|
પાંડેસરા જી.આઇ.ડી.સી.માં મિલનો એકાઉન્ટન્ટ મિલ નજીક લુંટાયો
(પ્રતિનિધી દ્વારા) સુરત,
પાંડેસરા જી.આઇ.ડી.સી ખાતે આવેલી પ્રતિભા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના ગેટ નજીક જ પ્રતિભા મિલના એકાઉન્ટન્ટને એડ્રેસ પુછવાના બહાને અટકાવી ત્રણ અજાણ્યા યુવાનો રોકડા રૂ. ૫.૫૦ લાખ ભરેલી બેગ લુંટી ગયા હતા.
ત્રણ લુંટારા સરનામું પુછવાના બહાને આવીને ૫.૫૦ લાખ ભરેલી બેગ ઝુંટવી ભાગી છુટ્યા
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચીનના સુર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા અખિલેશ સુરેશપ્રસાદ શેઠ પાંડેસરા જી.આઇ.ડી.સી ખાતે આવેલી પ્રતિભા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલમાં પર્સનલ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
આજે બપોરે બે વાગ્યાના અરસામાં અખિલેશભાઇ પીળા રંગની બેગમાં રૂ. ૫.૫૦ લાખ લઇ બેન્ક ઓફ બરોડાની શાખામાં ભરવા માટે પોતાની મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા. જો કે તે થોડા દુર જ ગયા હતા ત્યાં મિલના એક ડીરેક્ટર દિપચંદ શર્માનો તેમના ઉપર ફોન આવ્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે જો બેન્કમાં પૈસા જમા કરાવ્યા નહીં હોય તો પાછા આવી જાઓ. કેમ કે કારીગરોનો પગાર કરવાનો છે.
આથી અખિલેશભાઇ રસ્તામાંથી જ મિલ ઉપર પાછા ફર્યા હતા. તે પોતાની મોટરસાયકલ પાર્કંિગમાં પાર્ક કરતા હતા તે સમયે બે અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષની વયના યુવાનો તેમની પાસે આવ્યા હતા અને નોટરી મિલનું સરનામું પુછ્યું હતું.
અખિલેશભાઇ તેમની સાથે વાતો કરતા હતા તે સમયે જ એક અજાણ્યો ત્યાં આવ્યો હતો અને અખિલેશભાઇએ ખભા પર લટકાવેલી રૂ. ૫.૫૦ લાખની બેગ ઝુંટવી ભાગવા માંડ્યો હતો. અખિલેશભાઇની સાથે વાત કરી રહેલા બંને યુવાનો પણ ત્યાંથી ભાગ્યા હતા અને બંને થોડે દુર જઇ બેગ લઇ ભાગેલા યુવાન સાથે મોટરસાયકલ પર બેસી ભાગી છુટ્યા હતા.
અખિલેશભાઇએ બુમાબુમ કરતા મિલના સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા. તેમણે પીછો પણ કર્યો હતો. જો કે ત્રણેય યુવાનો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. અખિલેશભાઇએ મિલમાં જઇ સંચાલકોને આ અંગે જાણ કરતા બાદમાં પાંડેસરા પોલીસને જાણ કરાઇ હતી. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તરત જ સમગ્ર શહેરની નાકાબંધીનો આદેશ આપી રોકડ રકમ લુંટીને ભાગેલા ત્રણ યુવાનોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વઘુ તપાસ પાંડેસરા પી.આઇ ડી.એમ. બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે.
|