|
આદિત્ય ચોપરા પારંપારિક ભારતીય ચહેરો ધરાવતી યુવતીની શોધમાં
મુંબઇ તા.૨
એક એથ્લેટને શોભે તેવું શરીર ધરાવતી યુવાન, સુંદર અને ગોરી છોકરીની શોધ આદિત્ય ચોપરા કરી રહ્યો છે. ના, આદિત્ય ચોપરા આ પ્રકારની છોકરી પોતાનાં માટે નથી શોધતો.
શાહરૂખ સાથેની આગામી ફિલ્મ માટેની મુખ્ય અભિનેત્રી તરીકે નવોદિત અભિનેત્રી શોધવા દેશભરમાં ‘ટેલન્ટ હન્ટ’ યોજાશે
લગભગ આઠ વર્ષના ‘સંન્યાસ’ પછી ફરી એક વખત દિગ્દર્શન કરવા તૈયાર થયેલો આદિત્ય ચોપરા પોતાની આગામી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ માટે પોતાનાં ખાસ મિત્ર શાહરૂખ ખાનની સામે મુખ્ય અભિનેત્રી તરીકે આ યુવતીને લેવા માંગે છે અને આ માટે તે મોટે પાયે ‘ટેલન્ટ હન્ટ’ નો કાર્યક્રમ કરવાનો છે. આ ફિલ્મના નામ પ્રમાણે આ એક રોમાન્ટીક લવસ્ટૉરી વાળી ફિલ્મ છે, તેથી દિગ્દર્શક આ ફિલ્મમાં પારંપારિક ભારતીય ચહેરો ધરાવતી યુવતીને લેવા માંગે છે. આ યુવતી સારી તો દેખાવી જોઇએ, સાથોસાથ તેનો ચહેરો તાજગીભર્યો હોવો જોઇએ, ઉપરાંત તેનું શરીર એક એથ્લેટીક જેવું હોવું જોઇએ અને તે ૨૦ થી ૨૪ વર્ષની વચ્ચેની ઉંમરની હોવી જોઇએ. આગામી થોડાં અઠવાડિયામાં આ પ્રકારની યુવતી શોધવા માટે દેશના વિવિધ શહેરોમાં ફિલ્મની પ્રોડકશન ટીમ દ્વારા ઓડીશન રાખવામાં આવશે.
યશરાજ ફિલ્મ્સમાંના એક સુમાહિતગાર સાધનના જણાવ્યા પ્રમાણે, ‘આ વખતે આદિત્ય ચોપરા પોતાની ફિલ્મમાં નવો ચહેરો ચમકાવવા માંગે છે, તે શાહરૂખની સામે પારંપારિક ભારતીય સુંદરતા ધરાવનારી યુવતીને હિરોઇન તરીકે લેવા માંગે છે.’
|