ધોની
જેવી હેરસ્ટાઇલ કરવા
યંગસ્ટર્સ ત્રણ-ચાર મહિના સુધી વાળ કપાવતા નથી
- ૧૯ વર્ષના કરણ બારોટને ધોની
જેવા વાળ રાખવાનું ફાવી ગયું છે. તેણે છેલ્લાં ચાર મહિનાથી વાળ કપાવ્યાં
નથી. આજે એના વાળાની લંબાઇ એના ખભા સુધી પહોંચી ગઇ છે.
- ગુંજન પટેલ નામના યુવાને પણ ધોની
જેવા લાંબા વાળની સ્ટાઇલ અપનાવી લીધી છે. જોકે એણે પોતાના શોખ
માટે આ સ્ટાઇલ કરી છે.
- ૨૨ વર્ષના સુરતના રાજીવ શાહે પણ
ધોની જેવા લોન્ગ હેરની સ્ટાઇલ કરાવી છે. હવે તે પોતાના વાળની
પહેલાં કરતા વઘુ માવજત લેતો થયો છે, કેમ કે વાળ ખૂબ લાંબા થઇ ગયા
છે.
આજકાલ ધોની મેનિયા કે ધોની
ફીવર ઓન ધી ફિલ્ડ જ નહીં પરંતુ ઓફ ધી ફિલ્ડ પણ છવાઇ ગયો
છે. એની રમતના દિવાના તો કેટલાય છે પરંતુ ધોનીની હેર
સ્ટાઇલના દિવાના પણ ઘણા છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના
દેરક શહેરમાં એના જેવી હેરસ્ટાઇલ અપનાવતા યુવાનો જોવા મળે છે.
ધોની જેવી હેરસ્ટાઇલ કરવા માટે યુવાનો ત્રણથી ચાર મહિના સુધી
વાળ કપાવતા નથી. કેટલાય યુવાનોને તો ઘરમાંથી વારંવાર વાળ કપાવવાની
સૂચના આપવામાં આવતી હોવા છતાંય તેઓ તેની પરવા કરતા નથી !! આને
કહેવાય ફેશન, સ્ટાઇલ અને ધોનીનો ક્રેઝ.
૧૯ વર્ષનો કરણ કહે છે કે,‘‘છેલ્લાં
ત્રણ મહિનામાં મેં એક પણ વાર વાળ કપાવ્યા નથી. હા, રેગ્યુલરલી સેટ કરાવતો
રહું છું. જેથી વાળ એકસરખાં જ વધે. ધોની મારો ફેવરિટ
ક્રિકેટર છે એટલે મેં એના જેવી જ હેરસ્ટાઇલ કરવાનું વિચાર્યું હતું. આજે
લોકો મને મારી હેરસ્ટાઇલથી ઓળખવા લાગ્યા છે.’’ કેટલાય યુવાનોના
આ પ્રકારના લાંબાવાળના લીધે તેમને ઘરમાં અવાર-નવાર ફટકાર પડતી
હોય છે. તેમ છતાંય લાંબાવાળ તો તેઓ રાખતા જ હોય છે. આ માટે સુરતનો
થર્ડયરનો એક કોેલેજીયન રાજીવ કહે છે કે,‘‘ધોની પોતાની
રમતની સાથે સાથે હેરસ્ટાઇલના લીધે માત્ર ઇન્ડીયા જ નહીં અત્યારે વર્લ્ડમાં
પણ પ્રખ્યાત થઇ ગયો છે. હું ધોનીની જેમ નામના મેળવી શકીશ કે નહીં
એની તો ખબર નથી, પણ એના જેવી હેરસ્ટાઇલ રાખવાનો સ્વપ્ન મેં જરૂર પૂરો
કરી લીધો છે.’’ એમ પણ અત્યારના યુવાનો ઝડપથી પોપ્યુલર થતાં
કોઇને કોઇ સેલીબ્રીટીની લાઇફસ્ટાઇલનું અનુકરણ કરવા લાગે છે.
ક્યારેક સચીન અને આમીર જેવા સ્ટાર્સની
પણ હેરસ્ટાઇલનો ટ્રેન્ડ હતો. જોકે આમીરખાનના રંગ દે બસંતી જેવા
વાળની સ્ટાઇલ પણ મહદંશે લોન્ગ હેરની જ સ્ટાઇલ હતી. જોકે એના જેવી
વાળની સ્ટાઇલ આ વખતે ગુજરાતમાં તો ખૂબ ઓછી જ જોવા મળી છે. આ માટે
એક યુવાન ગુંજન કહે છે કે,‘‘અત્યારે ધોની જેવા વાળ
રાખવાનો ટ્રેન્ડ છે, એવું મને લાગતું નથી. પરંતુ હા, કોઇ પણ યુવાન
લાંબા વાળની સ્ટાઇલ કરાવે તો એને લોકો ધોનીનું બીરૂદ
આપી દેતા હોય છે.’’ અમદાવાદના પંચવટી વિસ્તારમાં પુરૂષોની
હેર ટ્રીટમેન્ટ અને હેર કટંિગ કરતા રાકેશભાઇ કહે છે કે,‘‘અત્યારના
છોકરાંઓમાં પચાસ ટકા છોકરાઓ મોટા વાળ રાખતા થયા છે. જોકે લાંબા
વાળ રાખ્યાં હોય તો એની ખૂબ સારસંભાળ લેવી પડે છે. વ્યવસ્થિત રીતે
ધોવા પડે છે, તેલ નાંખવું પડે છે, વગેરે વગેરે.’’
જોકે મોટાભાગના યુવાનો આ પ્રકારની
કોઇ ઝંઝટમાં પડતા નથી. આ માટે એક યુવાન દ્યૈવત શાહ કહે છે કે,‘‘મારા
વાળની સ્ટાઇલ એક વર્ષથી આવી જ છે. મેં એક વર્ષમાં ક્યારે પણ વાળમાં
કાતર ફેરાવી નથી. આજે મારા વાળ આરામથી ચોટલી કરી શકાય એટલા લાંબા
થઇ ગયા છે. જોકે આ મારી સ્ટાઇલ છે, મારા વાળ ધોની કે પછી જ્હોન
જેવા નથી. કોઇની કોપી કરવામાં હું ક્યારેય માનતો નથી.’’ સુરતમાં
છોકરાઓની હેરસ્ટાઇલ માટે જાણિતા દેવ સોનજી કહે છે કે,‘‘સુરતી
છોકરાઓ તો સ્ટાઇલમાં આમ પણ પાછા પડતા નથી. આજકાલ કેટલાય છોકરાંઓ
મારા પાસે મોટા વાળની ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. જાતે લાંબા વાળની
સંભાળ લેવામાં તકલીફ થતી હોય ત્યારે તેઓ સલૂનમાં આવીને હેરવૉશ,
સેટીંગ અને કન્ડીશનીંગ કરાવી લેતા હોય છે. આના માટે તેઓ મહિનામાં
૨૦૦થી ૨૫૦ રૂપિયા સુધી પણ ખર્ચતા હોય છે.’’
|