ખેલાડીઓ રાત્રે હોટલમાં પરત જઇ રહ્યા હતા ઓસ્ટ્રેલિયામાં વિકૃત ક્રિકેટ ચાહકે મુરલીધરન પર ઈંડુ ફેંક્યું
હોબાર્ટ, તા. ૨
સાયમંડ્સ અને હરભજન વચ્ચેના વંશિય કોમેન્ટના વિવાદના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ પડઘા શમ્યા નથી ત્યાં જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોની જેમ ખરાબ વર્તન માટે કુખ્યાત બનતા જતા ક્રિકેટ ચાહકોએ ફરી પોત પ્રકાશ્યું છે.
શ્રીલંકાના બોર્ડે પ્રવાસ પડતો મુકવાની ધમકી આપી ઃ મુરલીધરનની સલામતિ વધારાઈ
ત્રિકોણીય જંગમાં ભાગ લેવા આવેલી શ્રીલંકાની ટીમના અતિ આદરણીય અને વર્લ્ડ રેકોર્ડ ધારક બોલર મુરલીધરન પર ગઇકાલે રાત્રે હોબાર્ટમાં એક જુથમાંથી કોઇએ ઈંડુ ફેંક્યું હતું. જે તેને જોરથી અથડાયું હતું. શ્રીલંકાની ટીમ એક જગાએ ડિનર લઇને હોટલમાં પરત આવી રહી હતી ત્યારે ક્રિકેટ ચાહકો કે વંશીય વેરવૃત્તિ ભાવના ધરાવતા જુથે આ કૃત્ય કર્યું હતું. શ્રીલંકન ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયન બોર્ડ અને પોલીસને જાણ કરતા તરત જ ઘટના સ્થળે પોલીસ આવી ગઇ હતી.
શ્રીલંકન બોર્ડે પણ આ ઘટનાની ઘણી જ ગંભીર નોંધ લઇને વખતોવખત તેમના ખેલાડીઓને જે અપમાનજનક વર્તનનો મેદાન પર અને બહાર સામનો કરવો પડે છે તે અંગે ફરિયાદ કરી છે. ઓસ્ટ્રેલિયન પોલીસવિભાગે બોર્ડના કહેવાથી મુરલીધરનને ખાસ સલામતિ દળ પુરા પાડવાનો નિર્ણય કર્યો છે.
મુરલીધરને ઓસ્ટ્રેલિયાના વોર્નનો સૌથી વઘુ વિકેટો લેવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો તેથી પણ કોઇ વિકૃત ચાહકે આવું કર્યું હોય. મુરલીધરનને ૧૯૯૫-૯૬થી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન અમ્પાયરોએ થ્રો બોલર જાહેર કર્યો હતો.
તત્કાલિન કેપ્ટન રણતુંગાએ પ્રવાસ પડતો મુકવાની ધમકી આપતા મામલો શાંત થયો હતો. મુરલીધરનને બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ ભરવા દરમ્યાન પણ વંશીય કોમેન્ટનો સામનો કરવો પડ્યો હતો.
મુરલીધરન ૭૨૩ ટેસ્ટ વિકેટો સાથે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. મુરલીધરન કે શ્રીલંકન ખેલાડી જોડે આવી કોઇ ઘટના બનશે તો શ્રીલંકન બોર્ડ ટુર્નામેન્ટમાંથી ખસી પણ જશે તેવો સૂર બોર્ડના નવા પ્રમુખ રણતુંગાએ વહેતો કર્યો હતો.
|