ગયા વર્ષનો ખર્ચ રિકવર કરવા યુનિ.નો નિર્ણય ઃ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની પરીક્ષાફીમાં ૧૦થી ૨૦૦ ટકા સુધીનો તોતીંગ વધારો
ભાવનગર,
ભાવનગર યુનિવર્સિટીએ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની પરીક્ષા ફીમાં ૧૦ થી ૨૦૦ ટકા સુધીનો તોતીંગ વધારો કરતો તઘલખી નિર્ણય લીધો છે. એટલું જ નહીં, પરીક્ષા લેઈટ ફી માં પણ ૨૫ ગણો એટલે કે રૂ.૫૦૦ જેટલો વધારો કરવા સર્વોચ્ચ સતામંડળે સર્વાનુમતે ઠરાવ્યું હોવાનું જાણવા મળેલ છે. ગત વર્ષની પરીક્ષામાં થયેલા ૮૦ લાખ જેટલા ખર્ચની રીકવરી માટે પરીક્ષા ફી માં તોતીંગ વધારો કરાયો હોવાનું શિક્ષણ જગતમાં બહાર આવ્યું છે. સતાધીશો નિયમ મુજબ ફી માં વધારો થયો હોવાનું જણાવી સ્વબચાવ કરી રહ્યા છે.
ઈજનેરી, મેડીકલ, હોમિયોપેથી, ડેન્ટલની પરીક્ષા ફી અસહ્ય બની ઃ સાયન્સ, કોમર્સ, આર્ટસ ફેકલ્ટીમાં નજીવો વધારો ઃ લેઈટ ફી ૨૫ ગણી વધારાઈ
ભાવનગર યુનિવર્સિટીની સ્થાપનાને ૨૯મું વર્ષ ચાલી રહ્યું છે. આટલા વર્ષો દરમ્યાન યુનિવર્સિટી દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓનો ખર્ચ રૂ.૪ લાખથી ૨૪ લાખ સુધી થયો હોવાનું સતાવાર આંકડા કહે છે. સમયાંતરે, આ ખર્ચમાં પણ વધારો થયો પરંતુ તે નજીવો હતો. છેલ્લે પૂર્વ કુલપતિ ડો.વૈદ્યના કાર્યકાળ દરમ્યાન રૂ.૩૬ લાખ જેટલો પરીક્ષા ખર્ચ થયો હતો ત્યારે, શિક્ષણજગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
માર્ચ - એપ્રિલ ૦૬-૦૭ ની લેવાયેલી પરીક્ષાનો ખર્ચ રૂ.૮૦ લાખનાં આંકડાને પાર કરી જતાં, શિક્ષણવિદ્દોની આંખો ફાટી ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, પરીક્ષા ખર્ચમાં થયેલા આ તોતિંગ ખર્ચ પાછળ પ્રાઘ્યાપકોને ઉતરવહી દિઠ અપાતાં પુરસ્કારમાં ત્રણથી ચાર ગણાનો વધારો, હોલ ટીકીટ સિસ્ટમનું તૂત, વિદ્યાર્થી દિઠ એકના બદલે બે ઉતરવહી આપવાનો નિર્ણય, એક કે બે ના બદલે ચાર જેટલા મઘ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર વિગેરે કારણો મુખ્ય છે. આ કારણોના અનુસંધાને ૨૦ થી ૨૫ લાખનાં અંદાજીત ખર્ચમાં પૂર્ણ થતી આ પરીક્ષાનો ખર્ચ રૂ.૮૦ લાખના આંકડાને આંબી જતાં, યુનિ.ને અમુક ફિક્સ ડિપોઝીટ તોડવાની પણ ફરજ પડી હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
ભાવનગર યુનિવર્સિટીના સતાધીશોએ માર્ચ - એપ્રિલ -૦૮માં યોજાનારી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષામાં ૧૦થી ૨૦૦ ટકા સુધીનો વધારો કરતો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે. પરીક્ષા ફીમાં વધારો થયો હોય તેવા અભ્યાસક્રમોમાં મુખ્યત્વે ઈજનેરીની વિવિધ શાખાઓ, મેડિકલ, ડેન્ટલ, સર્જન, સાયન્સ (પ્રેકટીકલ), એમ.એસ.ડબલ્યુ., હોમીયોપેથી, કોમ્પ્યુટર સાયન્સ સહિતનો સમાવેશ થાય છે. એટલે કે, વ્યવસાયી અભ્યાસક્રમોની પરીક્ષા ફી માં તોતીંગ વધારો થયો છે. જ્યારે સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવી મુખ્ય ત્રણ વિદ્યાશાખામાં લેબ. તથા પ્રેકટીકલ વિષયોને બાદ કરતાં પરીક્ષા ફી માં નજીવો ફી વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અગાઉ પરીક્ષા ફીની તારીખ પૂર્ણ થયા બાદ લેઈટ ફી તરીકે વધારાના રૂ.૨૦ લેવાતા હતા જેમાં પણ ૨૫ ગણો વધારો એટલે કે રૂ.૫૦૦ સુધીનો વધારો કરવામાં આવતાં, વિદ્યાર્થીઓ વાલીઓની કમ્મર ભાંગી ગઈ છે.
|