home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
ફરજિયાત લગ્ન નોંધણીનો અમલ નિષ્ફળ

નડિયાદ

લગ્ન નોંધણી ફરજ્યાત કર્યાના એક મહિના બાદ પણ જિલ્લાના મોટા ભાગના કર્મચારીઓ કે તલાટીઓ આ કાર્યવાહીથી પૂરેપૂરા માહિતગાર નથી. આવી પરિસ્થિતિને કારણે લગ્નની નોંધણી ઘણાં ઓછા પ્રમાણમાં થઇ છે. ખેડા જિલ્લાની અગિયાર નગરપાલિકાઓ પૈકી માત્ર નડિયાદ નગરપાલિકામાં ૧૭ લગ્નો નોંધાયા છે અને તે પણ છેલ્લા સાત દિવસમાં.કપડવંજ અને બાલાસિનોર નગરપાલિકા તો આ બાબતે ભારે બેદરકારી દાખવે છે. લગ્ન નોંધણી વિભાગના કર્મચારીઓને પૂરતી માહિતી નથી. અને નાગરિકોને ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

૧૧ પાલિકાઓ પૈકી નડિયાદમાં સાત દિવસમાં ૧૭ લગ્ન નોંધાયાં ખેડા જિલ્લામાં તલાટીઓ અને કર્મચારીઓ જ નિયમથી અજાણ

રાજ્ય સરકારે ગત્‌ પહેલી ડિસેમ્બરથી લગ્નની નોંધણી ફરજ્યાત બનાવી છે. જ્યારે સરકારે આવી જાહેરાત કરી ત્યારે ખેડા જિલ્લામાં અનેક અમલદારોને અને ખાસ તો ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ પૂરતી માહિતી નહોતી. અને ભારે કન્ફ્‌યુઝન જોવા મળ્યું હતુ. આ સમયે ઉચ્ચ અધિકારીઓએ એકાદ અઠવાડીયામાં વ્યવસ્થા ગોઠવાઇ જશે એવી હૈયાધારણા આપી હતી. તેને બદલે એક મહિનો થવા છતાં હજુ પૂરતી વ્યવસ્થા ગોઠવાઇ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓને લગ્નની નોંધણી કેવી રીતે કરવી અને તેના માટે શું દસ્તાવેજો જોઇએ તે અંગેની ખાસ કોઇ માહિતી નથી. આ કારણે એન.આર.આઇ.ડોમીનેટેડ ખેડા જિલ્લામાં એન.આર.આઇઓને ભારે તકલીફ પડે છે.

ખેડા જિલ્લાની ૧૧ નગરપાલિકાઓ પૈકી ચકલાસી તથા મહુધામાં એકપણ લગ્નની નોંધણી થઇ નથી. જ્યારે કણજરી,કઠલાલ,મહેમદાવાદ અને ખેડા નગરપાલિકામાં આખા મહિના દરમ્યાન માત્ર એક જ લગ્નની નોંધણી થઇ છે. નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓને પણ કોઇ માહિતી નથી. તાજેતરમાં જ ઠાસરા તથા બાલાસિનોર તાલુકાના તલાટીઓની આ અંગે એક મીટીંગ થઇ હતી. આ મીટીંગમાં તેઓને સમજ અપાઇ હતી. આમ છતાં હજુ પણ ભારે કન્ફ્‌યુઝન જોવા મળે છે. ખેડા જિલ્લાના ઠાસરા નગરપાલિકામાં ૪,ડાકોર નગરપાલિકામાં ૪, કણજરી નગરપાલિકામાં ૧ લગ્નો નોંધાયા છે. જ્યારે કાલસર અને માસરા જેવા નાના ગામોમાં એક એક લગ્નો નોંધાયા છે. ઠાસરા વિસ્તારમાં જ પચ્ચીસથી વઘુ લગ્નો થયા છતાં માત્ર ૪ જ નોંધાયા છે. નડિયાદમાં જ છેલ્લા મહિના દરમ્યાન સીત્તેરથી વઘુ લગ્નો થયાનો અંદાજ વાડીઓ તથા પાર્ટીપ્લોટના બુકીંગ પરથી મળે છે.જ્યારે રપ જાન્યુઆરી સુધી તો એક પણ લગ્ન નોંધાયું નહોતુ અને રપથી ૩૧ જાન્યુઆરી વચ્ચે ૧૭ લગ્નો નોંધાયા છે. ખેડા જિલ્લાની બાલાસિનોર અને કપડવંજ નગરપાલિકા આ બાબતે ભારે બેદરકારી દાખવે છે. આ વિસ્તારના નાગરિકો નગરપાલિકાના લગ્નનોંધણી વિભાગના કર્મચારીઓ ભારે ઉદ્ધત જવાબ આપતા હોવાનું અને વારંવાર ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ કરી છે. બીજા પક્ષે નાગરિકો પણ હજુ પૂરતા જાગૃત નથી. તેઓને લગ્ન નોંધણી કરાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે તેની માહિતી મળતી નથી.

ચરોતરના બીજા મોટા શહેર આણંદ નગરપાલિકાની કાર્યવાહી બાબતે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. આણંદ નગરપાલિકામાં લગ્ન અંગેના સર્ટીફીકેટ ન મળતા અનેક નાગરિકોને ઝઘડા થાય છે. નડિયાદના અનેક લોકોના લગ્નો આણંદ વિસ્તારમાં થયા છે. અને તેઓ જ્યારે સર્ટીફીકેટ માટે જાય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ પૂરતો સહકાર આપતા નથી. હાલમાં અનેક એનઆરઆઇ આવ્યા છે અને તેઓને જરૂરી કાયદાકીય વિધી માટે સર્ટીફીકેટની જરૂર છે ત્યારે જ આણંદ નગરપાલિકામાંથી સર્ટીફીકેટ જલ્દી મળતા નથી તેવી ફરિયાદ કરી છે.

Copyright   © Gujarat Samachar