|
કરીના સાથેના સંબંંધની ચર્ચામાં હદ ન વટાવવા સૈફની ચેતવણી
મુંબઈ, તા. ૨
સમાચાર માઘ્યમોને આપેલા એક કડક શબ્દોના સંદેશમાં છોટે નવાબ સૈફ અલી ખાને તેના કરીના કપૂર સાથેના સંબંધની ચર્ચામાં સહેજ પણ હદ વળોટવામાં ન આવે, એવી ગર્ભિત ચેતવણી આપી હતી. તેણે મોં ફેરવીને કહી દીઘું હતું, ‘‘તાજેતરના એવોર્ડ સમારંભમાં મેં ‘જબ વી મેટ’ ફિલ્મના એ ગીત પર કરીના સામે ડેન્સ કરવાનું શા માટે નકારી કાઢ્યું, એ વિશે મને ન પુછશો.’’ આટલું કહ્યા બાદ સ્ટાર થંભ્યો નહોતો તેણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું, ‘‘મેં ના પાડી કારણ કે તે મારું ગીત નહોતું. બીજું, મારા અને કરીના સાથેના સંબંધને એ રીતે ન ચગાવાય અથવા એ રીતે તેનો ઉપયોગ ન જ કરાવો જોઈએ જે મને યોગ્ય ન લાગતી હોય, એમ મને સ્પષ્ટ લાગે છે. મને કોઈ સામે કોઈ રોષ-વેર નથી, પણ મારા જ આટલાં બધા ગીતો હોય ત્યારે હું બીજાનાં ગીત પર શા માટે નાચું?’’
સમાચાર માઘ્યમોને કડક સંકેત-સંદેશ ઃ ‘હું નથી ઇચ્છતો કરીના સાથેના મારા સંબંધને ચગાવાય’
સૈફની આ વાત યોગ્ય છે વળી, હાલમાં સૈફના જીવનમાં નાચવું અને ગાવું પ્રબળ રીતે ઉભર્યું છે. ગયા સપ્તાહે નવી દિલ્હીમાં સૈફના રોક સંગીતના કોન્સર્ટમાં હાજરી આપી સ્ટારનો ઉત્સાહ વધારનારી કરીનાને કદાચ એ પ્રકારનું સંગીત ગમ્યું નહીં હોય. સૈફે આ વિશે કહ્યું હતું, ‘‘મને નથી લાગતંુ કે કરીનાને ૧૯૭૦ના દશકનું રોક સંગીત સહેજ પણ ગમતું હોય. ભૂતકાળની બાબતો તેને માટે નથી.’’ આટલું કહીને ખેદજનક સ્વર સાથે બોલતા સૈફે વઘુમાં કહ્યું હતું, ‘‘દિલ્હી તે મારા માટે જ આવી હતી. એ બહુ મોટી વાત છે. તેનું હોવું જ મનને સારું લાગે તેવી બાબત છે, પણ તે બેંગ્લોર, મુંબઈ અને કોલકાતામાં મારે માટેય નહીં આવી શકે, કારણ કે તેનું વિદેશમાં શૂટંિગ છે.’’ દિલ્હીમાં સૈફે બે ગીત કરીનાને અર્પણ કર્યા હતા. સૈફે કહ્યું હતું, ‘‘મેં મને બહુ જ ગમતાં બે ગીત, ‘બેક ઈન બ્લેક’ અને ‘સ્મોક ઓન ધ વોટર’ કરીના માટે ગાયાં હતાં.’’
કરીના કપૂર સાથેના સંબંધની વાત કરતા તેણે કરીના માલિકીભાવ ધરાવતી હોવાનું નકાર્યું હતું. તાજેતરમાં એવો અહેવાલ આવ્યો હતો કે, અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘રેસ’માં સૈફ અને બિપાશા બસુ વચ્ચેના ગરમાગરમ દ્રશ્યો ટેલિવિઝન પર રજૂ થાય તે સામે કરીનાએ વાંધો ઉઠાવ્યો હતો, પરિણામે કરીના સૈફ પરત્વે માલિકીભાવ ધરાવતી હોવાની બાબત ઉભરી હતી. સૈફ અલી ખાને આ અહેવાલને બિલકુલ નકારી કાઢ્યો હતો. આ બાબતે સૈફે ક્હ્યું હતું, ‘‘એ દ્રશ્યો એવા ઉશ્કેરાટભર્યા હોવાનું મને લાગતું નથી. વળી, હું અને કરીના એકબીજાના કામમાં માથું મારતાં નથી. જોકે મારે માટે તો ‘રેસ’ ફિલ્મના ઉત્તેજના ફેલાવતા દ્રશ્યો કરતા તેમાં મેં કરેલાં સ્ટન્ટ દ્રશ્યો વધારે મહત્ત્વના છે. અગાઉ મેં ‘ઓમકારા’ ફિલ્મમાં ડેરડેવિલ દ્રશ્યો કર્યા હતા, પણ તે એકશનમાં ઓછાં અને શબ્દોમાં વધારે ‘જોખમી’ દ્રશ્યો હતાં.’’
|