વરાછાના વાહનદલાલની
આત્મહત્યાના બનાવમાં વરાછા પી.આઇ. વિરૂદ્ધ ખાતાકીય તપાસ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,
વ્યાજખોરોના ત્રાસથી વરાછા મીનીબજારમાં કારની અંદર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેનાર યુવાન જમીનદલાલ મહેશ મારકણાએ સ્યુસાઇડ નોટમાં વરાછા પી.આઇ. અને વરાછા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેને પગલે ડીસીપી પરમારે આ પ્રકરણમાં વરાછા પી.આઇ. વિરૂદ્ધ ખાતાકીય તપાસનો આદેશ આપતા એસીપી વાઘેલાએ તપાસ શરૂ કરી છે.
વ્યાજખોરોની ધાક-ધમકીથી ત્રાસેલા વાહન દલાલને વરાછા પોલીસે કોઇ મદદ કરી નહોતી
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અશ્વનીકુમાર રોડ ભોજલરામ સોસાયટીના રહીશ અને વાહનદલાલ તરીકે કામ કરતા મહેશ વલ્લભભાઇ મારકણાએ વ્યાજખોરોના ત્રાસને પગલે ગત મંગળવારે વરાછા મીનીબજારમાં એસ્ટીમ કારની અંદર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
મહેશે આત્મહત્યા કરતા અગાઉ પો.કમિ.ને ઉદ્દેશીને એક સ્યુસાઇડ નોટ લખી હતી અને તેમાં તેણે વ્યાજખોરોના ત્રાસને પગલે આ પગલું ભરી રહ્યો છું તેમ જણાવવાની સાથે સાથે વરાછા પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
રૂ. ૫૮ લાખ વ્યાજે લેનાર મહેશે સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, વ્યાજખોરો રાજકારણ અને પોલીસખાતામાં ઓળખાણ હોવાની ધમકી આપી જેલના સળિયા ગણાવી દેવાની ધમકી આપતા હતા.
મહેશભાઇ આ બાબતે રજૂઆત કરવા વરાછા પોલીસ મથકે ગયા હતા. ત્યાં લેખિતમાં રજૂઆત કરી હતી અને પી.િઆ. જાડેજાને વાત પણ કરી હતી. પણ વ્યાજખોરોએ ત્યાં પણ ઓળખાણ વાપરી આગળ કાર્યવાહી કરવા દીધી ન હતી.
મહેશે લખેલી સ્યુસાઇડ નોટમાં કરેલા આક્ષેપોને ગંભીરતાથી લઇ ડીસીપી (ઝોન-૧) ગૌતમ પરમારે આ પ્રકરમમાં પોલીસની ભુંડી ભૂમિકા તેમજ વરાછા પી.આઇ. જાડેજાએ ખોટી કાર્યવાહી કરી હતી કે કેમ તે જાણવા એસીપી (એ ડીવીઝન) આર.જી. વાઘેલાને ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અંગે એસીપી વાઘેલાનો સંપર્ક સાધતા તેમણે તપાસ માટેનો પત્ર આજે જ મળ્યો હોવાનું જણાવી તપાસ શરૂ કરી હોવાને સમર્થન આપ્યું હતું.