અમદાવાદથી જુનાગઢ જતાં વેપારીને લૂંટનાર ઝડપાયો
અમદાવાદ,
અમદાવાદથી જુનાગઢ જઇ રહેલા વેપારીનું અપહરણ કરી રૂા.૯૦ હજાર લૂંટી લેવાની બનેલી ઘટના અંગે અમદાવાદ રૂરલ પોલીસે ઘનિષ્ઠ તપાસ આદરી મુનાવર ઉર્ફં મુન્ના કમરૂદ્દીન શેખની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી મારૂતી કાર શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
માર્કેટમાં ડુંગળીના વેચાણના ૯૦ હજાર લૂંટી લીધા હતા
આ બનાવની વિગત એવી હતી કે જુનાગઢ જિલ્લાના વડાલ ગામના રવજીભાઇ ધરમશીભાઇ ઘરડેશીયા તા.૧૧-૧-૦૮ના રોજ ડુંગળી લઇને અમદાવાદ આવ્યા હતા અને વાસણ સર્કલ પાસેની એ.પી.એમ.સી.માર્કેટમાં વેચી હતી અને તેના વેચાણના રૂા.૯૦,૪૧૫ લઇને પોતાના વતનમાં જવા માટે માર્કેટથી ઓટોરીક્ષામાં બેસીને સરખેજ ઉજાલા સર્કલ ગયા હતા અને ત્યાં જુનાગઢ જવા માટે બસની રાહ જોવા ઉભા હતા ત્યારે એક મારૂતી ફ્રન્ટી કાર આવી હતી અને તેમાંથી ત્રણ શખસો નીચે ઉતર્યા હતા અને ધરમશીભાઇને ધક્કો મારી કારમાં ખેંચી લઇ અપહરણ કરીને લઇ ગયા હતા. રસ્તામાં તેમની પાસેની રોકડ મતા લૂંટી લઇ નિર્વસ્ત્ર કરી બાવળા પાસેના રજોડા પાટીયા પાસે ફેકી દઇ નાસી છૂટ્યા હતા. રવજીભાઇએ આ બનાવ અંગે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ સ્પશ્યલ ઓપરેશન ગુ્રપના ઇન્સ. એમ.એ.ચૌહાણ અને સ્ટાફે આદરી હતી અને બાતમીના આધારે ચંડોળા ખાતે રહેતા મુનાવર ઉર્ફે મુન્ના (ઠુંઠા) કમરૂદ્દીન શેખને પકડી પાડ્યો હતો. તેના અન્ય બે સાગરીતો અંગે તપાસ ચાલુ છે.
|