home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

એક જ દે ચિનગારી

આજનો માણસ કદરદાની કરવામાં સાવ અઘૂરો છે

‘એની સાથે ચર્ચા કરવાનો કશો અર્થ જ નથી. એ કોઈ પણ સારી વાત સ્વીકારવા તૈયાર જ નહીં થાય’ એક માણસ વિશેની બીજા માણસની પ્રતિક્રિયા.

‘તમારી ભૂલ થતી લાગે છે. આ ભાઈનો સ્વભાવ ખૂબ જ સરસ છે. સારી વાત માટે તેઓ તરત જ તૈયાર થઇ જાય તેવા છે. તમે એમને સમજવાની તૈયારી દર્શાવો એટલે તમારા બની જતાં તેઓ ક્ષણનોય વિલંબ નહીં કરે’ પેલા માણસ વિશેની ત્રીજા માણસની પ્રતિક્રિયા.

‘તમારી વાત સાચી છે, તમે જ મને સમજી શક્યા છો. કોઈકને સમજવા માટે આપણું હૈયું પણ ભર્યું-ભર્યું હોવું જોઇએ’ કદરદાનીભૂખ્યો પહેલો માણસ તરત જ બોલી ઉઠે છે.

વાતચીત કે ચર્ચા દરમ્યાન ઘણા લોકો પોતાનો નકારાત્મક અભિપ્રાય આપવાનો અધિકાર ભોગવવા એટલા બધા આતુર હોય છે કે બીજાની વાત સાંભળવા તેઓ તૈયાર જ નથી હોતા. નકારાત્મક અભિપ્રાયનો પણ એક નશો હોય છે. માણસ વટ પાડવા ખાતર નકારાત્મક વિચારોનાં તીક્ષ્ણ બાણ છોડે છે પણ અંતે એ બાણ પાછાં પડી છોડનારને જ ઘાયલ કરતાં હોય છે. શબ્દોનો ઉપયોગ ચાબુકની જેમ કોઈકને ફટકારવા માટે નહીં પણ ચાનક ચઢાવવા માટે વાપરો ત્યારે એ ધાર્યું પરિણામ આપી શકે છે.

માણસોને કોઈની પાસે ‘કામ કરાવવા’ કરતાં ‘કામ કઢાવવામાં’ વઘુ રસ હોય છે. કામ કરાવવામાં પણ વિવેક દાખવી શકે, પણ કામ કઢાવવામાં તો નરી સ્વાર્થવૃત્તિ હોવાને કારણે વિવેકની ધરાર ઉપેક્ષા થવાની શક્યતા નકારી શકાતી નથી ! માણસને કામ કરવાની ફરજ પાડવી એ અત્યાચાર છે. એનામાં કામ કરવાની હોંશ પ્રગટાવવી એ શિષ્ટાચાર છે.

અમેરિકન તત્ત્વજ્ઞાની પ્રોફેસર જ્હોન ડેવીના મંતવ્ય મુજબ માણસના સ્વભાવની અતિ ઊંડી ઇચ્છા હોય છે પોતાની મહત્તા બતાવવાની. ડેલ કાર્નેગીએ પુખ્ત ઉંમરની વ્યક્તિની ઇચ્છાઓને આઠ પ્રકારમાં વહેંચી છે ઃ

૧. આરોગ્ય અને જીવનનું રક્ષણ

૨. ખોરાક

૩. ઊંઘ અને આરામ.

૪. પૈસા અને પૈસાથી ખરીદાતી વસ્તુઓ.

૫. મરણોત્તર નવા જીવન વિશેના ખ્યાલો.

૬. જાતીય વૃત્તિની તૃપ્તિ

૭. પોતાનાં સંતાનોનું હિત

૮. પોતાની મહત્તાની અનુભૂતિ અને સંતોષ. આ બધામાં માણસની તીવ્રતમ ઇચ્છા હોય તો તે મોટા દેખાવાની કે મોટાઈ બતાવવાની આકાંક્ષા છે.

માણસ સફળ થાય ત્યારે આપણે પ્રશંસાનાં પુષ્પો છુટ્ટા હાથે વેરીએ છીએ, પણ જો એ તેને સોંપેલા કામમાં નિષ્ફળ જાય તો એનો ઉધડો લેવામાં એક મિનિટનોય વિલંબ કરતા નથી ! એક માણસનો બીજા માણસ સાથેનો આવો ‘વેપારી’ દ્રષ્ટિકોણ ઠાવકાપણાનો અભાવ સૂચવે છે. કોઇકના પરાજય પ્રસંગે એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવો ક્રૂરતા છે. ભાવનાશાળી માણસ કામને મૂલવે છે, પરિણામને નહીં. બુઘ્ધિપ્રેરિત માણસ કામને બદલે પરિણામને નજર સમક્ષ રાખે છે. પરિણામે નવ્વાણું વાર સફળ નીવડેલો માણસ એક વાર પણ નિષ્ફળ નીવડે તો તેને ‘હીરો’માંથી ‘ઝીરો’ ગણી લેવાનો મોકો તેઓ ચૂક્તા નથી ! પડ્યા પર પાટુ મારવાને આ જગત માનવસિઘ્ધ અધિકાર માનીને ચાલે છે.

ડેલ કાર્નેગીએ રોકફેલરની સફળતાના સંદર્ભમાં ટાંક્યું છે તેમ રોકફેલરને માણસોના કામને પારખવાનું અને એમનાં સાચા વખાણ કરવાનું આવડતું હતું. એનો એક જીવંત દાખલો એમના પાર્ટનરની ભૂલને લગતો છે. રોકફેલરના ભાગીદાર એડવર્ડ ટી. બેડફોર્ડે એક સોદામાં ભૂલ કરી નાખી અને દક્ષિણ અમેરિકામાં એને લીધે કંપનીને લાખ્ખો ડોલરની ખોટ ગઈ. ત્યારે રોકફેલર ધારત તો બેડફોર્ડને એમની ભૂલ બદલ આકરો ઠપકો આપી શકત. પણ એમણે ઊંઘું વિચારવાને બદલે એવો દ્રષ્ટિકોણ અપનાવ્યો કે બેડફોર્ડે જે વિચાર્યું તે એમના વિચારે યોગ્ય હતું એટલે વાત એટલેથી જ પતી ગઈ. પણ રોકફેલર એટલેથી અટક્યા નહીં. એમણે એ શોધી કાઢ્‌યું કે બેડફોર્ડે જેટલી રકમ રોકી હતી, એના ૬૦ ટકા જેટલી રકમ તેઓ બચાવી શક્યા હતા. રોકફેલરે એ મુદ્દો પકડી બેડફોર્ડનાં વખાણ કરતાં કહ્યું ઃ ‘કેટલું સુંદર ! આપણે ઉત્તર અમેરિકામાં ય આટલો સારો દેખાવ નથી કરી શક્તા.’

જંિદગીમાં આપણે સુખી થવા ઇચ્છીએ છીએ પણ બીજાને સુખી રાખવાની પણ આપણી જવાબદારી છે, એ વાત આપણે યાદ રાખતા નથી ! એટલે શિષ્યથી ચૂક થાય તો શિક્ષક એની ઝાટકણી કાઢે છે અને શિક્ષકની ભૂલ બદલ એને ‘મેમો’ ફટકારવાનું આચાર્ય ચૂક્તા નથી ! પતિ પત્ની અને બાળકોને ધમકાવવાનો પોતાનો અબાધિત અધિકાર માને છે અને પત્ની પતિની પોલ જડે તો તેની બોલતી બંધ કરવામાં પાછી પાની કરતી નથી ! શેઠ નોકરની ભૂલોની યાદી તૈયાર રાખી તેને ખખડાવવાની તક જતી કરતા નથી. આવું લગભગ જીવનના નાનાં-મોટાં દરેક ક્ષેત્રમાં બનતું હોય છે.

માન-સન્માન અને મહત્ત્વની ભૂખ મનુષ્યમાત્રને નહીં, પ્રાણીમાત્રને હોય છે. કૂતરો પણ પોતાના તરફ રોટલો ફેંકવામાં આવે તો ભૂખવશ ખાશે ખરો પણ પ્રસન્નતા સૂચક પૂંછડી તો નહીં જ પટપટાવે. માણસ ભોજન વગર ચલાવી શકે પણ પ્રશંસા અને કદરદાની વગર ચલાવી શક્તા નથી !

આપણે ઘેર આવેલા મહેમાનને દરરોજ છપ્પન ભોગ જમાડીએ, પણ એમની સાથે વાતચીત ન કરીએ કે નાનાં મોટાં કારણસર તેમની પ્રશંસા ન કરીએ અને એમની વિદાય વેળાએ ‘આવજો’નું સૌજન્ય ચૂકી જઈએ, તો મહેમાનના હૈયામાં એક પ્રકારનો અસંતોષ રહી જાય છે.

આજનો માણસ ઠપકો આપવામાં શૂરો અને કદરદાની કરવામાં સાવ અઘૂરો અને ઊણો છે. માણસના સ્વભાવ અને મહત્તાની માવજત કરવી એ પણ માનવજાતની બહુ મોટી સેવા છે. કારણ કે માણસનું મન અને હૃદય ઠરશે તો એનું વર્તન ઉદાત્ત બનશે. એના પરિતુષ્ટ મનની અસર એના પારિવારિક અને કર્મક્ષેત્રની એની વર્તણુંક પર પડશે. પરિણામે તે ઉમંગ અને આનંદથી સોંપેલા કાર્યને દીપાવવાની કોશિશ કરશે.

મોટાં માણસનાં વખાણ તો સહુ કરે, નાનાંનેય સાચા દિલથી વખાણી શકે એનું નામ સંસ્કારી વ્યક્તિ. બીજાને મોટો માનવા માટે પણ હંિમત જોઇએ. કાયર માણસો નથી જાતને ચાહી શક્તા કે નથી જગતને. ઇમરસનના આ શબ્દો ગાંઠે બાંધી રાખવા જેવા છે ઃ ‘હું જે કોઈ માણસને મળું છું એ મારો ઉપરી છે અથવા મારા કરતાં કાંઈક દરજ્જે ઊંચો છે એવું હું માનું છું. અને એટલે જ એની પાસેથી મારે કશું શીખવાનું હોય છે !’

કદરદાનીને હોઠના બદલે હૈયાનો વિષય બનાવીએ તો જ આપણે સાચા કદરદાન ઠરી શકીએ. હોઠેથી સરતા શબ્દો ખુશામત હોઈ શકે, હૈયેથી આવતા શબ્દો જ પ્રામાણિક પ્રશંસાની પ્રતીતિ કરાવવામાં કામયાબ નીવડતા હોય છે !

ઘર એ ઠરવાનું ઠેકાણું છે. પરંતુ ઘરનાં લોકો ઘણી વાર એવી દલીલ કરતાં હોય છે કે ઘરનાં માણસોનાં તે વળી વખાણની શી જરૂર ? આ ખ્યાલ મૂળભૂત રીતે ખોટો છે. તમે જગતના લોકોનાં વખાણ કરવા દોડી જાઓ અને તમારી સાથે જીવતાં માણસોને વખાણવંચિત રાખી એમની લાગણીની ધરાર ઉપેક્ષા કરો તો એ પણ એક સામાજિક અપરાધ છે. સ્વજનોને તમારા હૈયાના ઉમળકાથી ભીંજવી તો જુઓ. એમને પ્રશંસાની વર્ષાથી ભીંજવી તો જુઓ ! ડુંગરો એ આખરે ડુંગરો છે અને ઉંબરો એ ઉંબરો. ઉંબરાને ‘અપૂજ’ રાખીને ‘ડુંગરા’ પૂજનારને કદાચ કોઈ ક્ષણિક લાભ મળી જાય પણ ઉંબરો તો તમારો અડધી રાતનો હોકારો છે. તમારા સુખ-દુઃખનો સદાનો સાથી ! સ્વજનોને આત્મીય પ્રશંસાનાં અમી ચખાડવાં અને કદરદાનીનું અત્તર છાંટી મઘમઘતાં રાખવાં એ પણ એક સામાજિક પુણ્યકાર્ય છે - હાથવગું. માણસના સ્વાભિમાન અને સ્વમાનનું ઉપપચારકેન્દ્ર એટલે જ એનું પોતાનું ઘર. જન ઠરશે તો જ જગ ઠરશે.

Copyright   © Gujarat Samachar