home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર

શેરબજાર

સેન્સેક્સ ૧૮૭૮૧ ઉપર બંધ થતાં ૧૯૨૪૩ ઃ સપોર્ટ ૧૭૫૧૪

વૈશ્વિક મોરચે અમેરિકી સબ-પ્રાઈમ મોર્ગેજ નુકસાનીના પડેલા આકરાં પ્રત્યાઘાતમાં અમેરિકા પાછળ યુરોપ, એશીયાના બધા બજારોમાં છેલ્લા અઠવાડિયામાં સાર્વત્રિક નરમાઈ બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા એક સપ્તાહમાં વ્યાજ દરમાં ૧.૨૫ ટકો ઘટાડીને અર્થતંત્રને ઘેરી મંદીની ખાઈમાં ખાબકતું બચાવવાના યુઘ્ધના ધોરણે લેવાયેલા પગલાંની સપ્તાહાંતે અમેરિકા સાથે વિશ્વબજારો પર સાનુકૂળ અસર જરૂર જોવાઈ છે. ફંડ રિઝર્વના ઘટાડા બાદ વિશ્વ વિખ્યાત માઈક્રોસોફટ પણ અમેરિકી અર્થતંત્ર ખોખલું નહીં થયાની અને અમેરિકી કંપનીઓ હજુ સર્વેસર્વા હોવાનો વિશ્વને સંકેત આપવાના ઈરાદા સાથે યાહુને ૪૪.૬ અબજ ડોલરમાં હસ્તગત કરી લેવાની ઓફરે કોર્પોરેટ વિશ્વમાં અને વૈશ્વિક શેરબજારોમાં મંદીના છવાયેલા હાઉને ફરી હળવો કર્યો છે. અલબત્ત હજુ અમેરિકામાં અબજોના પ્રોપર્ટી કૌભાંડની તપાસ અને હજુ સબ-પ્રાઈમ મોર્ગેજ કટોકટીમાં સોસેયટી જનરલ, મેરિલ લિંન્ચ, સિટીગુ્રપ, યુબીએસ બાદ વઘુ નુકસાનીના પોટલાં ખુલવાનો અંદાજોએ સપ્તાહના અંતિમ દિવસે અમેરિકાના બજારોમાં મંદીની ડમરી ફરી ઉડતા એશીયાના બજારોમાં આગામી સપ્તાહનો આરંભ સાવચેતીએ થવાનો સ્પષ્ટ ઈશારો કર્યો છે.

વૈશ્વિક મોરચે સર્જાઈ રહેલી ઉથલપાથલમાં હજુ ઈન્ડેક્ષ બેઝડ તોફાન યથાવત રહેશે ઃ ઓટો, બેંક, ટાયર કંપનીઓના શેરોમાં કરંટ જોવાશે

મુંબઈ શેરબજારોમાં હજુ પખવાડિયા પૂર્વે તેજી, તેજી, તેજીના એક તરફી તોફાનમાં મદમસ્ત બની જઈને સાર્વત્રિક ફુલગુલાબી તેજીના સેન્ટીમેન્ટમાં એકાએક પલટો આવી જશે અને ૮, ૧૦ દિવસ નહીં બે દિવસમાં જ અનેક ખેલંદાઓને હતા ન હતા કરી મૂકીને દેવાળીયા બનાવી દેવાશે એવું સ્વપ્ને’ય નહીં વિચારનારા ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ- માર્જીન ફંડીંગના જુગારમાં રાતોરાત રિલાયન્સ નેચરલ, રિલાયન્સ પેટ્રોલીયમ, એસ્સાર ઓઈલ જેવા બે-ચાર દિવસમાં અધધ... ઉછળેલા શેરોના ભાવોમાં તમે લઈ ગયા, અમે રહી ગયાના રવાડે ચડાવી દેવાયા. આ કેસીનોમાં લાખો- કરોડ કમાઈ લેવાની લાલચમાં એ પણ ભુલાઈ ગયું કે એક સમયે સેબી- શેરબજારો દ્વારા નિર્ધારિત મર્યાદાના રૂ.૨.૫૦ લાખથી રૂ.૨.૭૫ લાખ મૂલ્યનો એક કોન્ટ્રેક્ટ આ તોફાનમાં રૂ.૧૧થી ૧૨ લાખ સુધીના થઈ ગયા હતા. એક તરફ સેબી- શેરબજારોએ આ કોન્ટ્રેક્ટ સાઈઝ પર લગામ તાણવામાં વિલંબ કર્યો અને ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. માર્જીનના રૂ.૨ લાખ ચૂકવવાની તાકાત પણ નહીં ધરાવતા રૂ.૮થી ૧૦ લાખના દેવાદાર બની શકે એવી અગમચેતી છતાં બ્રોકરો- બ્રોડિંગ હાઉસોની માર્જીન ફંડીંગની પોતાની મૂડીએ આપેલી ઉદાર સવલતોની માયાજાળમાં ફસાઈ ગયા. આખરે થયું શું દેશી- બ્રોકરો પેઢીઓને નેસ્તનાબૂદ કરવાનો ફિરંગીઓ અને મોટાગજાના ઔદ્યોગિક જાયન્ટોનો બદઈરાદો સફળ થયો અને ગ્રાહકોને માર્જીન ફંડીગ આપનારા આ કહેવાતા મોટા બ્રોકિંગ હાઉસો- રીટેલ ગ્રાહકોના તેમના ગાઈ- વગાડીને ફેલાવેલો પથારો એક જ ઝાટકામાં વિખેરાઈ ગયો.

ફંડામેન્ટલની સવારી કરી મઘ્યમથી લાંબા ગાળાના રોકાણકાર બનનારા જ બજારમાં ટકી શકે છે

વાચક મિત્રો અહીં ફરી ફરી એક જ વાત કહેવાની ટૂંકા ગાળાનો ઝટપટ લોટરીની લાલચનો વિકલ્પ નહીં અપનાવી ફંડામેન્ટલની સવારી કરનારા અને મઘ્યમથી લાંબાગાળાના રોકાણકાર બનનારા જ આખરે મૂડીબજારમાં ફાળતા હોય છે, અને પારકી મૂડીએ નહીં પોતાની મૂડીએ રોકાણકાર બનનારા નિરાંતની નિંદર અને વળતર મેળવી શકે છે. રોકાણ માટે આઈએસઓ ૯૦૦૧ વ્હીલ્સ ઈન્ડિયા લિમિટેડ બીએસઈ- એનએસઈ લિસ્ટેડ ટીવીએસ ગુ્રપ દ્વારા સ્થપાયેલી ડનલોપ યુએસએ સાથે ૨૦ વર્ષના તકનીકિ અને ઈક્વિટી સહયોગ બાદ હાલ અમેરિકાની ટાઈટન વ્હીલ્સ ઈન્ટરનેશનલ સાથે ટીવીએસ ગુ્રપ ૫૦ ટકા, ટાઈટન યુ.એસ.એ. ૩૬ ટકા આમ ૮૬ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ૫.૫ ટકા કોર્પોરેટ બોડી, ઈન્સ્યોરન્સ કંપની અને માત્ર ૮.૫ ટકા પબ્લિક હોલ્ડિંગ ધરાવતી કંપની વ્હીલ્સની વધતી માગને પહોંચી વળવા કંપનીએ ૨૫ ટકા ક્ષમતા વિસ્તરણ રૂ.૧૦૦ કરોડના ખર્ચે હાથ ધર્યુ હતું. જે વર્ષ ૨૦૦૭માં ઉતરાંચલ અને ચેન્નઈ બન્ને પ્લાન્ટમાં કાર્યરત થઈ ગયું છે, અને ક્ષમતા ૮૦ લાખથી વધીને ૧૦૦ લાખની થઈ છે. બે દિવસ અગાઉ કંપનીએ સુંદરમ ફાઈનાન્સ ૫૦ ટકા અને વ્હીલ્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ૫૦ ટકા ઈક્વિટી હોલ્ડિંગ દ્વારા સંયુક્ત સાહસ થકી સુંદરમ હાઈડ્રોલીક્સ લિમિટેડ દ્વારા હાઈડ્રોલીક્સ સીલીન્ડર્સના ઉત્પાદન ક્ષેત્રે વૈવિઘ્યીકરણ કરવાનું જાહેર કર્યું છે. જેમાં કંપની રૂ.૭૩૫ લાખનું રોકાણ કરશે. સેબી માર્ગરેખા મુજબ પ્રમોટર્સ ૭૫ ટકા હિસ્સો રાખી શકે, જેથી ૧૧ ટકા કંપની પ્રાઈવેટ પ્લેસમેન્ટ થકી વેચે તો ઉંચા ભાવે અને ડીલિસ્ટિંગ કરવું હોય તો પણ ઉંચા ભાવે કરવું પડશે. આમ બન્ને શક્યતામાં ફાયદો શેરધારકોને થઈ શકે છે. ગઈકાલે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં કંપનીએ નવા બન્ને યુનીટોના ફાયદો ચાલુ થવાથી ચોખ્ખા નફામાં ૬૨ ટકાના ઉછાળાએ રૂા.૮.૧૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. છેલ્લા ત્રિમાસિક પરિણામાં કંપની રૂા.૩૦૪ કરોડનું વેચાણ અને ચોખ્ખા નફામાં માત્ર ૫૦ ટકા ઉછાળો ગણીએ તો રૂા.૧૪.૮૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી શકશે. જેથી પૂર્ણ વર્ષની શેરદીઠ કમાણી રૂા.૩૩.૮૦ નોંધાવી શકશે. જે વર્ષ ૨૦૦૯માં વધીને રૂા.૪૪ આંબી શકશે. કંપનીની બુક વેલ્યુ હાલ જે રૂા.૧૬૨ છે, તે વધીને વર્ષ ૨૦૦૮માં રૂા.૧૯૫ અને વર્ષ ૨૦૦૯માં રૂા.૨૩૦ થી વઘુ થવાની શક્યતાએ બોનસની પણ એક વર્ષમાં પ્રબળ શક્યતા રહે. ઓટો એનસીલીયરી ઉદ્યોગ અને ટાવર ઉદ્યોગમાં સરેરાશ ૨૦ના પી/ઈ સામે વિદેશી સહયોગી, ત્રણ બોનસ ઈસ્યુ દ્વારા ૭૭ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી અને હાઈડ્રોલીક સીલીન્ડરમાં વિસ્તરણના ફાયદા આવે તે અલગની કંપનીને ૧૫નો પી/ઈ આપીએ તો વર્ષ ૨૦૦૮માં રૂા.૫૧૦ અને વર્ષ ૨૦૦૯માં રૂા.૬૯૦ને આંબી શકે એવી શક્યતાએ બીએસઈ-એનએસીમાં વ્હીલ્સ ઈન્ડિયા રૂા.૨૮૧ ભાવે ઉપલબ્ધ છે.

ઓટો, ઓટો એનસીલીયરી, ટાયર, બેંકિંગ શેરોમાં ચમકારો જોવાશે

કોર્પોરેટ પરિણામોની ત્રીજા ત્રિમાસિકની મોસમ પૂરી થવામાં છે, ત્યારે પાછલા દિવસોમાં ઓક્ટોબર થી ડીસેમ્બર, ૨૦૦૭ના ત્રિમાસિકમાં બેંકિંગ, ટાયર ઉદ્યોગની કંપનીઓએ શ્રેષ્ઠ કામગીરી જાહેર કરીને ટોચના ૧૦ ઉદ્યોગમાં સ્થાન મેળવ્યું છે. જેમાં ટાયર ઉદ્યોગની ટોચની કંપનીઓએ ચોખ્ખા નફામાં ૫૦ થી ૧૨૦ ટકા ઉછાળો નોંધાવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં દેશમાં ઓટો મોબાઈલ, ઓટો એનસીલીયરી, ટાયર ઉદ્યોગની કંપનીઓના શેરો તેમજ બેંકિંગ શેરોમાં ચમકારો જોવાશે.

નિફ્ટી ૫૪૭૭ ઉપર બંધ થતા ૫૬૯૨

વૈશ્વિક બજારોમાં હજુ સર્જાઈ રહેલી અમેરિકા પાછળની ઉથલપાથલમાં આગામી સપ્તાહમાં મુંબઈ શેરબજારોમાં પણ ઈન્ડેક્ષ બેઝડ સ્પષ્ટ ટ્રેન્ડના અભાવ વચ્ચે અફડાતફડીનો ખેલ કાયમ રહેવાતી અને સેન્સેક્ષ ૧૭૫૧૭ના ટેકાએ ૧૮૭૮૧ ઉપર બંધ આવતા ૧૯૨૪૩ની શક્યતા રહેશે. જ્યારે નિફટી ઈન્ડેક્ષ ૫૪૭૭ ઉપર બંધ આવતા ૫૬૯૨ની શક્યતા રહેશે. નિફટીમાં નીચામાં ૫૧૦૭ સર્પોટ લેવલ ઘ્યાને લેવું.

Copyright   © Gujarat Samachar