home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ખબરે પાકિસ્તાન

બરાબર એન મોકેજ બાબર

પાકિસ્તાને ગુપચુપ બાબર મિસાઈલનું પરિક્ષણ કરી નાખ્યું. દો સાલ પહેલા ધોરી મિસાઈલના પરિક્ષણ વખતે ખુબ શોરગુલ મચાવવામાં આવ્યો હતો. ટેમ ટેમ કી બાત હૈ. વક્ત બેવક્ત દુનિયાને દીખલાવી દેવાની ટણી એક બાત છે. - અને અમરિકાને સળી કરવી બિલકુલ અલગ બાત છે. હરામના પિલ્લા બુશે પાકિસ્તાનને ડીંગો બતાવ્યો એના ચંદ રોજ બાદ બાબર છોડવામાં આવ્યું. જાણે આફ્રિદીનો સીક્સરી ફટકો! વલ્લા, ક્યા ટાઈમીંગ (સહી વક્ત). આફરીન!! ૫૦૦ કિલોમીટરની દૂરી સુધી (રેન્જ) પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલ ક્ષેણી અણુ બમનું વહન કરી શકે છે. ગત અગષ્ટમાં બાબર મિસાઈલનું ખાનગીમાં પ્રથમ વાર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તે વખતે બી ખાસ ઢોલ પીટવામાં આવ્યા ન હતા. માર્ચ ૨૧, ૨૦૦૬ના મુબારક દિવસે એક ગુપ્ત સ્થળે બાબરનું દુબારા પરિક્ષણ કરવામાં આવ્યું. એની જાનકારી દુનિયાને બીજે દિવસે કરવામાં આવી. ઈસ્લામાબાદમાં જનાબ પ્રવક્તા ખાને એકરારે જુર્મની જેમ દબે દબે અવાજમાં બાબરના સફળ પરિક્ષણની જાહેરાત કરી. બકરો હલાલ કરવો અને છૂરો ગુપ્ત રાખવા જેવો ઘાટ બેવજહ નથી ઘડાયો. બલ્કે એક પથ્થરથી બે ચિડિયા પાડવાના મકસદથી ઘડાયો છે.

અમરિકાના ૩૦ જાસૂસી સેટેલાઈટ પાકિસ્તાન પર ચાંપતી નજર રાખે છે. હિલાજા ‘સીઆઈએ’ની જાણ બહાર ફટાકડાનું રોકેટ બી ફોડવું નામુમકીન છે. લેકીન અમરિકન ઉપગ્રહો હઝરત ઓસ્મા બિન લાદેનને દેખ લેણે મેં નાકામીયાબ રહ્યા છે. તો પછી બાબર મિસાઈલ કાર્યક્રમ કેમ ગુપ્ત ન રહી શકે? પવલાઓ પાસે એનો કોઈ જવાબ નથી. - અને પાક તીકડમ બી લાજવાબ છે! પાકિસ્તાન અમરિકાથી ખાનગીમાં ખતરનાક ખેલ પાડી શકે એવી પલવાઓને તસલ્લી થાય એટલે પત્યું. યાદ રહે કે અમરિકા ખુદ ખાનગીકરણનું હિમાયતી છે! જાહેરમાં પાકિસ્તાન ભલે અમરિકાનું પપેટ દેખાતું હોય. ખાનગીમાં ખુદાનો આ પસંદીદા મુલ્ક કાફીરોને ઠીકાને લગાડવાના કાર્યક્રમને આગે બઢાવી રહ્યો છે. હાય મેં સદકે જવાં! આ થઈ ચિડિયા નંબર વન. દુજી ચિડિયા ઇસ્લામીક મુલ્કોને જાનકારી આપવાની હતી. ખાસ કરીને સઉદી અરેબિયાને માલુમાત થતી જોઈએ કે પાકિસ્તાન પરવારી ગયું નથી. ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. પાકિસ્તાન એક માત્ર ઇસ્લામીક મુલ્ક છે જેનો અણુ બમ ૫૦૦ કિલોમીટરની દૂરી તક કહેર મચાવી શકે છે. યાની કી ઈરાન અણુ બમ બનાવશે તબ એને બાબર મિસાઈલની ગરજ પડવાની. યે પોઈન્ટ નોટ કિયા જાય કે ઈરાન ઈઝરાયલને ખતમ કરવાના એકમાત્ર મકસદથી અણુબમ બનાવવાની જીદે ચડ્યું છે. તહેરાનથી તેલ એવીવ તક અમિતાભ થવા વાસ્તે ઈરાની મુલ્લાને પાક દાઢીમાં હાથ નાખ્યા બિના છૂટકો નથી. - અને પાક દાઢીનો એક એક બાલ સઉદી અરેબિયાના કબજામાં છે. મગર કબજે કે પીછે ક્યા હૈ?

અમરિકા જ સ્તો! ઈરાનનો સિક્રેટ એજન્ડા ઈઝરાયલ નથી. બલ્કે સુન્નીઓનું સ્વર્ગ સઉદી અરેબિયા જ છે. વળી ઈસ્લામીક આલમ સાથે ગદ્દારી કરવા બદલ બી સઉદી ગુનેગાર છે. સુન્નીઓના સદ્દામ હુસેન જેવા અવ્વલ દરજ્જાના સરદારનું બેન્ડ બજાવવામાં ઈરાને અમરિકાને ખાનગીમાં મદદ કરી હતી. જો કે જાહેરમાં તો સઉદી અરેબિયા જ છીંડે ચડ્યું હતું. મતલબ કે સુન્નીઓને આપસમાં ભીડાવી મારવાની સાજીશ અમરિકાએ જ કરી હતી! જન.મુશ ભલે બાબર મિસાઈલનું એન મોકે પરિક્ષણ કરીને બબ્બે ચિડિયા મારવાની શેખી કરે. હકીકતમાં અમરિકાનો જ ઉલ્લુ સીધો કરી રહ્યા છે. અમરિકા બખુબી ઈસ્લામીક મુલ્કો બીચ તંગદિલી વધારી રહ્યું છે. પવલાઓ ખામખા બાબર મિસાઈલ બદલ ફક્ર (ગૌરવ) અનુભવી રહ્યા છે. અલ કાયદાના અનુભવી નેતૃત્વનો ઈસ્લામીક આલમને લાભ નહીં મળે ત્યાં સુધી પવલાઓને બાબરના ભૂતકાલીન કારનામા પર જ મુસ્તાક રહેવાનું છે. કોઈ શક?

**** **** ****

એક બાર ઔર જનાબ મુનાવર લેઘારીને મશીનગન ચલાઈ હૈ. મગર સિવાય સાયલન્સ (શાંતિ) કોઈની હત્યા થઈ નથી. અલબત્ત એમાં જનાબે આલીની નિશાનબાજી જુમ્મેવાર નથી. આપે જબાનનો ઈસ્તમાલ બતૌર મશીનગન કર્યો હોવાથી અહંિસાના મસીહા બની ગયા. બાકી મુનાવર લેઘારીનો મકસદ ખૂનની નદી વહેવડાવાનો છે. આપ સંિઘને પાકિસ્તાનની ચુંગાલમાંથી આઝાદ કરવાના અરમાનનું સેવન કરી રહ્યા છે. ફ્રિડમ ફાઈટરો(!)ના હેવન જેવા અમરિકામાં બેઠા બેઠા આપ અલગ સંિધીસ્તાનનું આંદોલન ચલાવી રહ્યાં છે. જાહીર છે કે જનાબ મુનાવર લેઘારીના ‘મિશન સંિધ’ને સીઆઈએ તરફથી સહાય મળતી હોય. વોશંિગ્ટન ખાતેની ધ વર્લ્ડ સંિધી ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર તરીકે જનાબ મુનાવર લેઘારીએ કશ્મીર સમસ્યાને ચુટકીમાં ઉકેલવાની તિલસ્માતી તરકીબ શોધી કાઢી છે. આપનો તરીકો ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા’ ટાઈપ છે. યાની કિ બાંગ્લાદેશની જેમ સંિધને બી આઝાદ કરો તો કશ્મીર તમારું! પાક ખુશકિસ્મતીથી ઈન્ડિયાને આ સોદો મંજૂર નથી. બાકી જનાબ મુનાવર લેઘારીની બાતમાં સોલિડ દમ છે. પાકિસ્તાનની અંદાજન ૭૦ ટકા મહેસુલી આવક સંિધમાંથી આવે છે. કરાંચીથી ઈસ્લામાબાદ વહેતી નગદની આ નહેર બંધ થઈ જાય તો પાકિસ્તાન કશ્મીરમાં પ્રોકક્ષી વોર (અપરોક્ષ જંગ) ખેલવાની પોઝીશનમાં રહે નહીં. સિમ્પલ!

યાદોં કી ગલીમાં એક આંટો મારવાથી માલુમ પડશે કે સંિધના ઝૂંઝાર નેતા મર્હૂમ જી. એમ. સૈયદ પણ એવું જ માનતા હતા. સંિધને આઝાદ કરાવવાના એક અને નેક ઈરાદાથી આપ ૧૯૮૫માં રાજીવ ગાંધીને મળ્યા હતા. ખુશકિસ્મતીથી સૈયદ સાહેબની દાલ ગલતી ન હતી. મગર નાઉમીંદ થાય એ બીજા, મુનાવર લેઘારી ફરમાવે છે કે સોવિયેત સંઘના ૧૪ ટૂકડાં થશે એવી કોને કલ્પના હતી? આપની એક બાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી. - અને તે પછી સંિધીઓની આબાદી. પાકિસ્તાનને બાદ કરો તો સંિધીઓની સૌથી જ્યાદા આબાદી ઈન્ડિયામાં છે. પાકિસ્તાનમાં ૩૦.૬ લાખ સંિધીઓ છે. ઈન્ડિયામાં સિર્ફ (!) ૩૦ લાખ છે. બીજા દસેક લાખ સંિધીઓ દુનિયાભરમાં ફેલાયેલા છે. ભોગ દુનિયાના. જનાબ મુનાવર લેઘારી અબ્બા-એ-મુલ્ક મહમદઅલી ઝીણા જેવા દલીલબાજ છે. ચાલબાજ તો ખરા જ. તાઈવાન અને તીબેટના મસલે (પ્રશ્ને) અમરિકા ચીનની બૈયાં મરોડી શકતું હોય તો ઈન્ડિયા સંિધના મુદ્દે પાકિસ્તાન સાથે આરપારનો ખેલ કેમ નથી પાડતું? હૈ કોઈ જવાબ? જનાબ મુનાવર લેઘારીને એક ઠોસ હકીકતની જાનકારી નથી. - અને તે છે; ઈન્ડિયા કાંઈ અમરિકા નથી!

**** **** ****

દાઉદ ઈબ્રાહીમનો તોડ કરીને તારીક પરવેઝે કોઈ મોટો શિકાર નથી કર્યો. દરઅસલ દાઉદના દિવસો ભરાઈ ગયા છે. હર ઐરો, ગૈરો નથ્થુ ખાન એને શેંડી લગાડી જાય છે. જબ કી જનાબ તારીક પરવેઝ તો ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના ડિરેક્ટર જનરલ મુવા છે. દૌર-એ-દોસ્તી દૌરાન તારીક પરવેઝ દિલ્હી તશરીફ લઈ ગયા હતા. ત્યાં આપે ગલા ફાડકર જાહેર કર્યું કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં નથી. અખ્ખી અંધારી આલમ હલી જાય એવી મજકુર જાહેરાત જનાબ તારીક પરવેઝે મુફતમાં કરી હોવાનું માની લેવું તે ખુદ ખુદાને દાઢી નહીં હોવાનું માનવા બરાબર છે.

મગર દાઉદ ઈબ્રાહીમ ખુદના હિસાબે અને જોખમે ખુશ થવાની ‘લકજરી’ માણી શકે છે. વજહ? વેલ, જનાબ તારીક પરવેઝે ‘ભાઈ’ના મુદ્દે પાકિસ્તાન થોડું કુણું પડ્યું છે. બતૌર સબુત પેશે ખીદમત છે જનાબ તારીક પરવેઝે દિલ્હીમાં આપેલો ઐતિહાસિક જવાબ; દાઉદ ઈબ્રાહીમના બારામાં ચોક્કસ માહિતી આપવામાં આવશે તો પાકિસ્તાન જરૂર જરૂરી કદમ ઉઠાવશે. યે પોઈન્ટ નોટ કિયા જાય કે જનાબ તારીક પરવેઝે રાબેતા મુજબ કૌન દાઉદ? એવો બુનિયાદી સવાલ કર્યો નથી. એમ તો દાઉદના મુદ્દે સાવ નામુક્કર જવાને બદલે જનાબે આલીએ ‘ભાઈ’નો અતો-પતો પૂચ્છ્‌યો છે. એનો અર્થ એ થયો કે જનાબ તારીક પરવેઝ નથી ઈન્કાર કરતા કે નથી એકરાર કરતા. હજુ તો ઈન્ટરપોલની છાનબીન બાકી છે. લાગે છે કે દાઉદનું કરી નાખવાની હરિફાઈ ચલ રહેલી હય ભીડુ. તારીક પરવેઝ કો ટપકા દેને કા ટેમ આ રહેલા હય યા ભાઈ કે અચ્છે દિન જા રહેલે હય?

પાક ખયાલ

ખરાબ વિચારો દૂર કરવાનો કોઈ સચોટ ઉપાય નથી. સિવાય વિચારશૂન્યતા!

લતીફા-એ-પાક

‘અબે અબુ. તારી બીબી ખૂબસૂરત અને સારા સ્વભાવની છે. ફીર ભી તું બીજે ચક્કર ચલાવે છે. તે અચ્છી બાત નથી.’

‘વાહ ઉસ્તાદ! ખુદ તો જ્યાં ત્યાં દાણાં નાખતો ફરે છે અને મને ઉપદેશ આપે છે?!’

‘મારી બાત અલગ છે. મારી બીબી બદસુરત અને બદમીજાજ છે.’

‘તારું બહાનું અને મારું બહાનું અલગ અલગ છે એટલું જ!’

નાપાક શેર

તેરી તલાશ તો બહાના થા

હમે તો ભટક હી જાના થા

Copyright   © Gujarat Samachar