હાઈકોર્ટમાં વચન આપ્યા પછી સરકાર ફરી ગઈ
વડોદરા કોર્ટ માટે વેક્સિન સંસ્થાની જમીન માટે ઇનકાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,
વડોદરા જિલ્લાની નવી કોર્ટ બાંધવા માટે વેક્સિન ઈન્સ્ટિટયૂટ, જૂના પાદરા રોડ ઉપરની જમીન ફાળવવાનું ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કમિટમેન્ટ આપ્યા બાદ સરકારનાં જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તે જમીન ફાળવવાની ના પાડી દેતાં નવું કોર્ટ સંકુલ ઊભુ કરવાની સમગ્ર યોજના હવે ભાંગી પડી છે, પરિણામે અગાઉ હાઈકોર્ટ સમક્ષ દાદ માગનાર વડોદરા બાર એસોસિયેશને ફરી અરજી કરી હાઈકોર્ટમાં આપેલું કમિટમેન્ટ પાળી તે જમીન ઉપર તાત્કાલિક બાંધકામ શરૂ કરવા રજૂઆત કરી છે.
ફરી દાદ મગાતા, હાઈકોર્ટની સરકારને નોટિસો જમીન ખાનગી પાર્ટીને વેચવાની હિલચાલ
હાઈકોર્ટમાં જસ્ટિસ એમ. એસ. શાહ અને એચ. બી. અંતાણીની ડિવિઝન બેન્ચે શુક્રવારે આ નવી દાદ અરજીના સંદર્ભમાં રાજ્યના કાયદા, શહેરી વિકાસ તથા નાણા વિભાગના સચિવો, વડોદરા કલેકટર ઉપરાંત અન્ય સત્તાધીશોને નોટીસ ફટકારી ૭મી ફેબુ્રઆરી પહેલાં ખુલાસો કરવાનો હુકમ કર્યો છે.
અરજદાર વડોદરા બાર એસોસિયેશને જો વેક્સિન ઈન્સ્ટિટયૂટની જમીન ના ઉપલબ્ધ થઈ શકતી હોય તો અન્ય એક વિકલ્પ તરીકે જ એમની જૂની માગ વખતે પ્રથમ અગ્રતાક્રમે દર્શાવેલી જેલ પાસે યવટેશ્વર મહાદેવ નજીકની જમીન ફાળવવાની પણ માગ કરી છે.
અગાઉ વડોદરા બાર એસોસિયેશને હાલનું ન્યાયમંદિર સંકુલ ખૂબ નાનુ પડતું હોઈ નવા સંકુલ માટે દાદ માગી હતી ત્યારે તા. ૨૫-૧-૦૭ના રોજ રાજ્ય સરકારના એડવોકેટ જનરલ અને મુખ્ય સરકારી વકીલે કાયદા વિભાગના લેખિત પત્રો રજૂ કરી સરકાર તરફથી એવું વચન આપ્યું હતું કે, વડોદરામાં રેવન્યુ સરવે નં. ૨૫૦, ૨૫૧ અને ૨૫૨ ઉપર વેક્સિન ઈન્સ્ટિટયૂટની ૪૩,૭૫૦ ચોરસ મીટર જમીન નવા કોર્ટ સંકુલ માટે ફાળવવામાં આવે છે તેમજ ભવિષ્યની જરૂરિયાત ઘ્યાને રાખી સરવે નં. ૨૩૧ પૈકીની ૪,૧૮૯ ચોરસમીટર જમીન અનામત રાખવામાં આવે છે. ડિવિઝન બેન્ચ સમક્ષ આવા સ્પષ્ટ કમિટમેન્ટ બાદ મેટરનો નિકાલ થયો હતો પરંતુ વેક્સિન ઈન્સ્ટિટયૂટના સંકુલમાં આવેલા બાંધકામોમાં જુદા જુદા વિભાગોની સરકારી ઓફિસો કાર્યરત હોવાને નામે ઓક્ટોબર, ’૦૭માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ઈન્સ્ટિટયૂટની જમીન ફાળવવાની ના પાડી દેતાં સમગ્ર આયોજન પડી ભાંગ્યુ છે.
વકીલ આલમમાં ચર્ચા એવી છે કે, વેક્સિન ઈન્સ્ટિટયૂટની જમીન રોડ ટચ લગડી જેવી હોઈ તેને કોર્ટ સંકુલમાં ફેરવવાને બદલે ખાનગી હાથોમાં વેચી મોટી કમાણી કરવાની યોજના છે એટલે જ જાણીબુઝીને કોર્ટ સંકુલ માટે ના પાડવામાં આવી છે.