બીજ નિગમ ખાસ વળતર સાથે બીટી કપાસનું બિયારણ આપશે
ગાંધીનગર,
ગુજરાતમાં બી.ટી. કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ખરીફ- ૨૦૦૮ ૠતુમાં નિષ્ણાતો દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ઉચ્ચ ગુણવત્તાવાળું બીજધન-૧ (બોલગાર્ડ-૧), સીંગલ બી.ટી. અને બીજધન-૨ (બોલગાર્ડ-૨) ડબલ બી.ટી. કપાસ બિયારણ ગુજરાત બીજ નિગમ દ્વારા વિતરણ કરવામાં આવનાર છે.
ખરીફ સિઝનમાં ખેડૂતો છેતરાય નહીં તે માટે વ્યવસ્થા ઃ એપ્રિલ મહિનાથી વિતરણ કરાશે
બીટી કપાસના બિયારણની વેચાણ કંિમતમાં ઘટાડો કરી ખાસ પ્રોત્સાહક વળતર સાથે ખેડૂતોની જરૂરીયાત મુજબ નોંધણી શરૂ કરી છે અને એપ્રિલ મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કપાસ હેઠળનો વાવેતર વિસ્તાર અંદાજે ૨૩ લાખ હેક્ટર છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષથી બી.ટી. કપાસ બિયારણનું ૭૦ ટકા વાવેતર તાય છે. રાજ્યમાં કેટલાક ખાનગી બીજ વિક્રેતાઓ બિનઅધિકૃત રીતે બી.ટી. કપાસનું બિયારણ ઉત્પન્ન કરી વેચાણ કરતા હોવાનું તેમજ માન્ય બી.ટી. કપાસની માન્યતા મેળવનાર ખાનગી વિક્રેતાઓ પરિસ્થિતિનો ગેરલાભ લઈને બજારમાં બિયારણની અછત ઉભી કરી બિન અધિકૃત રીતે ઉંચા ભાવથી વેચાણ કરે છે, પરિણામે રાજ્યમાં બી.ટી. કપાસની ખેતી કરતા ખેડૂતો છેતરાય છે. આ સંજોગોમાં બીજ નિગમ જાતે બિયારણ આપશે.