આજકાલ
અશ્વિન કુમારની ચાહના
૨૦૦૫ના ઑસ્કાર એવોર્ડમાં શ્રેષ્ઠ લાઈવ એકશન શોર્ટ ફિલ્મ તરીકે અશ્વિન કુમારની ‘લિટલ ટેરરિસ્ટ’ ફિલ્મ નામાંકન પામી હતી. એ પછીની એમની બીજી ફિલ્મ ‘ધ ફોરેસ્ટ’ પહેલી મેઈનસ્ટ્રીમ ફીચર ફિલ્મ છે. કોર્બેટ નેશનલ પાર્કમાં પ્રણયત્રિકોણને આલેખતી થ્રીલર ફિલ્મ છે. અશ્વિન કુમાર માને છે કે માણસ તમિલનાડુના નાના ગામમાં વસતો હોય કે ન્યૂયોર્ક જેવા મહાનગરમાં વસતો હોય, પણ બધામાં ભીતિનું તત્ત્વ હોય છે. એને વિશ્વભરના માણસોમાં આ પ્રકારની વૃત્તિ રહેલી લાગે છે. અને તેથી જ એણે આ ફિલ્મ બનાવી. અશ્વિન કુમારની આ ફિલ્મમાં ચિત્તાનાં કેટલાંક દ્રશ્યો આપવામાં આવ્યાં છે અને તેનું ફિલ્માંકન જંગલમાં કરવામાં આવ્યું છે. પ્રાણી તમારી સાથે કેવો વર્તાવ કરશે તેનો તમને ક્યારેય અંદાજ હોતો નથી અને તેથી જ એ દ્રશ્યોમાં આશ્ચર્યનું તત્ત્વ રહે છે. આથી પ્રાણીઓ સાથે શુટંિગ કરાતું હોય ત્યારે પટકથાકારે જાગૃત રહેવું પડે છે, જેથી એ પ્રાણીના વર્તન મુજબ પોતાની પટકથાને વળાંક આપી શકે.
‘ધ ફોરેસ્ટ’ ફિલ્મમાં આલેખાયેલાં ચિત્તાનાં દ્રશ્યોએ સહુને મંત્રમુગ્ધ કરી દીધા છે, પરંતુ એની પાછળની કહાની એ છે કે અશ્વિન કુમાર છેક ફ્રાંસથી થાઈલેન્ડમાં આ ચિત્તાઓને લાવ્યા, પરંતુ થાઈલેન્ડના કસ્ટમ વિભાગે આ ચિત્તાઓને રોકી રાખ્યા. દસ દિવસની જહેમત બાદ ચિત્તાઓને મુક્તિ મળી. પાંચ દિવસને બદલે ત્રણ દિવસ શુટંિગ કરી શક્યા અને મહત્ત્વનાં દ્રશ્યોની પસંદગી કરીને એ દ્રશ્યોનું જ શુટંિગ કર્યું. અશ્વિન કુમાર પાસે પ્રાણીઓ પાસેથી કઇ રીતે કામ લેવું તેની સૂઝ છે, પણ સાથોસાથ એ પ્રાણીઓને વન્ય જીવનમાં જ રાખે છે. પ્રાણીઓને અનુકૂળ આવે એવી પરિસ્થિતિમાં જ ફિલ્મનું શુટંિગ કરે છે. આનું કારણ એ છે કે છેક બાલ્યાવસ્થાથી અશ્વિન કુમારન પ્રાણીઓ તરફ ભારે ચાહના ધરાવે છે. અશ્વિન કુમાર પોતાની ફિલ્મનું આંતરરાષ્ટ્રીય ધોરણે નિર્માણ કરે છે, પરંતુ એની કથા ભારતની પરિસ્થિતિમાંથી મેળવે છે. એ વિચારે છે કે હવે પછી સર્જનાત્મક અને કમર્શિયલ એવી ફિલ્મનું નિર્માણ કરવું છે, જે પ્રમાણમાં એમને માટે પડકારરૂપ ગણાય. ગમે તેમ પણ એમનો ગાઢ પ્રાણી પ્રેમ ‘ધ ફોરેસ્ટ’માં પ્રભાવક રીતે પ્રગટ થયો છે.
આક્રોશનું રૂપાંતર
ચોવીસ વર્ષની દલિત કવયિત્રી મીના કંદાસ્વામીનો કાવ્યસંગ્રહ ‘ટચ મી, ટચ મી નોટ’માં એણે નારીની બેવડી વેદના આલેખી છે. એક તો અસ્પૃશ્યતાને કારણે વ્યક્તિને અસ્પર્શ્ય ગણવામાં આવે છે અને બીજું કે એ નારી હોવાથી એ બેવડી દલિત છે. એ કહે છે કે દલિતોની મુશ્કેલીઓના નિવારણ માટે રાજકીય નેતાઓ કરતાં કવિઓ વઘુ કારગત નીવડી શકે તેમ છે. મીના કંદાસ્વામી કહે છે કે રાજકારણીઓ સંજોગાનુસાર સમાધાન કરતા હોય છે જ્યારે કવિઓ શોષણ કે દમનને લેશમાત્ર સાંખી લેતા નથી. એ કહે છે કે એની કવિતા એ સમાજની તાસીર બતાવે છે. અને તેથી પોતે ‘વન વુમન આર્મી’ છે. મીના કંદાસ્વામીની કવિતામાં દલિતની વેદના અને નારીની વેદના- બંને જોવા મળે છે. એક બાજુ અસ્પૃશ્યતા માનવીને રીબાવે છે તો બીજી બાજુ સ્ત્રીને યોગ્ય સ્થાન મળતું નથી અને બંધન અને સીમાડામાંથી મુક્ત થવાની એની મથામણ મીના આલેખે છે. કયા પ્રકારનું કામ કરો છો તેના પરથી જ્ઞાતિના વિભાગો પડે છે. એ જ રીતે સ્ત્રીના વિભાગો પણ એ કયા પ્રકારનું કામ કરે છે તેના પરથી પાડવામાં આવે છે. પુરુષપ્રધાન સંસ્કૃતિને કારણે એને રોજેરોજ ગૃહ-હંિસાનો ભોગ બનવું પડે છે. આથી પુરુષને માટે કોઇ પણ સ્ત્રી એ એના ઘરમાં વસતી ‘દલિત’ છે. પોતે અભ્યાસ કરતી હતી ત્યારે મીનાને એની અટકને કારણે ઘણી વ્યક્તિઓની મજાક સહેવી પડી હતી. એનાથી એ એકલવાયી બની ગઇ હતી અને સતત દુઃખી રહેતી હતી. પોતાની આ વેદના પ્રગટ કરવી કઇ રીતે? એણે નિશાળના અભ્યાસ પછી ભણવાનું માંડી વાળ્યું. એવો અહેસાસ થયો કે આ શિક્ષણ એને અપંગ બનાવી દેશે. એ નિશાળમાં ભણતી હતી ત્યારે એણે નાઈપોલ પર નિબંધ લખ્યો હતો અને કહ્યું હતું કે ૯/૧૧ની ઘટના પછી એણે જે ઈસ્લામ વિરોધી વલણ અપનાવ્યું તેથી એને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. નિશાળની વિદ્યાર્થિનીની આવી સ્પષ્ટ રજુઆતે સહુને ચોંકાવી દીધા હતા અને પછી કાવ્યસર્જન કરતી મીના તરફ સહુનું ઘ્યાન ગયું. પુરુષો પોતાનો ગુસ્સો ઠાલવવા માટે તોડફોડ કરી શકે છે, ઘરના વાતાવરણમાં વસતી આ કવયિત્રીએ પોતાનો ગુસ્સો ઠાલવવા માટે કાવ્યનું માઘ્યમ લીઘું અને એની કવિતાએ કશુંક પરિવર્તન કરી પણ આપ્યું. આજે સ્વતંત્રપણે પીએચ.ડી.ની પદવી માટે અભ્યાસ કરતી મીના કહે છે કે એણે તમિલમાં રચના કરવાને બદલે અંગ્રેજીમાં રચના કરવાનું પસંદ કર્યું. તમિલ ભાષાએ સંસ્કૃતિના પ્રભાવને ખાળવા માટે કરેલા વિરોધનો લાંબો ઈતિહાસ છે, પણ પોતે અંગ્રેજીમાં એ માટે લખ્યું કે ભારતમાં અંગ્રેજી બોલતા લોકોને પ્રાદેશિક ભાષા બોલતા લોકો કરતાં ચડિયાતા માનવામાં આવે છે. જ્ઞાતિ અને વર્ગ પછીનું ત્રીજો માપદંડ અંગ્રેજી ભાષા છે. મીનાએ વિચાર્યું કે જ્ઞાતિથી ભલે એ દલિત ગણાતી હોય કંિતુ ભાષાથી દલિત થવું નથી.
નેહાની જોખમી દુનિયા
તમે પડદા પર ખડક પર લટકતી હીરોઈનને જોતા હો ત્યારે હકીકતમાં તો ફિલ્મની હિરોઈન તો ક્યાંક નિરાંતે બેઠી હોય છે અને સ્ટંટ દ્રશ્ય આપનારી મહિલા જાનના જોખમે ખડક પર લટકતી હોય છે.
અનેક જીવસટોસટનાં દ્રશ્યો ફિલ્મમાં ભજવી ચૂકેલી નેહા ટંડનની રોજંિદી જંિદગી સાહસથી ભરેલી અને મોતથી એક વેંત દૂર હોય છે. હીરોઈનને બદલે જોખમી અદાકારી દાખવવા માટે આવી મહિલાઓ ફિલ્મ ઉપરાંત વિજ્ઞાપનના વિશ્વમાં કામ કરતી હોય છે. મોતને હંફાવે છે આ મહિલાઓ. પરંતુ માન મળે છે ફિલ્મ કે વિજ્ઞાપનના મુખ્ય અભિનેતા કે અભિનેત્રીને. નેહા માંડ સાત ધોરણ સુધી ભણી શકી. કપરી આર્થિક પરિસ્થિતિ હતી. પૈસાની જરૂર અને સ્ટન્ટ કરવાની કુશળતા દાખવવાની વૃત્તિને કારણે નેહાએ આ જોખમી કામ સ્વીકાર્યું. બે બાળકોની માતા એવી છવ્વીસ વર્ષની નેહા જ્યારે પોતાના વ્યવસાય માટે નીકળે છે ત્યારે ઘર છોડતી વખતે પ્રભુને પ્રાર્થના કરે છે કે ‘મારા બાળકોને ખાતર મને સલામત રાખજે.’ ક્યારેક પ્રભુ એની પ્રાર્થના પૂરેપૂરી સાંભળતા નથી. તાજેતરમાં જ એક વિજ્ઞાપન દરમિયાન આગના દ્રશ્યમાં કામ કરવાનું હતું ત્યારે એનું નાક દાઝી ગયું. જોકે પછી પ્લાસ્ટિક સર્જરી કર્યા બાદ નાક પરના દાઝ્યાના ડાઘ દૂર થયા. પણ આવી ઘટનાઓની નેહાને ઝાઝી ફિકર નથી. એને માત્ર એક જ સમયે આનંદ થાય કે જ્યારે આવો જીવસટોસટનો ખેલ કર્યા પછી જ્હોન અબ્રાહમ જેવા અભિનેતા ‘યુ આર ગ્રેટ નેહા’ એમ કહે ત્યારે! યુવાન નેહા જાણે છે કે કોઇ પણ વ્યક્તિ જીવનમાં જોખમ ખેડવા ચાહતી નથી, પરંતુ સંજોગોએ એને જોખમ ખેડવા મજબૂર કરી છે ત્યારે એ આંખોમાં સાહસનો ઉત્સાહ ભરીને જીવસટોસટનો ખેલ કરે છે.
|