ચૂંટાયા પછી પહેલીવાર રાજકોટ આવી રહેલા મુખ્યમંત્રીના હસ્તે શહેરીજનોને મળનારી અનોખી ભેંટ
શુક્રવારથી રાજકોટ નજીક એક નવું પિકનિક પોઈન્ટ- વાઈલ્ડ ફલાવર વેલી
રાજકોટ,
રાજકોટથી છ કિલોમીટર દૂર માધાપર ખાતે ઈશ્વરિયા મહાદેવના પૌરાણિક મંદિરની પાછળ ૭૬ એકર જમીન પર વિકસાવવામાં આવેલું ઈશ્વરિયા હિલ ગાર્ડન (વાઈલ્ડ ફલાવર વેલી) આગામી શુક્રવારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકાશે. મુખ્યમંત્રી બન્યા પછીની રાજકોટની આ તેમની પ્રથમ મુલાકાત બની રહેશે, જેમાં તે પ્રજાને આ પ્રોજેકટ અર્પણ કરાશે. આ સાથે જ રાજકોટને બોટંિગ અને ગોલ્ફ જેવી સુવિધા મળતી થઈ જશે.
હવે રાજકોટમાં પણ બોટંિગ અને ગોલ્ફની સગવડ; બર્ડ વ્યુ હટ્સ્, ચિલ્ડ્રન પાર્ક અને ફૂડકોર્ટ શરૂ થશેઃ ઈશ્વરિયા હીલ ગાર્ડનમાં ‘સનસેટ’નો પણ નજારો
માધાપરના સર્વ નં. ૧૧૧ પૈકીની જૂના સ્ટેટના તળાવ નજીક આવેલી પડતર ડુંગરાળ જમીનનો કોઈ જાહેર ઉપયોગ ન થતો હોઈ રાજકોટ જિલ્લા વહિવટી તંત્રએ પ્રવાસન અંગેની સરકારી ગ્રાન્ટ, લોકફાળો તથા લોકમેળાની રકમ મળીને કુલ રૂ।. ૨.૫ કરોડના ખર્ચે પાર્કનું આયોજન કર્યું છે. અહીં વનવિભાગના સહ્યોગથી ૧૦ હજાર ફળાઉ ઝાડ તથા ફૂલ ઝાડ રોપવામાં આવ્યા છે.
આ સ્થળે ૨૦ એકર જમીનમાં ગ્રીન લોન કરવામાં આવી છે અને ગોલ્ફ રમી શકાય તે માટે ગોલ્ફ કોર્ટ વિકસાવાયેલ છે. સૌરાષ્ટ્રમાં પહેલીવાર ગોલ્ફ એકેડમી બનાવીને આ રમત શીખવા માગતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરાશે. કેટલાંક લાખોપતિ- કરોડપતિ લોકો રૂ।. ૧ લાખ ડિપોઝીટ ભરીને ગોલ્ફ કલબના મેમ્બર બનશે. ૪૫ મેમ્બર તો બની પણ ગયા છે! અન્ય કોઈએ ગોલ્ફ રમવું હોય તો એક વખતનો ચાર્જ રહેશે રૂ।. ૨૦૦!
પાર્કની મુલાકાતે આવતા સહેલાણીઓ પાસેથી રૂ।. ૧૦ એન્ટ્રી ફી લેવાશે. અહીંના જૂનવાણી તળાવમાં ૧૦ થી ૨૦ જેટલી પેડલ બોટ રહેશે. તળાવના કાંઠે જ ફુડકોર્ટ પણ બનાવાયો છે. બાળકો માટે રાજકોટમાં લગભગ કયાંય નથી તેવા વિશિષ્ટ આકારના ચકરડી- હીચકા- લસરણી- બેલેન્સંિગ બ્રીજ ચિલ્ડ્રન પાર્કમાં નાખવામાં આવ્યા છે. તે સગવડ નિઃસુલ્ક રહેશે. શિયાળામાં અહીં જે યાયાવર પક્ષીઓ મુકત વિહાર માટે આવે છે તેને નિહાળવા માટે બે બર્ડ વ્યુ હટ્સ ઊભી કરવામાં આવી છે.
હાઈમાસ્ટ લાઈટ, સહેલાણીઓ માટે પાણીનો આર.ઓ. પ્લાન્ટ, એપ્રોચ રોડ, ટોયલેટ, બાંકડા, વોક-વે વગેરે સગવડ પણ રાખવામાં આવી છે. ઊચાણવાળો વિસ્તાર હોવાથી બાંકડે બેઠા આબુ જેવો સનસેટનો નજારો અહીં માણી શકાય છે!
ગત ડિસેમ્બરની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનીને પુનઃ મુખ્યમંત્રીપદ સંભાળ્યા પછી શ્રી મોદી પહેલીવાર રાજકોટ આવતા હોવાથી રાજકીયક્ષેત્રે પણ આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.