સફરજન, નારંગી અને કેળાં યાદશક્તિ વધારવામાં મદદરૂપ
ન્યૂયોર્ક, તા. ૨
તાજાં શાકભાજી અને ફળો સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ હોવાનું તબીબો અને અન્ય આરોગ્ય નિષ્ણાતો વારંવાર કહેતા રહ્યા છે. હવે આ દિશામાં આગળ સંશોધન થયું છે અને એવું કહેવામાં આવે છે કે સફરજન, કેળા તેમજ નારંગી જેવાં ફળો મગજને થતું નુકસાન અટકાવવા માટે સક્ષમ છે. જેને પગલે છેવટે વ્યક્તિની યાદશક્તિમાં પણ વધારો થઈ શકે છે તેમ આ ફળો અને તેનાં તત્વો વિશે સંશોધન કરનાર વિજ્ઞાનીઓ માને છે.
વિટામિન, ફાઈબર અને ખનીજ તત્વો ધરાવતાં ફળો મગજનું રક્ષણ કરવા માટે સક્ષમ હોવાનું સંશોધન
અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા સંશોધન પ્રમાણે સફરજન, કેળા અને નારંગીમાં વિટામિન, ખનીજ તત્વો તેમજ ફાઈબરનું નોંધપાત્ર પ્રમાણ હોવાથી આરોગ્ય માટે અત્યંત ઉપયોગી છે. આ ત્રણ ફળો પૈકી સફરજનમાં સૌથી વઘુ એન્ટીઓક્સીડન્ટ હોય છે જ્યારે કેળામાં તેનાથી થોડા ઓછા અને નારંગીમાં તેના કરતાં ઓછા પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે તેવું સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. આ નવા સંશોધન અંગે આરોગ્યલક્ષી વેબસાઈટ ‘‘મેડિકલ ન્યૂઝ ટુડે’’ ઉપર મૂકવામાં આવેલા અહેવાલ પ્રમાણે ન્યૂયોર્કની કોરનેલ યુનિવર્સિટી તેમજ દક્ષિણ કોરિયાની અન્ય કેટલીક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ સાથે મળીને આ સંશોધન હાથ ધર્યું છે. આ સંશોધનકારોએ કેન્સર સેલને આ ત્રણ ફળોમાંથી મેળવવામાં આવેલા રાસાયણિક તત્વોના એક પ્રકાર - ફેનોલિક્સની સાથે મૂક્યા હતા. આ પછી વિજ્ઞાનીઓએ એ સેલનેેે - સેલ, ટિસ્યૂ કે અંગને પ્રત્યાઘાતી ઓક્સીજન સ્પીસિસથી થતા નુકસાન માટે વપરાતી સામાન્ય ભાષા ઓક્સીડેટિવ સ્ટ્રેસમાં મૂક્યા હતા. પ્રયોગના અંતે સંશોધકોએ નોંઘ્યું કેે આ ફળોએ ઓક્સીડેટિવ સ્ટ્રેસને કારણે નુકસાન પામેલા સેલને નાશ પામતાં બચાવી લીધાં હતાં.