જાણે તે માણે
સંસદમણિનો સ્પર્શ
પારસમણિ તો કલ્પનાની ઉપજ છે, પાર્લામેન્ટ નઠારી વાસ્તવિકતાની. ગુજરાતના તાલુકા કક્ષાના એક નેતાને લોટરી લાગી. સંસદસભ્ય તરીકે શપથ લીધા નથી ને એમની જીવનશૈલી એકસટ્રા મટીને ઐશ્વર્યા બની ગઈ. કાંદા-કાકડીના કચુંબર પર કાળા મરીનો ભૂકો ભભરાવાના જેમને વાંધા હતા તેમને કેસર છીડકવાનો વખત આવ્યો. પૂર્વાશ્રમમાં ચણા-મમરા ફાંકતા હતા એમણે માજી સંસદસભ્ય બન્યા પછી બદામ-પિસ્તા સિવાય કોઈ આચર-કુચર માટે નો એન્ટ્રી જાહેર કરી હતી! સાંસદ તરીકેની પાંચ વર્ષની મુદત દરમિયાન જે શ્રીમુખમાંથી માંડ ૨૫૦ વાક્યો સંસદના રેકર્ડ પર ચડ્યાં હોય એનું ધોરણ તો જાળવવું પડેને! એક વાર જે જીવનશૈલી ફાવી ગઈ એને ફારગતી આપવી આપણી સંસ્કૃતિમાં નથી.
દેશના ૩૦ ટકા લોકો સરકાર માન્ય ગરીબીની રેખા નીચે જીવે છે. લોકસભામાં એમનું પ્રતિનિધિત્વ કરતા ૮૪ ટકા નેતાઓ કરોડપતિ છે! તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ શ્રી ડી.કે. આદિકેશવુલુ સૌથી શ્રીમંત - રૂા. ૬૭ કરોડના સ્વામી છે. એમની પારદર્શિતાને દાદ દો. બાકી ૫૩ સાંસદોએ તો એમની જ્ઞાત સંપત્તિ વિમલ રૂા. ૧૦ લાખ હોવાનો દાવો કર્યો હતો. બધા દલા તરવાડી હોય એ જરૂરી નથી.
છેલ્લે ૨૦૦૪માં મહા પરાણે જાહેર કરવામાં આવેલા સરકારી (રીપીટ સરકારી) આંકડા અનુસાર ૨૫ કેન્દ્રીય પ્રધાનો કરોડપતિ હતા. કુલ ૭૭ નંગોથી મંડિત પ્રધાનમંડળમાં ૫૨ મહાનુભાવોએ લાખોપતિ હોવાની માનહાનિ સ્વીકારી હતી! સાંસદ બન્યા હય તો સાદગી બતાવવી પડતી છે. સંપત્તિનું અશ્વ્લીલ પ્રદર્શન સાંસદોને શોભે નહીં. એક સ્વનામી ઊંદર પણ ચૂપકે-ચૂપકે, ફૂંકી ફૂંકીને જલસા કરે છે. વળી બેનામી સંપત્તિ અને/અથવા બીબી બાંગ્લાદેશના પગરીક્ષાવાળાય રાખે છે. આપણા માનનીય સાંસદોનું જીવનધોરણ એમના કરતાં ઊંચું જ હોવાનું. કાયદામાં ઈરાદાપૂર્વક રાખવામાં આવેલી છટકબારીનો ઉપયોગ ખુદ એના ઘડવૈયા ન કરે તો શું મોંઘવારીના મોરચે તૂટતા લડવૈયા કરશે?
એકંદરે ૧૪૫ સાંસદોએ એક કરોડની સંપત્તિ હોવાની કબૂલાત કરી છે એટલે એટલું આશ્વાસન અવશ્ય લઈ શકાય કે દેશમાં નફ્ફટાઈ હજુ મરી પરવારી નથી. જોકે બીજા ૩૦૧ સાંસદોની જ્ઞાત સ્થાવર-જંગમ મિલકત રૂા. ૧૦ થી રૂા. ૯૯ લાખની વચ્ચે હોવાનું બહાર આવ્યું હતું. એટલે એટલો અફસોસ વ્યક્ત કરી શકાય કે પ્રજાના પ્રતિનિધિઓની ગાફેલિયત હજુ જીવે છે. જેવાં પ્રજાનાં નસીબ.
સાંસદોના નસીબમાં સેવા કરવાનું લખ્યું છે. મેવા મિથ્યા નથી મળતા. મફત મળે છે. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિ પણ મફતમાં નથી થવાતું. એના માટે પાપડ વણવા પડે છે. તબ જાકે નગદ નારાયણ ગણવાનું કષ્ટ ઉઠાવવું પડે છે. આપણા સાંસદોને વેઠવું પડતું આ મહાકષ્ટ આપણને સૌને મળે એવી પ્રાર્થના. પારસમણિના સ્પર્શથી લોઢું સોનું બને છે. સાંસદમણિનો ટચ થતાં જ સામાન્ય સમસ્યા પ્રાણપ્રશ્ન બને છે.
|