ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો
છ નગરપાલિકાની ચૂંટણી માટે ૨૯૬ ઉમેદવારીપત્ર ભરાયાં
નડિયાદ
ખેડા જિલ્લાની છ નગરપાલિકાઓની તથા કઠલાલના ત્રણ વોર્ડની યોજાનાર ચૂંટણી માટે રાજકીય ગરમી વ્યાપી છે. ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થવાના આગલા દિવસે કુલ ર૯૬ ઉમેદવારી પત્રો ભરાયા છે. શનિવારને બીજી ફેબુ્રઆરીએ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભારે પડાપડી રહેશે. કઠલાલના ત્રણ વોર્ડ માટેની પેટા ચૂટણીમાં આજ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. સૌથી વઘુ ફોર્મ ચકલાસી નગરપાલીકામાં ૭ર જયારે સૌથી ઓછા બાલાસીનોર નગરપાલીકા ૧૩ ફોર્મ ભરાયા છે. આમ સાત નગરપાલીકાઓના કુલ પ૧ વોર્ડની ચૂંટણી માટે ર૯૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ ઃ કઠલાલના ત્રણ વોર્ડની પેટા ચૂંટણીમાં એકપણ ફોર્મ ન ભરાયું
આગામી દિવસોમાં ખેડાજીલ્લાની નગરપાલિકાઓમાં ચૂટણીઓ યોજાવાની છે. બાલાસીનોર,મહેમદાવાદ, ચકલાસીમાં નવ વોર્ડમાં મહુધા,ખેડા અને ડાકોરમાં સાત વોર્ડમાં જયારે કઠલાલમાં વોર્ડ નં. ૧,ર તથા ૪ માં પેટા ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકાઓની ચૂંટણીઓને કારણે છ એ નગરપાલિકા વિસ્તારમાં ભારે રાજકીય ગરમી જોવા મળે છે. આ વખતે જુના જ ઉમેદવારો ચુટાશે કે નવા માથા ચુંટાશે એ બાબતે અત્યાર થીજ જેતે નગરપાલીકાઓમાં ચર્ચાઓ ચાલી છે.
ગત વર્ષો દરમ્યાન ડાકોર, મહેમદાવાદ અને કઠલાલ નગર પાલીકાના વહીવટ બાબતે ભારે વિવાદો થયા હતા. મહેમદાવાદ ના માજી મહિલા પ્રમુખે તો પોતાના સભ્યો સામે અપવાસ આંદોલન કર્યુ હતું તેઓએ કેટલાક બુટલેગરો ધાકધમકી થી કામ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. ડાકોર નગરપાલીકા માં પણ ભારે વિવાદો થયા હતા. રસ્તાના કામોમાં, હાઈમાસ્ક પોલમાં, ફાયર ફાઈટર, ઉપપ્રમુખની ખોટી સહી થી રાજીનામુ લખીને મંજુર કરાવ્યાના તથા વોટરપ્યોરીફીકેશન પ્લાન્ટ અંગે ભસ્ટાચારના આક્ષેપો થયા હતા.
આ વખતની ચૂટણીમાં જુના ઉમેદવારો ફરી ઝુકાવશે કે નવા ચહેરા ઝંપલાવશે ફોર્મ ભરવાની મુદત પુરી થવાના આગલા દિવસ સુધી તો મોટા ભાગના જુના સભ્યો એ પુરતો રસ દાખવ્યો નથી. જોકે રાજકીય પક્ષો દ્વારા આજે જ તેમના ઉમેદવારો નકકી કરી આવતી કાલે ફોર્મ ભરાશે એવી ડાકોર માં ચર્ચાઓ છે. આવતી કાલ શનિવાર બીજી ફેબુ્રઆરીએ ઉમેદવારી પત્રો ભરવા માટે પડાપડી થાય તેવી શકયતા છે.
કઠલાલ નગરપાલિકામાં પણ ગેર રીતીના આક્ષેપો થયા હતા. જીલ્લા કલેકટર અને નગરપાલીકા નિયામક સમક્ષ થયેલી રજુઆતોના પગલે વોર્ડ નંબર ૧,ર, તથા ૪ ના સભ્યોને સભ્ય પદે થી દુર કરવાના હુકમો થયા હતા. આ કારણે આ ત્રણ વોર્ડમાં ફરી ચૂંટણી કરવાની છેે જોકે આજ દિન સુધી કઠલાલ માં એક પણ ફોર્મ ભરાયુ નથી. આવતી કાલે કઠલાલમાં બીજા ફોર્મભરાય તેવી શકયતા છે.