જો જો બાળકોને વારંવાર ટોકતા...
સામાન્ય રીતે નાના બાળકો નટખટ અને જરા
મસ્તીખોર હોય તો વધારે ગમે. આ જ તો ઉંમરે હોય છે જ્યારે બાળકો
પોતાની મરજી પ્રમાણે ધીંગામસ્તી કરી શકે. પરંતુ આ બાબતે આજના વાલીઓની
વિચારસરણી બદલાઇ છે. પોતાનું બાળક શિસ્તબદ્ધ અને આજ્ઞાંકિત બને
તેના વધારે આગ્રહી બન્યા છે. બાળકો આજ્ઞાકારી અને શિસ્તબદ્ધ હોય
એ કોને ન ગમે? પરંતુ પેરેન્ટ્સની આ માનસિકતાનો ભોગ બાળકો બને
છે. બાળકો તોફાન ના કરે કે મહેમાનોની હાજરીમાં શિસ્તથી રહે તે માટે
પેરેન્ટ્સ જાણે-અજાણે બાળકો પર હાવી બને છે. જેના અવળી અસર થવાને કારણે
બાળકો સતત તણાવમાં રહે છે અને ક્યારેક આક્રમક સ્વભાવના બની જાય છે.
આ વાત માન્યામાં ન આવતી હોય તો,
૭ વર્ષના ભાવેશની ફરિયાદ સાંભળો. તે કહે છે, ‘‘મારા
ઘરના લોકોની ફરિયાદ છે કે, હું તોફાની છું. હવે તો હું પણ
કહું છું, હા હું તોફાની છું. જાઓ શું કરશો?’’ ૯ વર્ષની માનુસીની
ફરિયાદ છે કે,‘‘મમ્મી ઘરમાં કોઇ પણ મહેમાન આવે, એટલે
મારા પેરેન્ટ્સ મારી પાસે કવિતા ગાવાનો આગ્રહ રાખે છે. જે મને નથી
ગમતું.’’
અત્યારના પેરેન્ટ્સને બાળકો એકિટવ કે
સ્માર્ટ હોય, તે ગમે છે. પણ આ સ્માર્ટનેસને મહેમાનો સમક્ષ પ્રદર્શન
કરાવવાના ચક્કરમાં તેઓ સંતાનો પાસે અણગમતા કે તેમની ક્ષમતા બહારના
કામ કરાવવાનો આગ્રહ રાખે છે. આગ્રહને વશ થઈને બાળક થોડા સમય માટે
તેમની ઇચ્છાને અનુસર્યા બાદ કંટાળીને આ બાબતનો વિરોધ કરવા
લાગે છે. આગળ જતા આ વિરોધ આક્રમકતામાં પરિણમે છે. ઘણીવાર બાળક
જો સમજાવટથી ના માને, માતા પિતા તેને લડીને કે ધાક-ધમકીથી
પણ વાત માનવા માટે દબાણ કરતા હોય છે. આવા વર્તાવને કારણે પણ
બાળકમાં આક્રમક વલણ વિક્સે છે. માતા-પિતાની ઇચ્છાથી બાળકના બદલાતા
વર્તન માટે એક ચાઇલ્ડ કાઉન્સીલર કહે છે કે, ‘‘મા-બાપ બાળકો
પાસે નોર્મલ ડિસીપ્લીનની આશા રાખે, તે યોગ્ય છે. જો આમ ના થાય, તો
બાળકનો વિકાસ રોકાવાની શક્યતા રહેલી છે. વારંવાર ગુસ્સે થવું કે આક્રમક
બનવાનો સ્વભાવ બાળકો વડીલો પાસેથી જ શીખે છે. આથી બાળકોની હાજરીમાં
વડીલોએ આવું વર્તન ન કરવું જોઇએ.’’ તેઓ વઘુમાં કહે છે,‘‘મમ્મી-પપ્પાની
કાયમ ટોકવાની આદત માટે બાળકો ફરિયાદ કરે છે કે અમારે
કાયમ શા માટે ડાહ્યા-ડમરા બનીને બેસવાનું? મમ્મી-પપ્પા જાતે સુધરતા
નથી અને અમને સુધરવાનું કહે છે? બાળકોના નાના મનમાં આવા અનેક
પ્રશ્નો ઉઠે છે. તેમના આક્રમક સ્વભાવમાં વારંવાર ગુસ્સે થવું, વધારે
તોફાન કરવું, ઘરની ચીજોને ફેંકી દેવી કે બીજા બાળકોને ઇજા પહોંચાડવા
જેવા લક્ષણો દેખાતા હોય છે. ’’
જો કે, પેરેન્ટ્સ બાળકને શિસ્ત બાબતે
લડવાની વાતને સંભાળ અને કાળજીના ભાગરૂપે ગણે છે. સુરતમાં રહેતા સુમિત્રાબેન
કહે છે, ‘‘બાળકને ડિસીપ્લીન કે રીત-ભાત શીખવવાની જવાબદારી
પેરેન્ટ્સની છે. તેના માટે પ્રેમ અને કેટલીકવાર ગુસ્સાનો પણ પ્રયોગ કરવો
પડે છે.’’ બાળકો પાસેે મા-બાપ જ્યારે સામાન્ય શિસ્તની આશા રાખે તો
તે સમજી શકાય, પણ પેરેન્ટસમાં પોતાના મિત્રો કે સગા-સંબંધીઓના
બાળકો સાથે સ્પર્ધાનું વલણ પણ જોવા મળતું હોય છે. આ વાત માટે
૯ વર્ષની માનુષીની મમ્મી પૂર્ણાબેન કહે છેે, ‘‘બાળકો આવી
રીતે પબ્લિક મેનર્સ અને સારા ગુણો પણ શીખી શકે છે.’’ માતા પિતાની સંભાળથી
બાળકના સ્વભાવમાં જન્મતી આક્રમકતા માટે મનોચિકીત્સક કહે છે કે,‘‘ઘરમાં
મહેમાનની હાજરીમાં કવિતા કે ગીત ગાવાનો હુકમ કે કોઇની હાજરીમાં તોફાન
ના કરાય અને આ રીતે જ બેેસાય, એ આપણા સમાજની મિડલ કલાસની માનસિકતા
છે. જેનાથી બાળકોમાં જાણે-અજાણે આક્રમકતાનો સંચાર થાય છે. પેરેન્ટ્સ
જો બાળકોને આજ્ઞાંકિત કે ડિસીપ્લીન્ડ બનાવવા માંગતા હોય, તો તેના
માટે પહેલા તેમણે રોલ મોડલ બનવું જોઇએ. નહિ કે, બાળકોને સલાહ આપવી
જોઇએ કારણ કે, બાળકો પેરેન્ટ્સ વાતો સાંભળીને નહી, પણ જોઇને શીખતા
હોય છે. બાળકો પણ પેરેન્ટ્સનું કહેવાનું અને કરવાનું વર્તન અલગ લાગે
, તો વાતનો વિરોધ કરતા હોય છે. આ જ વિરોધી વર્તન આગળ
જતાં આક્રમક સ્વભાવમાં પલટાય છે.’’
બાળકના આક્રમક સ્વભાવ માટે એવું કહી
શકાય કે સ્પ્રીંગને જેટલી વધારે દબાવવામાં આવે તેટલી તે વધારે
ઉછળે છે. શિસ્તબદ્ધ અને આજ્ઞાકંિત બનવા માટેની ફરજ પાડવા કરતાં બાળક સામે
એવો આદર્શ વર્તાવ કરવાથી જ તેનું અનુસરણ કરાવવું વઘુ સહેલુ બની
શકે છે.
|