રોગી કલ્યાણ સમિતિમાં ત્રણથી પાંચ હજારનું દાન આપો પછી જ પરમીટ
દારૂની પરમીટ જોઇતી હોય તો સિવિલ હોસ્પિટલને દાન આપવું પડે
અમદાવાદ,
દારૂ પીવાની પરમીટ જોઇતી હોય તો ઓફિશીયલી તો ૫૫૦ રૂપિયાનું ફોર્મ અને ૧૦૦૦ રૂપિયાની ફીનો નશાબંધી ખાતાને ચૂકવવાનો ખર્ચ થાય છે. પરંતુ હવે આ સિવાય સિવીલ હોસ્પિટલને પણ ત્રણથી પાંચ હજાર રૂપિયા પણ ચૂકવવાની તૈયારી રાખવી પડે છે.દારૂની પરમીટ માટે સિવીલ સર્જનના સર્ટીફીકેટ માટે સિવીલ હોસ્પિટલો હવે અરજદાર પાસેથી ત્રણથી પાંચ હજાર રૂપિયાનું દાન ભરાવે છે. સિવીલ હોસ્પિટલો આ પેટે બાકાયદા પહોંચ પણ આપે છે. જો દાન આપો તો પરમીટ ન મળવાની નોબત આવી શકે છે.
૩૦૦૦નું દાન આપવાનો ઇનકાર કરનારને પરમીટ ન મળતાં આરોગ્ય કમિશનરને ફોન કર્યો તો તેમણે ૧૦ હજારનું દાન માંગ્યું
આરોગ્યના કારણોસર દારૂની પરમીટ મેળવવા માટે અરજદારે સિવીલ સર્જનનું સર્ટીફીકેટ લેવાનું હોય છે. સિવીલ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફીઝીશીયન અરજદારની ચકાસણી કરે છે. તેઓ લીલી ઝંડી આપે તો સિવીલ સર્જન પરમીટ આપે છે. પરમીટ આપવા બદલ તેઓ સિવીલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતીમાં ઓછામાં ઓછુ ત્રણ હજાર અને વઘુમાં વઘુ યથાશક્તિ જે કંઇ પણ આપી શકાય તેટલુ દાન માંગે છે. આમ તો મોટાભાગના પરમીટ ઇચ્છુકો દાન આપી જ દે છે.પરંતુ તાજેતરમાં એક અરજદારને ફરજિયાત દાન સામે વાંધો પડતા મામલો આરટીઆઇની અરજી સુધી પહોંચ્યો છે. પ્રકાશભાઇ કાપડિયા નામના શખ્સે માહિતી અધિકારના કાયદા અન્વયે અમદાવાદની સોલા સિવીલ હોસ્પિટલ પાસેથી દારૂની પરમીટના અરજદારો દ્વારા કેટલા રૂપિયા દાનમાં લેવામાં આવ્યા છે તેની વિગત માંગી છે. તેઓ કહે છે કે તેમના પરિચીત મુરલીધર કેવલરામાણીએ પરમીટની અરજી કરી તો હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટે મુરલીધરભાઇને આરોગ્યના કારણોસર પરમીટ મળી ન શકે એમ કહ્યું કારણકે મુરલીધરભાઇએ ફરજિયાત દાન આપવાનો સુપરિટેન્ડેન્ટને ઇનકાર કર્યો હતો.પ્રકાશભાઇએ આરોગ્ય કમિશનર અમરજીતસંિઘને ફરજિયાત દાન લેવુ એ ગેરકાયદે હોવાની રજૂઆત કરતા ટેલિફોનીક વાતચીતમાં અમરજીતસંિઘે સોલા સિવીલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટને એમ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે છતાય આમણે દારૂ પીવો છે ત્યારે ત્રણથી પાંચ હજારના દાનની રકમ તો ઓછી છે.અરજદાર પાસેથી દસ હજારનું દાન લો.
આ અંગે હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ શ્રી જગદીશ ચાવડાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે દારૂની પરમીટ લેવા આવનારા તમામ માલેતુજાર લોકો હોય છે. કોઇપણ ગરીબી રેખાની નીચેની વ્યક્તિ હોતી નથી. પરમીટઇચ્છુકો પાસેથી સરકારી હોસ્પિટલ માટે દાન માંગવામાં કશું ખોટુ નથી. દાન હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતી માટે લેવામાં આવે છે અને તેનો ઉપયોગ હોસ્પિટલના ઉત્કર્ષમાં થાય છે. સામાન્ય રીતે અરજદાર ત્રણથી પાંચ હજાર રૂપિયાનું ઓછામાં ઓછુ દાન આપે એવુ અમે ઇચ્છતા હોઇએ છીએ. કોઇ અરજદાર વસ્તુ પણ દાનમાં આપી શકે છે. જેમ કે એક અરજદારે મારી ઓફિસના પંખા દાનમાં આપ્યા છે તો બીજાએ મારી ઓફિસનું મીનરલ વોટર કૂલર દાનમાં આપ્યુ છે. કેટલાક દાનના રૂપિયા સાફફાઇમાં વપરાયા છે. ઘણા દારૂ પીતા અરજદારો તેમની મરજીથી પચ્ચીસ હજાર જેટલું દાન પણ આપી જાય છે.દાન આપવાનો કોઇ ઇનકાર કરે એવો કિસ્સો જવલ્લેજ બને છે. જે અરજદાર મુરલીધર કેવલરામાણીને પરમીટ ન અપાયાની ફરિયાદ છે તેમને ખૂબજ હાઇ બ્લડપ્રેશર હોવાથી પરમીટનો ઇનકાર કર્યો હતો. ડાયાબીટીસ કે હાઇ બ્લડપ્રેશર, કીડની, લીવર, હાર્ટની ખરાબ હાલતના કિસ્સામાં અમે પરમીટ નથી આપતા. સામાન્ય રીતે અમે નવી પરમીટની બાબતમાં કડક હોઇએ છીએ પણ રીન્યુની બાબતમાં એટલા કડક નથી હોતા. આ કિસ્સો નવી પરમીટનો હતો. એક યુનિટની પરવાનગીમાં બીયરની દસ બોટલ અથવા એક બોટલ વ્હીસ્કીની તથા બે યુનિટની પરવાનગીમાં વીસ બોટલ બીયરની અથવા બે બોટર વ્હીસ્કીની માસિક પીવાની પરવાનગી આપવામાં આવે છે. આટલો ખર્ચ કરનાર પૈસાદાર માણસ પાસે દાન લેવામાં આવે એમાં કશું ખોટુ નથી.
દરમિયાન આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દારૂની પરમીટ માટે અરજદારો પાસેથી લેવાતા દાનની પ્રથાને કારણે હવે રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં આખી પ્રક્રિયા ઝડપથી એ તરફ જઇ રહી છે કે સારૂ દાન આપે એને પરમીટ મળી જાય.
જો દાનની લાલચે દાન આપવા તૈયાર પ્રત્યેક પૈસાદાર અરજદારોને પરમીટ વહેંચાવા માંડે એવી પ્રથા ધીમે પગલે શરૂ થઇ જાય તો તેને કાબૂમાં લેવાનું મૂશ્કેલ બનશે.બીજીતરફ દાનની રકમનો ખરેખર શું ઉપયોગ થાય છે તેની દેખરેખનું તંત્ર સજ્જડ નથી. સુપરિટેન્ડેન્ટો ગરીબ દર્દીઓને મદદના બદલે અન્યત્રે વઘુ રૂપિયા વાપરતા હોય છે.