મોસમે મિજાજ બદલ્યોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું
રાજકોટ, શનિવાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક પખવાડિયાની તીવ્ર ઠંડી બાદ આજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. સવારથી જ છવાયેલા વાદળો વચ્ચે આજે મોટા ભાગના સ્થળોએ બપોરે અને સાંજે તોફાની પવન સાથે માવઠુ થતા વાતાવરણ ઠંડુબોળ બની ગયું હતું. કમોસમી છાંટા પડતા જીરૂ અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આંબામાં થતા મોરના વિકાસને પણ બ્રેક લાગશે. જામનગરમાં આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળા અને ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવને ભય સર્જ્યો હતો. સાંજે અહીં પાંચથી સાત મિનિટ માટે જોરદાર માવઠુ હતું. ભાણવડ, ખંભાળીયા અને ઓખામાં પણ છાંટા પડયા હતા. મીઠાપુરમાં રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
ભર શિયાળે ગાજવીજ સાથે ચોમાસા જેવું વાતાવરણઃ જામનગર અને કચ્છમાં થોડા સમય માટે મિની વાવાઝોડા જેવી સ્થિતિઃ શિયાળુ પાકને નુકસાન
આજે કચ્છમાં ઠંડીમાં થોડો ઘટાડો થતા રાહત અનુભવતા લોકો માવઠાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કચ્છમાં માંડવી, મુંદ્રા નલીયામાં માવઠુ થતા કિસાનો ચંિતામાં મુકાયા છે. ભૂજ, ગાંધીધામ, અંજાર, આદિપુર, નારાયણ સરોવર, દોલતપર, સાંઘીપૂરમ, જખૌ, મોથાળા, બીટ્ટા, તેરા સહિતના વિસ્તારોમાં પમ કમોસમી છાંટા પડયા હતા. કચ્છમાં એક સપ્તાહમાં બીજી વખત માવઠું થયું છે. કચ્છના નલીયામાં આજે ન્યૂનતમ તાપમાન ૧૨.૩ અને ભૂજમાં ૧૨.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
સર્વાધિક અસર જામ કલ્યાણપુર તાલુકામાં થઈ હતી. અહીં પાથી અર્ધા ઈંચ જેવા માવઠાથી લાંબા, ભોગાત, હર્ષદ, મેવાસા આસપાસ રસ્તા પર શિયાળામાં પાણી વહ્યા હતા. ખંભાળીયા તોફાની પવન સાથેના માવઠાથી અનેક સ્થળે વૃક્ષોની ડાળી તૂટી પડી હતી.
રાજકોટ શહેરમાં શનિવારનો દિવસ વાદળછાયો રહ્યા બાદ રાત શરૂ થાય એ પહેલા જ પાંચેક મિનીટ માટે જોરદાર માવઠુ તૂટી પડતા શહેરીજનો કુદરતનો મિજાજ જોવા ઊભા રહી ગયા હતા.
મોરબી અને વાંકાનેરમાં પણ માવઠાના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. માણાવદરમાં અચાનક છાંટા પડતા જીનીંગ મિલોમાં ખુલ્લામાં પડેલા કપાસને ભારે નુકસાન થયું છે.
મોસમના પલ્ટાથી કિસાનો ચંિતા અનુભવવા માંડયા છે.
જૂનાગઢ કૃષિ યુનિ.ના સુત્રોના જણાવ્યા અનુસાર શિયાળાના માવઠા અને અતિ ભેજમય- વાદળછાયા વાતાવરણથી સૌથી વઘુ નુકસાન જીરૂના પાકને થશે. જ્યાં વરસાદ પડયો હોય ત્યાં જીરૂનો પાક સંપૂર્ણ સાફ થઈ જશે. લસણ- ડુંગળી- ઘઉંના પાકને પણ થોડુ ઘણું નુકસાન થશે. એક અઠવાડીયામાં બે માવઠા થયા હોવાથી રવિ પાકના ઉત્પાદન પર પણ અસર થશે. આંબાઓમાં મોર (ફુલ)ને પણ અસર થતાં વાનસ્પતિ ગ્રોથને થોડા દિવસ બ્રેક લાગશે.