|
બ્રિટનમાં એનઆરઆઇ ડોકટરને બળાત્કાર બદલ ૧૧ વર્ષની જેલ
(પી.ટી.આઇ.) લંડન, તા. ૨
પોતાની સંભવિત ભારતીય ભાવિ પત્નીને નશાની દવાઓ આપીને તેની પર બળાત્કાર કરનાર અને તે પછી અન્ય સ્ત્રી સામે જ આવો ગુનો આચરવાનો પ્રયાસ કરનાર એક બિનરહીશ ભારતીય (એનઆરઆઇ)ને બ્રિટનમાં ૧૧ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
ભારતીય ડૉકટર લગ્નવિષયક વેબસાઇટો પર ખોટાં નામો આપી મહિલાઓને ભરમાવતો હતો
૫૩ વર્ષના અનિલ તંગોત્રાએ લગ્ન વિષયક વેબસાઇટો પર પોતાના ખોટા નામ આપીને અને એરલાઇનો પર બુદ્ધિપૂર્વકના વાક્યો અને કવિતાઓનો ઉપયોગ કરીને આ બંને સ્ત્રીઓને ભરમાવી હતી. ૩૦ વર્ષની આસપાસની વયની આ બંને સ્ત્રીઓને તેણે ઇસેક્સમાં આવેલા પોતાના ઘેર બોલાવી હતી અને તેમના ખોરાક અને પીણામાં નશીલી દવાઓ ભેળવ્યા પછી તેમના પર હુમલો કર્યો હતો તેમ અખબાર ‘ડેઇલી ટેલીગ્રાફ’ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. પૂર્વ લંડનની સ્નેર્સબુક કાઉન્ટી કોર્ટની જ્યુરીએ તંગોત્રાને તેના ગુનાનો પહેલો ભોગ બનનારી સ્ત્રી પર ૨૦૦૬માં બળાત્કાર કરવા બદલ ગુનેગાર ગણાવ્યો હતો. ૨૦૦૭મા બીજી સ્ત્રી પર જાતીય હુમલો કરવા બદલ તેમજ બળાત્કારનો પ્રયાસ કરવા બદલ તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.
બે બાળકોના પિતા તંગોત્રાએ જજ વિલિયમ કેનેડીએ ફરમાવેલી સજાનો કોઇ પ્રતિભાવ આપ્યો નહોતો. બળાત્કારના પ્રયાસનો ભોગ બનેલી બીજી સ્ત્રીએ જણાવ્યું હતું કે તે તંગોત્રાને મળવા તેના ઘેર ગઇ તે પછી તેણે તેની સાથે ‘કોલગર્લ’ના જેવો વ્યવહાર કર્યો હતો. આ યુવાન સ્ત્રી બ્રિટનમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે બીજી સ્ત્રીએ ભારે આક્રંદ કરતા જણાવ્યું હતું કે નશીલા દ્રવ્યોની અસરમાંથી હું બહાર આવી ત્યારે મેં જોયું કે આ પરિણીત ડોકટર મારી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરતો હતો.
|