ધો.૧૦ (ગુ.મા.)માં શીખવાતા અંગ્રેજી વિષયમાં ૨૦ માર્કે પાસ ગણવાની હિલચાલ સામે આક્રોશ
વડોદરા,
બોર્ડની ધો.૧૦નીઆગામી પરીક્ષામાં ગુજરાતી માઘ્યમમાં ભણાવાતા અંગ્રેજી (લોઅર લેવલ) વિષયમાં ઉત્તીર્ણ થવા માટે લધુત્તમ માત્રા ૨૦ ગુણ જરૂરી કરવા માટેની બોર્ડની હિલચાલ સામે વાલીઓ જાગૃત બની ગયા છે અને તેમણે વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે.
બોર્ડની આગામી મિટીંગમાં આ પ્રશ્ન હાથ પર ધરાય તે પૂર્વેજ જાગૃત વાલીઓની સાવચેતી
બોર્ડના સંચાલકોએ જયારે દસમાં ધોરણમાં અંગ્રેજી વિષય ફરજિયાત બનાવ્યો ત્યારે વર્તમાન સમયમાં અંગ્રેજીની આવશ્યકતા નિહાળી વાલી વર્ગે વિરોધ નોંધાવ્યો નહતો. રોજગારીની સ્પર્ધા અને ટેકનોલોજીના યુગમાં અંગ્રેજી અનિવાર્ય હોવાની વાતને સૌએ સ્વીકારી લીધઈ હતી અને ચાલુ વર્ષ દરમિયાન પોતાના બાળકોને વાલીઓએ તે રીતે તૈયાર કરવા પણ માંડયા છે.
પરંતુ ૨૦૦૮ની બોર્ડની પરીક્ષામાં દસમાં ધોરણમાં પાસ થવા અંગ્રેજી વિષય માટે ઓછામાં ઓછા ૨૦ ગુણ માન્ય ગણવાની હિલચાલથી વાલીઓ ચોંકી ઉઠયા છે.
પાસ થયેલાઓની ઉંચી ટકાવારીને પોતાની સિઘ્ધિ ગણતા બોર્ડના સંચાલકો અંગ્રેજીને કારણે પરિણામ નીચું જાય તેને પોતાની મૂંછનો સવાલ ગણતા હોય તેમ લાગે છે. તેથી ડરીને અંગ્રેજી (લોઅર લેવલ) વિષયની પાસીંગ સપાટી નીચી લાવવા માંગતા હોય તેમ જણાય છે.
જાગૃત વાલીઓ આ સામે ગુણવત્તાની દલીલ કરે છે. ઉંચી પાસીંગ ટકાવારી કરતા સફળ ગુણવત્તાસભર- ભલે નીચી- ટકાવારી તેમને માન્ય છે. બોર્ડ દ્વારા નિયત હાલની ટકાવારીથી વિદ્યાર્થીઓ વિષયમાં પાસ થાય તોજ શિક્ષણની ગુણવત્તા જળવાય, તેમ તેમનું માનવું છે.
ગયા વર્ષે ફરજિયાત અંગ્રેજીનો પ્રથમ પ્રયોગ હતો અને તેથી ૨૦ લધુત્તમ ગુણથી વિદ્યાર્થીને પાસ ગણવાની બોર્ડની દલીલ અને પ્રક્રિયા સામે વાલીઓએ વાંધો લીધો નહતો. પરંતુ ગયા વર્ષે સ્કવોર્ડની ઓછી સંખ્યા અને ચોરી પ્રત્યે તંત્રના આંખમીંચામણાને કારણે ચોરી કરનારાઓને મોકળુ મેદાન મળી ગયું હતું.
વાલીઓએ આ વર્ષે બોર્ડને આ ક્ષતિ પણ સુધારવા તાકીદ કરતા જણાવ્યું છે કે ચૂંટણીમાં બોગસ મતદાન ના થાય તેની કાળજી રાખે છે પણ પરીક્ષામાં ખોટા વિદ્યાર્થીઓ પાસ ન થાય તે બાબતે કેમ સરકાર ઉદાસીન છે. તે સમજમાં આવતું નથી.
એક તરફ સરકાર લાખોના ખર્ચે સ્કોપના કાર્યક્રમો અમલમાં મુકે, શાળાઓ તેને અપનાવે તે માટે હળવી શરતો બનાવે બીજી તરફ અંગ્રેજી વિષયના નબળા વિદ્યાર્થીઓને ઉપલા વર્ગોમાં ધકેલવા નવા નવા નુસખા અપનાવે તે અંતે તો વિદ્યાર્થીઓનેજ નુકશાન કર્તા હોવાનું શિક્ષણ કારો માને છે.
બોર્ડની આગામી મીટીંગમાં આ પ્રશ્ન હાથ પર લેવાયે તેવી શકયતા સામે જાગૃત વાલીઓએ સવેળા સરકાર સામે લાલબત્તી ધરી દીધી છે, આવુ શિક્ષણમાં ભાગ્યેજ બને છે!
|