home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ભીતર ધૂઘવે સાત સમંદર

શાશ્વતે ફાઇલ પર નજર દોડાવી. દુબઈ, લંડન, કેનેડા, ઇટાલી, ન્યુઝીલેન્ડ જેવા દેશોની ઑફિસોના એડ્રેસ- ફોન નંબર્સ કસ્ટમર્સની યાદીમાં સામેલ હતાં. ભારતમાં કલકત્તા, દાર્જિલિંગ, સિક્કીમ, દિલ્હી, આંદામાન- નિકોબારની ઑફિસોના એડ્રેસ- ફોન નંબર્સ હતાં. પાકિસ્તાનમાં કરાંચી, લાહોર, ઇસ્લામાબાદનાં નામ- સરનામાં- ફોન નંબર્સ હતાં

(૬)

શાશ્વત મિસ તિતિક્ષાની ચેમ્બર આગળ આવ્યો.

પ્યૂને કહ્યું, ‘લાલ લાઇટ જલતી હૈ તો કિસી કો અંદર જાના મના હૈ. અભી મેમસા’બ કે ભાઈજાન ચોપ્રાસા’બ ચલે ગયે, ગ્રીન લાઇટ હો ગઈ. જાઇયે...’

‘લાલ લાઇટ ચેમ્બરની બહાર જલતી હોય ત્યારે અહીં જ નહીં, કોઈ પણ ઑફિસમાં અંદર જવું નહીં.’ શાશ્વત બબડ્યો, ‘મુંબઈની આ પ્રથા તો જાણવા મળી. મારા જેવા ‘ટાઉન’ના માણસને ‘ગ્લોબલાઇઝેશન’ તરફ ઝડપથી ધસતા મુંબઈ જેવા મેગાસિટીમાં આંખો અને મન ખુલ્લાં રાખવાથી રોજ એકાદ નવો અનુભવ થશે. મુંબઈમાં ‘સેટ’ થવા આવેલા મારા જેવા માણસ માટે મહાનગરોની રીત- રસમો- પ્રણાલિકાઓ જાણવી ખૂબ જરૂરી છે.’

‘ક્યા સોચતે હો ? જાઇયે,’ પ્યૂનનો સત્તાવાહી અવાજ સંભળાયો.

શાશ્વતને લાગ્યું, બૉસના ‘રાઇટ હૅન્ડ’ બની ગયેલા પ્યૂનોનો રોફ બૉસ કરતાં ય વઘુ હોય છે - જાણે બીજા બૉસ ! બૉસના ય બૉસ !

શાશ્વતે ચેમ્બરનો દરવાજો ખોલી અંદર પ્રવેશતાં પહેલાં પરમિશન માંગી, ‘May I Come in ?

Yes, Come in. ’ મિસ તિતિક્ષાએ ‘ટેડી’ના મોઢામાં બિસ્કુટ મૂકતાં કહ્યું.

શાશ્વત અંદર પ્રવેશ્યો -

‘બેસો.’

શાશ્વત ખુરશી પર બેઠો.

‘ગામના હોવા છતાં પરમિશન લઈને અંદર આવવું, કહેવામાં ન આવે ત્યાં સુધી બેસવું નહીં એ એટિકેટનું ભાન છે એ જાણી આનંદ થયો.’

‘ગામના માણસો આઘુનિક પ્રણાલિકાઓ- ફેશનોથી અણજાણ હોય એ શક્ય હોય છે, પણ ગામ- ગામડાંના માણસો ભોટ હોતા નથી.’ શાશ્વતનું ખમીર જાગૃત થઈ ગયું.

‘તમને ગામડાના હોવાનું ગૌરવ છે ?’

‘જરૂર. મને ગામડાનો હોવાની શરમ નથી. ક્યાં જન્મવું એ માણસના હાથની વાત નથી, પણ જન્મીને કેમ વર્તવું એ માણસના હાથની વાત જરૂર છે. કર્મો માણસ જાત માટે ગૌરવની યા શરમની વાત છે. ‘મહાભારત’માં દ્રૌપદી કર્ણને ‘સૂત્રપુત્ર’ કહે છે ત્યારે કર્ણે આત્મગૌરવથી કહ્યું હતું, ‘ ®nýTg §T ®nýõZúTTg §T îTg §T ÿTg §T øU§DÃUý ¤ ¦g§TÃíTg ýZ îZÕg ÿÔ³³© ³¦TÃíTA ýZ õTmÍhZ·³© ¤ સૂત હોઉં કે સૂતપુત્ર હોઉં, હું જે પણ છું તે છું. જન્મ દૈવાધીન છે, પુરુષાર્થ મારા હાથની વાત છે. હું પણ પુરષાર્થમાં માનું છું.’’

‘શાશ્વત, તમે સફળ પ્રોફેસર અથવા તો સફળ કથાકાર થઈ શકો એટલા સારા વક્તા છો.’

‘મારા બાપુ અમારા વિસ્તારના વિખ્યાત કર્મકાણ્ડી છે. એમણે મારો સંસ્કારપિંડ ઘડ્યો છે. આજે જે કાંઈ છું એ મારી દિવંગત બા અને હયાત બાપુને આભારી છું.’

‘તમે ઘણા નિખાલસ છો.’

‘ગામડાનો આદમી છું ને ? શહેરી દંભ મારામાં હજુ પ્રવેશ્યો નથી. જો કે, મુંબઈ આવ્યે હજુ ત્રીજો જ દિવસ છે. આવતીકાલની ખબર નથી, છતાં સ્વાભાવિકતા ન ગુમાવી બેસું એ અંગે સભાનતાથી પ્રયત્નશીલ રહીશ.’

‘આવતીકાલની આગાહી કરવાનું કામ જ્યોતિષીઓ પર છોડી દઈએ. આજની વાત કરીએ ?’ તિતિક્ષા હસી, ‘ટેડી, એમ આઇ રાઇટ ?’

ટેડીએ હકારમાં ડોકું ઘૂણાવ્યું.

‘બોલો, રૂબરૂ મળવા કેમ બોલાવ્યો છે ?’

‘તમારી પસંદગી કરી લીધી છે તો પછી દસ દિવસ રાહ શા માટે જોવડાવવી ? કંપનીની ટર્મ- કન્ડિશન્ડની- કૉડ ઑફ કન્ડક્ટની ચર્ચા પણ કરી લઈએ.’

‘પહેલાં તો પસંદગી કરવા બદલ આભાર. કંપનીના નીતિ-નિયમો જણાવો. અનુકૂળ હશે તો....’

‘મિ. શાશ્વત. પહેલાં તો પ્રત્યેક કર્મચારીએ કંપનીએ નક્કી કરેલ યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. બ્લેક પેન્ટ, બ્લૂઈશ ફૂલ સ્લીવનું શર્ટ, બ્લેક ટાઇ, બ્લેક બૂટ. યુનિફોર્મ કંપનીની ઇમેજનું પ્રતીક છે. વર્ષમાં એકવાર કંપની એની સ્થાપના દિને ફાઇવસ્ટાર- સેવનસ્ટાર હોટલમાં Eat, drink, dance અને be Merry પાર્ટી આપે છે, જેમાં બ્લેક સૂટ, વ્હાઇટ શર્ટ, બ્લેક ટાઇ, બ્લેક બૂટ પહેરવાં જરૂરી છે. લેડિઝ માટે પણ બ્લેક પેન્ટ, બ્લૂ શર્ટ, બ્લેક ટાઇ- બૂટ યુનિફોર્મ કમ્પલસરી છે. તમારે ‘કૉડ ઑફ કન્ડક્ટ’ને પાળવો પડશે.’

‘કંપનીના નિયમો કર્મચારીઓએ પાળવા જોઈએ. મને મંજૂર છે, પણ એનો અમલ ક્યારથી કરવાનો હોય છે ? ડ્રેસ સિવડાવતાં થોડો સમય તો નીકળી જશે.’

‘પહેલીવાર કંપની તરફથી ચાર ડ્રેસ, બુટ અને એક સૂટ આપવામાં આવે છે. પછી કર્મચારીઓ- અધિકારીઓને દર વર્ષે બે ડ્રેસ સિવડાવી આપવામાં આવે છે. વઘુ જરૂર હોય તો પોતાના ખર્ચે સિવડાવી શકે છે, પણ કંપનીમાં અપટુડેટ થઈને, ક્લીનશેવ કરીને આવવું જરૂરી છે.’

‘હું મારા ખર્ચે સિવડાવી શકીશ.’

‘શરૂઆતમાં કંપની દરેક કર્મચારીને સિવડાવી આપે છે. તમને અપવાદમાં ન મૂકી શકાય. ક્યારથી જોડાવવું છે ?’

‘ડ્રેસ તૈયાર થાય પછી.’

‘ડ્રેસ બે-ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે. કંપની એક જ શોપમાંથી ડ્રેસનું કાપડ ખરીદે છે. ત્યાંના જ ટેલરિંગ ડિપાર્ટમેન્ટમાં ડ્રેસ સિવાઈ જાય છે. તમે ઇચ્છો તો આજથી જોડાઈ શકો છો. સાંજે મારી કારમાં તમારા ડ્રેસ માટે જઈશું. તમારી જોડાવાની તૈયારી હોય તો આજથી જોડાઈ જાવ. સેલરી ચાલુ, ઑર્ડર પણ મળી જશે. એ.સી. કેબિન પણ મળી જશે.’

‘મારો હોદ્દો- આઇ મીન ડેઝીગ્નેશન ?’

‘આસિસ્ટન્ટ માર્કેટિંગ મેનેજર. એક વર્ષ ઑન પ્રોબેશન. કન્ફર્મ થયા પછી માર્કેટિંગ મેનેજર. પચીસ હજાર સેલરી વત્તા મેડિકલ, ટૂર એન્ડ ટ્રાવેલ, પી.એફ. વગેરે કંપનીના નિયમ અનુસાર ભથ્થાં મેળવી શકશો. બોલો, ક્યારથી જોડાવું છે ? આજથી કે....’

‘આજથી જ જોડાઈ જઈશ. એક દિવસના આઠસો તેત્રીસ જેટલી રકમ ગુમાવવા જેટલો શ્રીમંત નથી.’

‘શક્તિશાળી અને સંતોષકારક કામ કરનારા માટે સેલરી ઇઝ નો બાર. હા, શક્તિ ઉપરાંત વફાદારીની પણ પહેલી અપેક્ષા રખાય છે. કંપનીનું કોઈ પણ ‘સિક્રેટ’ બહાર ન જવું જોઈએ. ‘સિક્રેટ’ની સાથે સર્વિસ પણ ઑફિસની બહાર કરી દે છે. શું માનો છો ?’

‘ખરી વાત છે. સર્વિસમાં અને સંબંધોમાં ય વફાદારી મોટો ગુણ છે.’

‘શાશ્વત, મારી સાથે અને ટેડી સાથે શેકહૅન્ડ કરી, અમારી શુભેચ્છા સાથે તમારું કામ શરૂ કરી દો. રધુ તમને તમારી કેબિન બતાવી દેશે. મિસિસ એરીના તમારી ઇમિડિએટ બૉસ છે. તમારી કેબિનમાં તમારો એપોઇન્ટમેન્ટ ઑર્ડર લઈને આવશે અને તમને કામ સમજાવી દેશે. બે-ત્રણ દિવસમાં બિઝનેસ કેમ લાવવો, કોને કેવી રીતે એપ્રોચ કરવો એ તમે શીખી લેશો.’

શાશ્વતે તિતિક્ષા અને ટેડી સાથે શેકહેન્ડ કર્યા.

‘બેસ્ટ ઓફ લક.’ તિતિક્ષાએ કહ્યું.

શાશ્વતે ટેડી સાથે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. શાશ્વતના હાથમાં હાથ મૂકી ટેડી ધીમું ધીમું ધૂરક્યો.

‘ટેડી ‘બેસ્ટ લક’ કહે છે.’ તિતિક્ષા બોલી.

‘તમે ટેડીને બરાબર ટ્રેઈન્ડ કર્યો છે. એની ભાષા સારી રીતે સમજી શકો છો. મને પ્રાણીઓની ભાષા ઉકેલતાં આવડતી નથી.’

‘આવડી જશે. શાશ્વત, મારા બડે ભૈયા તક્ષક ચોપ્રા અને ટેડીને હું દુનિયામાં સૌથી વઘુ, મારી જાત કરતાં પણ વિશેષ પ્રેમ કરું છું. એમનું અપમાન હું સહી શકતી નથી. પ્રાણીઓ તો સાંકેતિક એક જ ભાષા બોલતાં હોય છે, જ્યારે માણસજાતની ભાષા સમજવી અઘરી જ નહીં, અશક્ય પણ છે. એક મોઢે માણસ કેટલીય કૃત્રિમ ભાષા બોલી શકતો હોય છે.’ અને તિતિક્ષાએ પ્યૂનને બોલાવ્યો.

શાશ્વતને લાગ્યું, તિતિક્ષા માત્ર ફેશનની સ્વરૂપવાન પૂતળી જ નથી, પણ માણસજાત પર કટાક્ષ કરતી સંવેદનશીલ યુવતી પણ છે. શાશ્વત પહેલી જ વાર તિતિક્ષાથી ઈમ્પ્રેસ થયો, ‘લાગે છે એના અંતર પર માણસજાત દ્વારા ભારે કુઠારાઘાત થયો છે. એના બડે ભૈયા તક્ષક વિશે ગઈકાલે મહેકે અણગમો વ્યક્ત કર્યો હતો એનું સ્મરણ થયું.’

‘રધુ, સાહેબને એમની કેબિનમાં લઈ જા...’

શાશ્વતને ખ્યાલ આવ્યો કે પ્યૂનનું નામ રધુ છે.

‘તેન્ક યૂ’, કહી શાશ્વત રધુની પાછળ ચેમ્બરની બહાર નીકળ્યો.

‘સાબ, આપકી કેબિન. ચાય-પાની-કોલ્ડ ડ્રિંકસ, વગૈરા જો ચાહિયે મુઝે બોલ દેના.’ રધુ ચાલ્યો ગયો.

શાશ્વત કેબિનમાં દાખલ થયો.

બાર બાય બારની કલાત્મક ઈન્ટિરીઅરથી સજાવેલી કેબિન હતી. રિવોલ્વિંગ ચેર હતી. ફોન હતા. અર્ધ ગોળાકાર ટેબલની સામે વિઝિટર્સ માટે ચાર ખુરશીઓ હતી. દીવાલને અડીને લાકડાનાં પાલીશથી ચમકતા બે કબાટો હતાં. દીવાલો બ્લુઈશ ઓઈલ પેન્ટથી ચમકતી હતી. આખી કેબિનને આવરી લેતી બ્લુઈશ કાર્પેટ હતી. બ્લુઈશ કલરનું Split A.C. જડાયેલું હતું. રિવોલ્વિંગ ચેરની પાછળ ગ્લાસવિન્ડો હતી. બ્લુઈશ કલરનો કર્ટન હતો. ખૂણામાં એટેચ્ડ બાથરૂમ હતો. ટેબલ પર કોમ્પ્યુટર હતું.

શાશ્વતે કર્ટન હટાવી, બારી ખોલી. બારીમાંથી થોડે દૂર પથરાયેલો દરિયો દેખાતો હતો. શાશ્વતને આનંદ થયો. ‘દરિયાના તરંગો દેખાય છે. કેબિન પણ વિશાળ અને સુસજ્જ છે.’

પહેલાં જ ‘ઈન્ટરવ્યૂ’માં આટલી મોટી સફળતા મળશે એની કલ્પના નહોતી. મુંબઈમાં સમૃદ્ધ થવાનું સ્વપ્ન સાર્થક થશે એની પ્રતીતિ પહેલી સફળતા કરાવે છે. મારે કંપનીના અને મારા સ્ટેટસ મુજબ વસ્ત્રોમાં પરિવર્તન કરવું પડશે. એક તો હું સોહામણો છું, વ્યાયામશાળાથી કસાયેલું પોણા છ ફૂટનું શરીર છે. આત્મવિશ્વાસ છે. પ્રથમ સફળતાએ મારા આત્મવિશ્વાસને દ્રઢ બનાવ્યો છે.

શાશ્વત રિવોલ્વિંગ ચેર પર ઝૂલતો હતો. પોતાની જાતમાંથી પેન્ટ, શર્ટ, ટાઈ, બૂટ, સૂટમાં સજ્જ શાશ્વતનું કલ્પનાચિત્ર ઉપસાવતાં તે એકલો એકલો મલકી રહ્યો.

‘May i Come in ?' નો ટહુકો સાંભળી શાશ્વતે જોયું તો દરવાજા સમક્ષ ત્રીસેક વર્ષની ગૌર, ઊંચી અને વ્યક્તિત્વશાળી સ્ત્રી ઊભી હતી.

‘પ્લીઝ! આવો, બેસો.’

‘હું મિસિસ એરીના.’

‘મને મિસ તિતિક્ષાએ તમારા વિશે વાત કરી હતી. તમારે મને ટ્રેઈન્ડ કરવાનો છે ને?’

એરીના હસી, ‘શાશ્વત, મારે તો તમને માર્ગદર્શન આપવાનું છે. ટ્રેઈન્ડ તો તમે જાતે જ થઈ જશો.’

‘હું તમારા માટે ઠંડું-ગરમ કાંઈ મંગાવું ?’

‘કોફી પીતાં પીતાં વાત કરીશું. રધુને હું બે કપ કોફી મોકલવાનું કહીને આવી છું. કોફી ફાવશે ને?’

‘આમ તો ચા પીઉં છું, પણ કોફી પી શકીશ.’

રધુ કોફીના બે કપ મૂકી ગયો -

‘શાશ્વત, આ તમારે માટે બ્રિફકેસ, જેમાં ઈમ્પોર્ટન્ટ પેપર્સ, ફાઈલો, વિઝિટીંગ કાર્ડસ્ મૂકવા કામ લાગશે. આ કલાયન્ટનું લિસ્ટ છે. તમે સ્ટડી કરજો. આવતીકાલથી તમારી કેબિનમાં એક ગુજરાતી, એક અંગ્રેજી અને એક હિન્દી એમ ત્રણ ન્યુઝ-પેપર્સ આવી જશે. જેમાં આપણી કંપનીની પ્રોડક્ટસની ડિમાન્ડ કરતી દેશ-વિદેશની જાહેરખબર પર નજર પડતાં લાલ બોલપેનથી રાઉન્ડ કરજો. ટેન્ડર ભરજો. મને બતાવજો. પછી શું કરવું એ વિચારીશું. બે ત્રણ દિવસ તમે સ્ટડી કરજો. પછી તમારે વિવિધ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ, પરચેઝ મેનેજર્સ વગેરેની મુલાકાત લઈ, કંપની માટે ઓર્ડર બૂક કરવાના છે. કોમ્પ્યુટરનો ખ્યાલ છે ને ?’’

‘મારી પાસે કોમ્પ્યુટરનો ડિપ્લોમા છે. પ્રેકટિસથી આવી જશે.’

‘આ મારું, તમારી સામેની કેબિનના ફોન નંબર્સનું કાર્ડ છે. કોઈ ડિફિકલ્ટી હોય તો ફોન કરજો. શાંતિથી સ્ટડી કરજો. એકાદ વીકમાં તૈયાર થઈ જશો તો પણ વાંધો નથી. તિતિક્ષા મેડમના તમારા પર ચાર હાથ છે.’ મિસિસ એરીનાએ કહ્યું.

રધુ કોફીના કપ મૂકી ગયો.

‘પ્લીઝ! હેલ્પ યોરસેલ્ફ.’ મિસિસ એરીનાએ કહ્યું.

‘થેન્ક યુ.’

કોફી પિવાઈ ગઈ -

મિસિસ એરીના એની કેબિનમાં ચાલી ગઈ -

શાશ્વતે ફાઈલ પર નજર દોડાવી. દુબઈ, લંડન, કેનેડા, ઈટાલી, ન્યુઝીલેન્ડ જેવા દેશોની ઓફિસોનાં એડ્રેસ-ફોન નંબર્સ કસ્ટમર્સની યાદીમાં સામેલ હતાં. ભારતમાં કલકત્તા, દાર્જિલિંગ, સિક્કીમ, દિલ્હી, આંદામાન-નિકોબારની ઓફિસોનાં એડ્રેસ ફોન નંબર્સ હતાં. પાકિસ્તાનમાં કરાંચી, લાહોર, ઈસ્લામાબાદનાં નામ-સરનામાં ફોન નંબર હતાં.

‘એક્સપોર્ટનો મોટો બિઝનેસ લાગે છે. પ્રોડકશન કરતાં ટ્રેડિંગનો બિઝનેસ વઘુ હોય એમ લાગે છે. આટલો મોટો બિઝનેસ તિતિક્ષા સંભાળતી હશે કે એના બડેભૈયા તક્ષક ચોપ્રા સંભાળતા હશે ?’

ફોનની ઘંટડીએ શાશ્વતની વિચારધારામાં વિક્ષેપ કર્યો.

‘હલ્લો!’

‘શાશ્વત, તિતિક્ષા બોલું છું. મારી ચેમ્બરમાં આવી જાવ.’

શાશ્વત તિતિક્ષાની ચેમ્બરમાં પ્રવેશ્યો -

‘શાશ્વત, ‘લંચ અવર’ આપણી ઓફિસમાં એકથી બે એક કલાકનો રાખ્યો છે, જેથી કર્મચારીઓ શાંતિથી લંચ લઈ શકે. આમતેમ ફરવું હોય તો ફરીને મનને તાજું બનાવીને એમનાં ટેબલો-કોમ્પ્યુટરો-ફાઈલો સંભાળે તો એમની કાર્યદક્ષતા વધે છે. શું માનો છો?’

‘તમારી સાયકોલોજી સાચી છે. ભરેલું પાત્ર ખાલી થાય તો જ ભરવાનો અવકાશ રહી છે. માનવમનનું પણ એવું જ છે. તમે સાયકોલોજીનાં સ્ટુડન્ટ હતાં ?’

‘લંડનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની સાથે ‘સાયકો થેરપી’નો અભ્યાસ પણ કર્યો છે, જે અહીં એપ્લાય કરું છું. એટલે જ બીજી ઓફિસો કરતાં આપણે ‘લંચ અવર’ વધાર્યો છે. ખેર, છોડો એ બધી વાતો. તમે ચર્ચા કરવા આવ્યાને સીધા જોડાઈ ગયા છો એટલે લંચ લીધા વગર ક્યાં સુધી બેસી રહેશો?’

‘તમને મળીને કોક હોટલમાં લંચ લઈ, મુંબઈમાં ફરીને મુંબઈથી ભોમિયા થવાનું વિચાર્યું હતું. એટલે ભૂખ તો લાગી છે.’

‘તમને વાંધો ન હોય તો મારી સાથે લંચ લેવા આવો. હું વેજીટેરીઅન ફૂડ લઉં છું. બડે ભૈયા વિશ્વમાં ફરે છે એટલે વેજીટીરીઅન કરતાં ચાઈનિઝ, સી-ફૂડ, કોન્ટિનેન્ટલ, પંજાબી ફૂડ જમી શકે છે. તમને વાંધો હોય તો તમે એકલા લંચ લઈ આવો. ભૂખ્યા પેટે બ્રાહ્મણપુત્ર બેસી રહે તો મને પાપ લાગે.’

‘આ બ્રાહ્મણપુત્રને પણ પેટપૂજા કર્યા વગર ચાલતું નથી. હું જવાનો જ હતો.’

તિતિક્ષા હસી પડી, ‘તમારી નિખાલસતા અને તમારી સરળતાએ તો તમારી પસંદગી કરવા પ્રેરી છે.’

‘પસંદગી કરવા?’ શાશ્વત હસ્યો.

‘આઈ મીન સર્વિસમાં. તમે શું સમજ્યા હતા?’

‘હું પણ એજ સમજ્યો હતો, જે અર્થમાં કહ્યું હતું.’

‘તમે સરળ છો પણ ભોળા નથી.’

‘એટલે મૂરખ બનાવી શકાય એટલો ભોળો નથી એમ જ કહેવા ઇચ્છો છો ને?’

તિતિક્ષા અને શાશ્વત હસી પડ્યાં -

‘તમે એકલા જવાનું કે મારી સાથે ‘લંચ’ પર આવવાનું પસંદ કરો છો?’

‘તમારી સાથે.’

‘ટેડી, તુમ બિસ્કુટ ખાવ ઔર અંદર કી રૂમમેં તુમ્હારી જગહ પર સો જાવ. તુમ્હે હોટલમેં નહીં લે જા સકતી. બૂરા મત માનના.’

ટેડી જંપ મારી તિતિક્ષાની ચેમ્બરમાં અંદર રૂમ હતો ત્યાં દોડી ગયો.

તિતિક્ષા અને શાશ્વત ઑફિસની બહાર નીકળ્યાં.

શાશ્વતને કલ્પના નહોતી કે, આટલી જલદી સર્વિસ મળી જશે. તિતિક્ષા પણ બૉસ તરીકે સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ યુવતી છે. શાશ્વતને તિતિક્ષાનું આનંદી વ્યક્તિત્વ સ્પર્શી ગયું. તેને લાગ્યું, વૈભવ પણ માણવા જેવી ચીજ છે. અત્યાર સુધી મઘ્યમ સ્થિતિને કારણે વૈભવી જીવન જીવ્યો ન હોવાથી શાશ્વતને લાગ્યું, તિતિક્ષાની ઑફિસની સર્વિસથી થયેલો પ્રારંભ, જે સ્વપ્ન લઈને ગામ છોડ્યું હતું એ સાર્થક થવાનું પહેલું પગથિયું તે ચડ્યો છે.’

‘શાશ્વત, તમે ‘તાજ’માં કદી ગયા છો?’

‘મુંબઈમાં જ માંડ બે-ત્રણ વાર આવ્યો છું એટલે ‘તાજ’ અને બીજી બેચાર વૈભવ-શાળી હોટલનાં નામો માત્ર સાંભળ્યાં છે. કોઈ ફાઈવસ્ટાર શું થ્રી-સ્ટાર હોટલને અંદરથી જોઈ નથી. મારા આર્થિક સંજોગોને લીધે આજપર્યંત કોઈ વૈભવશાળી મોજશોખ કર્યા નથી. જો કે, ગરીબી સામે મને કોઈ ફરિયાદ નથી.’

‘તમે આજે ‘તાજ’ અંદરથી જોશો. કમ ઑન.’

શાશ્વત અને તિતિક્ષા ઑફિસની બહાર નીકળ્યાં.

તિતિક્ષા રેડ મર્સિડિઝ ડ્રાઈવ કરતી હતી. શાશ્વત બાજુમાં બેઠો હતો. મુંબઈના બાફને ઓગાળી, ઠંડક બક્ષતું એ.સી. ચાલુ હતું.

આટલી કિંમતી કારમાં શાશ્વત પહેલીવાર બેઠો હતો.

અત્યાર સુધી હોડીનો, ટ્રેનનો, બસનો, સાઈકલનો પ્રવાસ કરવા શાશ્વત ટેવાયેલો હતો. રેલ આવે ત્યારે ગામમાં ફરતી હોડીઓમાં બેઠો હતો.

શાશ્વતને મઝા આવતી હતી. પચીસ હજારની સર્વિસથી શરૂઆત, એરકન્ડિશન્ડ કેબિન, તિતિક્ષાનું તેના પ્રત્યેનું કૂણું વલણ આ બધાંએ શાશ્વતને વૈભવશાળી જીવનનો પરિચય કરાવ્યો. અત્યાર સુધી મઘ્યમ વર્ગીય પરિસ્થિતિમાં જીવતા શાશ્વતને લાગ્યું, વૈભવશાળી જીવનની એક લિજ્જત છે.

કાર ‘ગેટવે ઑફ ઇન્ડિયા’ની સામે ‘તાજ’ની પાર્કંિગ પ્લેસમાં પાર્ક થઈ.

સામે દરિયો ધૂઘવતો હતો. બપોરના સમયે સૂર્યકિરણો પડતાં દરિયાની લહેરો ચમકતી હતી.

તિતિક્ષાની સાથે શાશ્વત ‘તાજ’માં પ્રવેશ્યો -

તાજનો બાદશાહી શબાબ જોઈ શાશ્વત અંજાયો -

બટર નાન, નવરત્ન, મલાઈ કોફતા, પાપડ, સલાડ, આચાર અને જ્યુસને ન્યાય આપી તિતિક્ષાએ પાંચસોની નોટ બિલપેટે મૂકી, વેઈટરને ‘ચેઈન તુમ રખ લો’, રુઆબભેર કહ્યું. વેઈટર ‘થેન્ક યૂ. સલામ મેમસા’બ.’ કહી સલામ ઠોકી દઈ ચાલ્યો ગયો.

‘રોજ આટલી ખર્ચાળ હોટલમાં લંચ લેવા ન અવાય. પા ભાગનો પગાર તો એક જ ટાઈમે પૂરો થઈ જાય. સાંજનો પ્રશ્ન તો બાકી રહે. સારી રીતે રહેવું હોય તો પચીસ હજાર ટૂંકા પડે. ખૂબ કમાવવું જોઈએ.’

હોટલની બહાર નીકળી તિતિક્ષાએ કહ્યું, ‘શાશ્વત, હોટલ કેમ લાગી?’

‘શાનદાર એટલી ખર્ચાળ, રોજ રોજ ન પોસાય.’

‘મુંબઈમાં સામાન્ય હોટલો પણ છે.’ તિતિક્ષા હસી.

‘શાશ્વત, સાંજે છ વાગ્યે આપણે ફોર્ટ વિસ્તારમાં તમારા માટે પેન્ટ-શર્ટ-ટાઈ સિવડાવવા જઈશું. સૂટ પણ સિવડાવી રાખીએ, જેથી પ્રસંગે કામ આવે.’

‘શાશ્વત, તમને કાર ચલાવતાં આવડે છે?’

‘સાઈકલ ચલાવતાં આવડે છે. કૉલેજમાં પણ સાયકલ પર જતો હતો.’

‘તમને થોડા દિવસમાં કંપની તરફથી કાર આપવામાં આવશે. તમે ડ્રાઈવિંગ સ્કૂલમાં જઈ કાર ડ્રાઈવ કરતાં શીખી લઈ, લાયસન્સ મેળવી લો. તમને થોડા જ દિવસમાં કંપની તરફથી ફ્લેટ આપવામાં આવશે. જેથી તમે ડ્રાઈવર વગર પણ જાતે ડ્રાઈવ કરીને ઑફિસે આવી શકો. જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. તમારામાં હું ભવિષ્યનો ખૂબ સફળ અને સમૃદ્ધિની ટોચ પર બેઠેલો યુવાન જોઈ શકું છું.’

શાશ્વતની ભીતરમાં પડેલી મહત્ત્વાકાંક્ષાની જ્યોત સંકોરાઈ, શાશ્વત સૂટ-બૂટ પહેરી ડ્રાઈવ કરતો હોય છે. ઑફિસનો પ્યૂન સલામ ઠોકી દેતો હોય છે. સહકાર્યકર્તાઓની આંખોમાં ઇર્ષ્યા અંજાયેલી નજરે પડે છે. કલ્પનાબહેન, શિવાની અને શબરી અહોભાવથી કહે છે, ‘તમે થોડા જ મહિનાઓમાં ભારે પ્રગતિ કરી.’

બાપુ, જેમણે પ્રામાણિકતાથી પાઈ પાઈ કમાવવા અડધી જિંદગી વીતાવી દીધી એ પણ સ્તબ્ધ બની જશે. કાર લઈ શાશ્વત ભરૂચ જાય છે. સમીર સોલંકી અને મિત્રોને મુંબઈ બોલાવી લહેર કરાવીશ. ગામની માનવતાની સેવા કરતી જરૂરતમંદ સંસ્થાઓને આર્થિક મદદ કરીશ. શાશ્વત પંડ્યાનો વટ પડી જશે...’

‘શાશ્વત, ઑફિસ આવી ગઈ. જાગો,’ તિતિક્ષાએ હસીને તેના ખભે હાથ મૂક્યો, ‘ક્યાં ખોવાઈ ગયા હતા?’

શાશ્વત કલ્પનાસૃષ્ટિમાંથી વાસ્તવિક ધરતી પર આવ્યો. તે ફિક્કું હસ્યો.

શાશ્વત અને તિતિક્ષા ઑફિસમાં પ્રવેશ્યાં -

શાશ્વત એની કેબિનમાં આવ્યો. હજુ ‘તાજ’નું , ‘મર્સિડિઝ’નું, કાર ડ્રાઈવ કરવાનું ઘેન ઊતર્યું નહોતું, ‘પૈસાનું મહત્ત્વ ઘણું છે. પૈસો ભલે સર્વસ્વ ન હોય, ઘણું ખરું તો છે જ. મારે પૈસા કમાવવા છે, ઘૂમ પૈસા કમાવવા છે. એમાં ખોટું શું છે? લહેરથી રહી શકાય, દેશ-વિદેશ જોઈ શકાય, બીજાને મદદરૂપ પણ થવાય.’

રધુ દરવાજો ખોલી દાખલ થયો, ‘મેડમ એરિના એમની કેબિનમાં બોલાવે છે.’

રધુએ મિસિસ એરિનાની કેબિન બતાવી, ‘મેડમ રાહ જુએ છે.’

શાશ્વતે દરવાજો ખોલી, ‘May i come in?' સભ્યતા ખાતર પૂછ્યું.

‘પ્લીઝ, વેલકમ... બેસો.’

શાશ્વત સામેની સીટ પર બેઠો.

‘લંચ’ લઈ આવ્યા?’

‘હા. તિતિક્ષા મેડમ ‘તાજ’માં લઈ ગયાં હતાં.’

‘અહીં સર્વિસ કરનારનું ભવિષ્ય - સર્વિસ પૂરતું - તિતિક્ષા મેડમની મુઠ્ઠીમાં બંધ હોય છે.’

શાશ્વતને લાગ્યું, એરિના મેડમના અવાજમાં ગંભીરતા હતી.

‘શાશ્વત, આ તમારો ‘એપોઈન્ટ ઓર્ડર.’ ત્રણ ઑર્ડર-ટ્રિપ્લિકેટ- પર સહી કરી, એક ઑર્ડર તમે રાખો. બે કંપની રાખશે. આજથી જ તમારો સેલરી ચાલુ થશે.’

‘થેન્ક યૂ.’

‘થેન્ક યૂ’ મને નહીં, તિતિક્ષા મેડમને કહો. હું પણ તમારા જેવી એમ્પ્લોયી જ છું. હા, બે વર્ષ પહેલાં જોડાઈ છું એટલું જ. બાકી, મને બોસ નહીં, દોસ્ત માનજો.’ મેડમ એરિનાએ હાથ લંબાવ્યો.

શાશ્વતે શેકહેન્ડ કરતાં કહ્યું, ‘મને દોસ્ત બનવું ગમશે. ગામડાનો માણસ છું, મુંબઈમાં નવો છું. મારે અહીં દોસ્તો જ નથી. થેન્ક યૂ.’

‘જુઓ પાછા.’

‘મેનર્સ બતાવવી પડે ને?’ શાશ્વત હસ્યો.

મેડમ એરિના હસી.

‘મને એમ કે, તમારી પ્રકૃત્તિ ગંભીર છે. તમે મુક્ત હાસ્ય કર્યું એ ગમ્યું.’

‘આ ફૉર્મ ભરી દો. કંપની તરફથી કાલે તમને રોમિંગ મોબાઈલ મળી જશે. બિલ પણ કંપની જ ભરશે. એડ્રેસ C/o. મિસ તિતિક્ષાનું રહેશે. રેસિડન્શીઅલ પ્રૂફ માટે... તમે માત્ર સહી જ કરી દો.’

શાશ્વત સહી કરી ફૉર્મ પાછું આપતાં મનમાં બોલ્યો, ‘શાશ્વતકુમાર, તમે એરિસ્ટોક્રેટ બનતા જાય છે. મર્સિડિઝ જેવી કિમતી કારમાં બેઠા. ‘તાજ’ જેવી પોશ હૉટલમાં લંચ લીઘું. ભવિષ્યમાં કાર ડ્રાઈવ કરતા હશો. આવતીકાલથી મોબાઈલના માલિક પણ બની, ચપોચપ બટન દબાવી, પેન્ટ-શર્ટ-ટાઈ, બૂટ-સૂટ પહેરી વાતો કરતા હશો.’

‘આ કંપનીનું કાર્ડ છે. એમાં ફોન નંબર્સ છે. તમારું એડ્રેસ નક્કી થયે તમારા નામના કાર્ડ કંપની છપાવી દેશે, જેમાં એડ્રેસ ફોન નંબર્સ હશે.’ મેડમ એરિનાએ કહ્યું.

શાશ્વતે જોયું તો મેડમ એરિનાના ચહેરા પર પાછી ગંભીરતા આવીને બેસી ગઈ. શાશ્વતને આશ્ચર્ય થયું.

શાશ્વત એની કેબિનમાં પાછો ફર્યો.

‘ઑફિસમાં માણસો ખૂબ ઓછા લાગે છે. છ પુરુષો, ચાર સ્ત્રીઓ. ટ્રેડિંગ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસમાં થોડા માણસોથી કામ ચાલતું હશે. કૉમ્પ્યુટરનો યુગ છે, ઈન્ટરનેટ અને IT નો જમાનો છે.’ શાશ્વત બોલ્યો.

ચાર વાગ્યે રધુ ચાનો કપ મૂકી ગયો, ‘કંપની તરફથી. કૉમ્પ્લીમેન્ટરી ટી.’ રધુ હસ્યો.

‘તમે અંગ્રેજી પણ બોલી શકો છો?’ શાશ્વતે હળવાશથી કહ્યું.

‘સાહેબ, મુંબઈમાં રહેવાનું છે એટલે ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી આવડે અને બૉસને ખુશ રાખતાં આવડે તો ભવ તરી ગયા.’

રધુ ચાલ્યો ગયો.

શાશ્વતને કલ્પના નહોતી કે, આટલી જલદી, આટલા મોટા પગારની સર્વિસ અને ભવિષ્યમાં ફ્લેટ અને કાર મળી જશે. તેના આનંદનો પાર નહોતો.

પોણા છ વાગ્યે ફોન રણકી ઊઠ્યો.

‘હલ્લો!’

‘શાશ્વત, તિતિક્ષા બોલું છું. અવાજ પરથી ઓળખવાની આદત પડી જશે પછી નામ નહીં બોલવું પડે.’

‘બોલો, મેડમ તિતિક્ષા.’

‘દસેક મિનિટમાં મારી ચેમ્બરમાં આવી રહો. આપણે તમારા માટે જરૂરી વસ્તુઓ અને ડ્રેસ ખરીદવા માટે જવાનું છે.’

ફોન મુકાઈ ગયો -

બરાબર છમાં પાંચ મિનિટે શાશ્વત તિતિક્ષાની ચેમ્બરનો દરવાજો ખોલતો હતો ત્યાં રધુ બોલી ઊઠ્યો, ‘સર! લાલ લાઈટ છે. તમે બેસો. લીલી લાઈટ થયા પછી જ અંદર જઈ શકશો.’

‘દસેક મિનિટ પહેલાં મેડમનો ફોન હતો એટલે અંદર જતો હતો. એટલી વારમાં મેડમ બિઝી થઈ ગયાં?’

‘સર, આજે તમારો પહેલો દિવસ છે. તમે ટેવાઈ જશો એટલે ચેમ્બરમાં દાખલ થતાં પહેલાં રેડ-ગ્રીન લાઈટ જોતાં થઈ જશો.’ રધુ હસ્યો.

શાશ્વત બહાર પાથરેલા સોફા પર બેસી વિચારવા લાગ્યો, ‘દસ મિનિટમાં એવી કઈ વ્યક્તિ અંદર આવી પહોંચી હશે જેથી પ્રવેશ નિષેધના પ્રતીક જેવી લાલ લાઈટ જલી ઊઠી છે?’

(ક્રમશઃ)

Top

Copyright   © Gujarat Samachar