home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

રજનીગંધા

‘‘ભારતીય પરિણીતાઓની મર્યાદા ખૂબ વજનદાર હોય છે એ જાણું છું’’ - વ્યંજન

(ગતાંકથી ચાલુ)

સુશ્રુત પ્રત્યેની મારી ધૃણા પ્રતિ દિન વધતી જતી હતી. બિઝનેસ ટૂર પર ન હોય ત્યારે આખો દિવસ ઑફિસમાં હોય. રાતે ઉંદર ઘરમાં લપાઈ જાય એમ મારી રજાઈમાં આવી લપાઈ જતો. એને ધૃણા કરવા છતાં કમનથી એનો પતિ તરીકેનો અધિકાર સ્વીકારી લેતી. પ્રેમના કોઈ આલાપો-પ્રલાપો નહીં, આનંદ-મસ્તી નહીં. કેવળ દેહનાં ચૂથણાં. મારી જાત પર અત્યાચાર થતો હોવાની વેદના અનુભવવા છતાં હું પ્રતિકાર કરી શકતી નહોતી.

હું તરફડતી, એક ધૂંટન મહેસૂસ કરતી હતી. હું નાસી છૂટવા માટે છટપટવા લાગી, ‘નાસી જઈ જઈને ક્યાં જાઉં ? કોની સાથે જાઉં ?’ બાકી હતું તે સ્કૂલની એકઝામ આપી મિલાપ ડેડી સાથે પૂના વેકેશનમાં ગયો હતો. એના પર ખૂબ પ્રેમ વરસાવનાર નાના એના ‘રોલ મોડેલ’ હતા. એને નાના સાથે ખૂબ બનતું. ડેડી મુંબઈ આવે, મારી દેખરેખ રાખે અને મિલાપને વેકેશનમાં પૂના લઈ જાય. નાના સાથે જવામાં મિલાપને ખૂબ મઝા પડતી.

મા, બાપ, પતિ, સર્વના પ્રેમથી હું વંચિત હતી એટલે જ હું મિલાપ પર પ્રેમની અમીવર્ષા કરતી રહી સંતોષ અનુભવતી હતી.

સુશ્રુત બિઝનેસ ટૂર પર હતો - એક દિવસ હું ફોર્ટ વિસ્તારમાં શોપંિગ કરતી હતી. ત્યારે વ્યંજનની આકસ્મિક મુલાકાત થઈ ગઈ. વ્યંજન મારો ‘ટીનએજર’ સ્કૂલમેટ હતો. વ્યંજન મને ગમતો હતો. આ ‘ગમવું’માંથી પ્રેમની કૂંપળ ફૂટે તે પહેલાં વ્યંજને સ્કૂલ બદલી કાઢી હતી. મારા જીવનમાં ઘણું બઘું બની ગયા પછી, ટૂંકમાં જીવનનો પહેલો અધ્યાય પૂરો થયા પછી લગભગ બારેક વર્ષે વ્યંજનની મુલાકાત થતી હતી.

વ્યંજનને જોઈ મારા હોઠ પર સ્મિત ફરકી ગયું. વ્યંજન મને જોઈને દોડી આવ્યો, ‘હાય, બાગેશ્રી, મને ઓળખ્યો ?’

‘બાર વર્ષ પછી ભલે મળતાં હોઈએ પણ મને વ્યંજન બરાબર યાદ છે. તું શું કરે છે ?’

‘સર્વિસ. આસિસ્ટન્ટ મેનેજર ફાઈનાન્સ... પૂનાથી મુંબઈ આવી ગયો છું, તું ?’

‘હું પસ્તાઈને, પરણીને મુંબઈ આવી ગઈ છું.’

‘ફૂટપાથ પર ઊભાં ઊ ભાં જ વાત કરવી છે ? કોઈ હોટલમાં બેસીને વાત કરીએ, તને વાંધો ન હોય તો ? ભારતીય પરિણીતાઓની મર્યાદાઓ ખૂબ વજનદાર હોય છે. એ જાણું છું.’

‘તારી સાથે વાતો કરવાની સ્કૂલમાં ખૂબ મઝા આવતી હતી. અત્યારે મઝા આવે છે કે નહીં એની કસોટી કરવા જરૂર હોટલમાં બેસીએ.’

‘તું નિરાશ નહીં થાય એની ખાતરી આપું છું. શબ્દોના ખડખડાટ વચ્ચે જીવવાનું મને ગમે છે.’

અમે ‘ Hotel Plaza’માં બેઠા-

સુશ્રુત સાથેના લગ્ન પછીની રુંધામણમાં પહેલી જ વાર મેં હળવાશ અનુભવી.

કોલ્ડ કોફી ‘વિથ આઈસ્ક્રીમ’નો ઓર્ડર આપ્યો.

અમે મન મૂકીને ખૂબ ખૂબ વાતો કરી- અતીતને ઊઘાડો કર્યોૃ

મેં રોશન સાથે નાસી જવાથી માંડીને સુશ્રુત સાથેનાં લગ્ન, મિલાપના જન્મની, સુશ્રુતના શંકાશીલ સ્વભાવની, જીવન પડી ગયાની વેદનાની વાત કરી.

વ્યંજને કહ્યું, ‘બાગેશ્રી, હું પણ રિયા સાથેના પ્રેમમાં છળાયો છું. તું પસ્તાઈને પરણી જઈને પસ્તાય છે, હું પ્રેમથી છેતરાયા પછી પરણ્યો નથી એટલું જ.’

‘વ્યંજન, તને મળ્યા પછી વર્ષો પછી હું હસી શકી છું. સ્મિતની પરિભાષા જ વિસરી ચૂકી હતી.’

‘બાગેશ્રી, જો, તારા પિતાશ્રીને બદલીને લીધે મેં પૂના છોડ્યું ન હોત અને આપણે એક જ સ્કૂલમાં હોત તો સાચું કહું, હું તારા પ્રેમમાં પડી ગયો હોત.’

‘વ્યંજન, તું પણ મને ગમતો હતો. શક્ય છે હું પણ તારા પ્રેમમાં પડી ગઈ હોત.’

‘બાગેશ્રી, ગઈકાલ જીવનનું સર્વસ્વ નથી. પરિસ્થિતિ પલટાતી રહેતી હોય છે. ફરી મળવાનું મન થાય તો આ મારું કાર્ડ છે. ફોન કરજે. તું કહીશ ત્યારે મળવા આવીશ.’

‘સુશ્રુત, મુંબઈની બહાર હશે ત્યારે ફોન કરીને મળીશું. તું ફોન કરીશ. એની શંકા થપ્પડ બની ગાલ પર ચમકી જાય છે. જો કે, તમારા ખાઈને હવે રીઢી થઈ ગઈ છું.’

‘ડૉન્ટ વરી. ન મળાય તો પણ વાંધો નથી. હું નથી ઈચ્છતો કે, મારે કારણ તું મુશ્કેલીમાં મૂકાય. બાય....’

વ્યંજનથી છૂટા પડીને ફ્‌લેટ પર આવી ત્યારે હું આનંદમાં આવી ગઈ હતી. ઘણાં વર્ષો પછી હું ઉત્સાહથી થનગનતી હતી. ‘આપણે એક જ સ્કૂલમાં હોત તો સાચું કહું, હું તારા પ્રેમમાં પડી જાત’, વ્યંજનના આ શબ્દોએ મને અપેક્ષિત પ્રેમની અનુભૂતિ કરાવી હતી, જે પ્રેમને હું વર્ષોથી ઝંખતી હતી. મને લાગ્યું કે હું પહેલીવાર મન ગમતા પાત્રના પ્રેમમાં પડી છું.

ઢળતી સાંજે બાલ્કનીમાં બેસી હું વ્યંજન સાથેની મુલાકાતને દિવસો સુધી મમળાવતી રહી. મુલાકાતનું સ્મરણ મને બળ આપતું હતું.

સુશ્રુત મને વઘુ અણગમતો લાગ્યો. મેં એની પરવા કરવાનું મૂકી દીઘું.

સુશ્રુત બિઝનેસ ટૂર પર હોય, મિલાપ ડેડી સાથે પૂના ગયો હતો ત્યારે હું વ્યંજનને મન ફાડીને મળવા લાગી. અમે જુદાં જુદાં સ્થળોએ મળવા લાગ્યાં. ક્યારેક હોટલમાં જમીને ફ્‌લેટ પર આવતા કલાકો વાતો કરતાં.

મને લાગતું કે, વ્યંજન દ્વારા જિન્દગીની અઘૂરપ પૂરાઈ રહી છે. સુશ્રુત બિઝનેસ ટૂર પર હોય ત્યારે હું વ્યંજનને મારા ફ્‌લેટ પર બોલાવતી. પરસ્પરના સાન્નિઘ્યમાં અમે હૂંફ અનુભવતાં. આમ છતાં અમારા સંબંધોએ ભારતીય પરિણીતાની મર્યાદાની પાળ તોડી નહોતી.

પછી તો વ્યંજનને મળવાનું મને વ્યસન થઈ પડ્યું. સુશ્રુત ઑફિસે હોય ત્યારે ‘લંચ અવર’માં હું વ્યંજનને થોડા સમય માટે મળતી ત્યારે મને ચેન પડતું.

સુશ્રુત ક્યારેક ક્યારેક કહેતો, ‘બાગેશ્રી, બપોરે હું ફોન કરું છું ત્યારે તું ઘેર હોતી નથી. એકલી એકલી ક્યાં રખડે છે કે પછી કોઈ દિલફેંક ફ્રેન્ડ સાથે.... ?’

હું સમજી શકતી, સુશ્રુતના શબ્દોમાં પૃચ્છાની સહજતા નથી, પણ શંકાની બૂ છે, પણ હવે મને સુશ્રુતની પરવા નહોતી. સુશ્રુતનો ડર નહોતો, વ્યંજનના સ્નેહભર્યા સાન્નિઘ્યે મારામાં ઠીંગરાઈ ગયેલી ‘હું’ને પ્રગટાવી હતી. હું લા-પરવાઈથી કહેતી, ‘કેમ, હું બહાર ન જઈ શકું ? ફ્‌લેટની ચાર દીવાલો બહારની દુનિયામાં શ્વાસ લેવાનો મને પણ અધિકાર છે.. તમને કલ્પના કરવાની છૂટ છે.’

સુશ્રુત ચિલ્લાતો,‘તું જવાબ આપતી થઈ ગઈ છે એનો અર્થ એ કે, તું કોઈની હૂંફથી કૂદી રહી છે. બકરી વાઘણ બનતી જાય છે. કોના બળ પર ?’

‘તમને કલ્પના કરવાની છૂટ છે.’

ફૂરસદની પળોમાં વિચારતી, ‘એક દિવસ સુશ્રુતને ખબર પડશે તો કેવો ઝંઝાવાત્‌ સર્જાશે ?’ હું અસ્વસ્થ બનતી ચાલી, ‘છૂપાઈ છૂપાઈને થતી મુલાકાતો ક્યાં સુધી છાની રહેશે ?’

એક દિવસ સુશ્રુત સાથે ઝઘડો થતાં, મેં જ વ્યંજનને કહેલું, ‘ક્યાં સુધી છૂપાઈ છૂપાઈને મળતાં રહીશું. સુશ્રુતનો જાપ્તો વધતો જાય છે. કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને ઓફિસમાંથી ફોન કર્યા કરે છે. હું નથી મળતી તે સાંજે ઓફિસેથી આવી, ત્રાડ પાડે છે, ‘ક્યાં, ક્યાયારને મળવા જાય છે ?’

‘તને કોઈ રસ્તો સૂઝે છે, આપણા ઐક્યનો ?’ વ્યંજને કહેલું. ‘કયાં ઐક્ય, ક્યાં સંબંધ વિચ્છેદ- કાયમ માટે.’ મેં આવેશથી કહેલું, ‘તું મને ભગાડી જા.’

‘હું દિલ્હી ‘ઈન્ટરવ્યૂ’ માટે જાઉં છું. હું મુંબઈ છોડવા આતુર છું. તું મારી સાથે આવવા તૈયાર હોય તો વિચારી રાખજે. ખૂબ ખૂબ વિચારીને નિર્ણય લેજે. તારો નિર્ણય કેટલો જોખમી હશે એ જાણું છું. તારો કોઈ પણ નિર્ણય મને મંજૂર હશે...’

વ્યંજનનો પત્ર વાંચી હું જીવનના અઠ્ઠાવીસેક વર્ષની પરિક્રમા કરી આવું છું.

બાલ્કની, ડ્રોઈંગરૂમ, બેડરૂમમાં આંટા માર્યા કરું છું, ‘શું કરવું ? વ્યંજન સાથે શેષ જીવન ગાળવું ગમે, ખૂબ ગમે. જીવનમાં પહેલીવાર પ્રેમનો અનુભવ થયો છે. શું કરું ?’ હું મૂંઝાઉં છું.,‘શું કરું ? વ્યંજન સાથે નાસી જાઉં ?’

‘સુશ્રુતને છોડવાનું દુઃખ નથી. જેલ-મુક્તિનો આનંદ છે, પણ મારા પુત્ર મિલાપનું શું ભવિષ્ય ? એ એની મા-મારા વિશે મોટો થઈને શું વિચારશે ? રોશન સાથે નાસી જઈને મેં કેટલું સહન કર્યું છે ? મારું જીવન ઠેકાણે પાડવા માટે ડેડીએ મારા માટે સુશ્રુત જેવો વર ખરીદ્યો ? મુંબઈમાં ઓફિસ ખોલી આપી, ફ્‌લેટ લઈ આપી કેટલું બલિદાન આપ્યું છે. એક વાર તો ડેડીની ઈજ્જતના ધજાગરા ઊડાવ્યા છે. બીજી વાર નાસી જઈશ તો શું પરિણામ આવશે ? એક તરફ પ્રેમ છે. બીજી તરફ મિલાપ છે, ડેડી છે. દુઃખદ પરિણીત જીવન છે. વ્યંજને પણ મને ગમે તે નિર્ણય લેવાની છૂટ આપી છે. વ્યંજનનું અંતરમાં સ્મરણ કરી, બળ મેળવ્યા કરીશ... ? ’

મોબાઈલ ફોનની ઘંટડી બજી ઊઠે છે, ‘વ્યંજન બોલું છું.’

‘વ્યંજન, નાસી જઈને ઐક્યનો માર્ગ નથી અપનાવવો. બીજી બદનામી નથી વહોરી લેવી. સોરી, હું મેં જ સૂચવેલા માર્ગ પર ચાલી નહીં શકું. મને માફ કરી શકીશ ?’

‘તારો નિર્ણય સાચો છે. પત્ર લખ્યા પછી મને લાગ્યું હતું કે આપણા ઐક્યની તમામ દિશાઓ બંધ છે.’ તું આવો જ કોઈ નિર્ણય લે. બે દિવસ પછી કામ માટે મુંબઈ છોડું છું. આપણી મુલાકાતો જીવનભરનું સંભારણું બની રહેશે. ગુડ લક એન્ડ ગુડ બાય ફોર એવર....’

હું અશ્રુભીની આંખે હું લવું છું, ‘બીજો ઝંઝાવાત આવી, એક ઊઝરડો મૂકી પસાર થઈ ગયો.’

Copyright   © Gujarat Samachar