વાદળછાયા વાતાવરણથી રવીપાકમાં રોગની ભીતિ
અમદાવાદ, શનિવાર
શિયાળાની કાતિલ ઠંડી સાથે બે દિવસથી વાતાવરણમાં બદલાવ સાથે વાદળા છવાયેલા રહ્યાં છે. સતત વાદળછાયા વાતાવરણથી રવિ પાકમાં રોગ થવાની ભીતિ દર્શાવાઈ છે.
પાકને હિમથી બચાવવા આગલી સાંજે પિયત આપવું અને ખેતરમાં કચરો સળગાવી ઘુમાડો કરવો હિતાવહ
અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ પલ્ટા સાથે વાદળછાયું વાતાવરણ રહેવાથી રવિ પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), અમદાવાદે વ્યક્ત કરી છે. પાકને હિમથી બચાવવા શક્ય હોય ત્યાં આગલી સાંજે પિયત આપવું તથા ખેતરમાં કચરો સળગાવી ઘૂમાડો કરવો. ઉનાળુ મગફળીમાં ઉગસૂકનો રોગ, રાઈના પાકમાં ભૂકીછારો અને સફેદ ગેરૂનો રોગ અથવા તો માખી કે મોલોમશીનો ઉપદ્રવ, જીરૂમાં ચરમી (કાળીયો) કે ભૂકીછારો, ચણાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. પાકને રોગ, જીવાતથી બચાવવા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક કે જિલ્લા ખેતીવાડી અધિકારીનું માર્ગદર્શન મેળવી દવાના છંટકાવ સહિતના પગલાં લેવા ખેડૂતોને જણાવાયું છે.
|