ફેબુ્રઆરી મહિનાનાં બે ગ્રહણો બજાર અને ભૂમિને અસર કરશે
ગાંધીનગર,શનિવાર
પૃથ્વીવાસીઓને ફેબુ્રઆરી માસમાં બે ગ્રહણો જોવા મળશે. જો કે ૭મી ફેબુ્રઆરીનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ ૨૧ ફેબુ્રઆરીના રોજ થનારૂં ચંદ્રગ્રહણ કચ્છ-કાઠિયાવાડના પશ્ચિમ છેડે જોઇ શકાશે. એક જ મહિનામાં બે ગ્રહણ હોય છે ત્યારે ભૂતળ અને રાજકારણમાં મોટા ફેરફારો આવે છે તે ભૂતકાળમાં નોંધાયું છે.
સાતમીનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પણ ૨૧મીનું ચંદ્રગ્રહણ કચ્છ અને કાઠિયાવાડના પશ્ચિમ વિસ્તારમાં દેખાશે
પોષ વદ અમાસ ને તા.૭ ફેબુ્રઆરી, ગુરૂવારના રોજ મકર રાશી અને શ્રવણ તેમજ ધનિષ્ઠા નક્ષત્રમાં થનારૂં સૂર્યગ્રહણ દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પોલીનેશિયામાં ખંડગ્રાસ દેખાશે. જ્યારે એન્ટાર્ક્ટિકામાં તે કંકણાકૃતિ દેખાશે. આ ગ્રહણનું ગ્રાસમાન ૦/.૯૬૫ રહેશે અને આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી ધાર્મિક રીતે પળાશે નહીં. ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે ગ્રહણનો સ્પર્શ ૭ કલાક ૮ મિનીટ અને ૩૫ સેકન્ડે થશે. ૦૯ કલાક ૨૫ મિનીટ અને ૦૨ સેકન્ડે ગ્રહણ મઘ્યસ્થિતિએ પહોંચશે અને ૧૧ કલાક ૪૧ મિનીટ અને ૫૧ સેકન્ડે ગ્રહણનો મોક્ષ થશે. તે પછી ૨૧મી ફેબુ્રઆરીએ પૂર્ણિમાના રોજ સિંહ રાશી અને મદ્યાનક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે જે અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મઘ્ય પેસિફિકમાં દેખાશે. જેનું ગ્રાસમાન ૧/.૧૧૧ રહેશે.
આ ગ્રહણ ભારતના પશ્ચિમ છેડે આવેલા કેટલાક શહેરો જેવા કે જૂનાગઢ, રાજકોટ, જામનગર અને ભૂજ જેવા શહેરોમાં ૧ થી ૭ મિનિટ સુધી દેખાશે. આ શહેરોના આજુબાજુના થોડા વિસ્તારોમાં તેમજ રાજસ્થાનના જેસલમેર તેમજ બાડમેરના અમુક હિસ્સામાં પણ ગ્રહણ દેખાશે. કચ્છ-કાઠિયાવાડના ભાગોમાં ગ્રહણ ગ્રસ્તાસ્ત દેખાશે જેના વિશે ‘ગ્રસ્તાસ્તૌ ચંદ્ર સૂર્ય ધાન્ય-ભૂપાલ નાશકૌ’ એવું કહેવાય છે.
જાણીતા ખગોળ જ્યોતિષી જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે, એક માસમાં બે ગ્રહણો અશુભ મનાય છે. જેના વિશે શ્વ્લોક છે કે-
યદૈક માસે ગ્રહણં જાય તે શશિ સૂર્યયો ઃ
શસ્ત્ર કોર્પૈઃ ક્ષયં યાન્તિ તદાભૂપાઃ પરસ્પરમ્
અર્થાત્ એક માસમાં બે ગ્રહણો થવાથી શસ્ત્રકોપ થાય છે, રાજાનો ક્ષય થાય છે, નેતાઓને કષ્ટ થાય છે. પ્રજા રાજકીય વિગ્રહોથી પીડાય છે, કોઇ રાજ્યમાં શાસન બદલાય છે.
એક માસમાં બે ગ્રહણો થાય છે ત્યારે પૂર્વ-પશ્ચાત્વર્તી અસરોરૂપે તેમજ ગ્રહણ માસમાં વાતાવરણમાં, પૃથ્વીના પેટાળમાં, રાજકારણમાં તેમજ બજારોમાં અણધારી ઉથલપાથલો જોવા મળતી હોય છે. યુરોપ, અમેરિકા, રશિયા, ચીન અને ભારતમાં થયેલી તાજેતરની અસાધારણ બરફવર્ષા આગામી ગ્રહણોની પૂર્વ અસરોરૂપે છે.
એક મહિનામાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણોને કારણે લોકમાનસમાં ઉન્માનદ, હિંસક તોફાનો, આગજની-પથરાવ, આતંકવાદી ગતિવિધિઓમાં વધારો, ક્યાંક રાજકીય બળવો અને યુદ્ધ જેવી સ્થિતિ, રાજકીય પલટો, ઉપરી હવાઓમાં ચક્રવાત, વિનાશક ભૂકંપ, આફ્ટર શોક્સમાં વધારો, શેર અને સુવર્ણમાં નવી ચાલ કે મોટી વધ-ઘટ, જેવી ઘટનાઓ સર્જાઇ શકે છે. આ ગ્રહણ યુરોપ અને અમેરિકામાં દેખાવાનું હોઇ ત્યાંના બજારોને ખાસ અસર કરશેન ગ્રહણો જ્યાં દેખાવાના છે તે દેશોમાં તેની વિશેષ અસર થશે અને ગ્રહણો સિંહ અને મકર રાશીમાં થવાના હોઇ સિંહ રાશીના પ્રદેશો જેવા કે ફ્રાન્સ, ઇટાલી, સીસલી, ભારતના પૂર્વ રાજ્યો, મઘ્યપ્રદેશ તેમજ મુંબઇ, શિકાગો, દમાસ્કસ, પોર્ટમાઉથ, ફીડોલ્ફીયા, બ્લેકપુલ અને રોમ બ્રીસ્ટલમાં તેની અસરો જોવા મળી શકે છે. બોહેમિયા, રૂસ, ચીન, બસરા,આલ્પ્સ અને રોમાનિયા પર પણ સિંહ રાશીનો પ્રભાવ છે. પાકિસ્તાન અને મુશર્રફ માટે આ ગ્રહણો આફતરૂપ છે.
|