નૌકાદળના જહાજમાં ઝેરી વાયુના ગળતરથી પાંચનાં મૃત્યુ
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨
ભારતીય નૌકાદળના જહાજ આઇએનએસ ‘જલાશ્વ’માં થએલાં નૌકાદળનાં પાંચ કર્મચારીઓનાં મોત જહાજના એક કમ્પાર્ટમેન્ટમાંથી ગળી રહેલો ગેસ શ્વાસમાં લેવાથી થયું હતું.
આ ઇલેકિટ્રશિયનો તેમજ જાળવણી નિષ્ણાતો ગેસ કયાંથી લીક થઇ રહ્યો છે તેની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમનાં શ્વાસમાં હાઇડ્રોજન સલ્ફાઇડ જવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં. બંગાળના ઉપસાગરમાં બનેલી આ દુર્ઘટનાના એક દિવસ પછી નૌકાદળના એક પ્રવકતાએ આજે જણાવ્યું હતું.
‘આ કર્મચારીઓ જહાજની જાળવણી માટેનું કામ કરી રહ્યા હતા. તેમનાં મૃત્યુ આગ કે અન્ય કોઇ કારણે નહિ પરંતુ શ્વાસમાં ઝેરી ગૅસ લેવાને કારણે થયાં હતાં.’ તેમ આ પ્રવકતાએ કહ્યું હતું.
નૌકાદળના બીજા નંબરના સૌથી મોટા અને ૭૨૦૦ ટન વજનના આ જહાજની ખરીદી તાજેતરમાં અમેરિકા પાસેથી કરવામાં આવી તી. અમેરિકામાં તેનું નામ યુએસએસ ટ્રેન્ટન હતું.
બંગાળના ઉપસાગરમાં યોજાયેલા નૌકાદળની વાર્ષિક કવાયત દરમિયાન આ દુર્ઘટના બની હતી. મૃત ખલાસીઓને કે.વી.આર. કૃષ્ણરાવ, ડી.આર. કુમાર ચૈતન્ય, રમેશકુમાર નાયક, દીપક શિવરન અને નરેન્દ્ર યદાવ તરીકે ઓળખાવવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં લેફટેનન્ટ રૂચિર પ્રસાદ, લેફટેનન્ટ કમાન્ડર શ્વેત ગુપ્તા અને ઇલેકિટ્રશિયન યતિશ પવાર ઇજા પામ્યા હતા. તેમને ઘટના સ્થળેથી વિમાન માર્ગે પોર્ટ બ્લેર લઇ જઇને લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
|