પેનોરામા
મઘ્યમવર્ગના
આક્રોશના મૂળમાં શું છે ?
છાત્ર આંદોલનના કેટલાક સંકેતો
ઓ.બી.સી. માટે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ
સંસ્થાઓમાં ૨૭ ટકા અનામતના પ્રસ્તાવ સામે છાત્રોની હડતાળનો અંત આવ્યો
છે. પરંતુ છાત્રોએ આંદોલન ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. આ
આંદોલને કેટલાક એવા મુદ્દાઓ ઊભા કર્યા છે જેના પર કાળજીપૂર્વક
વિચાર થાય તે જરૂરી છે. દેશનો પ્રબુદ્ધ મઘ્યમવર્ગ સમાજની કરોડરજ્જુ
સમો છે પરંતુ તે સંગઠિત નથી એટલે રાજકીય પક્ષો તેની અપેક્ષાઓ અને
આકાંક્ષાઓને મોટેભાગે નજરઅંદાજ કરે છે. પોતાની લાગણીઓ અને
માંગણીઓ માટે તે પોતાનો સ્વર બુલંદ કરતો નથી તેથી તેને ટેકન
ફોર ગ્રાન્ટેડ પણ ગણી લેવાય છે. આ વર્ગ પાસે કોઈ સમર્થ અને પ્રભાવશાળી
નેતૃત્વ પણ નથી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને સ્વાતંત્ર્યની પ્રાપ્તિ પછીના ગાળામાં
રાષ્ટ્રના આર્થિક વિકાસમાં તેનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
જ્યારતી વોટ બેંકની રાજનીતિ પક્ષો અપનાવવા
માંડ્યા ત્યારથી સમાજનો આ વર્ગ રાજકારણ પ્રત્યે લગભગ નિષ્ક્રીય અને ઉદાસીન
બનતો ગયો. સાંપ્રદાયિક અને જ્ઞાતિ-જાતિવાદી તથા નૈતિક અવમૂલ્યનવાળા
જાહેર જીવને આ પ્રક્રિયાને વેગ આપ્યો.
બીજી બાજુએ સામાજિક ન્યાય અને આર્થિક
સમાનતાના નામે કેટલાક રાજકીય પક્ષોએ સમાજને વિવિધ વર્ગોમાં વિભાજીત
કરી પ્રેશર-ગુ્રપ્સ ઊભા કર્યા અને તેમના ઠેકેદારોને પોતાની પાંખમાં
લીધા. નીચલા અને ઉપલા મઘ્યમ વર્ગનું કોઈ પ્રેશર ગુ્રપ રચાયું નહિ.
આથી તેમને હાંસિયામાં ધકેલાઈ જવું પડ્યું.
સરકારે ઓ.બી.સી. માટે કેન્દ્રીય ઉચ્ચ
શિક્ષણ સંસ્થાઓમાં ૨૭ ટકાની અનામતના પ્રસ્તાવની જાહેરાત કરી તે પછી તબીબી
અને અન્ય વિદ્યાશાખાના છાત્રોનું સ્વયંભૂ આંદોલન શરૂ થયું. મુંબઈમાં
પોલીસે આ છાત્રો પર બેફામ લાઠીચાર્જ કર્યો તેથી તેની સામે રાજ્યમાં
અને દેશભરમાં ભારે રોષ પ્રગટ્યો અને તેને વ્યાપારીઓ તથા કેટલાક
અન્ય એવા વર્ગોનો સાથ સાંપડ્યો જે મોટેભાગે આંદોલનોથી દૂર
રહે છે. પોતાના પ્રસ્તાવની આવી ઉગ્ર અને વ્યાપક પ્રતિક્રિયા થશે તેની કોઈ
કલ્પના જ સરકારને ન હતી એ તેની દૂરંદેશીના અભાવની ચાડી ખાય
છે. સરકારની નીતિરીતિ સામે રોષનો જે અગ્નિ સુષુપ્ત અવસ્થામાં હતો
તે એકાએક ભડકી ઉઠ્યો અને સરકાર માટે તેને સમાવવાનું કઠીન બની ગયું.
સર્વોચ્ચ અદાલતની દરમ્યાનગીરી પછી જ હડતાળનો અંત આવ્યો છે
એથી સરકાર તથા સંબંધિત સહુ માટે અત્યારે થોડીત રાહત ઊભી થઈ છે.
સવાલ એ છે કે ઓ.બી.સી. માટે ૨૭ ટકા
કે તેથી થોડીક ઓછી વધતી અનામત અંગેના પ્રકરણનો અંત આવે તે
પછી પણ શું છાત્રો, યુવાઓ તથા સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં જાગૃતિ ચાલુ
રહેશે કે તે ફરી પાછા નિષ્ક્રીયતા અને આત્મસંતોષમાં સરી પડશે? સ્થાનિક,
પ્રાદેશિક તથા રાષ્ટ્રીય સ્તરે નાગરિકોને સંગઠિત અને જાગૃત રાખવા માટે
એક નિરંતર અભિયાનની તાતી જરૂરિયાત છે. વર્તમાન આંદોલનના પરિણામે
જો તેની પૂર્તિ થઈ શકે તો તે એક સકારાત્મક અને આવકાર્ય ફલશ્રુતિ ગણાશે
જે ચેતના અને ઊર્જા ઉત્પન્ન થઈ છે તેને ટકાવી રખાય અને તેનું સંવર્ધન
થઈ શકે ખરું ?
આંદોલનકારી છાત્રોને મંત્રણાના
મેજ સુધી લાવવા માટે સરકારે થોડા દિવસો પહેલાં એક ફોર્મ્યુલા
તૈયાર કરી હતી જેમાં ૨૦૦૮ સુધીમાં દેશભરમાં એમ.બી.બી.એસ.ના
અભ્યાસ માટે બેઠકોની સંખ્યા બમણી કરવાનો સમાવેશ થાય છે. આ માટે સરકાર
૩,૦૦૦ કરોડ રૂપિયા ફાળવશે. આ ઉપરાંત દેશમાં નવી ૬ ઓલ ઈન્ડિયા
ઈન્સ્ટીટ્યુટરી ઓફ મેડિકલ સાયન્સીઝ (એ.આઈ.આઈ.એમ.સ.) શરૂ કરવામાં પણ
આવશે. વડાપ્રધાન ડૉ. મનમોહનસંિઘે સ્વાસ્થ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ
સાથે ગઈ તારીખ ૨૭મીના રોજ આ યોજના અંગે ચર્ચા વિચારણા કરી હતી. તબીબી
અભ્યાસ માટેની બેઠકોની સંખ્યા અત્યારે ૧૨૦૦ છે તે ૨૪૦૦ કરવાનો યોજનામાં
નિર્દેશ કરાયો છે. આ વિસ્તરણ માટે આવશ્યક સાધનો અંગે વડાપ્રધાને
આયોજન પંચના ઉપાઘ્યક્ષ મોન્ટેકસંિઘ આહૂલુવાલીયા સાથે પણ વિચાર વિમર્શ
કર્યો હતો. બેઠકો વધારવા માટે અઘ્યાપકો અને સ્ટાફ પણ વધારવો
પડે. આ માટેનો એક ઉપાય ફેકલ્ટીની નિવૃત્તિ વયને ૬૦ થી ૬૫ કરવાનો
છે. ફેકલ્ટી, નર્સો પેરામેડિકરી અને એટેન્ડન્ટસ વગેરેની સંખ્યા પણ વધારવી
પડશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ ફેકલ્ટી તથા અન્ય સ્ટાફની અછત વરતાય છે.
ટૂંકમાં જનરલ કેટેગરીની બેઠકોમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો કરવો
હોય તો તે માટે કોની કોની કેટલી આવશ્યકતા રહેશે તે જણાવવા પણ સરકારે
સંબંધિત શિક્ષણ સંસ્થાઓને જણાવ્યું છે. બે વર્ષના ટૂંકાગાળામાં
આટલું વિસ્તરણ કરવામાં સરકારની તુમારશાહી આડે ન આવે તે પણ સુનિશ્ચિત
કરવું પડે તે દેખીતું છે. જનરલ કેટેગરી હેઠળ પ્રાપ્ત બેઠકોની સંખ્યા
પર ઓ.બી.સી. માટે ૨૭ ટકાની અનામતની વિપરીત અસર ન પડે તે હેતુથી ઘડાયેલી
આ ફોર્મ્યુલા પર સરદાર અને આંદોલનકાર છાત્રો વચ્ચે કોઈ
સમજૂતી થઈ શકી નહિ તેમ ઘટનાક્રમ પરથી લાગે છે. સરકાર પર આંદોલનકારોને
કદાચ વિશ્વાસ નહિ બેઠો હોય.
દરમ્યાનમાં સર્વોચ્ચ અદાલતના
દ્વારે આ પ્રકરણ પહોંચી ગયું. ગઈ તારીખ ૨૯મીએ એક જનહિત અરજીની સુનાવણી
દરમ્યાન અદાલતની વેકેશન બેન્ચના ન્યાયમૂર્તિ જસ્ટીસ અરિજીત પસાયત
અને ન્યાયમૂર્તિ જસ્ટીસ લોકેશ્વરસંિહ પંતે પોતાના નિરીક્ષણમાં જણાવ્યું
કે તમામ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં ઓ.બી.સી. માટે ૨૭ ટકાની અનામત
આ મહાન રાષ્ટ્રનું જ્ઞાતિના ધોરણે વિભાજન કરે તેમ છે. બેન્ચે કેન્દ્ર
સરકાર તથા ૬ મંત્રીઓને નોટિસ પાઠવીને એવો પ્રશ્ન કર્યો છે કે નાગરિકોનું
ઓ.બી.સી. તરીકે વર્ગીકરણ કરવા પાછળ ક્યો તર્ક છે. ઓ.બી.સી.નો ક્વોટા
નક્કી કરવા પાછળનો આધાર શો છે ? આ માટે ક્યો તર્ક છે? એવા પ્રશ્નો
પણ બેન્ચે કર્યા છે. સરકારને આઠ સપ્તાહમાં જવાબ આપવા જણાવાયું છે પરંતુ
બેન્ચે ઓબીસી માટે ૨૭ ટકાના સરકારના પ્રસ્તાવ સામે ‘સ્ટે’ આપવાનું
યોગ્ય માન્યું નથી. આંદોલનકારોને તેમની હડતાળ સામાન્ય જનના હિતને
લક્ષમાં રાખી પાછી ખેંચી લેવાનો આદેશ પણ બેન્ચે કર્યો હતો પણ
આંદોલનકારોએ હડતાળ ચાલુ રાખતાં અદાલતે તેમને અદાલતની
અવગણના નહિ કરવાની ચીમકી આપવી પડી. તે પછી હડતાળ સમેટી લેવાઈ. જોકે
આંદોલન તો ચાલુ રખાશે તેમ કહેવાયું. સરકાર અદાલતની નોટિસનો
જવાબ આપે તે પછી જનહિત અરજી કરનારાઓને તેમનો પ્રત્યુત્તર આપવાનો
રહેશે. આમ આ સમગ્ર કાર્યવાહીમાં સમય લાગશે. ઓ.બી.સી. માટેની અનામતની
દરખાસ્તની બંધારણીય યોગ્યતાનો મુદ્દો કદાચ બંધારણીય
બેન્ચ સમક્ષ આવે તેમ પણ મનાય છે. બીજા શબ્દોમાં આ સંવેદનશીલ
અને ગંભીર મુદ્દાનો ઉકેલ આંદોલન દ્વારા નહિ પણ ન્યાયિક પ્રક્રિયા દ્વારા
આવશે અને તેને સહુએ માન્ય રાખવો પડશે. બીજો એક વિચારવા યોગ્ય મુદ્દો
એ છે કે શું માત્ર અનામત થકી જ સામાજિક ન્યાયનો સિદ્ધાંત સાકાર થઈ શકે
તેમ છે કે તે માટે અન્ય કોઈ વિકલ્પો પણ છે? અનામતની પ્રથા આપણે ક્યાં
સુધી ચાલુ રાખવી જોઈએ? ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ઓબીસી માટે
અનામતની જરૂર જ ન રહે તે માટે શું કાંઈ થઈ શકે નહિ?
આ પ્રશ્નોના ઉત્તરો કેટલાક શિક્ષણવિદોએ
આપ્યા છે. તેમનું કહેવું છે કે શિક્ષણ ક્ષેત્રે કેટલાક આમૂલ ફેરફારો
કરાય તો સ્નાતક અને અનુસ્નાતક સ્તરે અનામતની આવશ્યકતા જ ન રહે અને મેરીટ
તથા કૌશલ્યના આધારે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની પ્રથા ચાલુ રાખી શકાય.
આણંદ ખાતેની ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટના ભૂતપૂર્વ ડાયરેક્ટર
કતારસંિઘે ધ ઈન્ડિયન એક્ષપ્રેસમાં એક લેખમાં આ માટે જે ઉપાયો
સૂચવ્યા છે તે રસપ્રદ અને વિચારણીય છે.
સૌથી પ્રથમ તો પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર
શિક્ષણની સુવિધા સહુને નાતજાત કે આર્થિક દરજ્જાના ભેદભાવ
વિના સુલભ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ માટે પંચાયતી રાજની સંસ્થાઓને
હસ્તક આઘુનિક કહી શકાય તેવી શાળાઓ ચલાવવી જોઈએ અને તેમાં તાલીમબદ્ધ
શિક્ષકોની મોટી સંખ્યામાં નિમણુંક થવી જોઈએ. આર્થિક રીતે નબળા કુટુંબોના
વિદ્યાર્થીઓ માટે મફત ભોજન સાથેના છાત્રાલયો હોવા જોઈએ જેથી આવા
કુટુંબના છાત્રોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણમાં પણ લાભ મળે. આ અંગે
લેખકે ગુજરાતની આશ્રમશાળાઓનું ઉદાહરણ આપ્યું છે.
દેશભરમાં પાઠ્યપુસ્તકો તથા અભ્યાસક્રમોને
રિવાઈઝ કરી તેને વર્તમાન પેઢીની આવશ્યકતા સાથે સુસંગત બનાવવા જોઈએ.
દેશભરની તમામ શાળાઓમાં એકસરખો અભ્યાસક્રમ હોવો જોઈએ. દુનિયાના
તમામ વિકસિત દેશોમાં આવું જ છે.
આવા ઉપાયોથી દેશના તમામ વિદ્યાર્થીઓને
એકસરખી ગુણવત્તાવાળા શિક્ષણનો લાભ મળશે અને નાતજાત કે વર્ગના આધારે
કોઈને માટે અનામતની આવશ્યકતા નહિ રહે. પૂર્વસ્નાતક કક્ષાથી માંડી અનુસ્નાતક
કક્ષા સુધી માત્ર મેરીટના ધોરણે પ્રવેશ આપી શકાશે. જેમાં કુટુંબની
આર્થિક સ્થિતિ નબળી હોય તેમને નાણાંકીય સહાય આપી શકાય.
ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બેઠકો વધારવા
તથા આનુષંગિક માળખું ઊભું કરવા માટે ૮૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ
છે. આટલી રકમ પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ માટેના આંતરમાળખાને
ઊભું કરવા તથા શિક્ષકોની તાલીમ માટે ખર્ચાય તો તે બહેતર ગણાય. દુનિયાના
અનેક દેશોમાં ઉચ્ચતર માઘ્યમિક સુધીનું શિક્ષણ વિનામૂલ્યે અપાય
છે. જ્યારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ કેવળ મેરીટના ધોરણે
અપાય છે. વસ્તુતઃ મોટાભાગના વિદ્યાર્થીઓનું શિક્ષણ બારમા ધોરણથી
સમાપ્ત થાય છે અને તે સ્વરોજગારી કરતા થાય છે અથવા તે પોતાની લાયકાત
અને રૂચિ મુજબની નોકરી પર લાગી જાય છે. વિકસિત દેશોમાં ઉચ્ચ શિક્ષણની
સંસ્થાઓમાં મોટેભાગે વિદેશી વિદ્યાર્થીઓ હોય છે.
દેશમાં શિક્ષિત બેકારોની સંખ્યા
વધતી જાય છે તેનું એક કારણ ક્યા ક્ષેત્રમાં કેટલી માનવશક્તિની જરૂર
છે તેનો વિચાર કર્યા વિના વ્યવસાયી શિક્ષણની સંસ્થાઓ આપણે ત્યાં વધતી
જાય છે અને તેના પરિણામે પૂરતી લાયકાત વિના પણ તેમાંથી સ્નાતકો અને
અનુસ્નાતકો બહાર નીકળતા જાય છે અને તેમાંથી ઘણાંને નોકરીથી વંચિત રહેવું
પડે છે. આથી એમનામાં હતાશા જન્મે છે. દેશના શિક્ષિત યુવાવર્ગમાં
હતાશા વધે નહિ અને તેમને સ્વરોજગારી માટે પ્રેરવામાં આવે તેવી
વ્યવસ્થા પણ થવી જોઈએ. ટૂંકમાં સમગ્ર પ્રશ્નને તેની અખિલાઈમાં અને યોગ્ય
પરિપ્રેક્ષ્યમાં વિચારી તેનો ઉકેલ લાવવો જરૂરી છે જેથી સામાજિક ન્યાયનો
ઉદ્દેશ્ય પાર પાડી શકાય.
Top
|