home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

પ્રસંગપટ

તમાકુના તોરમાં જોબનિયું વીંખાય,કૂમળી વયમાં કરમાઇને તનમનધન પીંખાય

બહુ વરસો પહેલાં લોકસાહિત્યના ડાયરામાં થોડી પંકિતઓ સાંભળેલી. યાદદાસ્તને આધારે રજૂ કરવામાં કયાંક કોઇ ક્ષતિ રહી જાય ખરી. પરંતુ એ દૂહો કંઇક આવો હતો ઃ

છેલ વ્યસન છીંકણી

રાજા વ્યસન હુક્કો

ગાંડું વ્યસન તમાકુ

તમે જ્યાં ત્યાં થૂકો...

એ પછી લોક કલાકારે એક રમૂજી કથા કહેલી જેનો સાર કંઇક એવો હતો કે તમાકુ ખાનારને ત્યાં કદી ચોરી થતી નથી, તમાકુ ખાનાર કદી ઘરડો થતો નથી. એ કેવી રીતે ? તો કહે તમાકુ ખાનાર રોજ રાત્રે એટલી બધી ખાંસી ખાય છે કે ઘરમાં કોક જાગે છે એવું માનીને ચોર પ્રવેશતો નથી. તમાકુનો વ્યસની કદી ઘરડો થતો નથી કારણ કે એ જુવાનીમાં જ કેન્સર જેવી કોઇ બીમારીથી ઉકલી જાય છે.

રમૂજ બાજુએ રાખીએ. મૂળ વાત તમાકુ અને તેની બનાવટોની છે. હિન્દી ફિલ્મોમાં ઘૂમ્રપાનનાં દ્રશ્યો પર સેન્સરની કાતર ફેરવવાનો નિર્ણય ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવાની વાત છે. એકલા ગુજરાતમાં છ વરસના ટાબરિયાથી માંડીને ૮૦ વરસના દાદાજીમાં દર દસ વ્યકિતએ છ વ્યકિત તમાકુની ગુલામ છે.

તમાકુની વાર્ષિક પેદાશમાં દુનિયાભરમાં ભારતનો ત્રીજો નંબર છે. તમાકુની પેદાશો ખાસ કરીને સિગારેટના વપરાશમાં ભારતનો નંબર પહેલા દસમાં નથી. છતાં મોંના કેન્સર, દાંત અને પેઢાંનો સડો વગેરેમાં ભારત પહેલા દસમાં છે. કારણ, ગૂટકા, માવા, બજર-તપખીર, તમાકુવાળાં પાન વગેરેનો વપરાશ રાષ્ટ્રીય કક્ષાએ ૮૫ ટકાનો છે. ગામડાં ગામમાં તો મહિલાઓ પણ હોંશે હોંશે ચૂનો તમાકુ મસળીને ગલોફામાં ભભરાવે- મમળાવે છે.

ભારતમાં કમ સે કમ પાંચ લાખ ખેડૂતો તમાકુ ઉગાડે છે કારણ, તમાકુ રોકડિયો પાક ગણાય છે. રામાયણી કથાકાર મોરારી બાપુ કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી બાપા પાંચ ભગતના બંધાણ છોડાવે ત્યાં બીજા પંદર બંધાણી પેદા થઇ જાય છે. મહેબૂબખાનની મધર ઇંડિયા ફિલ્મમાં હીરો રાજકુમારના બંને હાથ નકામા થઇ ગયા પછી નાનકડો બિરજુ પોતે બીડી સળગાવી, એકાદ દમ મારીને બાપના મોંમાં મૂકે છે એ દ્રશ્ય જોઇને પ્રેક્ષકો હસતા હતા. આજે લાખો બિરજુ કૂમળી વયે ચૂનો-તમાકુ કે બીડી-સિગારેટના બંધાણી થઇ ગયા છે. વસવાયા તરીકે ઓળખાતા પછાત વર્ગમાં આવું વઘુ જોવા મળે છે.

ફિલ્મોમાં ઘૂમ્રપાનનાં દ્રશ્યો કે ટીવી પર સિગારેટની એડ બંધ કરવાથી કશું વળવાનું નથી. તમાકુ લોબી ભયંકર જોરાવર છે. દુનિયાના દસ ટોચના એક્સપોર્ટરમાં ભારત ત્રીજો નંબર ધરાવે છે. ગયા વરસે ૨૦૦૫માં ભારતે એક લાખ છાસઠ હજાર ટન તમાકુની નિકાસ કરીને રૂપિયા ૧૪૦૦ કરોડની કમાણી કરેલી. (એક ટન એટલે એક હજાર કિલો) ૨૦૦૫માં ભારતના તમાકુ ઉદ્યોગનું કુલ ટર્ન ઓવર ૩ અબજ ૪૦ કરોડ ડોલરનું હતું. એક ડોલરના પચાસ રૂપિયા લેખે ગણી લો.

સૌંદર્ય પ્રસાધનોનું ભારતીય ટર્ન ઓવર પણ તમાકુ જેટલું જ (૩.૪ બિલિયન ડોલર) છે અને પર્યટન ઉદ્યોગનું ટર્ન ઓવર ૪.૧ બિલિયન ડોલરનું છે. એના પરથી તમાકુની નાગચૂડ કેવો ભરડો થઇ બેઠી છે એની કલ્પના તમે કરી લો. ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, બિહાર, ઝારખંડમાં દર ત્રીજો માણસ તમાકુનો બંધાણી છે. એમાં લાલુ યાદવ, મુલાયમસંિહથી માંડીને લગભગ બધા સાંસદો - વિધાનસભ્યો આવી જાય. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ઇશાનનાં રાજ્યોમાં ઘર દીઠ પાંચ ટકા આવક તમાકુ પાછળ ખર્ચાય છે.

બીડી, ચુંગી, સિગારેટ, સિગાર, પાઇપ, ગૂટકા- માવા, પાનમાં વપરાતું ૧૨૦ છાપ સુગંધી તમાકુ અને બજર-તપખીર એમ વિવિધ રૂપે તમાકુ વપરાય છે. એક જમાનામાં તમાકુ નહીં લેનારને કાઠી-દરબારો નપાણિયો (પાણી વગરનો) કહેતા. એ સમય અલગ હતો. તમાકુના બંધાણની સાથોસાથ ચોખ્ખાં હવાપાણી અને ઘરનો સાત્વિક ખોરાક માણસની રોગ પ્રતિકાર શક્તિને અકબંધ રાખતો. આજે ફાસ્ટ ફૂડ અને રસ્તાની લારી પરનો વાસી તેમજ તીખો તમતમતો ખોરાક ટીનેજરને ખોખલા કરી નાખે છે. કેન્સર અને મોંની વિવિધ બીમારીના કેસ દિવસે દિવસે વધતા જાય છે. ઓપરેશન પછી ભરજુવાનીમાં યુવાનોની બેડોળ-કદરૂપા મોં જોવા મળે છે.

સરકાર કશું નક્કી કરવા તૈયાર નથી, કારણ, ટેક્સની ધીંગી આવક જતી કરવાની સરકારની તૈયારી નથી. રસપ્રદ મુદ્દો ઓર છે. યુનોની વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે તમાકુની વિવિધ પેદાશોનો સૌથી ઓછો વપરાશ ભારતમાં થાય છે. તો પછી મૌખિક બીમારીમાં ભારત કેમ મોખરે ? એનો જવાબ છે - દૂષિત હવા, પ્રદૂષિત - અનફિલ્ટર્ડ પાણી અને બજારુ ખોરાક.ઊગતી પેઢીએ પોતે નક્કી કરવાનું છે કે તમાકુની દોસ્તી કરીને, તેજીના તોખાર મટી નર્યા હાડપંિજર બની રહેવું છે કે મેઘાણીએ કલ્પેલા નરબંકા બનવું છે ?

મેઘાણીએ લખેલું...

ઘટમાં ઘોડા થનગને

આતમ વીંઝે પાંખ

વણ દીઠેલી ભોમ પર

યૌવન માંડે આંખ

Copyright   © Gujarat Samachar