હાલની કટોકટી માત્ર ટ્રેલર ચીનમાં ભયંકર હિમવર્ષા અને કાતિલ ઠંડીની ચેતવણી
(પીટીઆઈ) બીજિંગ, તા. ૨
૫૦ વર્ષના ગાળામાં સૌથી ગંભીર બરફના તોફાનનો સામનો કરી રહેલા ચીનમાં આગામી થોડા દિવસમાં હજુ વઘુ ભારે હિમવર્ષા થઈ શકે છે અને સ્થિતિ વણસી શકે છે તેવી ચેતવણી આજે સત્તાવાળાઓએ ઉચ્ચારી હતી.
૫૦ વર્ષના સૌથી ગંભીર બરફના તોફાનનો ભોગ બનેલા ચીનમાં નવમી સુધી વાતાવરણ યથાવત્ રહેશે
હિમવર્ષાની વર્તમાન કટોકટીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૬૦ માણસોનો ભોગ લીધો છે. સૌથી મુશ્કેલ સમયગાળો હજુ પૂરો થયો નથી. પરિસ્થિતિ હજુ કફોડી છે, તેમ સ્ટેટ કાઉન્સિલે જણાવ્યું હતું. છેલ્લા થોડા દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે ખોરવાઈ ગયેલી ટ્રાફિક વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવા માટે સ્થાનિક સત્તાવાળાઓને ભારે મહેનત કરવી પડે છે. ૧૦ લાખ જેટલા લશ્કરી દળો તેમજ અનામત દળો ઠેરઠેર જામી ગયેલા બરફના થર સાફ કરીને અસરગ્રસ્ત લોકોને રાહત આપવા તેમજ ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર અને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે પહોંચી ગયા છે. આવા સંજોગોમાં ચીની સત્તાવાળાઓએ દહેશત વ્યક્ત કરી છે કે દક્ષિણમાં હજુ વઘુ બરફ અને કાતીલ ઠંડી પડી શકે છે. દક્ષિણ ચીનમાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા બરફના તોફાનને કારણે ઊભો પાક નાશ પામ્યો છે, વીજળીની લાઈનોને નુકસાન થયું છે તેમજ પરિવહન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પ્રમુખ હુ જિન્તાઓએ પોતે લશ્કરને અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં કોઈ પ્રયાસ બાકી ન રાખવા લશ્કરને આદેશ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની આ અસાધારણ ઠંડીને કારણે ઓછામાં ઓછા ૬૦ માણસો માર્યા ગયા છે અને ૭.૫ અબજ ડૉલર કરતાં વઘુનું નુકસાન થયું છે. રેલવે અને માર્ગ વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે જેને કારણે લાખો લોકો વિવિધ સ્ટેશને અટવાઈ ગયા છે. લાખો ચીની નાગરિકો નવા વર્ષની ઉજવણી કરવા પોતાના ઘર તરફ રવાના થયા તે જ સમયે બરફના તોફાનો થતાં સ્થિતિ અસામાન્ય બની ગઈ છે.
દરમિયાન ચીનની કેન્દ્રીય હવામાન કચેરીએ આગાહી કરી છે કે બરફના તોફાનની આવી ગંભીર સ્થિતિ હજુ આઠમી કે નવમી ફેબુ્રઆરી સુધી યથાવત્ રહેશે એટલું જ નહિ પરંતુ હિમવર્ષા બંધ થયા પછી પણ ઠંડીમાં રાહત મળવાની સંભાવના ઓછી છે.
|