ટોકંિગ પોઈન્ટ
હિલેરી ક્લિન્ટન, અડવાણી, મમતા બેનરજી રડનારાની યાદીમાંના લેટેસ્ટ કિસ્સા પોતાને ‘મર્દ’ ગણતા ટોચના લોકો અને રાજકારણીઓ રડી કેમ પડે છે ??
* અમેરિકાના પ્રમુખપદની રેસમાં હિલેરી ક્લિન્ટન માટે ટફ ફાઈટ છે, એક પ્રાંતમાં પોતાની ફેવર કરવાની રજૂઆત વખતે તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. તેમની આંખોમાં આંસુ આખા અમેરિકાએ જોયા હતા...
* આમીરખાનની ફિલ્મ તારે જમીન પર જોતાં જોતાં ભાજપે નક્કી કરેલા ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી રડી પડ્યા હતા.
* પક્ષ જ મહાન છે, પક્ષ મારી માતા સમાન છે એમ બોલતાં-બોલતાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ રડી પડ્યા હતા... ડૂમો ભરાઈ આવ્યો હતો.
* નંદીગ્રામમાં સીપીઆઈ(એમ)ના કાર્યકરોએ ગામ ખાલી કરવા કરેલા દમનને જોઈને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી ઘૂ્રસકે-ઘૂ્રસકે રડી પડ્યા હતા...
* ઈરાકમાં ફરજ બજાવતા મૃત્યુ પામેલા અમેરિકી સૈનિકોની વિધવાઓના સંમેલનમાં અમેરિકાના પ્રમુખ બુશની આંખમાં ઝળઝળિયા આવી ગયા હતા...
* મોનિકા લેવન્સકી કેસમાં અમેરિકાના તે સમયના પ્રમુખ બીલ ક્લિન્ટને રડતાં રડતાં સૌને સોરી કહ્યું હતું...
સુપ્રસિદ્ધ બ્રહ્મલીન કથાકાર પૂ. ડોંગરે મહારાજ જ્યારે મારા... લાલાને ઉંઘના આવે; ભૂખના લાગે એમ બોલતાં બોલતાં રડી પડતા હતા ત્યારે આખો શ્રોતાગણ રડતો હતો. પૂ. મોરારીબાપુ પણ કથામાં દિકરીને વળાવવાની વાત આવે કે કોઈ કરૂણ પ્રસંગ આવે ત્યારે ડૂસકે ચઢી જાય છે. આ સમયે તેમની સામે બેઠેલા ભાવિકોની આંખો પણ ભીની થઈ જાય છે. ટીવી પર તેમને સાંભળનારા પણ રડી પડે છે. કથાકારોમાં લોકોને શ્રદ્ધા હોય છે. સામે બેઠેલો એક લાખનો શ્રોતાગણ કથાકારની સાથે રડવા લાગે એ જ બતાવી આપે છે કે કથાકાર અને શ્રોતાગણ એકબીજા સાથે વણાઈ ગયો હોય છે. કથા દરમ્યાન આ બંનેની વચ્ચે આત્મીયતાનો એક બ્રીજ ઊભો થયો હોય છે. મેં એકવાર મોરારીબાપુને પૂછ્યું હતું કે તમે વારંવાર કથા કરો છો; છતાં ચોક્કસ પ્રસંગોએ આંખમાં આંસુ કેમ આવી જાય છે ?!... બાપુએ કહ્યું હતું કે, તમે કથાને સંખ્યાની દ્રષ્ટિએ ગણો છો પણ મારી કથા હરહંમેશ ફ્રેશ હોય છે, તે રૂટીન નથી હોતી. આંસુ લાવવા નથી પડતા આવી જાય છે; ટપકી પડે છે. એ મારા અંદરના ભાવની સાથે સંકળાયેલા છે.
કથાકારોમાં આંસુ આવે એ સમજ્યા પણ જ્યારે કોઈ રાજકારણીના આંખોમાં આસું આવે, તેમને ગળે ડૂમો ભરાય ત્યારે સૌને આશ્ચર્ય થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કથાકારની આંખમાં આંસુ આવે તો એક લાખનું શ્રોતાગણ પણ રડી પડે પરંતુ રાજકારણીની આંખમાં આંસુ જોઈને સામે બેઠેલા શ્રોતાગણ થોડો ગમગીન બને છે પણ રડતો નથી. નરેન્દ્ર મોદીએ જ્યારે પક્ષથી ઉપર કોઈ ના હોઈ શકે એમ કહ્યું ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા અને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. શ્રોતાગણોમાં ચૂંટાયેલા વિધાનસભ્યો હતા. થોડી સૅકન્ડ ગમગીની છવાઈ પછી શ્રોતાગણે ભારત માતાકી જયના નારા લગાવી હોલની ગમગીની પણ દૂર કરી દીધી હતી. મોદી પણ સ્વસ્થ થઈ ગયા હતા.
ગોળી મારી દો; ફાંસીએ લટકાવી દો; ખબર પાડી દઈશ અને નહીં છોડું એવું બોલનારાની આંખમાં આંસુ આખા દેશે જોયા હતા. વિરોધીઓની નજરે ભલે આ નાટક હોય પણ લાગણી એવી વસ્તુ છે કે જે આંસુ બનીને બહાર આવે છે.
રડતા રાજકારણીનો લેટેસ્ટ કેસ હિલેરી ક્લિન્ટનનો છે. પોતાને ફેવર કરવી જોઈએ એવી રજૂઆત કરતાં-કરતાં તેઓ ન્યુ હેમીસ્ફાયર ખાતે રડમસ બની ગયા હતા, તેમનો અવાજ દબાઈ ગયો હતો. આખા અમેરિકાએ તેમને રડતા જોયા હતા.હેમીસ્ફાયરના લોકોએ તેમની જોરદાર ફેવર કરી હતી. અમેરિકાના અડધો-અડધ અખબારોએ કહ્યું હતું કે સ્ત્રીનું છેલ્લું શસ્ત્ર આંસુ છે, જેનો ઉપયોગ કરીને હિલેરી ક્લીન્ટને જોરદાર ફેવર મેળવી લીધી છે. જોકે લોકો હિલેરીને રડતા જોઈ શક્યા નહીં અને તેમની તરફેણ કરી હતી.
રાજકારણી રડી પડ્યા હોય એવી યાદીમાં તાજેતરમાં થયેલો ઉમેરો લાલકૃષ્ણ અડવાણીનો છે. આમીર ખાનની ફિલ્મ તારે જમીન પર જોઈને અડવાણી ઘૂ્રસકે-ઘૂ્રસકે રડી પડ્યા હતા. રાજકારણમાં આખી જીંદગી પસાર કરનાર અને નિષ્ફળતાના અનેક ઘા સહન કરનાર અડવાણી રડી પડે અને તે પણ એક ફિલ્મ જોઈને, ??... આશ્ચર્ય લાગે એવી આ વાત હકીકત હતી. અડવાણી રડ્યા એ ફ્રંટ-પેજ ન્યુઝ બની ગયા હતા. અડવાણી રડે એનો અર્થ એ થયો કે આ માણસનું ઈમોશન સેન્ટર હજુ જીવીત છે. તેમનામાં રહેલો ભાવ પ્રદેશ હજુ સક્રિય છે. ફિલ્મમાં આવતા દ્રશ્યો જોઈને રડવું એ બતાવી આપે છે કે આવા ટોપના રાજકારણીઓ દિલના ઉદાર હોય છે.
મહાન તત્ત્વચંિતક ગુર્જએફ અને ઓશો રજનીશના તત્ત્વજ્ઞાનને મેળવીને પોતાની આગવી રજૂઆત સાથે ભાવિકોને સમજાવતા જુનાગઢ-ઘેડ પંથકના સ્વામી બ્રહ્મવેદાંતજી વારંવાર કહે છે કે વ્યક્તિના ઈમોશન સેન્ટર પર ગ્રંથિઓ બાજેલી છે. આ ગ્રંથિઓ દૂર થતાં જ તે બાળકની જેમ હસે છે અને બાળકની જેમ રડી પડે છે.
જો કે રાજકારણી હસે છે પણ તેમાં ક્યારેય નિર્દોષ કે સરળ ભાવના દર્શન નથી થતા. તેનું હાસ્ય ખંઘુ હોય છે; અને તે લોકોને રડાવે છે પરંતુ તેને રડતો જોવો એ લ્હાવો હોય છે.
પ્રજાની નજરમાં ખંઘુ હસતો રાજકારણી વિશ્વાસ ઊભો કરી શકતો નથી. તેથી જ જ્યારે આ માણસની આંખમાંથી આંસુ ટપકે છે ત્યારે પ્રજા તેને મગરના આંસુ કહે છે. આ માણસ જે કંઈ કરે છે તે સ્વાર્થપ્રેરિત અને પોતાને લાભ કરે તેવું હોય છે. પરંતુ જ્યારે તે સાહજીક રડી પડે છે; ત્યારે તેનામાં રહેલી સત્ય ભાવના બહાર આવે છે. હાસ્ય કદાચ ઓન ધ સ્પોટ બંધ થઈ શકે છે પણ રડવા ચઢેલો કે ઘૂ્રસકે ચઢેલો માણસ ઓન ધ સ્પોટ રડવાનું બંધ કરી શકતો નથી.
ઘણાં નેતાઓની શ્રદ્ધાંજલી સભાઓમાં માઈક પર શ્રદ્ધાંજલી આપનાર ઘૂ્રસકે-ઘૂ્રસકે રડી પડે છે. મૃત્યુ પામનારની યાદમાં કોઈ રડે એ સમજી શકાય છે પરંતુ બદનામીનો જવાબ આપતાં; પોતાની અંગત માન્યતાઓની ટીકા થવાના પ્રસંગે, પોતાને ચોર કહેનાર; પોતાના દેશના લોકોના મોતથી અને કરૂણ દ્રશ્યો જોઈને કોઈ વ્રજ છાતીવાળા રાજકારણીઓ રડે છે ત્યારે સમગ્ર વાતાવરણ ગમગીન બની જાય છે.
ઈરાકમાં શાંતિ સ્થાપવા ગયેલા અમેરિકી સૈનિકોને અંજલિ આપવાની સભામાં અમેરિકાના પ્રમુખ બુશ પણ રડી પડ્યા હતા. પોતાના સૌનિકો બીજા દેશમાં રહેંસાઈ જાય એ કોને ગમે ? બુશ રડ્યા ત્યારે સભામાં બુશનો વિરોધ કરવા આવેલા પણ બેનરખોળામાં રાખીને પડી પડ્યા હતા.
તત્ત્વજ્ઞાન તો એમ પણ કહે છે કે મુક્તપણે હસી શકે છે તે ઘૂ્રસકે-ઘૂ્રસકે રડી પણ શકે છે. એટલે કે હસવું અને રડવું બંને લાગણીના એક જ તંતુઓ સાથે જોડાયેલા છે. જે માણસ ખંધો હોય; લુચ્ચું હસતો હોય એ ભાગ્યે જ રડી શકે છે. જો કે આનો અર્થ એવો નથી કે નહીં રડી શકનાર લુચ્ચા હોય છે. પરંતુ એમ કહી શકાય કે તેના લાગણીના સૂત્રો મરી પરવાર્યા છે.
વાસ્તવિક જીંદગી અને તત્ત્વજ્ઞાનની થીયરીને બહુ લાગતું વળગતું નથી કેમ કે દરેક વખતે આ થીયરી સાચી પડતી લાગતી નથી. કરૂણ ઘટનાઓ વખતે ટોચના નેતાઓ ગમગીન ચોક્કસ દેખાય છે, તેઓ સમયને જાણે છે અને સાથે..સાથે સામે ટીવી કેમેરા છે તેનો અર્થ પણ સમજે છે. આ થોડી આડે પાટે ચઢેલી વાત છે. આપણે ટોચના લોકો રડી કેમ પડે છે તે ટ્રેક પર પાછા આવીએ તો તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે જે લોકો રાજકારણીઓ છે તેમને ઈમોશન્સ (લાગણીઓ) સાથે કોઈ સંબંધ નથી. આમ શરીરના ઈમોશન સેન્ટર સાથે તેમના વિચારોનું કોઈ જોડાણ નથી હોતું. આમ તેમનું ઈમોશન સેન્ટર અતૃપ્ત રહે છે. રાજકારણી ખુલ્લા હૃદયથી હસી પણ નથી શકતો કે રડી પણ નથી શકતો.
આ રાજકારણી જ્યારે કોઈ અંગત લાગણીઓના મુદ્દે સંઘર્ષ અનુભવે છે ત્યારે તેના અતૃપ્ત ઈમોશન સેન્ટર ઝણઝણાટી અનુભવે છે. જેની અસર આંખમાં આંસુ સાથે વર્તાય છે. ઈન્ટર્ન મોનીકા લેવન્સકી સાથેના લફરાંભર્યા સંબંધોના કારણે અમેરિકાના પ્રમુખ બીલ ક્લિન્ટન બદનામ થયા હતા. તેમની સામે ઈમ્પીચમેન્ટની દરખાસ્ત આવી ત્યારે જવાબ આપતાં આપતાં તેઓ ઘૂ્રસકે-ઘૂ્રસકે રડી પડ્યા હતા. અને આઈ એમ સોરી, ઈટ વોઝ માય મીસ્ટેક એમ કહ્યું હતું.
ભારતના ક્રિકેટ કેપ્ટન કપિલદેવ પર જ્યારે મેચ ફીકસીંગનો આક્ષેપ થયો ત્યારે બીબીસીના એક ઈન્ટરવ્યૂમાં તે પણ ઘૂ્રસકે-ઘૂ્રસકે રડ્યો હતો. રડતાં-રડતાં તેણે કહ્યું હતું કે મારી સામે લાવો આક્ષેપ કરનારને; હું તેને જાપટ મારીશ !!
જાહેર જીવનમાં પડેલાઓને રડતા જોવા એ પણ એક લ્હાવો છે. આ લોકો હરખ, શોક, અંગત લાઈફ વગેરે બંધ બારણે યોજવાનો આગ્રહ રાખે છે. અંગત લાઈફ બંધ બારણે હોય એ તો સમજ્યા પણ હરખને આ લોકો એટલા માટે છુપો રાખે છે કે તેમને શું ગમે છે તેની કોઈને ખબર ન પડે !! શોકમાં પણ આવું જ સમીકરણ કામ કરે છે. તેમ છતાં જ્યારે તેઓ આવેશમાં આવી જાય છે, અને કંટ્રોલ નથી રાખી શકતા ત્યારે ભાવુક બની જાય છે.
ત્રાસવાદમાં હજારો નિર્દોષો મરી ગયા, પણ તમે એકેય રાજકારણીને ઘટના સ્થળે રડતો જોયો ?! ત્રાસવાદીઓના દાંત ખાટા કરી નાખવા અંગેનું એકાદ તેજાબી નિવેદન તે આપશે પણ રડી નહીં શકે !! જાહેરમાં રાજકારણી એટલા માટે નહીં રડે કે તે નબળો છે એમ બતાવવા નથી માગતો. ભૂતપૂર્વ નેતાઓની સમાધિ પર દર વર્ષે જઈને ફૂલ અર્પે છે પણ ત્યાં ઊભા રહીને ડૂસકાં ભરતો નેતા નજરે નહીં પડે. અમદાવાદમાં દિવાસાના દિવસે સ્મશાનમાં જઈને ચોક્કસ કોમના લોકો તેમના પૂર્વજોને યાદ કરીને ચોધાર આંસુએ રડે છે, એ પ્રણાલીકા જોનાર પણ રડી પડે એવી હોય છે.
દિલ્હીમાંના શીખ વિરોધી હુલ્લડો અંગેનો નાણાવટી પંચનો અહેવાલ લોકસભામાં રજૂ કરતી વખતે અને તે અંગે પગલાં લેવાની ચર્ચા વખતે વડાપ્રધાન મનમોહનસંિહ પણ સોરી કહીને રડમસ બની ગયા હતા. તેમણે સાચા દિલથી સોરી કહ્યું હતું. લાગણીસભરના આ ‘સોરી’એ લોકોના દિલ જીતી લીધા હતા.
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં જ્યારે સીપીઆઈ(એમ)ના કાર્યકરો સાથે આવેલા ગુંડાઓએ ગામડાને ઘેરીને જ્યારે મારામારી શરૂ કરી ત્યારે તેમને બચાવવા કોઈ નહોતું આવ્યું. સતત બે દિવસ ગામવાળાઓને માર્યા બાદ ધીરે-ધીરે તેની વિગતો બહાર આવી ત્યારે સ્થળની મુલાકાતે ગયેલા મમતા બેનરજી પોક મૂકીને રડી પડ્યા હતા. નિર્દોષ ગ્રામજનોની કરૂણ દશા જોઈને મમતાએ મુખ્યપ્રધાન બુઘ્ધદેવ ભટ્ટાચાર્યના નામના છાજીયા લીધા હતા.
સામાન્ય જનતા નાની-નાની વાતમાં રડી પડે એ સમજી શકાય એમ છે પરંતુ ‘છપ્પનની છાતી’ની વાતો વાતો કરતો રાજકારણી જ્યારે રડે ત્યારે બધાને આશ્ચર્ય થાય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન માયાવતીની કામ કરવાની સ્ટાઈલ ‘મર્દ’ અને ‘મદ’ ભરેલી છે. ભલભલાને હંફાવનાર માયાવતી કોઈ પ્રસંગે રડી પડે તો લોકોને એમ લાગે કે તેઓ કોઈ અજાયબી જોઈ રહ્યા છે.. બોલવામાં તડ-ફડ કરનારી અને રાજકારણના બધા પાઠ ભણેલી માયાવતી તો પક્ષના પ્રમુખ અને પોતાના ગુરૂ એવા કાંશીરામ મૃત્યુ પામ્યા તો પણ નહોતા રડ્યા !!
વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે બધાને હતું કે સોનિયા ગાંધી રડશે, અને જો તે રડે તો તેનો રાજકીય લાભ ઉઠાવવા કોંગ્રેસે પ્લાન રચ્યો હતો. પરંતુ સોનિયા ગાંધી ના રડ્યા. તમિળનાડુમાં એમ. જી. રામચંદ્રન મૃત્યુ પામ્યા ત્યારે સ્મશાનયાત્રામાં રથ ઉપર જયલલિથા આંસુ સારતા ઊભા હતા. તેમને રાજકીય લાભ મળતો જોઈને એમજીઆરના કુટુંબીજનોએ તેમને ધક્કો મારીને નીચે ઉતારી દેતા હતા. એન. ટી. રામારાવ મૃત્યુ પામ્યા ત્યારે સ્મશાનયાત્રામાં લોકો ડૂસકા ખાતા-ખાતા બેભાન થઈ ગયા હતા.
ભારતના રાજકારણમાં ઈંદિરા ગાંધી એક એવા વડાપ્રધાન હતા કે તેમની કેબીનમાંથી બહાર નીકળતો પ્રધાન આંસુ લૂછતો-લૂછતો નીકળતો હતો. ઇંદિરાજી ભ્રષ્ટ પ્રધાનોને એટલું ખખડાવતા કે બિચારો રડી પડતો હતો !!
આ નેતાઓના રડવાના કારણો અલગ-અલગ હતા. બીલ કિલન્ટન સોરી કહેતાં રડ્યાં હતાં, તો મમતા બેનરજી પ્રજાજનો પર અત્યાચારના મામલે રડી પડ્યા હતા.
બીલ ક્લિન્ટન રડે, અમેરિકાના પ્રમુખ બુશ રડે, નરેન્દ્ર મોદી રડે, કપિલ દેવ રડે, લાલકૃષ્ણ અડવાણી રડે, વડાપ્રધાન મનમોહનસંિહ રડે ત્યારે એમ થાય કે આ લોકો ભલે સર્વોચ્ચ સ્થાને બેઠા હોય અને કઠણ હૃદયના હોય તેમજ ખુબ આકરા નિર્ણયો લેતા હોય પણ તે લોકો આખરે તો ભાવપ્રદેશ-લાગણી પ્રદેશથી છલકાતા માણસો જ છે !!
|