home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

વેદના-સંવેદના

‘વિક્ટીમ સિન્ડ્રોમ’-એટલે પોતે જગતનો શિકાર હોવાનો ભ્રમ

મેઘનાના બેડરૂમની કાચની બારીમાંથી પ્રવેશેલું સૂર્યનું પ્રથમ કિરણ આનંદ ઉત્સાહના ઉર્મિભર્યા સંદેશા લઈને આવ્યું હતું. પ્રથમ કિરણના સ્પર્શ સાથે જ તે સફાળી બેઠી થઈ ગઈ. તેના મનમાં હરખ સમાતો ન હતો. ઝડપભેર દૈનિક ક્રિયાઓ પતાવી તે મિત અને મમતાના ડીનરની તૈયારીમાં પરોવાઈ ગઈ.

મેઘનાને હજી આ બઘું દિવાસ્વપ્ન જેવું લાગતું હતું. કોઈપણ પુરુષ આટલો સભ્ય, સાલસ પ્રેમાળ હોઈ શકે એ વાત તેને ગળે ઉતરતી નહોતી. મિતે તેના વ્યક્તિત્વને ખીલવવા દીઘું હતું. સ્ત્રી-પુરુષ વચ્ચે બે વ્યક્તિ જેવા તંદુરસ્ત સંબંધ હોઈ શકે છે એ વાત તેને મિત સાથેના ગાઢ સંબંધોથી સમજાઈ ગઈ હતી.

હજી બે વર્ષ પહેલાં જીવનથી હારી થાકીને મેઘનાએ ટીકટવેન્ટી ગટગટાવી જઈને આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. પરંતુ આઈ.સી.યુ.માં ઈન્ટેન્સીવ સારવાર મળવાથી તે બચી ગઈ હતી. સાત દિવસના હોસ્પિટના રોકાણ દરમ્યાન મિત તેના પડોશી હતા. ઝેરી મેલેરિયાની મગજ પર અસર થઈ જતાં તેમની પરિસ્થિતિ પણ ગંભીર બની હતી. તેથી તેમને પણ ઈન્ટેન્સીવ સારવારની જરૂર પડી હતી. તબીબોના કહેવા પ્રમાણે બન્નેય પેશન્ટ એક સરખા ક્રીટીકલ હતા પરંતુ ઈન્ટેસીવ ટ્રીટમેન્ટથી બન્નેયને બચાવી લેવાયા હતા.

ડીસચાર્જ થતી વખતે મિત અને મમતાએ પ્રેમપૂર્વક મેઘનાને કહ્યું હતું કે ‘‘જંિદગીની કોઈ એક દિશા અંધકારમય લાગે. આગળ જવાનો રસ્તો ન મળે અને તમામ સમસ્યાઓનો ઉકેલ જીવનનો અંત આણવામાં જ લાગે એવા સમયે જીવનની એક બીજી દિશામાં પ્રકાશ હોય જ છે. જરૂર હોય છે માત્ર એ યોગ્ય દિશા શોધવાની અને એ ન મળે ત્યાં સુધી ધીરજ રાખીને વિકલ્પો વિશે વિચારતા રહેવાની.... એકવાર અમને મળવા જરૂર આવો. તમને જીવન જીવવાની ઈચ્છા થશે તો એ અમારૂં પણ સદ્‌ભાગ્ય હશે....’’ આટલું કહીને મિત પોતાનું વીઝીટીંગ કાર્ડ મેઘનાના હાથમાં આપ્યું હતું. જેના પર લખ્યું હતું ‘‘મિત પાલખીવાલા, મેનેજીંગ ડાયરેકટર, યુનાઇટેડ કેમીકલ્સ લીમીટેડ.’’

મેઘનાને એ યુગલની વાત સ્પર્શી ગઈ હતી. પરંતુ આ બઘું તેના પર દયાભાવ ઊભો થવાને કારણે જ હતું એવું તેને લાગ્યું. જીવનમાં ક્યારેય ‘‘બીમારી’’ બનીને કોઈની દયાની ભીખ મળે તે તેને પસંદ ન હતું.

આમ પણ મિતની સાથે જો મમતા ન હોત તો મેઘનાએ એ ઔપચારિક મુલાકાતને કોઈ મહત્ત્વ આપ્યું ન હોત કારણ તેને તો પ્રત્યેક મર્દ શત્રુ જ દેખાતો હતો. પછી ભલે ને તે તેનો સગા બાપ પણ કેમ ન હોય ? એ પોતાને પુરુષનામના વરૂથીએ બદતર પ્રાચીની દાઢમાં ફસાયેલા બકરીના બચ્ચા જેવી માસુમ શિકાર માનતી હતી. તેનામાં ‘‘વિકટીમ સિન્ડ્રોમ’’ એટલે પોતે એક શિકાર બનવા માટે જ જન્મી છે એ માન્યતા ભરેલી હતી. તેને એમ લાગતું કે બચપનની કડવી યાદો અને અતીતના ઘાવ ક્યારેય સુકાઈ શકે તેમ નથી.

નકારાત્મક વિચાર અને વલણ મેઘનાના વ્યક્તિત્વનો હિસ્સો બની ચૂક્યાં હતાં. બાલ્યાવસ્થાની ઘટનાઓ અને સંજોગોની વેદનાગ્રસ્ત છાપ તેના મનમાં ઊંડે ઊંડે સુધી અંકિત થઈ હતી.

મોજશોખ અને એશોઆરામમાં મસ્ત રહેતો અને પત્ની કે પુત્રીની જરાય ફિકર ન કરતો બાપ. કાકાની તરસી આંખોની માતા-પુત્રી પર વારંવાર પડતી. હલકી નજરથી તેને એવું લાગતું કે આ જગતના મર્દો માટે તે એક વસ્તુ છે, પ્રોડક્ટ છે, માલ છે. આવા અનુભવોને કારણે તે કુટુંબના, સમાજના કે નોકરી ધંધાના કોઈ માળખામાં ગોઠવાઈ શકતી ન હતી. આ બધી પીડામાંથી મુક્ત થવાનો આત્મહત્યા એક માત્ર વિકલ્પ છે એવું તે સમજતી હતી.

મિત અને મમતાના શબ્દો એ દિવસે તેના હૃદયને સ્પર્શી ગયા હતા. આ સ્વાર્થી દુનિયામાં કોઈ નિસ્વાર્થ સ્નેહ સંબંધોનો પ્રસ્તાવ મૂકી શકે છે એ વાતનું કુતૂહલ થતાં તે મિત પાલખીવાલાને મળવા ગઈ હતી. અને એ દિવસથી તે પ્રથમ તેની કલાર્ક, પછી ઓફીસ આસીસ્ટન્ટ, પર્સનલ સેક્રેટરી અને પછી પર્સનલ મેનેજર બની ગઈ હતી.

મિત હંમેશા મેઘનાને પ્રોત્સાહન આપતો. તેની અંદરની છૂપી શક્તિઓને ઢંઢોળતો, ખીલવવા દેતો. તેથી મેઘનાનું વ્યક્તિત્વ મહોરી ઉઠ્યું હતું. તે યુનાઈટેડ કેમીકલ્સની એક એસેટ બની ગઈ હતી. મેઘનાને વારંવાર પ્રશ્નો થતા. ‘‘મિત શા માટે મારી આટલી મદદ કરે છે? શું જોઈએ છે એને મારી પાસેથી? મમતા જેવી પ્રેમાળ પત્ની છે. બન્નેય પ્રેમથી રહે છે પછી મને આટલું મહત્વ શા માટે?’’

મેઘનાને બીજી નવાઈ મમતાના વ્યવહારથી લાગતી હતી. એક સ્ત્રીને તેનો પતિ બીજી કોઈ રૂપાળી અને યુવાન સ્ત્રીની નજીક જાય એનો કોઈ ડર કે ઈર્ષા કેમ થતી નહોતી? બે વર્ષમાં ત્રણેય જણાં એટલાં નજીક આવી ગયા હતાં કે રેસ્ટોરન્ટ, નાટક, પિકચર કે ટુર ક્યાંય પણ જવાનું હોય તો ત્રણેય જણાં સાથે જ જાય. બિઝનેસ ટૂરમાં ક્યારેક મેઘના અને મિત સાથે જાય ત્યારે મિત એટલી સભ્યતા દાખવે કે મેઘનાને પુરૂષ જાતિની વ્યાખ્યા જ બદલવાની ફરજ પડી હતી.

આજે એ દિવસ હતો જ્યારે બે વર્ષમાં પહેલીવાર મેઘનાના બોસ, ગાઈડ, ફીલોસોફર અને દિલોજાન દોસ્ત મિત અને તેની દરિયાદિલ પત્ની મમતા તેના ઘેર ડીનર માટે આવવાના હતા. તેના જીવનમાં ફરિશ્તાના સ્વરૂપમાં આવેલા આ બન્નેય પરોપકારી પરમાર્થી લોકોનું અભૂતપૂર્વ સ્વાગત કરવા તે થનગનતી હતી.

સાંજ પડી મિત અને મમતા આવ્યાં. ત્રણેય જણાંએ ખૂબ વાતો કરી, પ્રેમથી ખાઘું-પીઘું. વાતોમાં ત્રણેયના જીવ એવા મળી ગયા હતા કે અડધી રાત ક્યાં વીતી ગઈ એનું કોઈને ભાન ન રહ્યું.

જવાનો સમય થયો એટલે મિતે મમતા તરફ ઈશારો કરી પ્રસ્તાવ મુકવા જણાવ્યું. પરંતુ મમતાએ આવો પ્રસ્તાવ મિત જ મૂકે એવું ઈશારાથી કહેવાનું ચાલુ રાખ્યું. આખરે મિતે મેઘનાને કહ્યું... ‘‘મેઘના... અમારે બન્નેએ તને એક વાત કહેવી છે... એક પ્રસ્તાવ છે... તું ના પણ પાડી શકે છે... પણ અમારી ઈચ્છા છે, માંગણી છે અને વિનંતિ પણ છે અને તું ના નહીં જ પાડે એની ખાતરી છે.’’

મેઘનાએ કહ્યું, ‘‘તમે બોસ તરીકે હુકમ પણ કરી શકો છો. મિત્ર તરીકે વચન પણ લઈ શકો છો. તમારા માટે કંઈ પણ કરવા હું તૈયાર છું.’’

મિતે કહ્યું, ‘‘મેઘના... હું અને મમતા સારા મિત્રો છીએ. અમે બાળપણથી પ્રેમમાં હતા. અને અમારા પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમ્યા. જોકે મમતાનો શરૂઆતમાં લગ્ન કરવા માટે વિરોધ હતો કારણ ત ક્યારેય યૌવનમાં પ્રવેશી જ ન હતી. એટલે કે એને ક્યારેય માસિક સ્ત્રાવ શરૂ જ નહોતો થયો. તેથી તે માતા બની શકે તેમ જ નહોતી. બાળક વગર પણ જીવન જીવી શકાય છે એવું સમજાવવામાં ઘણાં પ્રયત્નો પછી હું સફળ થયો. અમારું દામ્પત્ય જીવન આજે પણ સુખમય છે. પણ શેર માટીની ખોટ હવે અમને સાલે છે. અમારી ઈચ્છા હવે તું જ પૂરી કરી શકે તેમ છે. હવે તો વિજ્ઞાન વિકસ્યું છે. આપણા શરીરના મિલન વિના પણ તું અમારું બાળક ધારણ કરી શકે... બોલ અમને તું આટલી મદદ કરી શકે?’’

મિતની વાત સાંભળીને મેઘના અવાચક થઈ ગઈ. લાંબા સમય સુધી એકીટશે તે મિત સામે જોઈ રહી. ધીરે ધીરે તેના ભવાં તંગ થયાં. તે ગુસ્સામાં આવીને જોરથી બરાડી... સાલા... સ્વાર્થી સુવર... આ માટે જ મારી સાથે સંબંધ કેળવ્યો હતો?... બસ પછી તો હાથમાં જે આવે તે છુટ્ટા હાથે મિત-મમતા તરફ ફેંકવા લાગી હતી... મેઘનાના ઘાંટાઓ સાંભળી ફલેટમાં સમાચાર ફેલાઈ ચૂક્યા હતા... ‘‘પેલી મેઘના ફરી ગાંડી થઈ ગઈ છે. તેનું બરાબર છટક્યું છે.’’

મેઘનાના આવા વર્તનથી મિત-મમતા અસ્વસ્થ નહોતાં થયાં. તેમણે મેઘનાને શાંત પાડવા કોશિષ કરીને તેની મનોચિકિત્સા કરાવવામાં મદદ કરી.

મેઘના પાગલ ન હતી. તેની બાલ્યાવસ્થા અને તરૂણાવસ્થામાં સમાજે આપેલી પીડાના કારણે ઘર કરી ગયેલા પૂર્વગ્રહો તેના આ આવેગાત્મક હંિસક વલણ માટે જવાબદાર હતા. યોગ્ય દવાઓ અને સાયકોથેરપીની મદદથી દુનિયાને જોવાની તેની દ્રષ્ટિ બદલી શકાઈ. તેનું વલણ અને વર્તન પણ બદલાયું. મિત-મમતાની દરખાસ્ત પણ તેણે સ્વીકારી. પાંચ વર્ષ થયા. મમતાને પાગલપનનો કે હંિસક વર્તનનો કોઈ હુમલો આવ્યો નથી. મિત-મમતા સાથે તેની દોસ્તી વધી છે.

Copyright   © Gujarat Samachar