સંક્ષિપ્ત સમાચાર
સી.બી.આઇ. જજ તરીકે સોનિયા ગોકાણીની નિમણૂક
અમદાવાદ,
સિટી સિવિલ કોર્ટના ચેમ્બર જજ તરીકે ફરજ બજાવતા સુશ્રી સોનિયા ગોકાણીની સી.બી.આઇ. કોર્ટના જજ તરીકે શ્રી પી.પી.ભટ્ટના સ્થાને નિમણુંક કરવામાં આવતા તેઓએ આજે પોતાનો નવો હોદ્દો સંભાળી લીધો છે.
સી.બી.આઇ.જજ શ્રી પી.પી.ભટ્ટની ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં સુશ્રી ગોકાણી પોટા કોર્ટ જજ તરીકે ફરજ બજાવતા હતા અને ગોધરાકાંડ, બીજલ જોષી બળાત્કાર કેસ સહિતના સંખ્યાબંધ સંવેદનશીલ કેસ તેઓને ફાળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચૂંટણીપૂર્વે તેઓની નિમણૂક ગુજરાત હાઇકોર્ટમાં રીક્રુટંિગ વિભાગના રજિસ્ટ્રાર તરીકે કરવામાં આવી હતી. પરંતુ પાછળથી આ હુકમ સ્થગિત કરવામાં આવ્યો હતો અને તેઓને સિટી સિવિલ કોર્ટમાં ચેમ્બર જજ તરીકે મૂકવામાં આવ્યા હતા. સી.બી.આઇ. કોર્ટ જજ શ્રી પી.પી.ભટ્ટની નિમણૂક હાઇકોર્ટ રજિસ્ટાર જનરલ તરીકે થતાં તેઓના સ્થાને સુશ્રી ગોકાણીની નિમણૂક કરવામાં આવી છે.
ઠંડીઃ ૯.૪ ડીગ્રી
અમદાવાદ,
શહેરમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૬.૨ સેં.ગ્રે.ડીગ્રી રહ્યું હતુ. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં ૪ ડીગ્રી ઓછુ હતુ. દિવસ દરમ્યાન પવનની ગતિ કલાકના ૪ કિલોમીટરની રહી હતી. ગઇ રાતે ઠૅંડીનું પ્રમાણ ૯.૪ સેં.ગ્રે. ડીગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૪ ડીગ્રી ઓછુ હતુ. રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનું પ્રમાણ આ મુજબ હતુ. ભૂજ ૯.૪, નલિયા ૫.૧, રાજકોટ ૧૦.૭, ભાવનગર ૧૦.૫, દ્વારકા ૧૬.૮, પોરબંદર ૧૦, ઓખા ૧૬.૮, વેરાવળ ૧૨.૩, ડીસા ૫.૮, વડોદરા ૮.૯ અને સુરત ૧૧.૬ ડીગ્રી.
૨૮ વર્ષે પાંચ શુક્રવાર સાથેનો ફેબુ્રઆરી મહિનો
અમદાવાદ,
આજે શુક્રવારથી ફેબુ્રઆરી મહિનો શરૂ થયો છે અને ૨૮ વર્ષ પછી પહેલી વાર આ મહિનામાં પાચ શુક્રવાર છે. મહિનાની શરૂઆત અને અંત - શુક્રવારે જ છે. આવા પાંચ શુક્રવાર સાથેનો ફેબુ્રઆરી હવે પછી ૨૮ વર્ષે આવશે. આ વખતે લીપ ઈયર છે એટલે ફેબુ્રઆરી મહિનાની ૨૯ તારીખો છે અને વર્ષના ૩૬૫ નહીં પણ ૩૬૬ દિવસો રહેશે. આવું દર ચાર વર્ષે બનતું હોય છે.
ગાંજાના કેસમાં ૭ વર્ષની કેદ
અમદાવાદ,
ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ શ્રી આર.આર.ભટ્ટે અમરાઇવાડીના શીવરાજ વાલેકરને ૧૨ કીલો ગાંજો રાખવા બદલ દોષિત ઠરાવીને સાત વર્ષની કેદ અને રૂા.૫૦હજારનો દંડ ફરમાવ્યો છે.પોલીસે ેઅમરાઇવાડીમાં રહેતા શીવરાજ વાલેકરને તા.૩-૩-૦૬ના રોજ ૧૨ કિલો ગાંજા સાથે પકડ્યો હતો.
વરરાજા જોડે બગીમાં બેઠેલી બહેનના દાગીના ચોરાયા
અમદાવાદ,
લગ્નના વરઘોડામાં વરરાજાની સાથે બગીમાં બેસેલ એક મહિલના સોનાના દાગીના સાથેના પર્સની ઉઠાંતરીનો બનાવ બન્યો હતો.
ગુજરાત કોલેજ પાસે આશિષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કોમલબેન ધર્મેશભાઈ આડેસરા ગત તા. ૨૯મીની સાંજે તેમના ભાઈના લગ્ન નિમિત્તેના વરઘોડામાં બગીમાં બેસીને ફન રીપલબ્લીકન સિનેમા નજીકના લગ્ન સમારોહ સ્થળે આવ્યા હતા. દરમ્યાન તપાસ કરી તો બગીમાં મૂકેલા તેમના પર્સમાંથી કોઈએ રૂા. ૮૯,૨૦૦ની કંિમતના સોનાના દાગીના સાથેના પર્સની ઉઠાંતરી કરી લીધી હતી.
અન્ય એક બનાવમાં કાલુપુર રેલવે સ્ટેશનના આઉટ ગેટ પાસે ગઈકાલે સાંજે બન્યો હતો. જેમાં સુરેન્દ્રનગરના રાજેન્દ્રસંિહ વેળુભા જાડેજા સ્ટેાશને ઊતરીને પત્ની સાથે બહાર આવ્યા ત્યારે કોઈએ નજર ચુકવીને તેમના પત્નીના રોકડ રકમ તથા સોનાના દાગીના મળીને રૂા. ૫૦ હજારની મતાના પર્સની તફડંચી કરી હતી.
કોચરબના પ્લોટો અંગે કલેક્ટર પોલીસ કમિશનરને તપાસના આદેશ
અમદાવાદ,
શહેરના કોચરબ વિસ્તારમાં ત્રણ પ્લોટોમાં કેટલાક હિસ્સાઓનું હંિદુઓએ મુસ્લીમોને વેચાણ કર્યુ હોવાની કોચરબ એલીસબ્રીજ હિત રક્ષક સમિતીની ફરિયાદને ઘ્યાનમાં લઇને રાજ્યના ગૃહવિભાગે અમદાવાદના કલેક્ટર તથા પોલીસ કમિશનરને આ મામલે તટસ્થ અધિકારી મારફતે તપાસ કરાવવાનો લેખિત આદેશ કર્યો છે. અગાઉ કોચરબ વિસ્તારના રહીશોએ સીટી તાલુકાના સદાવાડના ટીપી સ્કીમ નંબર ત્રણના ફાયનલ પ્લોટ ૫૩૪,૫૩૫,૮૫૧માં હંિદુ મિલકતમાં મુસ્લિમો રહેવા આવે તેમ હોવાથી અહીંના સેંકડો રહીશોએ સ્થળાંતર કરવુ પડશે એવી ફરિયાદ કરી હતી જેના પ્રતિસાદમાં ગૃહવિભાગે પોલીસ અને કલેક્ટર રાહે તપાસનો આદેશ કર્યો છે.
આજે વિશ્વ વેટલેન્ડ દિવસઃગુજરાતમાં મહત્વના સાત રાષ્ટ્રીય વેટલેન્ડ છે
અમદાવાદ,
આજે વિશ્વ વેટલેન્ડ દિવસ છે. ગુજરાતમાં ૧૦૦૦ વેટલેન્ડ છે જેમાંના ૪૪૦ દરિયાકિનારા વિસ્તારના અને ૩૯૦ આંતરિક વિસ્તારમાં આવેલા છે. ગુજરાતના સાત વેટલેન્ડને રાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.આમાં નળસરોવર, કચ્છનું નાનુ અને મોટુ રણ, પરિયેજ(આણંદ), વઢવાણા(વડોદરા), થોળ અને ખીજડીયા(જામનગર)નો સમાવેશ થાય છે. સાયન્સ સિટીમાં આજે વર્લ્ડ વેટલેન્ડ ડે નિમીત્તે સવારે ૧૧થી ૧ વિડીયો ફીલ્મ, સ્લાઇડ શો તથા ક્વીઝ જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
શાહરુખને ઘૂ્રમપાન વિરોધી ઝુંબેશમાં જોડાવા અપીલ
અમદાવાદ,
ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસીએશનની ગુજરાત શાખાએ સ્ટાર અભિનેતા શાહરુખખાનને એક તાર પાઠવીને અપીલ કરી છે કે તે ઘૂ્રમપાન છોડી દે અને ઘૂ્રમપાન વિરોધી ઝૂંબેશમાં જોડાઈને એને ચાહતા લાખો યુવાનો માટે રોલમોડલ બને. તારમાં જણાવ્યા મુજબ એના ચાહકો લગીરે નથી ઈચ્છતા કે ઘૂ્રમપાનના કારણે વહેલુ મૃત્યુ થાય કેમ કે વિશ્વમાં થતાં કુલ મૃત્યુમાં ૨૦ ટકા હિસ્સો તમાકુ-ઘૂમ્રપાનથી થતા મોતનો છે.
સેક્સ કૌભાંડની સૂત્રધાર સીમાખાન ફરાર થઇ ગઇ
અમદાવાદ,
સેક્સ કૌભાંડની સૂત્રધાર સીમાખાન સામે કેસ પેન્ડંિગ છે અને તે જામીન પર છૂટ્યા પછી ફરાર થઇ ગઇ હોઇ કોર્ટમાં તે અંગેનો રીપોર્ટ પોલીસે રજૂ કરતાં ફાસ્ટ ટ્રેક કોર્ટ જજ શ્રી આઇ.એમ.શેખે સીમાખાનના નામનું ધરપકડ વોરંટ જારી કર્યું છે અને સી.આઇ.ડી. ક્રાઇમને તે અંગેનો રીપોર્ટ રજૂ કરવા પણ આદેશ આપ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરા મીઠાખળી વિસ્તારની એક હોટલમાં દરોડો પાડીને સેક્સ કૌભાંડ પકડી પાડ્યું હતું અને તેમાં સીમાખાન અને ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અનૈતિક વેપાર અધિનિયમ હેઠળના આ કેસમાં સીમા ખાન જામીન પર છૂટ્યા બાદ કોર્ટમાં મુદતે ઉપસ્થિત નહીં રહેતા રૂા.૫હજારનો દંડ ફટકાર્યો હતો. આમ છતાં પણ તે કોર્ટમાં હાજર નહીં રહેતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ તેના અંગે તપાસ કરી હતી અને એવો અહેવાલ આપ્યો હતો કે તે દેશ છોડીને ચાલી ગઇ છે. કોર્ટે સીમા ખાન નામનું વોરંટ જારી કરી તેની તપાસ સી.આઇ.ડી.ક્રાઇમને સોંપી છે અને તેને ભારતમાં લઇ આવવા કાર્યવાહી કરવા સૂચવ્યું છે.
ટીવી ચેનલની ઓફિસ પર હૂમલોકરનારા પકડાયા
અમદાવાદ,
મેમનગર ફાયર સ્ટેશન પાછળ આવેલી એન.ડી.ટી.વી. પ્રસારણ સંસ્થાની કચેરી ઉપર ગઈ તા. ૧૯મીના રોજ હુમલો કરીને ચીજવસ્તુઓની તોડફોડ કરવાના બનાવના સંદર્ભમાં આજે સાંજે પોલીસે હિન્દુ સામ્રાજ્ય સંસ્થાના અશોક શર્મા તથા જવલીત મહેતાની ધરપકડ કરી હતી.
અમદાવાદ મ્યુનિ. દ્વારા બજેટ સુધારા માટેની કવાયતનો પ્રારંભ
અમદાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા આગામી વર્ષ માટે રજૂ કરાયેલા બજેટમાં સીધા અને આડકતરા કરવેરા સહિત જંગી કરબોજ લાદતા રૂા.૨૮૦૦ કરોડના બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા સુધારા-વધારા માટેની કવાયત શરૂ થઈ છે. મ્યુનિસિપલ કમિશનર આઈ. પી. ગૌતમ દ્વારા ૨૦૦૮-૦૯ના વર્ષ માટે રજૂ કરાયલા બજેટ અંગે શાસક ભાજપ દ્વારા વિવિધ કમિટીઓના ચેરમેન અને સ્ટેન્ડંિગ કમિટીના સભ્યો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે. આજે યોજાયેલી ભાજપની સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં મ્યુનિ. કમિશનરના બજેટ અંગે પરામર્શ કરાયો હતો. આ બેઠકમાં સાંસદ સુરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સત્તાધારી પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા કર્યા પછી તા.૪ ફેબુ્રઆરીના રોજ આગામી વર્ષના બજેટને અંતિમ ઓપ અપાશે અને ભાજપ મોવડી મંડળ સમક્ષ રજૂ કરાયા પછી તા.૬ ફેબુ્રઆરીના રોજ સુધારેલું બજેટ સ્ટેન્ડંિગ કમિટીમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મ્યુનિસિપલ બજેટ તા.૨૦ ફેબુ્રઆરી પહેલાં મંજૂર કરીને રાજ્ય સરકારમાં મોકલવાનું હોય છે. આથી આગામી વર્ષનું બજેટ સ્ટેન્ડંિગમાં મંજૂર કરાયા પછી ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહમાં મ્યુનિસિપલ બોર્ડમાં મંજૂર કરાશે.
મ્યુનિ. કમિશનર દ્વારા આગામી વર્ષના બજેટમાં કર દર વધારાયા છે અને યુઝર ચાર્જીસ, વેકેન્ટ લેન્ડ ટેક્સ સહિતના નવા વેરા લાદવાની દરખાસ્ત કરાઈ છે. આ બજેટમાં પ્રોપર્ટી ટેકસના દરમાં ૬ વર્ષ પછી વધારો કરાયો હોવાથી રાજકીય અને વ્યૂહાત્મક રીતે સત્તાધારી પક્ષ દ્વારા સુધારો કરાય તેવી શક્યતા છે.