નેત્રા પાણી પુરવઠા બોર્ડના ચોરી પ્રકરણમાં બે કર્મીઓ સસ્પેન્ડ
અંજાર ઃ
પશ્ચિમ કચ્છ નખત્રાણા તાલુકાનાં નેત્રા ખાતે પાણી પુરવઠા બોર્ડ હસ્તકનાં ટયુબવેલ પાસે ગત ઓગષ્ટ માસમાં ચોરાઈ ગયેલા ડિઝલ જનરેટર સેટ પ્રશ્ને ગુજરાત રાજય પાણી પુરવઠા બોર્ડે બે ક્રમચારીઓની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કર્યા છે.
૭૦ હજારના માલસામાન ચોરાઈ જતા બંનેની જવાબદારી ગણાવી પા.પુ. બોર્ડ દ્વારા લેવાયેલું પગલું
જાણવા મળેલી બનાવની વિગતો મુજબ એવી છે કે, ગત ઓગષ્ટ ૨૦૦૭માં નેત્રાનાં ટયુબવેલ પાસે જનરેટર સેટ અમુક બંધ હાલતમાં પડયા હતા. જેમાંથી અંદાજિત રૂા ૭૦થી ૮૦ હજારની કિંમતનો ભંગાર માલસામન ચોરી જવાયો હતો જેની બોર્ડનાં કર્મચારીઓ વર્કચાર્જ ઈલેકટ્રીક પી.ડી. વિંઝોડા અને રોજમદાર પી.એર. જોશીએ પોલીસ ફરિયાદ કરી હતી. બોર્ડે જ આ બંનેની જવાબદારી ગણાવી ફરજ મોકુફ કર્યા છે.
આ વાતને સમર્થન આપતાં ચીફ એન્જીનીયર બી.બી. પટેલે જણાવ્યું હતું કે, ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવી હોવાનાં આધારો મળતાં ગાંધીનગરથી બોર્ડે સસ્પેન્શનનું આકરૂં પગલું ભર્યું છે. આ ટયુવેલ પાસે અન્ય બીજો ટયુબવેલ પણ આવેલો છે. તેના પર પણ બોર્ડની માલિકીનો લાખો રૂપિયાનો માલ સમાન છે. અને તેના પર દેખરેખ માટે કર્મચારીઓ મૂકવામાં આવ્યા હોવા છતાં ચોરી થઈ જતાં ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા અહેવાલનાં પગલે આ પગલું ભરાયું છે તેવું તેમણે જણાવ્યું હતું.
|