ધરતીનો ધબકાર
‘મહારાજ, હું તો પુણ્ય ખાતર રોટલા ખવરાઉં છું’
નવસારી માથેથી અંધકારનો ધૂમટો ધીરે ધીરે ખસતો હતો. ચંદરવામાં જડાયેલા તારલાઓનાં તેજ ઝાંખાં પડતાં હતાં. ઉજાસ ઉભરી રહ્યો હતો.
એવે ટાણે નવસારીની શેરીમાં એક ડોશી ભૂખથી તરફડતી હતી. અવસ્થાનો ઓટો વળોટી ગયેલી ડોશીની કાયા સુકાઇને છોડિયા જેવી થઇ ગઇ હતી.
ખંભે ઝોળી નાખીને વેપારીને આવતો ભાળી એક અજાણ્યા લાગતા જણે કહ્યું ઃ
‘‘શેઠ, આ ઝોળીમાં શું છે?’’
પ્રભાતના પહોરમાં પોતાને પડકારનાર માણસ સામે વેપારીની ગણત્રીબાજ નજર નોંધાણી. દીન વેશમાં હોવા છતાં પૂછનારનો ચહેરો ચળકાટ મારતો હતો.
પણ આ તો નવસારીનો વેપારી. એને કશી જ પડી નહોતી. નોંધેલી નજરે જ એણે વળતો જવાબ વાળ્યો ઃ
‘લોટ છે.’
‘ક્યાં લઇ જાઓ છો?’
‘કીડીયારું પૂરવા.’
વાતમાં બહુ ઊંડા ઊતરી રહેલા આ અજાણ્યા માણસની તોછડાઇ શેઠને ગમી નહીં.
‘શેઠ, એમાંથી થોડોક લોટ આ ડોશીને આપોને? પુણ્ય થશે.’
‘‘આ લોટ તો કીડીઓ માટે છે, સમજ્યો? આવ્યો મોટો પાપ-પુણ્યની વાતો કરવાવાળો?’’ ને શેઠ ચાલતા થયા.
કાળા કામળામાં ઢંકાયેલો માનવી બે વાંભ આગળ વધીને બરાડા પાડતી ડોશી તરફ આગળ વઘ્યો. ઉંમરના ભારથી ભાંગી પડેલી ડોશીને કહ્યું ઃ
‘માડી, મારું દાન લેશો?’
જવાબમાં ડોશીએ લાંબો હાથ કર્યો. તેના હાથમાં કામળાધારી માણસે એક સોનૈયો મૂક્યો. સોનૈયા ઉપર આંગળી ફેરવીને ડોશી બોલી ઃ
‘દીકરા, ભગવાન તને કરોડ વરસનો કરે. મને ધનની જરૂર નથી, ધાનની છે. લોટ મળે તો પડી પડી રોટલો શેકી ખાઉં?’
માણસ બજારમાં ગયો. ડોશી માટે લોટ જોખાવીને ડોશીને આપી ચાલતો થયો.
માણસનું મન નવસારી માથેથી ઊઠી ગયું. ગામ ઉપર જાણે કે નફરત પેદા થઇ ગઇ. એના ચિત્ત ઉપર ખિન્નતા છવાઇ ગઇ. એના મનમાં વિચારો ઘોળાતા જ રહ્યા. વેપારીએ પોતાની ઉડાવેલી હાંસી અને ડોશીના અંતરના અવાજો એના કાને અથડાતા રહ્યા.
એક હોડીમાં બેસીને આખો દિવસ એ દરિયામાં ધૂમ્યા જ કર્યો. સંઘ્યા પોતાના છેલ્લા રંગો પાથરીને પરહરી ગઇ હતી. રાતની રીંછડીયું આભના ઝરૂખે ઝળુંબી ગઇ ત્યારે નવસારીના કિનારે ઊતર્યો.
નવસારીની બજાર બંધ થઇ ગઇ હતી. અંધકારમાં ગારદ બનેલી નવસારીના પારસીવાડાને વીંધીને એ શાંત ડગલે આગળ વધી રહ્યો હતો. એની ખિન્નતા ખસી નહોતી, ઉરનો ઉદ્વેગ શમ્યો નહોતો. વહેલી સવારથી નીકળેલા માનવીએ આખો દિવસ દરિયાનો ખોળો ખૂંદ્યો હતો.
ત્યાં અચાનક એક પારસીના ઘર તરફ એની નજર પડી. ઘરના ઓટલા ઉપર એક ઝોળી પડી હતી. એ ઝોળીમાં તાજા જ ઘડાયેલા રોટલા ભરેલા હતા. પલકવારમાં તો પારસી ઘરધણી અડખેપડખે નજર ફેરવી, કોઇ પોતાને જોતું નથી તેની ચકાસણી કરીને ઝોળી ખભે ભેરવીને પારસીવાડાને વળોટી નવસારીની બહાર નીકળ્યો.
તે દિ’ નવસારીની જાહોજલાલી હતી. વેપાર ધીકતો હતો. રિદ્ધિસિદ્ધિની છોળો ઊડતી હતી. ગરીબ માણસો રોજી મેળવવા નવસારીના આંગણે આવતા હતા. રોટલો ને ઓટલો પામવા કારીગરો અને મજૂરોની કતારો નવસારીમાં ઠલવાતી હતી.
પારસીની ખાંધ ઉપરની ઝોળી વજનદાર હતી, એમાં પડેલા રોટલા અને લીલાં મરચાં ડોકાતાં હતાં.
ધર્મશાળામાં આડે પડખે થવાની તૈયારી કરતા દીનજનોને ઢંઢોળીને પારસી દબાતા અવાજે બોલ્યો ઃ
‘‘ઊઠો ભાઇ, રોટલા ખાઇ લ્યો.’’
પાંચ-સાત જણાની આંખો તગતગી. આવા ટાણે રોટલા ખવરાવનારની સામે નજર મંડાણી.
પારસીના મોં પર રૂડો મલકાટ પથરાણો, પછી ધીરેથી એ બોલ્યો ઃ
‘‘કાં ભાઇ, ભૂખ નથી લાગી?’’
‘‘તમે કોણ છો?’’
એક જણે સવાલ કર્યો.
‘‘તારો ભાઇ છું.’’
બોલીને એ જણ જરાક ઝૂક્યો. દસ-બાર રોટલા અને મરચાંનો દોથો મૂકીને બોલ્યો ઃ ‘‘લ્યો ઝટ કરો, પેટ ભરીને નિરાંતે ઊંઘો.’’
કશુંય બોલ્યા વગર પાંચ-સાત ભૂખ્યા માણસો અને બે-ત્રણ ટાબરિયા ઊના ઊના રોટલા ઉપર ત્રાપટ બોલાવવા માંડયા. ભૂખ્યા જનોને ખાતા જોઇ પારસી બાવાના મોં ઉપર અનેરો આનંદ પથરાઇ રહ્યો.
પારસીએ ઘરડાંનાં ફાટેલ-તૂટેલ ગોદડાં તાણ્યાં, માંદાઓના ખાટલા ફંફોળ્યા. બધાને મોઢે રોટલા મૂક્યા. અપંગોને મોઢે પાણી ટોતો જાય છે, ને ઉપરવાળાની સામે આંગળી ચીંધતો જાય છે. રોજના આ ક્રમથી ટેવાયેલો પારસી બાવો થાકતો નથી. જેમ જેમ ખાનાર મળે છે, તેમ તેમ તેના અંગમાં નવો ઉત્સાહ પ્રગટે છે. નવી ચેતના સળવળે છે.
લોભિયા વેપારીને મૂર્ખ ઘરાક મળ્યાનો જેટલો આનંદ ઉદ્ભવે એ કરતાં પણ અનેકગણો ઉજમ આ પારસીને પોતાની કાંધ પરનો ભાર હળવો થતાં પેદા થાય છે.
જોનાર માણસની આંખ ઠરી ગઇ. નવસારીના ચારેય છેડે આ માનવી ફરે છે. રાત પડે ને એની કાંધે બે મણ લોટના રોટલાં ચડે. છેક અધરાત ભાંગે છે ત્યારે એની કાંધેથી ભાર ઊતરે છે. વર્ષોનું આ તપ. દિવસો નહિ, મહિનાઓ નહિ, પણ એકધારા બબ્બે દાયકાની આ અવિરત આરાધનામાં ઓળઘોળ બનેલો પારસી બાવો નગરને છેડે આવેલા હરિજનવાસમાં પહોંચ્યો. એની હળવી અહાલેકે પીડિતો ઊભા થયા. એના પેટના ખાડા જાણે કે પારસી બાવાના રોટલાની વાટ જોતા હતા.
‘મોડું થયું બાપા ! માફી માગું છું. તમને ભૂખ્યા રાખ્યા.’
એક એક વેણ મધમાં ઝબોળાઇને નીતરે છે. જોનાર માણસનું મન નવસારીના નરવીરની પાસે ઢળી પડ્યું. માનવી ફોડ પાડતો નથી. પારસીનાં પનોતાં પગલાં ઉપર ડગલું મૂકતો પાછળ ધૂમ્યા કરે છે.
રાત ઠાંસોઠાંસ સોડ તાણીને ઘોરવા માંડી, માથે મધરાતનો વિંઝણો ઢળવા લાગ્યો, ત્યારે કાંધ ઉપરની ઝોળી ખાલી કરીને હળવો ફૂલ થઇ પારસીબાવો પારસીવાડામાં આવેલા પોતાના રેણાક મકાનમાં ચૂપચાપ દાખલ થઇ ગયો.
*
‘કોણ છે હાજર?’
ગુજરાતના નાથ સિદ્ધરાજે તંબુમાં હાક પાડી. શિર ઝુકાવીને એક સરદાર હાજર થયો કે તરત જ બીજું ફરમાન છૂટ્યું ઃ
‘પારસીવાડામાં જાતાં જમણા હાથ તરફના વિશાળ મકાનમાં રહેતા પારસીને તાબડતોબ હાજર કરો!’
રાજનું ફરમાન, જાણે કે કમાનમાંથી તીર છૂટ્યું. સરદાર તરફથી સૈનિકોને હુકમ થયો. અમલ માટે સૈનિકોએ નવસારીની ઊભી બજાર વીંધીને નિશાનવાળા મકાનની ડેલીને બારણે ટકોરા દીધા.
‘ગુર્જરપતિ સોલંકીની આજ્ઞા છે કે તમારે પહેરે કપડે અને ઊભે પગલે તેમની સામે હાજર થવું!’
સૈનિકોએ પારસીને આજ્ઞા આપી.
‘‘પણ કંઇ કારણ?’’
‘‘કારણ તો મહારાજ સોલંકી જાણે. અમારું કામ રાજઆજ્ઞા પહોંચાડવાનું, કારણ આપવાનું નહિ. મોઢાગળ થાઓ. એક પળનું મોડું કરવાનું પાલવે તેમ નથી.’’
ગુર્જરપતિ કોંકણને ગુજરાતના તાબામાં કરીને પાછો ફર્યો છે. સંજાણ, દમણ, વડસાડ, ગણદેવી, વાંસદા, ધરમપુર અને માંડવીના પરગણા ઉપર સોલંકીની અણનમ આણ ફેરવીને નવસારીની ધરા ઉપર તંબુ તાણીને પડ્યો છે. ત્રણ દિવસથી તે નવસારીની રૈયતનો આંક કાઢી રહ્યો છે. એમાં એકાએક પારસીબાવાને હાજર થવાનું ફરમાન થતાં, પડાવમાં ચણભણાટ વ્યાપી ગયો.
પારસી બાવાને હાજર કરવામાં આવ્યો. હાજર થયેલા પારસી ઉપર નજર માંડી સિદ્ધરાજે પૂછ્યું ઃ
‘‘શું નામ?’’
‘‘સોરાબજી શાપુરજી બંગાળી!’’
‘‘રાત્રે ક્યાં હતા?’’
‘‘જી, મહારાજ, મારા ઘરમાં જ હતો.’’
‘‘ખોટું બોલો નહીં.’’
‘‘ગામમાં જ હતો.’’
‘‘શું ધંધો કરો છો?’’
‘‘વેપાર કરું છું.’’
‘‘તમારી માનવતા માટે મને માન છે.’’
‘‘શેની માનવતા મહારાજ? હું કાંઇ સમજ્યો નહિં?’’
‘‘હું સમજ્યો છું.’’
‘‘હું કાંઇ જાણતો નથી, મહારાજ.’’
‘‘તમે રાત્રે ભૂખ્યાને રોટલા ખવડાવવા નીકળો છો તે મેં નજરોનજર જોયું છે.’’
‘‘તમે?’’
‘‘હા સોરાબજી, તમારામાં મેં પરમાત્માનાં દર્શન કર્યાં છે. શેઠ, રાજ તરફથી લાખ દામ તમને મળશે. તેમાંથી તમારું આ કાર્ય ચલાવજો.’’
‘‘તો મને કોઇ ફાયદો નહિ.’’
‘‘કેમ?’’
‘‘તેનું પુણ્ય રાજ્યને મળે, હું તો સ્વાર્થી છું મહારાજ ! મને પુણ્ય મળે એટલા ખાતર રોટલા ખવરાવું છું.’’
એટલો ઉત્તર આપીને પારસી બાવો વળી નીકળ્યો.
તણખો
ભગવાન શ્રીકૃષ્ણે કંસને સુધારવાનો પ્રયત્ન ન કર્યો, શિશુપાળ અને પૂતનાને પણ સુધારવા કોશિશ ન કરી.
‘‘બુંદસે બીગડી હોજસે નહિ સુધર શકતી.’’
|