home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

કોલંબિયાના અવકાશ વિજ્ઞાનીઓની યાદમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

(પીટીઆઈ) હ્યુસ્ટન, તા. ૨

પાંચ વર્ષ પહેલાં કોલંબિયા અવકાશયાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય મૂળનાં કલ્પના ચાવલા તથા અન્ય છ અવકાશ વિજ્ઞાનીઓની યાદમાં અમેરિકામાં શ્રદ્ધાંજલિ સભા (મેમોરિલ) યોજવામાં આવી હતી. આ સભામાં તમામ સાત એસ્ટ્રોનૉટને લાગણીસભર અંજલિ આપવામાં આવી હતી.

પાંચ વર્ષ પહેલાં અવકાશયાન તૂટી પડતાં ભારતીય મૂળનાં કલ્પના ચાવલા સહિત સાત એસ્ટ્રોનૉટ મૃત્યુ પામ્યાં હતાં

૨૦૦૩ની પહેલી ફેબુ્રઆરીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી પરત ફરી રહેલું અવકાશ યાન કોલંબિયા પૃથ્વી ઉપર પહોંચવાની માત્ર ૧૬ મિનિટ પહેલાં તૂટી પડ્યું હતું અને તેમાં સવાર કલ્પના ચાવલા સહિત સાત અવકાશ વિજ્ઞાની મૃત્યુ પામ્યાં હતાં. એ લોકોની યાદમાં અમેરિકાના ફ્‌લોરિડા સ્થિત નાસાના કેનેડી અવકાશ કેન્દ્ર ખાતે એક કલાકની મેમોરિયલ સેરેમની (શ્રદ્ધાંજલિ સભા)નું આયોજન થયું હતું. તેમાં મૃત્યુ પામેલાં અવકાશ વિજ્ઞાનીઓના પરિવારજનો ઉપરાંત નાસાના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના અઘ્યક્ષ જી માધવન નાયર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કોલંબિયા દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં તમામ અવકાશ વિજ્ઞાનીઓની યાદમાં કેનેડી અવકાશ કેન્દ્ર ખાતે પથ્થરનું એક સ્મારક સ્થાપવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલિનો પ્રારંભ કોલંબિયાના કમાન્ડર રિક હસબન્ડનાં વિધવા એવેલીન હસબન્ડ-થોમ્પસને અંજલિ આપી હતી. અત્યંત લાગણીસભર અંજલિ આપતાં તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટના થઈ તે દિવસે તમામ પરિવારજનો ઉપર જાણે આભ તૂટી પડ્યું હતું. તાજેતરમાં પુનઃ લગ્ન કરનાર એવેલીને કહ્યું કે તેમને હજુ તેમના પતિની ખોટ સાલે છે.

આ કાર્યક્રમમાં પ્રમુખ જ્યોર્જ બુશ તેમજ તેમનાં પત્ની લોરા બુશ જાતે હાજર રહ્યાં નહોતા પરંતુ એક સંદેશા દ્વારા અવકાશ વિજ્ઞાનીઓ - વિલિયમ મેકૂલ, માઈકલ એન્ડર્સન, કલ્પના ચાવલા, ડેવિડ બ્રાઉન, લોરેલ ક્લાર્ક તેમજ ઈઝરાયેલના ઈલાન રેમોનને અંજલિ આપી હતી. પોતાના સંદેશામાં પ્રમુખ તથા ફર્સ્ટ લેડીએ જણાવ્યું હતું કે, અવકાશ સંશોધન એ માનવજાતની રગેરગમાં વ્યાપેલું એક સ્વપ્ન છે, અને કોલંબિયાના સાત બહાદુર અવકાશ વિજ્ઞાનીઓએ તેમના જીવનનું બલિદાન આપ્યું જેથી બાકીની માનવજાત એ સ્વપ્નને સાકાર કરી શકે.

Copyright   © Gujarat Samachar