સીટમાં આરામથી બેઠી બેઠી વાંચતી હતી.

ભરૂચ કૉલેજમાં લેક્ચરર છું. દર શનિ- રવિ ઘરે આવું. શનિવારે સાંજે અમદાવાદ પહોંચું. સોમવારે સવારે ગુજરાત એક્સપ્રેસમાં નીકળું તો દશ વાગે તો ભરૂચ. બપોરની કૉલેજ એટલે આરામથી પહોંચી જાઉં ! આ છેલ્લા વરસથી એકધારો ચાલ્યો આવતો ક્રમ. ગુજરાત એક્સપ્રેસમાં અપ-ડાઉન કરનારા પણ એટલાં જ એટલે જગ્યાનો પ્રશ્ન તો રહેવાનો જ. ને મારે તો હંમેશનું થયું. જગ્યા ન મળે તો ઊભા ઊભા થાકી જવાય ને કૉલેજમાં પિરિયડ ન લઈ શકાય, એટલે મેં તો નિયમિત રિઝર્વેશન કરાવી લેવાનો જ નિયમ રાખેલો. આના કારણે હું થોડું વાંચી પણ શકતી ને લેક્ચર આપવાની કાંઈક તૈયારી પણ કરી શકતી.

વાર્તાનું પુસ્તક હાથમાં હતું. એકદમ રસ પડ્યો હતો, મૂકવાની ઇચ્છા નહોતી થતી. પણ અચાનક યાદ આવ્યું આજના લેક્ચરની તૈયારી કરવાની છે. ઓછામાં ઓછું મુદ્દાઓ તો નોંધવા જ પડે.

આ મારી આદત છે. વર્ગમાં જતા પહેલાં તૈયારી કરવાની ! ભાગ્યે જ હું તૈયારી વિના ગઈ છું... ને જ્યારે તૈયારી વગર ગઈ છું ત્યારે મને સંતોષ થયો નથી. જો કે વિદ્યાર્થીઓને તો ગમ્યું જ હોય. વિષયનો રસ એમના ચહેરા પરથી કળી શકાતો હોય, મને તન્મય થઈને સાંભળતા હોય !... છતાં ય મારા મનમાં તો કાંઈક ઓછપ રહ્યાં જ કરે ! બીજા દિવસે લેક્ચરમાં ફરીથી થોડું આવરી લઉં ત્યારે જ સંતોષ થાય.

વાર્તાસંગ્રહ અઘૂરો મૂકી મેં અભ્યાસનું પુસ્તક કાઢ્‌યું સાથે જ કાગળ ને પેન.

ઘ્યાનથી વાંચવા મોડી. મુદ્દાઓ ટપકાવતી ગઈ ને મનમાં પણ ગોઠવતી ગઈ કે કઈ રીતે વાત કરવી...

સદ્‌ભાગ્યે ગાડીમાં આજે ગિરદી ઓછી હતી. બીજો શનિ- રવિ ને મંગળવારની જાહેર રજાને કારણે લાગતું હતું કે આજે સોમવારે ઘણાંએ સી.એલ. મૂકી હશે. મેં પણ મૂકી જ હોત- જો આજે અગત્યની મીટીંગ ન હોત તો !

નિયમિત દેખાતા અપડાઉનિયા ચહેરા આજે નહોતા ! રિઝર્વેશનની ઐસી કી તૈસી ! એ લોકો તો આ જ ડબામાં ચડનારા ! બધી સીટ કાંઈ રિઝર્વ હોય નહિ ! ને આમે ય ઉપરની બર્થ તો ખાલી જ હોય ને !

પેલા ભાઈ, જેમને અવારનવાર ગાડીમાં દાઢી કરતા જોઉં છું તે પણ આજે નથી. શરૂઆતમાં કંઈક અજુગતું લાગતું પણ હવે ટેવાઈ ગઈ છું. એમને મોડા ઉઠવાની આદત હશે. માંડ માંડ પહોંચતા હશે ! ઘણાં આવું કરતા હોય છે. ઉપરની બર્થમાં જમાવી દે ને કાંઈ ને કાઈ કામ કરતા રહે. જગ્યા મળે તો મોકળાશથી. નહિતર સાંકડમાંકડમાં પણ મોકળાશ મેળવી લેતા હોય છે. પેલા ભાઈની જેમ સ્તો ! જગ્યા મળે તો ઉપરની બર્થમાં બેસી, ગળે નેપકીન રાખી, પાઉચમાંથી દાઢીનો સામાન કાઢી નિરાતે દાઢી કરે, નહિતર જાજરૂ પાસેના અરીસામાં જોઈ ઉભા ઉભા જ રેઝર ફેરવી લેતા મેં એમને જોયાં છે !

ચાલો, આ પણ એક કળા છે, સમયનો સદુપયોગ કરવાની ! હું પણ મારા લેકચરની તૈયારી કરતી જ હોઉં છું.

નડિયાદ આવ્યું ત્યાં સુધીમાં મેં મુદ્દાઓ નોંધી જ લીધા હતા. હવે તેના પર વિચારતી હતી. અગત્યનો ને ઊંડાણ માગતો વિષય હતો. ગઈ કાલે તૈયારી કરી લીધી હોત તો સારું હતું... પણ મોન્ટુએ પિક્ચરનો પ્રોગ્રામ બનાવ્યો ને હું એને નારાજ કરવા નહોતી માગતી. કાંઈ નહિ હજુ બે કલાકનો સમય છે. ગિરદી નહિ થાય તો મારાથી તૈયારી થઈ જશે.

આણંદ આવ્યું.

થોડાં પ્રવાસી ઉતર્યા. એક બેન ત્રણ બાળકો સાથે ચડ્યાં. મારી બાજુની સીટ ખાલી થઈ હતી. ત્યાં થેલો મૂકી જગ્યા રોકી દીધી ને પછી સામાન ગોઠવવામાં પડ્યાં. સામાન ઘણો હતો. ત્રણેય બાળકોને ઉપરની બર્થ પર બેસાડ્યાં ને એ મારી બાજુમાં આવીને બેસી ગયાં.

પ્રવાસીની ચડઉતરને કારણે ડબ્બામાં થોડીવાર હલચલ થઈ ને પછી બધાં ગોઠવાઇ ગયાં.

ગાડીએ પણ સ્પીડ પકડી.

મેં વાંચવામાં મન પરોવ્યું. વચ્ચે વચ્ચે આંખ બંધ કરી, મનોમન લેક્ચર ગોઠવતી હતી, વળી કાગળમાં પણ મુદ્દા ટપકાવતી, જતી હતી.

લખતી હતી ને ઉપરથી બરાબર કાગળ ઉપર જ બિસ્કીટનો ભૂકો ખર્યો. મેં સહેજ નજર કરી, મનમાં ખીજ તો ચડી, પણ હશે, બાળકથી ભૂલમાં થઈ ગયું. ભૂકો ખંખેરીને મેં ફરીથી લખવાનું શરૂ કર્યું.

ત્યાં ઉપરથી બેબીએ બૂમ પાડી ‘‘મમ્મી ! જો ને, ભાઈ મને મારે છે !’’

એની મમ્મીએ સાંભળ્યું છતાં ય ન સાંભળ્યું ! બંધ આંખ ખોલી ખરી પણ વળી પાછી બીડી દીધી... થોડીવાર પછી ત્રણેય વચ્ચે મારામારી ને રાડારાડ થવા માંડી. મારી જેમ ઘણાંએ અવાજ સાંભળ્યો, ઊંચે નજર પણ કરી.

...પણ પેલાં બેન તો સ્થિતપ્રજ્ઞ ! ન તો એ સીટ પરથી ઊભાં થયાં કે ન તો નીચે બેઠાં બેઠાં ય બાળકોને શાંત પાડવા ઘાંટો પાડ્યો !

મને નવાઈ લાગી ને ચીડ પણ ચડી.

ઉપરની બર્થમાં હજુ કકળાટ ચાલતો જ હતો. નાનો છોકરો ખિજાઈને નીચે આવી, મારી અન એની મમ્મીની વચ્ચે બેસી ગયો. મારે જરાક સંકોડાવું પડ્યું. જગ્યા તો ઠીક, સાડીમાં કરચલી પડી જવાની દહેશત હતી. પણ ના થોડી પડાય ?

પુસ્તક હાથમાં જ હતું, પણ વાંચવામાંથી વારંવાર મારું ઘ્યાન ચલિત થતું હતું. કારણ બાજુમાં બેઠો બેઠો એ છોકરો કાંઈક ને કાંઈક અટકચાળું કરતો હતો, ઘડીક પગ ઊંચો કરે, નીચો કરે, પલાંઠી વાળે, તો વળી સામેની સીટે પગ ટેકવે. સ્થિર બેસે નહિ, મને પણ સહેજ ધક્કો લાગ્યા કરે.

ઉપરથી બીજા છોકરાના પગમાંથી સ્લીપર નીકળી પડ્યાં, બરાબર મારી સામે બેઠેલા ભાઈના ખોળામાં. ચહેરા પરથી લાગ્યું કે ગુસ્સે થયા છે ! પણ છોકરું છે જાણી દયા આવી ગઈ હશે. ચહેરો તમતમ્યો ખરો પણ વાત આગળ વધારી નહિ.

ત્યાં ઉપરથી જ છોકરીએ બૂમ મારી ‘‘મમ્મી, મારે જાજરૂ જાવું છે.’’

માએ કોઈ જવાબ ન આપ્યો તો એણે નીચે લંબાઈ, માને ખંભેથી હલબલાવી નાખી, ‘‘મમ્મી, જાવું છે મારે !’’

માએ બેઠાં બેઠાં જ કહ્યું, ‘‘તું જઈ આવ.’’

‘‘તું હાલને ભેગી, મને બીક લાગે છે.’’

છોકરીની વાત પરથી લાગતું હતું કે, એણે ખાસ મુસાફરી કરી નહિ હોય.

તો ય મા તો જરાય હાલી નહિ.

છોકરીએ વળી જીદ પકડી, એટલે એ કમને ઉભી થઈ. વળી કંઈક વિચાર થયો ને મોટા છોકરાને કહે, ‘‘જા બેનને, જાજરૂ બતાવી આવ !’’ ને પોતે ધબ્બ કરતી બેસી ગઈ.

હું મનોમન ઘૂંધવાતી હતીઃ ખરી છે આ સ્ત્રી ! એનાં છોકરાં આટલા તોફાન કરે છે ને એકે શબ્દ બોલતી નથી ! કપડાં સારા છે. ચહેરા પરથી ય તદ્દન અભણ હોય એવા તો લાગતા નથી. પણ અસંસ્કારી તો ખરાં જ ! સભ્યતા કોને કહેવાય એ શીખ્યાં લાગતાં નથી. ક્યાંથી શીખે ! કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? એની મા જ જ્યાં ઘોઘા જેવી છે ! જો ને બેઠી બેઠી તાલ જોયા કરે છે ! સહપ્રવાસીઓને કેટલી મુશ્કેલી પડે છે એ જોવાનું કે નહિ ?

હજુ તો મનમાં વિચારું છું ત્યાં જ છોકરીએ થેલીમાંથી કેળા કાઢ્‌યાં, ખાધા ને છાલ બારીમાંથી બહાર ફેંકવાને બદલે નીચે પગ પાસે જ ફેંકી દીધી. પગ નીચે કચરો વધતો જતો હતો, બિસ્કીટનો ભૂકો, કેળાની છાલ ને ઢળેલું પાણી.

ત્યાં જ ‘ભરૂચની બદામ... સ્પેશિયલ ખારી સીંગ...’ કરતો ફેરિયો આવ્યો.

‘‘મમ્મી ! શીંગ ખાવી છે. લઈ દે ને.’’ માએ સાંભળ્યું નહિ એટલે છોકરીએ માને હલબલાવી. તેણે આંખ ખોલીને સીધી જ છોકરીના ગાલ પર થપ્પડ મારી દીધી.

હું સડાક થઈ ગઈ !

છોકરીએ મોટેથી ભેંકડો તાણ્યો ‘‘પપ્પા ! મમ્મીએ માર્યું’’ એ સાથે જ બંને છોકરાં ‘‘પપ્પા- પપ્પા...’’ કરતાં રોવા માંડ્યા.

મને થયું, મમ્મીએ માર્યું એટલે પપ્પાને યાદ કર્યા. પણ એની મા તો એવી જ સ્થિતપ્રજ્ઞ ! હા, એટલું જરૂર કર્યું, પગ ઊંચા લઈ, પલાંઠી વાળી, નાનો છોકરો જે એની પડખે હતો એનું માથું ખોળામાં ઢાળી એને જરાક થપથપાવા લાગી, પોતે ય મોઢે આડો રૂમાલ ઢાંકી દીધો... ઊંઘી ગઈ કે શું ?

હવે ત્રણેયનું રડવાનું બંધ થઈ ગયું હતું. પણ જરા જરા વારે સિસકતા હતા.

મનોમન એમના પર એટલો બધો ગુસ્સો ચડતો હતો ને !

ભરૂચ અધા એક કલાકમાં આવશે એવું લાગતાં મેં કાગળ- પેન- પુસ્તક પર્સમાં મૂકી દીધાં. શાંતિથી બેઠી પણ મન અશાંત- અજંપ હતું.

અંતે મારાથી રહેવાયું નહિ, કહેવાઈ ગયું ઃ ‘‘બેન ! તમારાં બાળકો આટલા તોફાન કરે છે, બીજાને ય હેરાન કરે છે !... ને તમે એકદમ શાંત બેઠા છો ! તમને નથી લાગતું કે કાંઈ કહેવું જોઈએ ?’’

એણે કોરીધાકડ આંખે મારી સામે જોયું. ઘડીક જોતી રહી, જોતી જ રહી... કશુંય બોલી નહિ.

હું ઘૂંધવાઈ, ફરીથી કહ્યું ઃ ‘‘તમને કહું છું બેન ! સાંભળો છો તમે ?’’

‘‘સાંભળું છું, બરાબર સાંભળું છું.. પણ શું કરવું ને શું કહેવું ?... મારી મતિ મૂંઝાઈ ગઈ છે ! મારી જેવી જ દશા આ છોકરાંઓની છે. એ બિલકુલ અસભ્ય કે અસંસ્કારી નથી. એમને સારી સ્કૂલમાં ભણાવ્યા છે. હું પણ બી.કોમ. છું પણ લઘવાઈ ગયાં છે, સમજ નથી પડતી કે શું કરે ?’’

‘‘કેમ ?... કેમ પણ ?’’ મને સમજાતું નહોતું.

‘‘બેન !’’ કહેતાં એની આંખ ભરાઈ આવી, ‘‘બે’ન! બે’ દિ પહેલાં મારા પતિની ઉત્તરક્રિયા કરી. સાસુ- સસરા હયાત નથી. મોટા જેઠ ને અમે ભેગા જ રે’તા ને ધંધો પણ ભેગો જ હતો. અચાનક અકસ્માતમાં મારા પતિ અવસાન પામ્યા. મોટા જેઠે લોકલાજે બારમું- તેરમું તો કર્યું... પણ જેવા સગા-વહાલાં વિદાય થયા કે મને ને છોકરાંને ઘર બહાર તગેડી મૂક્યાં ! ઘરવખરી બઘું પડ્યું રહ્યું. આ થોડોઘણો સામાન છે ને છોકરાંને લઈને સુરત મારે પિયર જાઉ છું.... કાલ રાતનું ખાઘું ય નથી.’’

આટલું કહી ભાવહીન ચહેરે મારી સામે જોઈ રહી.

એની સામે આંખ મિલાવવાની હંિમત મારામાં નહોતી, મારી નજર નીચે ઢળી ગઈ.

ત્યાં જ ભરૂચ આવી ગયું.

ઉભા થતાં થતાં મેં ફેરિયા પાસેથી ખારી શંિગ ને બિસ્કીટના પેકેટ લઈ બાળકોના હાથમાં મૂક્યાં.

Copyright   © Gujarat Samachar