વિવિધા
નશીલી
ડ્રગ્સની લપેટમાં યુવા પેઢી
જબ તક જોશમેં જવાની, ખૂનમેં રવાની
‘‘યાર, આઈ હેડ ટેરીબલ ‘ક્રેશ’
એટ માય હોમ આફટર ધ પાર્ટી... વ્હોટ એબાઉટ યુ.’’ નવી દિલ્હીના
ગ્રેટર કૈલાસ જેવા પોશ એરિયાના બંગલામાંથી બીએમડબલ્યુ જેવી કારમાં
સવારે અગિયારેક વાગે બહાર નીકળતાં જ અવિનાશે તેના મિત્ર રવિને વહેલી
પરોઢે પાર્ટીમાંથી આવ્યા બાદ તેની જે હાલત થઈ તેનું વર્ણન કરવાનું
શરૂ કરી દીઘું.
રવિએ તેની વેદના થોડો સમય સાંભળ્યા
બાદ કહ્યું કે, ‘‘કમ ઓન મેન... ધીસ ‘બમ્પ
ટ્રીપ્સ’ આર રૂટિન... બી કેરફુલ નેકસ્ટ ટાઈમ.’’
આપણને એમ લાગે કે અવિનાશ અને રવિ
કોઈ કોડ વર્ડમાં વાત કરતા લાગે છે. મુંબઈ, નવી દિલ્હી જેવા મેટ્રો
શહેરોમાં મધરાત પછી જામતી પાર્ટીઓમાં જતા મહેનત વગર કે ભ્રષ્ટ રીતે
કરોડપતિ થયેલા શ્રીમંતોના સંતાનોની વાતો સાંભળતાં કોઈ સજ્જન અને
અતિ શિક્ષીત પેઢીને તો કંઈ સમજાય જ નહીં તેવી ભાષામાં વાતચીત થતી હોય
છે.
મૂળ વાત એ હતી કે રાત્રે પાર્ટીમાં નશીલી
ડ્રગ અને મધપાનની મસ્તી સાથે છોકરીઓ જોડે ઝુમ્યા બાદ ઘેર
પહોંચ્યા પછી અવિનાશને ડ્રગની આડઅસરનો હૂમલો થયો હતો. તે ફર્શ પર
ફસડાઈ પડ્યો હતો. તેને એમ લાગ્યું કે તેના પર પેરેલિસીસનો હૂમલો
થઈ રહ્યો છે. તે ન તો કોઈને બોલાવી શક્યો કે ન પુરતો શ્વાસ લઈ શકતો
હતો. નસીબજોગે તે સવારના દસ વાગે ઉઠ્યો ત્યારે કંઈક સ્વસ્થ લાગતો
હતો.
નશીલી ડ્રગના સેવન પછી જે આડઅસર થાય
તો તેને પાર્ટી સર્કલમાં ‘ક્રેશ’ કે ‘બમ્પ ટ્રીપ્સ’ કહેવાય છે.
અવિનાશે સવારે ૧૧ વાગે મોબાઈલ પર આ
વાતચીત કરવા દરમ્યાન એવો નિર્ણય કર્યો હતો કે હવેથી તે ડ્રગનું
સેવન ક્યારેય નહીં કરે. પણ જેમ જેમ કલાકો વીતતા ગયા અને રાત્રિના દસેક
વાગ્યા ત્યાં સુધીમાં તો અવિનાશની સ્થિતી દયનીય બનવા માંડી.
તેનું માથું ફાટતું હોય તેવું તેને લાગવા માંડ્યું. રણપ્રદેશમાં
કોઈ તરસ્યાને ભટકતો મુકી દીધો હોય અને પાણીના એક બુંદ
માટે તે જેમ ટળવળતો હોય તેમ તેનું શરીર કોથળાની જેમ ઢીલું બનીને
તુટી ગયું હોય તેમ તે કોઈ તીવ્ર ખેવના સાથે ઝુરવા માંડ્યો હતો. તેણે
સીધી જ તેની કાર ગઈ રાત્રે જે ડિસ્કોથેકમાં ગયેલો તે તરફ હંકારી
દીધી. પાર્ટીમાં જતાં જ રવિ ફરી તેને અલપ-ઝલપ થતી રંગબેરંગી
ડીમ લાઈટમાં કમરથી નીચે સુધીના જીન્સ પર એક વેંતના ટોપ પહેરેલી
છોકરીઓ વચ્ચે ઝુમવા લઈ ગયો.
થોડી જ વારમાં તેની નજીકનો એક યુવાન
તેને રવિના ઈશારા વચ્ચે એક ગોળી આપી ગયો. ડ્રગ માટે બેબાકળા બનેલા
અવિનાશે ઝડપથી ગોળી મોંઢામાં મુકતા જાણે મૃતપ્રાયને પ્રાણવાયુ મળતો હોય
તેવી મસ્તીમાં આવી જતાં કહ્યું કે, ‘‘ઓહ... એસ્કટેસી...
વાઉ’’.
મેટ્રો શહેરોમાં કોકેઈન, એસ્કટેસી,
એસિડ, સ્પીડ જેવી નશીલી દવા કે અવનવા હોર્મોન્સના ઈંજેકશનોની
લત્તનું પ્રમાણ યુવા પેઢીમાં જે હદે પ્રસરી રહ્યું છે તે જોતાં
એવું લાગે છે કે ડ્રગના આ સોદાગરો બહુ ઝડપથી તેઓનું નેટવર્ક
હવે મીની મેટ્રો અને અન્ય શહેરો સુધી ફેલાવવામાં સફળ થશે. ટીવી
કલ્ચર, પાર્ટી, પોપ વીડીયો, પોર્નો, ડિસ્કોથેક, અંગ્રેજી પ્રસારણ માઘ્યમો
તેમજ આવી સંસ્કૃતિ ફેલાવવામાં એજન્ટ જેવું કામ કરનારા તત્ત્વો હવે
સુઆયોજીત પગદંડો જમાવતા જાય છે. શોર્ટ કટથી મહેનત વગર કમાયેલા
બેનંબરી રૂપિયા, વગદાર વાલીઓના સંતાનો, ભ્રષ્ટ સીસ્ટમનો ઉપયોગ
કરીને બની બેઠેલા શ્રીમંતોના નબીરાઓ તેમજ સેક્સ-શરાબ-સુંદરીઓ
જ જેમના જીવનના પાયા છે તેવી અંધારૂં થતાં જ ધુવડ બની જતી યુવા
પેઢી માટે ડ્રગ હવે વ્યસન નહીં પણ ફેશન બનતી જાય છે. નવી દિલ્હીમાં
એક જાણીતા મનોચિકિત્સકે ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે, હજુ ત્રણ
વર્ષ પહેલાં જ તેની પાસે ડ્રગમાંથી છુટવા માટે ઉદ્યોગપતિઓના છ સંતાનો
આવતા હતા. આજે ૧૬૦ જેટલા યુવાનો તેના હાથ નીચે ડ્રગ રીહેબીલેશન થેરેપી
માટે આવે છે. દુઃખદ વાત એ છે કે ઉચ્ચ મઘ્યમ વર્ગના નોકરિયાત
વાલીઓના યુવાનોનો પણ આમાં સમાવેશ થાય છે. જુદા જુદા
ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ સમાજના ડરથી તેમજ તેના મિત્ર વર્તુળથી છુટકારો
મળી રહે તેથી તેમના આવા નશીલા સંતાનોને વિદેશના ડ્રગ મુક્તિ સેન્ટરોમાં
સારવાર અપાવવા બોડી ગાર્ડ સાથે મોકલી આપતા હોય છે. રાહુલ મહાજન,
સંજય દત્ત, ફરદીન વગેરે આ રીતે લંડનમાં સારવાર લઈને
આવ્યા છે પણ ખાસ સફળ નથી થયા.
એક મનોચિકિત્સકે કહ્યું કે હજુ તો
પરિસ્થિતિ વઘુ ખતરનાક રૂપ ધારણ કરશે કેમ કે પાર્ટી કલ્ચરમાં ગળાડૂબ
બની જતી હાલની પેઢી ડ્રગને ગંભીર દૂષણ માનતી જ નથી. તેઓને મન
ડ્રગ એ ‘ફેશન એસેસરીઝ’થી વિશેષ કંઈ નથી. જેમ સિગારેટ, ગુટખાને
સહજતાથી લેવાય છે તેટલા રૂટિન માનસ સાથે એસ્કેટેસી, સ્પીડ, એસિડ તથા
કેટલીક ડિઝાઈનર ગોળીઓ લેવાતી હોય છે.
આ ડ્રગને કારણે તેઓ અકલ્પનીય એનર્જી
અને સ્વર્ગીય રોમાંચ સાથે કલાકો સુધી નાચી શકે છે. તેમના વિકૃત
આનંદની ક્ષણોને કલાકો સુધી ખેંચી જઈ શકે છે. આવા ડ્રગના
બંધાણીને જ્યારે મનોચિકિત્સીકે પૂછ્યું કે તમે કોકેઈન લીધા
પછી શું અનુભવો છો? ત્યારે તેણે કહ્યું હતું કે મારામાં એટલી હદે
ઉર્જાનો સંચાર થયો હોય તેમ અનુભવું છું કે મને એવું મન થાય છે કે
સામેથી આવતી ધસમસતી ટ્રેન કે ટ્રકને પણ હું મારા હાથની તાકાતથી
અટકાવી દઉં. અન્ય એક આવા યુવાને તેની માનસિકતા રજુ કરતાં જણાવેલું
કે આપણી ઈચ્છા કોઈ પાર્ટીમાં આખી રાત નાચવાની કે છોકરીઓ જોડે ઝુમવાની
હોય પણ શરીરની ક્ષમતા અડધો કલાક - કલાક માંડ સાથ આપી શકે. વળી
તનાવ તેમજ ઈચ્છા શક્તિનો અભાવ, મુડ વગરની સ્થિતિને કારણે પાર્ટીની મસ્તીનો
કોઈ ચાર્મ નથી રહેતો હોતો. એકથી એક ચઢિયાતી માદક સેક્સી છોકરીઓને
પ્રભાવિત કરવાની હોય છે. તેને વશ કરીને કાયાને કચડવાની હોય છે. ‘વી
વોન્ટ પાર્ટીઈંગ હાર્ડ!’ વી વોન્ટ ટુ ફીલ લાઈક માસ્ટર ઓફ ધ યુનિવર્સ!
આ પેઢી ડ્રગને ડ્રગ તરીકે સ્વીકારતી જ
નથી. તેના માટે આ એનર્જી પીલ્સ કે પાવડર છે. પાર્ટીની મઝા માણવા દરમ્યાનનું
તે એક પેકેજ કે રીચ્યુલ છે. આ એક વ્યસન કરતા પણ જીવનશૈલી બનતી જાય છે.
એવું પણ કહેવાય છે કે ડ્રગ લેનાર એક વ્યક્તિ બીજી અજાણી વ્યક્તિ ડ્રગ લેતી
હોય તો તેને અંદાજ આવી જતો હોય છે.
ડ્રગનું સેવન નહીં કરનારા જે યુવાનો
પાર્ટીમાં જાય છે તેઓ લધુતાગ્રંથિ અનુભવે તે હદે ડ્રગનું સેવન કરનારા
યુવાનોની એનર્જી, આત્મવિશ્વાસ, કુલનેસ અને એક પ્રકારનું પ્રભુત્વ હોય છે.
છોકરીઓ પણ આવા પાર્ટીઈંગ હાર્ડ છોકરાઓની આજુબાજુ જ મંડરાતી હોય
છે. ધીમે ધીમે ડ્રગનું સેવન નહીં કરનારા યુવાનો પણ આવા યુવાનોને
રોલ મોડેલ માનીને ડ્રગના રવાડે ચઢવા માંડે છે.
પ્રત્યેક પાર્ટીઓમાં એજન્ટ જેવું કામ
કરતા યુવાનો શરૂમાં તો પાર્ટીમાં આવનારાઓને મફતમાં જ આવી ડ્રગ પુરી
પાડે છે. એક વખત વ્યસન થઈ જાય પછી આ જ યુવાન જલબીન મછલીની જેમ તરફડે
છે. તે માંગ્યા રૂપિયા લાવી આપે છે.
અગાઉના વર્ષોમાં તો ડ્રગ મેળવવા માટે
અંધારી ગલીઓમાં કે રેલ્વે ટ્રેક નજીક ઉભેલા સપ્લાયરો પાસે મેટ્રો
શહેરોમાં જવું પડતું હતું. હવે તો ચાલુ પાર્ટીએ જ તમારી સાથે ડાન્સ
કરતા કોઈ યુવાન જે પોતે આ ધંધો કરીને પોશ ગાડીનો માલિક
બની ગયો હોય છે અને ફાઈવ સ્ટાર કલ્ચર જેવો જ લાગે તે નજીક આવીને ગોળી
કે પડીકી પકડાવી દે છે. આવી વ્યક્તિને ‘પુશર’ તરીકે ઓળખાય
છે.
કોકેઈન લેનારાઓ ડિસ્કોથેક કે ફાર્મહાઉસ
પાર્ટી હોય તો નજીકના બાથરૂમમાં સરકી જઈને તેનું કામ પતાવીને ફરી પાર્ટીના
અંધારામાં ખોવાઈ જાય છે.
સેલફોનથી હોમ ડિલીવરી પણ કરવામાં
આવતી હોય છે. મુંબઈ, નવી દિલ્હીમાં કેટલાક નબીરાઓ તો તેમના
મિત્રો પાસેથી વિદેશથી ગોળીઓ મંગાવે છે. ડ્રગના હેડ કવાર્ટર
સમાન કોલંબીયામાં કોઈને શક ના જાય તેમ અમેરિકા, બ્રિટન કે અન્ય દેશોથી
કુરિયર સર્વિસ દ્વારા પાર્સલમાં કોઈ ચીજવસ્તુ જોડે પણ ડ્રગનો જથ્થો મેળવાતો
હોય છે.
મુંબઈ, દિલ્હીમાં તો હવે અમુક
ખાસ જગાઓમાં કે પાર્ટીઓમાં વિદેશીઓની હાજરી પણ વધતી
જાય છે. તેઓમાંના ઘણાં સપ્લાયરની કડી મનાય છે.
નાર્કોટિક કંટ્રોલ બ્યુરો સ્વીકારે છે
કે અમેરિકા અને યુરોપનું ડ્રગ માર્કેટ હવે વઘુ ઉંચુ લઈ જઈ શકાય તેમ
નથી. તેથી ડ્રગના ધંધા કરનારાઓની નજર ભારત પર પડી છે. તેઓને
એ વાતની પ્રતિતી પણ થઈ ચૂકી છે કે જો પાંચેક હજાર રૂપિયાના પ્રતિ ગ્રામના
કોકેઈનનો ધંધો કરતા રહીશું તો અમુક શ્રીમંત નબીરાઓ સુધી
જ ધંધો સીમીત રહેશે. એટલે હવે તેઓએ ભેળસેળ સાથેનું,
હલકા સ્તરનું તેમજ શરીર માટે ખતરનાક એવા કોકેઈન કે અન્ય પ્રદાર્થો
ધુસાડવાની યોજના બનાવી છે જેની કંિમત મઘ્યમ વર્ગ કે ઉધારી કરીને
નિમ્ન આર્થિક સ્તરના યુવાનોને પણ પરવડી શકે.
મુંબઈમાં થોડા મહિના પહેલા ૨૧ વર્ષના
ડ્રગના બંધાણી એવા એક યુવાને ડ્રગ વગર રહી ના શકતા તેના ઘરની
તિજોરીમાંથી વિદેશી પરફ્યુમની બોટલો, ત્રણ ઈમ્પોર્ટેડ ઘડિયાળો,
કારબેટરી તેમજ તેના પિતાની સહી કરેલા કોરા ચેકની મદદથી
રૂા. ૭૦,૦૦૦ બેંકમાંથી ઉપાડીને ‘પુશર’ને ડ્રગ માટે રૂપિયાની ચૂકવણી
કરી હતી.
કેટલાયે વાલીઓને તેમના સંતાનોએ
રાતા આંસુએ રડાવવાનું શરૂ કર્યું છે. ઘણાં વાલીઓના સંતાનો ડ્રગ્સના
કેસમાં ૧૦ વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. તેમના પિતા પ્રમોદ મહાજન
કે ફિરોઝખાન જેવા વગદાર નથી.
તમારા સંતાનોને નાનપણથી એવા સંસ્કાર
આપવાનો સમય પાકી ગયો છે કે મફતમાં પણ કોઈ કંઈ મઝા કરાવે તો તેનો
પ્રેમથી ઈન્કાર કરી દેવો. ડ્રગની ચુંગાલમાં તમને ફસાવવા માંગતી આવી
વ્યક્તિ તમને મોંઘી રેસ્ટોરાં, સ્નેકસ પીણાની શરૂમાં મઝા કરાવે છે. પછી
સિગારેટ, વાઈન, છોકરી અને ડ્રગની દુનિયામાં લઈ જાય છે. અને પછી
રોજ ધીમા મોત સાથેનું જીવન... !
કોકેઈન
નહીં ‘બ્લો’ કહેવાનું
યુવા
પેઢી પાર્ટી સર્કલમાં કઈ ડ્રગ લઈને રાતભર ઝુમે છે
(૧) કોકેઈન ઃ ‘કોકો’ના
પાંદડાઓમાંથી મેળવેલ સફેદ પાવડર કોકેઈન તરીકે ઓળખાય
છે. કુદરતી રીતે પ્રાપ્ત આ સૌથી વઘુ નશો, ઉન્માદ અને ઉત્તેજના
લાવતો પ્રદાર્થ મનાય છે.
અન્ય ઓળખઃ પાર્ટી સર્કલમાં બ્લો,
આઈસ, કોક કે કેન્ડી તરીકે ઓળખાય છે.
કંિમત ઃ એક ગ્રામના રૂા. ૪૦૦૦ થી
રૂા. ૫૦૦૦
સેવનની પદ્ધતિ ઃ મોટે ભાગે રૂા. ૫૦૦ની
નોટ કે તેના જેટલા લીસા-કડક કાગળમાં ખાસ પ્રકારથી રોલ કરીને નાક વડે
લેવામાં આવે છે જેને ‘સ્નોર્ટંિગ’ કહેવાય છે. ઘણાં તેને સળગાવીને
તેના ઘુમાડાનો નશો કરે છે. તે ઈન્જેકટ પણ કરી શકાય અને ખાઈ પણ શકાય.
ભય-આડઅસર ઃ એક વખત તેનું સેવન
કર્યા બાદ જે શારીરિક અને માનસિક રીતે જે અનુભવો થાય અને તેને
કારણે શરીરની આંતરિક પ્રક્રિયામાં જે ઝડપથી ફેરફારો થાય તે પછી તેના
બંધાણી બની જવાતું હોય છે. ભેળસેળવાળું કે વઘુ માત્રામાં કોઈ
માદક પીણા જોડે લેવાય તો ગણતરીના કલાકોમાં જ સેવન કરનારનું
મૃત્યુ થઈ શકે છે. નિયમીત લેનારને હૃદયરોગની બિમારી તેમજ અન્ય અંગો
ફેઈલ થઈ જવાની તેમજ સતત આત્મહત્યા કરવાની ઈચ્છા જેવા નકારાત્મક અને ડિપ્રેશનના
દોરા પડતા હોય છે.
(૨) એસ્કટેસીઃ ફેનીલીથાઈલમાઈન વર્ગની
દવામાંથી બનતી આ એક સીન્થેસાઈઝડ કેમિકલ ગોળી છે.
અન્ય ઓળખઃ પાર્ટી સર્કલમાં તે MDMA,
XE, XTC કે ‘એડમ’ના કોડ
નામથી ઓળખાય છે.
કંિમત ઃ એક ગોળીની કંિમત રૂા.
૪૦૦તી રૂા. ૫૦૦ હોય છે.
સેવનની પદ્ધતિ ઃ મોટેભાગે ગળી જવાની
હોય છે. ઘણાં અખતરાબાજો તેનો પાવડર બનાવીને સુંઘે - snort
કરે છે. સિગારેટ પેપરમાં રોલ
કરીને સ્મોક કરે છે.
ભય-આડઅસર ઃ પાર્ટી માટે ખૂબ જ લોકપ્રિય
અને સહજ બનતી જતી ડ્રગ છે. કેમકે તે ગળી જ જવાની હોય છે. ઝડપથી એકબીજાને
પાસ ઓન કરી શકાય છે. પકડાવવાનો ભય પણ નહીંવત રહે છે. આ ડ્રગ લેવાથી
પાંચ-છ કલાક માટે સ્વર્ગીય અનુભૂતિ અને સ્ફૂર્તિનો ધોધ વહેતો
હોય તેવું લાગે છે. કામચલાઉ ધોરણે ગજબનો આત્મવિશ્વાસ આવે છે
અને દુનિયા જીવવા જેવી જણાય છે. આ ડ્રગના બંધાણી બન્યા પછી
તેના વગર ચાલતું નથી. પાર્ટી અને સેક્સના રવાડે ચઢી જવાય છે. મગજની આંતરિક
રચનામાં - આંતઃસ્ત્રાવોની કુદરતી સ્થિતીમાં ક્રમશઃ ભારે
ફેરફારો થવા માંડે છે. બંધાણી વ્યક્તિનું વર્તન માનસિક વિકૃત, અસમાન
આવેગો અને મુડ-મિજાજથી ભરપુર બનતું જાય છે. તેની યાદશક્તિ પણ ગુમાવવા
માંડે છે.
(૩) એસિડઃ લીસેર્જીક એસિડ ડાઈથાઈલેમાઈક-૨૫
વર્ગનું આ પ્રવાહી કેમિકલ છે.
અન્ય ઓળખઃ પાર્ટી જગતમાં તે LSD,
બ્લોટર, સીડ, સુગર ક્યુબ્સ તરીકે
ઓળખાય છે.
કંિમત ઃ બ્લોટીંગ પેપર (શાહીચુસ
કાગળ) પરના એક ચોરસ ટુકડાની કંિમત રૂા. ૨૦૦-૨૫૦.
સેવનની પદ્ધતિ ઃ બ્લોટીંગ પેપર પર
આ પ્રવાહી ડ્રગ રેડવામાં આવેલી હોય છે. પેપરમાં આ ડ્રગ ચુસાઈ ગઈ છે.
જીભ પર આવા ડ્રગવાળા પેપરનો ટુકડો મુકી દેવાનો હોય છે. જે
પ્રવાહી સાથે ઓગળી ગયા બાદ ખાઈ જઈ શકાય છે. સોડા કે મિનરલ વોટર
જેવા પ્રવાહીમાં પ્રવાહીવાળા બ્લોટીંગ પેપરના ટુકડાને ઓગાળીને તે પાણી
પી જઈને પણ નશો કરાતો હોય છે.
ભય-આડઅસરઃ સેવન કર્યા પછી એકાદ
કલાકમાં તેની અસર થાય છે. જે છ-આઠ કલાક ચાલે છે. આની અસર એટલી આંતરિક
ઉથલપાથલ સર્જતી હોય છે કે લેનારને અવનવા દ્રશ્યો, આભા અને આકારો તેની
આંખ સામે દેખાય છે. જે મોટેભાગે તેને નયનરમ્ય એહસાસ કરાવે છે.
‘હેલ્યુસીનોજેન’ કેટગરીની આ ખતરનાક ડ્રગ છે. મનોચિકિત્સકોની
ભાષામાં બંધાણીને નજર સામે એ હદે આભા સર્જાય છે કે રંગને
તેઓ સાંભળી શકે અને અવાજને જોઈ શકે! તેનો બંધાણી ડીપ્રેશનનો
શિકાર અચુક બને છે. પોતે એકલો બેસીને આવી રીતે રંગ અને અવાજની
દુનિયામાં ખોવાયેલો રહે છે. તમામ પ્રવૃત્તિમાં જવાનું બંધ
કરી દે છે. તેના મિજાજનું ઠેકાણું નથી રહેતું. લેનારની પાછળની
જીંદગી અને મૃત્યુ દયનીય અને પાગલ જેવું હોય છે. પરવીન બાબી
માટે ફિલ્મ વર્તુળ આ ડ્રગની બંધાણી હોવાની ચર્ચા કરતું હતું.
(૪) સ્પીડ ઃ એમ્ફેટામાઈન વર્ગની આ
સિન્થેટિક ડ્રગ આજકાલ પાર્ટી સર્કલમાં ખૂબ જ લોકપ્રિય છે.
અન્ય ઓળખ ઃ મેથ, ક્રીસ્ટલ, ક્રેન્ક,
અને ગ્લાસ.
કંિમત ઃ તેની કંિમત એક ગોળીના
પંદરેક રૂપિયા જ છે.
લેવાની પદ્ધતિ ઃ ગળીને કે સ્મોક કરીને
ભય અને આડઅસરઃ વારેવારે પીપરમેન્ટની
જેમ ખાવી પડે તે હદે બંધાણી બનાવી દે છે. એક ગોળીની
અસર ૧૦ કલાક રહે પણ લેનારને બે-ત્રણ કલાક પછી જ એમ લાગે કે હવે તેણે
ડ્રગ લેવી જ પડશે. શરીર પરની આડઅસર આ રીતે વધતી જ જાય છે. ગોળી
ના મળે તો બંધાણી પાગલ જેવો થઈ જાય છે. તેનો તમામ વ્યવહાર, આત્મવિશ્વાસ
આ ગોળીને કારણે જ હોય છે. બંધાણી મનોરોગી અને હંિસક બની
જાય છે.
Top
|