home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

દૂરબીન

મોન્ટિનીગ્રો ઃ એક નવા રાષ્ટ્રનું નિર્માણ

વર્લ્ડ અલમાનક એન્ડ ધ બુક ઓફ ફેક્ટસ - ૨૦૦૬ માં જણાવ્યા મુજબ દુનિયામાં અત્યારે બધા મળીને ૧૯૩ દેશો છે. આ ૧૯૩માંથી ૧૯૧ દેશો ધ યુનાઈટેડ નેશન્સના સભ્યો છે. માત્ર બે દેશ વેટીકન સિટી અને તાઈવાન યુનાઈટેડ નેશન્સના સભ્યો નથી. હવે દુનિયામાં એક નવા રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે. આ રાષ્ટ્ર છે, મોન્ટિનીગ્રો.

યુગોસ્લાવિયાના પતન સાથે છ ગણરાજ્યનો સંઘ છૂટો પડયો. આ છમાંથી સર્બિયા અને મોન્ટિનીગ્રો સાથે રહ્યા હતા. હમણાં સર્બિયા સાથેના સંબંધો અને મોન્ટિનીગ્રોની આઝાદીના મુદ્દે મોન્ટિનીગ્રોમાં જનમત સંગ્રહ કરવામાં આવ્યો. બહુ ઓછી બહુમતિ સાથે લોકોએ આઝાદીને પસંદ કરી. આ મતદાન અને મોન્ટિનીગ્રોની આઝાદી સાથે પૂર્વ યુગોસ્લાવિયાની અંતિમ નિશાની પણ ખતમ થઈ જશે.

જનમત સંગ્રહનું પરિણામ આવ્યું ત્યારે મોન્ટિનીગ્રોના સૌથી મોટા શહેર પોડગોરીકામાં લોકોના ટોળાં ઉમટયા હતા. રોડ ઉપર કારના હોર્ન વગાડીને લોકોએ ખુશી મનાવી હતી. લોકો હવે આઝાદીના સપનાં જોઈ રહ્યા છે.

મોન્ટિનીગ્રોના જનમત સંગ્રહમાં ૮૬.૩ ટકા મતદાન થયું હતું. જો પંચાવન ટકા મત મળે તો જ આઝાદીનો નિર્ણય લેવાનો હતો. મત ગણતરી પૂરી થઈ ત્યારે પંચાવન ટકાથી થોડાં જ વઘુ એટલે કે ૫૫.૪ ટકા મત આઝાદીની તરફેણમાં હોવાનું બહાર આવ્યું હતું.

સર્બિયાથી જુદા પડવાના મામલે મોન્ટિનીગ્રોના લોકોના રીતસર બે ભાગ પડી ગયા હતા. મોન્ટિનીગ્રોના સર્બ રાજકારણીઓ, ચર્ચના પુરાતનપંથી નેતાઓ અને સર્બિયાની સીમા નજીકના પહાડી વિસ્તારમાં રહેતા લોકો મોન્ટિનીગ્રોની આઝાદીની તરફેણ કરતાં ન હતા. તેઓનું કહેવું હતું કે, મોન્ટિનીગ્રો અલગ થઈ જશે તો સર્બિયા સહિત સમગ્ર વિશ્વના દેશો સાથે આર્થિક અને રાજનૈતિક સંબંધો ઉપર અવળી અસર થશે. જો કે વિરોધીઓની આ દલીલ કામ લાગી ન હતી.

મોન્ટિનીગ્રોના વતની અને અલ્બેનિયાઈ મૂળના લોકો એવું ઈચ્છતા હતાં કે, મોન્ટિનીગ્રો સર્બિયાથી જુદુ પડી જાય અને પોતાની સ્વતંત્ર ઓળખ ઉભી કરે. મોન્ટિનીગ્રોના પ્રધાનમંત્રી મિલો જુકાનોવિચે કહ્યું કે, વઘુ લોકોના મતથી આઝાદીનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે.

મોન્ટિનીગ્રોના રાજકારણીઓ અને લોકોની ઈચ્છા એવી છે કે, આઝાદી પછી યુરોપિયન સંઘ સાથે જોડાઈને વિકાસ સાધવો. જો કે આઝાદીના નિર્ણય બાદ શું થાય છે એ તો આવનારો સમય જ કહી શકશે. એક વાત સાચી છે કે, મોન્ટિનીગ્રો અત્યારે પરિવર્તનના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે. આઝાદીની સાથે અનિશ્ચિતતાઓ પણ જોડાયેલી છે. જો કે લોકોને એવો વિશ્વાસ છે કે, અમારૂં ભવિષ્ય વઘુ સારૂં બનશે.

યુગોસ્લાવીયા છ ગણરાજ્યનો સંઘ હતો. એક પછી એક દેશ છૂટા પડતાં ગયા. યુગોસ્લાવીયાના પતનના કારણે જ કોસાવોની સમસ્યા પણ ઉભી થઈ. છેલ્લે સર્બિયા અને મોન્ટિનીગ્રોનું જોડાણ બચ્યું હતું. હવે તેનો પણ અંત આવશે.

ઈ.સ. ૧૯૧૮ પછી આખરે મોન્ટિનીગ્રો સ્વતંત્ર દેશ બનશે. સર્બિયા અને મોન્ટિનીગ્રો અત્યાર સુધી ‘ટુ મેમ્બર સ્ટેટ’ હતું. મતલબ કે ધ સ્ટેટ ઓફ સર્બિયા અને ધ સ્ટેટ ઓફ મોન્ટિનીગ્રોનું અલગ અસ્તિત્વ હોવા છતાં બંને એકબીજા સાથે જોડાયેલા હતા.

આજથી ત્રણ વર્ષ અગાઉ તારીખ ચોથી ફેબુ્રઆરી, ૨૦૦૩ના રોજ એક કરાર કરીને બંને દેશો જોડાયા હતા. આ સમયે જ એવું નક્કી થયું હતું કે, ભવિષ્યમાં સાથે રહેવું કે જુદા પડવું તેની વિચારણા ત્રણ વર્ષ પછી કરીશું. ત્રણ વર્ષ બંનેનું ગાડું સાથે ચાલ્યું. આખરે ફાઈનલ નિર્ણય લેવાનો હક મોન્ટિનીગ્રોના લોકોને મળ્યો. તેઓએ સ્પષ્ટ કહી દીઘુ કે, અમને સર્બિયા સાથે જોડાણ નહીં, પરંતુ સ્વતંત્રતા ખપે છે.

મોન્ટિનીગ્રો આમ તો એક નાનકડો દેશ બનશે. સર્બિયા અને મોન્ટિનીગ્રો સાથે હતા ત્યારે બંનેની ઓળખ એકની હતી. મોન્ટિનીગ્રોની સરખામણીએ સર્બિયા ઘણુ મોટું છે. દુનિયાના દેશો વિષે જ્યારે વાત નીકળતી ત્યારે બંનેનું નામ એક સાથે લેવાતું. ફેડરલ રિપબ્લીક સર્બિયા એન્ડ મોન્ટિનીગ્રોના નામ સાથે કૌંસમાં પૂર્વ યુગોસ્લાવીયા લખાતું હતું. હવે મોન્ટિનીગ્રો જુદુ પડતાં કદાચ યુગોસ્લાવિયાનું નામ કાયમ માટે જૂનું થઈ જશે.

સર્બિયા અને મોન્ટિનીગ્રોની સંયુક્ત વસતિ એક કરોડ, આઠ લાખ, ઓગણત્રીસ હજાર હતી અને બંનેનો સંયુક્ત વિસ્તાર એક લાખ, બે હજાર ત્રણસોને પચાસ ચોરસ કિલોમીટરનો હતો. જો કે બંને દેશોનો પોતાનો વિસ્તાર, પોતાની વસતિ અનેપોતાની સીમા સ્પષ્ટ હતી. તેથી જુદા પડવામાં બંનેને કોઈ ખાસ તકલીફ ઉભી થાય તેવું લાગતું નથી.

મોન્ટિનીગ્રોનો વિસ્તાર ૧૩ હજાર ૮૧૨ ચોરસ કિલોમીટર છે અને વસતિ માંડ સાત લાખ લોકોની છે. મોન્ટિનીગ્રોના સૌથી મોટા શહેર પોડગોરીકાની વસતિ માત્ર દોઢ લાખની જ છે. સાઉથ ઈસ્ટ યુરોપમાં આવેલા મોન્ટિનીગ્રોએ હવે પોતાની સ્વતંત્ર ઓળખ ઉભી કરવાની છે.

પ્રથમ વિશ્વયુઘ્ધ બાદ એસ્ટ્રો - હંગેરિયન રાજાશાહીનો અંત આવ્યો. ત્યારપછી જુદા જુદા ગણરાજ્યોનું જોડાણ થયું. ધ કીંગડમ ઓફ સર્બસ, ક્‌ોટસ એન્ડ સ્લોવેનસની રચના થઈ. ક્રોશિયા, ડાલમતીયા, બોસ્નીયા, હર્ઝેગોવિના, સ્લોવેનિયા, વોજવોડીના અને ધ ઈન્ડીપેન્ડન્ટ સ્ટેટ ઓફ મોન્ટિનીગ્રોનું જોડાણ થયું અને ઈ.સ. ૧૯૨૯માં આ સંઘને યુગોસ્લાવિયાનું નામ આપવામાં આવ્યું.

યુગોસ્લાવિયાની રચના પછી આ સંઘ પ્રદેશમાં ધમસાણો ચાલી રહી. ૧૯૨૯થી ૧૯૯૦ સુધીનો યુગોસ્લાવિયાનો ઈતિહાસ ઢગલાબંધ હંિસક ઘટનાઓથી ખરડાયેલો છે. આ સમય દરમિયાન આંતરવિગ્રહોના પણ અનેક બનાવો બન્યા હતા.

૧૯૯૧માં ક્રોશિયા અને સ્લોવનિયા આ સંઘમાંથી છૂટા પડયા. તારીખ ૨૫મી જુન, ૧૯૯૧ના રોજ સ્લોવેનિયા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું. એ જ દિવસે ક્રોશિયા પણ આઝાદ અને સ્વતંત્ર દેશ બન્યું. આમ યુગોસ્લાવિયામાંથી બે દેશો છૂટા પડી ગયા.

ક્રોશિયા સ્વતંત્ર થયું તે પછી ત્યાં વસતાં ક્‌ોટસ અને એથેનીક સર્બ લોકો વચ્ચે અથડામણો થઈ. આ સમયે સર્બિયાએ સર્બ બળવાખોરોને મદદ કરવા હથિયારો સહિત તમામ પ્રકારની મદદ કરી હતી.

સ્લોવેનિયા અને ક્રોશિયા જુદા પડયા પછી એ જ વર્ષમાં બોસ્નીયા અને મેકેડોનીયા પણ છૂટું પડી ગયું. છેલ્લે તારીખ ૧૭મી એપ્રિલ, ૧૯૯૨ના રોજ ધ રિપબ્લીક્સ ઓફ સર્બિયા એન્ડ મોન્ટિનીગ્રોએ ધ ફેડરલ રિપબ્લીક ઓફ યુગોસ્લાવિયાના નામ સાથે જોડાણ કર્યું હતું.

બોસ્નીયામાં આંતરવિગ્રહ ચાલતો હતો ત્યારે સર્બિયાના એ સમયના પ્રેસિડેન્ટ સ્લોબાદેન મીલોસેવિકે બોસ્નીયામાં રહેતા સર્બ બળવાખોરોને હથિયારો પૂરા પાડી સર્બિયામાં લોહીની નદીઓ વહેવડાવી હોવાના આક્ષેપો થયા હતા. આ પછી યુનાઈટેડ નેશને સર્બિયા ઉપર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા.

સર્બિયાના પ્રેસિડેન્ટ મીલોસેવિક અને બોસ્નીયા વચ્ચે ૧૯૯૫માં શાંતિ સમજુતિ થઈ હતી. ત્યાર પછી મીલોસેવિકના વિરોધીઓની ચૂંટણીમાં જીત થઈ. મીલોસેવિકે હાર ન સ્વીકારી અને ફરી અનિશ્ચીતતાના વાદળો ઘેરાયા હતા. છેવટે મીલોસેવિકની ધરપકડ કરાઈ અને થોડાં સમય અગાઉ જેલમાં જ તેનું મૃત્યુ થયું હતું.

કોસોવોની હંિસા માટે પણ સર્બિયાને જ દોષી મનાય છે. સાઉથ સર્બિયામાં ૪૨૦૩ ચોરસ માઈલમાં કોસોવો પથરાયેલું છે. કોસોવોની વસતિ ૨૦ લાખ લોકોની છે અને તેમાં મોટા ભાગના લોકો અલબેનીયન છે.

૧૯૮૯થી સર્બિયાએ દાદાગીરી કરીને કોસોવો ઉપર શાસન કરવા માંડ્યું હતું. ૧૯૯૦માં અલ્બેનીયન લોકોએ ઈન્ડીપેન્ડન્ટ રીપબ્લીક ઓફ કોસોવોને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું. ત્યાર પછી ત્યાં કોસોવો લીબરેશન આર્મી અને સર્બિયાની વચ્ચે ધમાસાણો ચાલ્યા. કોસોવા જેવી જ અનિશ્ચિતતાની હાલત ૮,૩૦૪ ચોરસ માઈલમાં પથરાયેલા વોજવોડીનોમાં પણ થઈ હતી. અંતે નાટોએ દરમિયાનગીરી કરી ત્યારે ત્યાં શાંતિ સ્થપાઈ. આમ છતાં હજુ પણ પૂર્વ યુગોસ્લાવીયાના અનેક પ્રદેશો અનિશ્ચિતતા અને અવઢવમાં જીવે છે.

મોન્ટિનીગ્રો સર્બિયા સાથે જોડાયેલું હતું એટલે સર્બિયાના દરેક પગલાંના છાંટા તેને પણ ઉડે તે સ્વાભાવિક હતું. જો કે અંતે મોન્ટિનીગ્રોએ પણ સર્બિયા સાથેના સંબંધોનો અંત આણ્યો છે. અત્યારની પરિસ્થિતિ જુદી છે, આમછતાં કેટલાંક લોકોને ડર છે કે હવે મોન્ટિનીગ્રોમાં શું થશે ?

નાટો અને બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદથી અત્યારે તો જૂના યુગોસ્લાવિયાથી જુદા પડેલા દેશોની હાલત થાળે પડી રહી છે. હવે બધાની નજર મોન્ટિનીગ્રો ઉપર છે. અત્યારે તો મોન્ટિનીગ્રોના લોકો આઝાદીની ઉજવણીઓ કરી રહ્યા છે.

Copyright   © Gujarat Samachar