કેમ છે, દોસ્ત ?
‘મોટી બહેન, તું જ્યાં હો ત્યાં તારા આત્માને મારા શબ્દો ઠારે’
‘બેટા, તારી મોટી બહેને તને શહેરમાં પોતાને ઘેર રાખવાની હા પાડી છે. હવે તું ૧૧મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ શરૂ કરી શકીશ’- નિયતની મમ્મીએ કહ્યું.
‘‘પરંતુ મમ્મી, દીદી જેટલી ઉદાર છે, જીજાજી કદાચ એટલા ઉદાર ન હોય ! એમને એમ નહીં લાગે કે સાળો માથે પડ્યો ? એમનો અહેસાન ભવિષ્યમાં પણ મને ખટકશે !’’ - નિયતે શંકા વ્યકત કરી.
‘અરે ગાંડા, મા-જણી બહેનની બાબતમાં ઉપકાર જેવી કોઈ વાત વિચારી શકાય ? ભાઈ-બહેનનો સંબંધ તો માતાથીયે મોંઘેરો છે ! રાખડીનો સંબંધ તો બહેન રાખમાં ભળ્યા બાદ પણ ભૂલતી નથી ! અને તારી બહેન દૂર્વા તો દૂર્વા છે... પવિત્ર અને પુણ્યશાળી’ - મમ્મી મોટીબહેનની મહાનતાને યાદ કરીને રડી ગઈ !
અને બીજે દિવસે મેં બહેનને ઘેર રહેવા જવા પ્રસ્થાન કર્યું. પિતાજીના અવસાન પછી માએ મને આંખના રતનની જેમ જાળવ્યો હતો. મમ્મી મારો પડછાયો બનીને જીવતી હતી. શાળાએથી મને આવતાં પાંચ-દસ મિનિટનું મોડું થાય તો મમ્મીનો જીવ તાળવે ચોંટી જાય !
હું એસ.ટી. સ્ટેન્ડે ઉતરી રીક્ષા કરી મોટીબહેનને ઘેર પહોંચ્યો. મોટી બહેન વરસાદની જેમ મારી રાહ જોઈ રહી હતી. મને જોઈને એ ગાંડીઘેલી થઈ ગઈ. આરતીની થાળી તૈયાર હતી. મારી આરતી ઉતારી મોં મીઠું કરાવી મારાં મીઠડાં લઈ બહેન મને ઘરમાં લઈ ગઈ.
ત્રણ બેડરૂમનું એપાર્ટમેન્ટ. બહેને મારે માટે નાનકડો અલાયદો રૂમ તૈયાર કરી રાખ્યો હતો. ટેબલ- ખુરશી- પેન- બૉલપેન સ્ટેન્ડ, કેલકયૂલેટર, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, બઘું જ હાજર ! ડાબી બાજુના ભાગમાં એક ડઝન કોરી અને લીટીવાળી નોટો પણ ગોઠવી રાખી હતી. હું ભાવવિભોર થઈ ગયો ! બહેનને ભેટયો. આંખમાંથી અશ્રુધોધ વહેવા માંડયો. મેં રડતાં- રડતાં કહ્યું ઃ ‘‘બહેન, મને ભણી-ગણીને તૈયાર થઈ જવા દે. આખી જંિદગી તારા જીવનમાં ખુશીનો દરિયો છલકાવી ના દઉં તો મારું નામ નિયત નહીં.’’
‘હવે ફિલ્મી સંવાદોની આપ-લે થયા કરશે કે પછી મારા તરફ પણ દયાદ્રષ્ટિ ફેંકવામાં આવશે ?’ - જીજાજીએ કડકાઈભર્યા સ્વરમાં કહ્યું.
‘‘માફ કરજો હોં ! નિયતના આવવાની ખુશીમાં હું એટલી બધી હરખપદુડી થઈ ગઈ હતી કે કશી વાતનો ખ્યાલ જ ન રહ્યો. તમે છો તો બઘું જ છે !’’ દીદીએ લાગણીપૂર્વક જીજાજીને કહ્યું..
‘‘અરે ભાઇ, બઘું જ માપમાં શોભે. અને નિયત ભણવા માટે અહીં આવ્યો છે તો એમ અહીંથી થોડો જ જલ્દી જવાનો છે ! ભણવાનું પણ પતાવશે અને પરણવાનું પણ અહીંથી જ પતાવશે’’ - જીજાજી ખંઘુ હસ્યા.
વાતાવરણ હળવું કરવા દીદીએ કહ્યું ઃ ‘તમારા જેવા સમર્થ બનેવી હોય પછી કયા સાળાનાં અરમાન અઘૂરાં રહે. અને નિયત તો તમને મારા કરતાંય વઘુ વહાલો છે.. તમને તો મશ્કરી કરવાની આદત છે ! નિયત, તારા જીજાજીની વાત સાંભળી ખોટું ન લગાડતો.’’
મેં જોયું કે જીજાજી જેવા તૂફાન મેલને કાબૂમાં રાખવાની કુશળતા દીદીએ કેળવી લીધી છે ! દીદી લાગણીનો મહાસાગર હતી અને જીજાજી હતા મનમોજી વાદળ.... વરસવું હોય તો વરસે નહીં તો રાહ જોનારને રાખે કોરાધાકોર ! મેં મનોમન વિચાર્યું કે જીજાજીની નજરમાં વસવાનું રામબાણ શસ્ત્ર છે ખુશામત ! અને મેં તાત્કાલિક જ એનો પ્રયોગ કર્યો ઃ ‘જીજાજી, મારે ઢીલાપોચા નહીં, મર્દ બનવું છે ! અને મર્દાનગીનો આદર્શ તમારા સિવાય બીજે કયાંય શોધવાની જરૂર પણ શી ?’’
‘જોયું, તારા કરતાં તારા ભાઈમાં કદરદાનીની સૂઝ વધારે છે ! મારે પગલે ચાલશે તો ઘરમાં ને દુનિયામાં સુખ એને શોધતું આવશે.’ - કહીને જીજાજી કપડાં બદલવા ચાલ્યા ગયા. દીદી પણ હળવીફૂલ જેવી થઈ ગઈ હતી. જીજાજીને મેં જીતી લીધા એનો એને આનંદ હતો.
અને ‘બનેવી નિવાસ’માં મારું અઘ્યયન કાર્ય શરૂ થયું. મોડા પડવાને કારણે સારી સ્કૂલમાં પ્રવેશ મેળવવાનું કામ અઘરું હતું. પણ મેં જીજાજીને પોરો ચઢાવ્યો. ‘‘જીજાજી, તમારા શબ્દકોશમાં અશક્ય જેવો કોઈ શબ્દ છે ખરો ? કોઇક ધારાસભ્ય કે પ્રધાનની ચિટ્ઠી લાવો એટલે મારો બેડો પાર ! તમારે ભરોસે તો હું શહેરમાં ભણવા આવ્યો છું !’’
‘‘તારી વાત સાચી છે. ઘણા ધારાસભ્યોને જિતાડવામાં મેં ટાંટિયા ઘસી નાખ્યા છે. અને તારા જેવા તેજસ્વી સાળા માટે તો મને અહીંની નહીં, દિલ્લીના મિનિસ્ટરની લાગવગ લાવતાં પણ મુશ્કેલી નહીં નડે !’’
અને સાંજે જીજાજીએ વટભેર ધારાસભ્યનો ભલામણપત્ર લાવી મારો એક જાણીતી હાયર સેકંડરી સ્કૂલમાં પ્રવેશ પાકો કર્યાના સમાચાર મને આપ્યા હતા. અને ટકોર પણ કરી હતી ઃ ‘‘નિયત, હું તારો બનેવી છું એ નાતે તારા પ્રત્યેની મારી ફરજ બજાવવી પડે ! પણ તને ખબર છે કે અમારા ઘરમાં શેર માટીની ખોટ છે. તારે મારા સાળા અને દીકરા બન્નેની ફરજ બજાવવાની છે ! પછી રોગ મટયો એટલે વૈદ્ય વેરીની ગણતરી ન મૂકતો ! આજના માણસને મન દરેક માણસ ઉપર ચઢવાની લિફટ છે ! અને ઉપર પહોંચ્યા બાદ લિફટને ‘થેંક યુ’ કહેવા ય કોઈ ઉભું નથી રહેતું.... મને લાગે છે તું એ પ્રકારના માણસોમાંનો નથી ! પછી તો નીવડે વખાણ !’’
‘‘અરે જીજાજી, એ શું બોલ્યા ? તમે મારામાં મૂકેલી શ્રઘ્ધા એળે નહીં જવા દઉં !’’ - મેં કહ્યું, એટલે જીજાજી પ્રસન્ન થઇ ગયા.
હાયર સેકંડરીનો અભ્યાસ પૂરો કર્યો અને બોર્ડની પરીક્ષામાં મેં ૯૨% માર્કસ મેળવ્યા. મમ્મી અને બેન-બનેવીના આનંદનો પાર નહોતો. જીજાજી મારી તેજસ્વિતાને એમના ‘ઘડતર’નું પરિણામ માનતા હતા. ગુણવત્તાને ધોરણે મને મેડિકલમાં પ્રવેશ મળી ગયો અને જીવનની એક નવી જ દિશા શરૂ થઈ.
સ્કોલરશીપ મળવાને કારણે હૉસ્ટેલમાં રહી ભણવાની અનુકૂળતા ઉભી થઈ અને દીદી તથા જીજાજીના આશીર્વાદ લઈ મેં મેડિકલ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું....
ઢળતી ઉમ્મર અને મારા વાક્ચાતુર્યને લીધે જીજાજીનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. રવિવારે તેઓ મને આગ્રહપૂર્વક ઘેર બોલાવતા અને નાનો-મોટો કાર્યક્રમ ગોઠવી મને રાજી રાખવાની પૂરી કોશિશ કરતા.
હું એમ.બી.બી.એસ. થઇ ગયો અને એમ.એસ. માટે પણ મને એડમિશન મળી ગયું. હું ખ્યાતનામ સર્જન બનવા માગતો હતો.
એવામાં મારી દોસ્તી મારી જ સાથે અભ્યાસ કરતી ડૉ. ધારણા સાથે થઈ. ધારણાનો સ્વભાવ મિલનસાર, હસમુખો અને વાતોડીઓ. મિત્રો બનાવવાનું અને એમને પાર્ટી આપવાનું એને ખૂબ જ ગમે. મારું મિતભાષીપણું એને પસંદ પડયું. એની દ્રષ્ટિએ હું ઉત્તમ શ્રોતા હતો. એની લાંબીલચક વાતચીત અને સંવાદો હું ઉત્સુકતાપૂર્વક સાંભળતો. ખુશામતનાં શબ્દો વાપરવાનો મહાવરો તો જીજાજીના સંપર્ક દ્વારા મેં બરાબર કરી લીધો હતો. મારું ઓછાબોલાપણું ધારણાના મનમાં વસી ગયું.
એક દિવસ એણે મને પોતાને બંગલે ડિનર માટે બોલાવ્યો. મોંઘી દાટ કાર લઇ મને ધારણા તેડવા આવી !
એક વિશાળ વાટિકા વચ્ચે ધારણાનો આલિશાન બંગલો ! ચોકીઆત, નોકર- ચાકર- રસોઇઆ વગેરે મેડમ ‘ધારણા’નો પડતો બોલ ઝિલે ! હું એક મઘ્યમવર્ગીય ગ્રામીણ માતાનો પુત્ર ! મારી દશા કૃષ્ણના મહેલે પહોંચેલા સુદામા જેવી હતી ! પણ ધારણાના પપ્પા મારી મદદે આવ્યા. તેમણે મને ઉષ્માભર્યો આવકાર આપતાં કહ્યું ઃ ‘‘મિ. નિયત, ઘરના વૈભવ કરતાંય મોટો વૈભવ છે હૈયાનો વૈભવ. અને તમારી ખાનદાની અને સંસ્કારિતાનાં વખાણ કરતાં ધારણા થાકતી નથી. મારે મન લક્ષ્મી કરતાં સરસ્વતીનું મહત્ત્વ વધારે છે અને તમારી ઉપર તો મા શારદાના ચારે હાથ છે ! તમારા જેવો યુવક કોને ન ગમે ?’’
મેં હળવાશ અનુભવી. ભોજન બાદ ધારણાના પપ્પાજીએ મને લાગણીપૂર્વક વિદાય આપી. મને લાગ્યું કે ધારણાની દોસ્તીએ મારા જેવા એક ગામડાના યુવકને ન્યાલ કરી દીધો છે !
અને એક દિવસ ધારણાના પપ્પાજી મને મળવા માટે હૉસ્ટેલ પર આવ્યા. એમણે ધારણા સાથે મારા લગ્નનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું ઃ ‘‘તમારે માટે નર્સંિગ હોમની વ્યવસ્થા મેં ગોઠવી જ રાખી છે. ધારણા મારી એકની એક દીકરી છે ! તમે બન્ને લગ્ન પછી મારી સાથે રહી મારી જીવનસંઘ્યાને ટાઢક આપો એથી વધારે હું ઇચ્છું પણ શું ?’’
મેં એમનો આભાર માની એમના પ્રસ્તાવને વધાવી લીધો !
આનંદના સમાચાર આપવા હું દીદી અને જીજાજી પાસે દોડી ગયો. એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર પાસે ઍમ્બ્યૂલન્સ ઉભેલી જોઇ મને ચંિતા થઈ ! એટલામાં જીજાજી હાંફળા-ફાંફળા દોડી આવ્યા અને મને કહ્યું ઃ ‘‘ભગવાને જ તને મોકલ્યો. તારી દીદી નિસરણી ઉતરતાં ભોંય પટકાઇ છે અને ફેમિલી ડોકટરના અભિપ્રાય મુજબ એને બ્રેઇન હેમરેજ થયું છે. મેં મારા મિત્રના નર્સંિગહોમમાં ફોન કરી દીધો છે. ચાલ, જલ્દી કર !’’ અને દીદીને અમે નર્સંિગ હોમ પહોંચાડી સારવાર શરૂ કરાવી હતી.
પૂરા બોંતેર કલાક દીદી મોત સામે ઝઝૂમી પણ અંતે મોત સામે તે હારી ગઈ. અને હું અને જીજાજી સાવ ભાંગી પડયા. મારામાં આઘાત જીરવવાની શકિત નહોતી. ભણવામાં ચિત્ત ચોંટતું નહોતું...
એકાદ મહિના પછી ધારણાના પપ્પાજી મારી પાસે આવ્યા અને એમણે કહ્યું ઃ ‘નિયત, જંિદગી તો બહુરંગી છે. મનગમતો એકાદ રંગ રોળાઇ જાય તો સુધ-બુધ વિસરીને જંિદગીના બીજા રંગોને તરછોડવાની ભૂલ ન થાય !
અત્યાર સુધી તમારી દરકાર દીદી રાખતાં હતાં, હવે એની જવાબદારી ધારણાને સોંપી દો. જંિદગી આખરે તો એક ગોઠવણ છે ને !’’
‘‘પણ જીજાજીને હું નિરાધાર રહેવા દેવા માગતો નથી ! ધારણા સાથે લગ્ન બાદ હું આપની સાથે રહું તો જીજાજીનું શું ?’’
- મેં સ્પષ્ટ વાત કરી.
‘‘જૂઓ મિ. નિયત, જંિદગીમાં લાગણી એક સ્થાને છે અને લાભની તકો બીજે સ્થાને. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે કપાળને ગંગાજળથી ધોવાનો વિલંબ કરનારા હમેશાં પસ્તાયા છે ! દુનિયામાં અનેક વિઘુરો જીવતા હોય છે એમ તમારા જીજાજી પણ જીવશે. હા, વૈભવની છોળો વચ્ચે ઉછરેલી મારી દીકરી ધારણા તમારા બનેવીના ખોબા જેવડા એપાર્ટમેન્ટમાં રહેવાનું કયારેય પસંદ ન કરે એ નક્કી છે.’’ - ડૉ. ધારણાના પપ્પાજીએ કહ્યું.
એટલામાં ધારણા પણ આવી પહોંચી. એના પપ્પાજીના શબ્દો એણે સાંભળ્યા હતા. એમની વાતને અનુમોદન આપતાં કહ્યું ઃ ‘‘નિયત, તારા બનેવીના લલાટે એકલા રહેવાનું લખાયું હોય તો એમાં આપણે આટલી બધી ચંિતા કરવાની શી જરૂર ?... અને ‘બનેવી’ને દત્તક લઇને જીવવાની ભૂલ આપણે કરી પણ કેવી રીતે શકીએ ?’’
... અને મેં આગળ ચર્ચા કરવાની ક્ષમા માગી ડૉ. ધારણા અને તેના પપ્પાને વિદાય આપી હતી.
એમના ગયા પછી હું જીજાજીને મળવા દોડી ગયો હતો. જીજાજી દીદીના ફોટા સમક્ષ ઉભા-ઉભા રુંધાએલા અવાજે કહી રહ્યા હતા ઃ ‘દૂર્વા, તું તો ચાલી ગઈ. મેં સાંભળ્યું છે કે નિયત પણ ડૉ. ધારણા સાથે લગ્ન કરી ઘરજમાઇ બનવાનો છે ! પાંખો આવે એટલે પંખી માળો અને ધરતી બંનેને ભૂલી જાય છે ! મને આશા હતી કે નિયતને હું પરણાવીશ અને બાકીની જંિદગી નિયત અને તેની પત્નીની ઓથમાં પૂરી કરીશ.... પણ દૂર્વા.... જંિદગીએ મને છેતર્યો છે... નહીં તો નિયત...’’
જીજાજી બોલતાં-બોલતાં ચોધાર આંસુએ રડી પડયા અને હું એમની કોટે વળગી એમને આશ્વાસન આપતાં કહેવા લાગ્યો ઃ
‘‘જીજાજી, મારે તમારો કે મોટી બહેન દૂર્વાનો અહેસાન ફરામોશ નથી બનવું. ઉપકારની ચાદર હું જીવનભર ઓઢી રાખવા સંકલ્પબદ્ધ છું ! મારું લગ્ન તમારી ઇચ્છા અનુસાર થશે અને હું તથા મારી પત્ની મોટી બહેન દૂર્વાની આપને ખોટ નહીં સાલવા દઇએ. મોટીબેન, આજથી જીજાજીની જવાબદારી મારી. તું જ્યાં હો ત્યાં તારા આત્માને મારા શબ્દો ઠારે !’’ અને એ રાત્રે હું જીજાજી પાસે રોકાયો હતો. જીજાજી મારા ખોળામાં માથું મૂકી નાના બાળકની જેમ ઘસઘસાટ ઉંઘી ગયા હતા.
|