ડૅલ અમેરિકા અને કેનેડામાં ૧,૨૦૦ કર્મચારીને છૂટા કરશે
ઓસ્ટિન, તા. ૨
અમેરિકાની મોટી કોમ્પ્યુટર ઉત્પાદક કંપની ડૉલ ઈન્કૉર્પોરેટેડે ૧૨૦૦ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. આમાંથી ૯૦૦ જેટલા કર્મચારીઓ અત્યારે કેનેડાના એક કૉલસેન્ટરમાં કામ કરે છે.
વેપારને સરળ બનાવવા અને કાર્યદક્ષતામાં સુધારા માટે છટણીનો નિર્ણય લેવાયો હોવાનો કંપની દાવો
મે માસ પછી ડૅલે કરેલી કર્મચારીઓની આ સૌથી મોટી છટણી છે. મેમાં કંપનીએ પોતના લગભગ દસ ટકા નોકરિયાતોને છૂટા કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ઓકટોબરના અંત સુધી આખી દુનિયાના દેશોમાં તેની શાખાઓમાં કુલ ૮૮,૫૦૦ કર્મચારીઓ હતા.
ગુરૂવારે ડેલે જણાવ્યું હતું કે જુલાઇના અંત સુધીમાં તે કેનેડાનું એડમન્ટનસ્થિત કોલ સેન્ટર બંધ કરી દેશે. આ ઉપરાંત કેનેડાના ઓકલાહોમા સિટી, ઓટાવા અને ઑન્ટારિઓના કૉલ સેન્ટરોમાં પણ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત ડેલે કરી હતી.
ગુરૂવારે ડેલનું નાણાંકીય વર્ષ પૂરું થયું ત્યારે ઓકલાહામા સિટી અને ઓટાવામાં કર્મચારીઓની છટણી વિશેની અફવાઓ વહેતી થઇ હતી. ડૅલના પ્રવકતા ડેવિડ ફ્રનિકે ગઇ કાલે જણાવ્યું હતું કે છટણીની પ્રક્રિયા પાછળ વેપારને વઘુ સરળ બનાવવાનો અને કાર્યદક્ષતા વધારવાનો ઉદ્દેશ છે.
ગયા વર્ષે અમેરિકાના ઓરેગોનમાં આપેલા રોઝબર્ગનાં તેમજ વાકોની નજીકના વેચાણ કેન્દ્રોમાં ૪૮૦ કામદારોને છૂટા કર્યા હતા. ડૅલે આ સપ્તાહે પણ એવી જાહેરાત કરી હતી કે એડમોન્ટનનું કૉલ સેન્ટર બંધ કર્યા પછી તેનું કામકાજ દુનિયાનાં ૨૫ કૉલ સેન્ટરો દ્વારા થશે.