|
સરકાર દ્વારા અંગ્રેજી શીખવવા શરૂ કરાયેલા ‘સ્કોપ’ નું સર્ટિફિકેટ મેળવનારને શિક્ષકની ભરતીમાં વઘુ ગુણ અપાશે
અમદાવાદ,
ગુજરાત માઘ્યમિક શિક્ષણ બોર્ડની તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં અંગ્રેજી સાથે બી.એડ કરનારા વિદ્યાર્થીઓ સ્કોપનું સર્ટિફિકેટ મેળવે તો તેમને નોકરીમાં એક વધારાનો ગુણ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.ં જયારે અંગ્રેજી વિષય સિવાય બી.એડ કરનારા વિદ્યાર્થીઓને પણ આ પ્રમાણે લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કેમ્બ્રિજનો ડીપ્લોમાં કોર્સ કરનારને આચાર્યની ભરતી માટે બે ગુણ ઃ વેકેશનમાં શિક્ષકો માટેે ફરજિયાત અંગ્રેજીની તાલીમ
પ્રાપ્ત વિગતો અનુસાર ભવિષ્યમાં શિક્ષક બનનારા વિદ્યાર્થીઓનું અંગ્રેજી સારુ રહે તે માટે આગામી ઉનાળાની રજાઓમાં શિક્ષકો માટે અંગ્રેજીના ખાસ વર્ગો ચાલુ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય સિવાય અન્ય વિષય સાથે બી.એડ થયા હોય અને આ વિદ્યાર્થીઓએ અંગ્રેજી ભાષાના વિકાસ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્કોપ કાર્યક્રમમાં ભાગ લઇને બી-૧નું સર્ટિફિકેટ મેળવ્યું હોય તેઓને પણ નોકરીમાં એક વધારાનો ગુણ આપવામાં આવશે.
આ ઉપરાંત જે તે કોલેજોમાં આચાર્ય માટે અરજી કરનારા ઉમેદવારોએ કેમ્બ્રીજનો ડીપ્લોમા કોર્સ કર્યો હોય તેમને નોકરી માટે વધારાના બે ગુણ આપવામાં આવશે. આચાર્ય બનતાં પહેલા જે તે ઉમેદવાર અંગ્રેજી સારુ બને તે માટે ડીપ્લોમા કોર્સ કરે તેવા ઉદ્દેશ્યથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી નોકરીમાં જોડાનારા ઉમેદવારો માટે આ પ્રણાલિકા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ વિદ્યાર્થીઓનું અંગ્રેજી સારુ થાય તે માટે સ્કોપ ના કલાસો શરૂ કરવામાં આવ્યા છે.
|