નોકરીના પ્રથમ દિવસે જ યુવાને જીંદગી ગુમાવી દહેગામ પાસે એસ.ટી. બસે રિક્ષાને કચડી નાંખતા છનાં મોત
અમદાવાદ, શનિવાર
અમદાવાદ- મોડાસા હાઈવે પર દહેગામ નજીક એસ.ટી. બસે ઓટો રિક્ષાને કચડી નાંખતા છ મુસાફરોના મૃત્યુ નિપજ્યા હતા. દસ મુસાફરોને લઈને જઈ રહેલી છકડો રિક્ષાને બસે જોરદાર ટક્કર મારી કચડી નાંખતા ત્રણ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા મૃતકો દહેગામના રખિયાલ, સામેત્રી અને ખાનપુર ગામના હતા અને રાત્રે પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા. એક યુવાને તો નોકરીના પ્રથમ દિવસે જ ઘેર પરત ફરતી વખતે જીંદગી ગુમાવી હતી.
દહેગામના રખિયાલ, સામેત્રી, ખાનપુર ગામના મુસાફરો ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યાઃ ત્રણને ગંભીર ઈજા
આજે સંઘ્યાકાળ બાદ રાતે ૭-૪૫ વાગ્યે દહેગામ અને રખિયાલ વચ્ચે બબલપુરા ગામના પાટીયા પાસે રખિયાલથી દહેગામ રૂટની પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસે દહેગામ તરફથી આવી રહેલી છકડો ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, રિક્ષાનો ઘણોખરો ભાગ બસની નીચે ધુસી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવા પ્રયાસો હાથ ધર્યા હતા.
સામેત્રી ગામના રાજુભાઈ કરશનભાઈ પટેલ દહેગામથી તાલુકાના રખિયાલ, સામેત્રી અને ખાનપુર ગામના મુસાફરોનું પરિવહન તેમની છકડો રિક્ષામાં કરતાં હતાં. ઢળતી સાંજે દસ મુસાફરોને સાથે રિક્ષા નિકળી હતી અને દહેગામથી પાંચ કિ.મી. દૂર બબલપુરા પાસે સામેથી આવતી એસ.ટી. બસે રિક્ષાને કચડી નાંખી હતી.
સામેત્રી ગામના રિક્ષાચાલક રાજુભાઈ કરશનભાઈ પટેલ, રતિલાલ રૂમલજી ઠાકોર અને સવિબેન અમરાજી ઠાકોર, ખાનપુર ગામના કરણજી મહોબતજી ઠાકોર અને કલ્યાણજીના મોવારા પાસે ગોકુલ ફાર્મમાં રહેતા પ્રવિણભાઈ વશરામભાઈ પટેલના અકસ્માતના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે, આઠ વર્ષના બાળકે દહેગામ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા રસ્તામાં દમ તોડી દીધો હતો. આ બાળક મૃતક સવિબેનનો ભાણેજ થતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ખાનપુર ગામના કરણજી દહેગામમાં મળેલી નોકરીનો પ્રથમ દિવસ પૂર્ણ કરી ઘેર પરત ફરી રહ્યા હતા ત્યાં જ અકસ્માતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માતમાં ઈજા પામેલા બચુસીંગ ગાભુસીંગ અને જેંતીભાઈ પુંજાભાઈ નામના મુસાફરો તેમજ સ્ટીયરીંગ છાતીમાં વાગવાથી બેભાન થઈ ગયેલા એસ.ટી. બસના ચાલક દશરથભાઈ બાબુભાઈને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગત વર્ષે પણ બબલપુરા નજીક જ અકસ્માતમાં અમદાવાદની ક્રિશ્ચિયન સોસાયટીના આઠ રહેવાસીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ માર્ગ ઉપર ગેરકાયદે પરિવહન સામે પોલીસના મૌનનો ભોગ સામાન્ય પ્રજાજનો બની રહ્યાં છે.
|