કપડવંજમાં રાંધણગેસના કાળાબજારની ફરિયાદો
કપડવંજ
કડકડતી ઠંડીના સમયગાળામાં કપડવંજમાં રાંધણગેસનો કકળાટ સાંભળવા મળે છે. ૨૧ દિવસે સિલીન્ડર નોંધાવ્યા બાદ અઠવાડિયે પંદર દિવસે લોકોને માંડ સિલિન્ડર મળી રહે છે. આ સ્થિતિનો લભ લઈ રૂા.પ૦૦ થી પપ૦ સુધીમાં વેચવામાં આવે છે. આ પ્રવૃતિ કપડવંજમાં અનિયંત્રિત પણે ચાલે છે. છતાય તંત્ર સબ સલામતની બાંગ પોકારે છે.
૨૧ દિવસે સિલિન્ડર નોંધાવ્યા બાદ માંડ ૧૫ દિવસે ડીલીવરી કાળાબજારમાં રૂા. ૫૦૦ થી ૫૫૦નો ભાવ લેવાય છે
છેલ્લા ઘણાં સમયથી સિલીન્ડર નોંધાવ્યા પછી રાહ જોતા બેસી રહેવુ પડે છે. શિયાળામાં આમ પણ ગેસનો ઉપયોગ વઘુ થાય છે. ઉપરાંત લગ્નોની સિજન ચાલે છે. તેથી બાટલા વઘુ વપરાય છે. પરંતુ નાગરિકોને ગેસની એજન્સીઓ ૩૦.૩પ દિવસ પહેલા સિલીન્ડર આપતી નથી. જેના કારણે નાગરીકો મુશીબતમાં મુકાઈ ગયા છે. કપડવંજમાં જુદા જુદા બોર્ડની ત્રણેક એજન્સસી કાર્યરત છે. જેમાં ડબલ બોટલ કનેકશનના હજ્જારો ગ્રાહકો સાથે સંિગલ બોટલ જોડાણવાળા ગ્રાહકો પણ છે.
જેમાં ખાસ કરીને એચ.પી. ના ગ્રાહકો વઘુ છે એમ નાગરીકો માને છે. આ એજન્સી ર૧માં દિવસે જ બાટલો નોંધે છે. આ અંગે કેટલાક ગ્રાહકો જાગૃતિ દર્શાવી પુરવઠા વિભાગમાં પુછપરછ કરે છે. ત્યારે કોઈ ચોકકસ જવાબ મળતો નથી. પણ બાટલા મળે છે ને ? એ ગમે ત્યારે આવે શું થાય તેવા જવાબો આપી પ્રશ્નો ને ટાળવા ના પ્રયત્ન થતા હોય તેમ લાગે છે. ગ્રાહકો કહે છે કે તેમની સમજ પ્રમાણે સરકારી પરીપત્ર મુજબ એજન્સીઓએ ર૧માં દિવસે બાટલો આપી દેવાનો હોય છે. પરંતુ તેના બદલે ર૧માં દિવસે નોંધણી કર્યા બાદ ૧૦.૧પ દિવસે સિલીન્ડર મોકલાવે છે. આને કારણે અછત ઉભી થવા પામે છે. જયારે એજન્સીવાળા કહે છે કંપનીમાંથી પુરવઠો જ ઓછો આવે છે. ત્યારે બજારમાં કાળા બજાર માં રૂ. પપ૦ જેવા ભાવે બોટલ સહેલાઈથી ફરતો જોવા મળે છે. તે કેવી રીતે આવે છે. તે પ્રજાને સમજાતું નથી.
કપડવંજ તાલુકાની આસપાસ સીએનજી ગેસ સ્ટેશન એક પણ નથી. તો ગેસથી ચાલતા વાહનો જેવા કે રિક્ષા,મારૂતિ જેવા વાહનો આવા જ બોટલો બજાર માંથી ખરીદી પોતાના વાહનો ચલાવે છે. તેમને કોટલ કયાંથી મળે છે. હોટલો ચ્હાની લારીવાળા, નાસ્તા હાઉસો પણ કયારેક ગેસની હેરાફેરી કરતા હોય છે. તેમને કયારેક તકલીફ પડતી નથી. તો આમ પ્રજાને જ તકલીફ કેમ ? આ પ્રશ્ન પ્રજાની સમજમાં આવતો નથી.