ચૂંટણી કમિશનર ચાવલાને બચાવવા બંધારણીય સુધારાનો સરકારનો પ્રયાસ
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨
એનડીએ દ્વારા ચૂંટણી કમિશનર નવીન ચાવલાને તેમના હોદ્દા પરથી દૂર કરવાની માગણીને પગલે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે તેમને બચાવવા બંધારણમાં સુધારો કરવાની વિચારણા કરી છે.
સંસદમાં વિપક્ષ એનડીએના ૨૦૦ સભ્યો હોવાથી બંધારણીય સુધારો પસાર થવાની શક્યતા નહિવત્
મુખ્ય ચૂંટણી કમિશનર પાસે ચાવલાને દૂર કરવાની સત્તા છે તેવી ભાજપની માગણીના સંદર્ભમાં કાયદાપ્રધાન ભારદ્વાજે કહ્યું કે આ માગણી રાજકીય છે અને મને ચાવલાની કામગીરીથી પૂરો સંતોષ છે. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે અન્ય બે ચૂંટણી કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની સમકક્ષ લાવી શકાય તેમ છે. જો આ અંગે બંધારણી સુધારો લાવવામાં આવે તો આવું શક્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જોકે આ બાબતે ભાજપે તત્કાળ પ્રતિભાવ આપતા જણાવ્યું કે કોંગ્રેસની નજીક મનાતા ચાવલાને બચાવવા માટે આવું કોઈ પગલું લેવામાં આવશે તો તે બંધારણ સાથે ગંભીર ઉલ્લંઘન થશે. આવી કોઈપણ હિલચાલનો ભાજપ સખત વિરોધ કરશે તેમ પક્ષના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું હતું.
નોંધપાત્ર છે કે લોકસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના આશરે ૨૦૦ જેટલા સભ્યો હોવાથી ચૂંટણીપંચની વ્યવસ્થામાં કોઈપણ ફેરફાર કરવા માટેનો બંધારણીય સુધારો પસાર થવાની શક્યતા સાવ નહિવત્ છે.
|