home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

લીડર

પેજ થ્રી કલ્ચર અને નવી પેઢી જવાબદારી જૂની પેઢીની પણ છે

રાહુલ મહાજન નવી પેઢીના એક હિસ્સાનું પ્રતીક છે. ટિપિકલ પૈસાદાર બાપના બગડેલા બેટા જેવો રાહુલ છે. સંપત્તિ અને સત્તાની ખતરનાક બ્લેન્ડની ઉપજ છે. આવા તો કેટલાય રાહુલો આ દેશમાં છે. સામા પક્ષે નવી પેઢીમાં જ, ખંતીલા, કારકીર્દીને નજરમાં રાખીને મહેનત કરનારા, તેજસ્વી યુવાનોની પણ એક ફોજ છે. રાહુલ મહાજનના બનાવ જેવું કશું બને એટલે ઉપદેશ બહાદુરો તૂટી પડે છે કે, નવી પેઢી બગડી ગઈ છે. બધાંને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નથી મેટની પરિક્ષામાં સાડા સત્તાણુ ટકા લઈ આવનાર જુવાનિયો તેની સથે ભણનારાંઓના વ્યસનથી કઈ રીતે અલિપ્ત રહી શકતો હશે ? આવી ઇનબિલ્ટ એબિલિટી ધરાવનારાઓની સંખ્યા પણ નાનીસૂની નથી. જે યુવાનો તેજસ્વી શૈક્ષણિક કારકીર્દી ધરાવે છે તે પણ દોસ્તો સાથે ફિલ્મ જોવા જાય છે. નવરાત્રિમાં ઉજાગરા કરીને મોજ કરે છે. છતાં બદીઓથી દૂર રહી શકે છે. ખરાબ સોબતને એવોઇડ કરી શકે છે. અહીં સંસ્કારો, યોગ્ય ઘડતર અને જીવન પ્રત્યેની પોતાની દ્રષ્ટિ બહુ મોટો ભાગ ભજવે છે. દુનિયાની દરેક સંસ્કૃતિમાં બાળકોને યોગ્ય સંસ્કારો આપવાની વાતને સૌથી વઘુ મહત્ત્વ અપાયું છે. અમેરિકામાં તો પ્રથમ વખત મા-બાપ બનનારાઓ ખુદ ક્લાસ ભરી બાળકોના ઉછેર અને સંસ્કારનું ભણતર મેળવે છે.

નશીલા પદાર્થો અને દારૂની ટેવ પાડતા ડિસ્કોથેક અને પેજ થ્રી પાર્ટીઓને આપણે બંધ કરી શકીએ તેમ નથી. આ બઘું ધીમે ધીમે આપણા સમાજમાં વણાઈ ગયું છે તેને દૂર કરી શકાય તેમ નથી પણ, બાળકો તો આપણાં છે ને ? તેમને તો થોડાં સુધારી શકાય ને ? મોલ્ડ કરી શકાય ને ? જેમ જેમ સમાજમાં પરિવર્તન આવતું જાય છે તેમ તેમ માતા-પિતાની જવાબદારી વધતી જાય છે. તમારા આઠ-દસ વર્ષના દીકરા-દીકરીને સમાજની બદીઓથી કેમ બચાવવા તેનો વિચાર તમને રાહુલ મહાજન જેવા કોઈ પણ કેસ વખતે આવી જ જાય. બચાવ માટેની કોઈ રેડીમેડ રેસીપી ઉપલબ્ધ નથી. તમારે જ તમારા બાળકનું ઘડતર કરવું પડે. આવું કરવાથી માત્ર બાળકનું જ નહીં, આખા સમાજનું ઘડતર થશે. બદીઓ સાથેની લડાઈ સામાજિક જાગૃતિથી જ જીતી શકાય અને, સામાજિક જાગૃતિ સમાજના તમામ લોકોમાં સમજ કેળવાય તો જ આવી શકે. જવાબદારી બધી નવી પેઢીની જ નથી, જૂની પેઢીની પણ છે.

પેજ થ્રી પાર્ટીઓ માત્ર મુંબઈ- દિલ્હી જેવા કોસ્મોપોલિટન શહેરોમાંથી બહાર દેશના અન્ય શહેરો સુધી પહોંચી ગઈ છે. ડિસ્કોથેકની પણ નવાઈ નથી રહી. યુવાનોની પાર્ટીમાં નશો નવાઈનો નથી રહ્યો. એક્સરસી, હેરોઇન, કોકેન, બ્રાઉન સુગર, ગર્દ, સ્મેક, અફીણ વગેરે નશીલા દ્રવ્યોનું સેવન કરતા લોકોની સંખ્યા અમદાવાદ જેવા શહેરોમાં લાખોની થવા જાય છે. નશીલા દ્રવ્યોનું સેવન કરનારાઓમાં બે સ્પષ્ટ ભાગ પડેલા જોવા મળે છે. તવગંરો અને ગરીબો. ક્યારેક ઉચ્ચ મઘ્યમવર્ગના યુવાનો તેમાં સામેલ થાય છે. પણ, મઘ્યમવર્ગ અત્યાર સુધી તેનાથી દૂર રહી શક્યો છે. કારણ આર્થિક કરતા સામાજિક વઘુ છે. મઘ્યમવર્ગ હજી સોશિયલ ટાબુ ધરાવે છે. સામાજિક રૂઢીઓ અને નિયંત્રણો મઘ્યમવર્ગને તેનાથી દૂર રાખે છે. ગરીબ વર્ગ સસ્તાં ડ્રગ્સ દ્વારા નશો કરીને દુઃખોને ભૂલવાની કોશિષ કરે છે, તવંગરો મજા માટે, તણાવ દૂર કરવા માટે તેની લતે ચડે છે.

કોકેન, હેરોઇન, બ્રાઉન સુગર, મેન્ડ્રેક્સ જેવાં કેફી દ્રવ્યોનો નશો મગજને તરબતર કરી દે છે. મૂડને એન્હેન્સ કરે છે. મગજમાં આનંદ જ આનંદ છવાઈ જાય છે. શરિર હળવું ફૂલ અને શક્તિથી ભરપૂર થઈ જાય છે. તે લેનાર કલાકો સુધી નાચી શકે છે, કાર્યશીલ રહી શકેે છે. આ બઘું નશાની અસર રહે ત્યાં સુધી રહે છે. અસર પૂરી થતાં જ શરિર કોથળા જેવું ઢીલુંઢફ થઈ જાય છે. મગજ સુન્ન થઈ જાય છે. માણસ તદ્દન નિષ્ક્રિય થઈ જાય છે. ફરી નશો ન કરવામાં આવે તો શરિર તૂટે છે. મગજ બહેર મારી જાય છે. ફરીથી ઉત્સાહ, આનંદ અને શક્તિથી થનગનતા થવા માટે નશીલા પદાર્થના ડોઝની જરૂર પડે છે અને માણસ તેનો બંધાણી થઈ જાય છે.

પેજ થ્રી પાર્ટીઓમાં નાણાં, સેક્સ અને ડ્રગ્સની ઘાતક કોકટેલ બને છે. આવી પાર્ટીઓ પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણનું પરિણામ છે. એક અનિવાર્ય અનિષ્ટ તરીકે તે વેસ્ટર્ન કલ્ચરની આંગળી પકડીને ભારતમાં આવી છે પણ તેને માટે માત્ર પશ્ચિમી સંસ્કૃતિનો દોષ દઈને છટકી શકાય તેમ નથી. પશ્ચિમી સંસ્કૃતિ તો ખ્રિસ્તી ધર્મને પણ લઈને આવી છે છતાં બધં ખ્રિસ્તી થઈ જતા નથી. આ તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું એવું થયુ છે. આપણને ગમ્યું તે બઘું આપણે ધરાર સ્વીકારી લીઘું. તે માટે પશ્ચિમને ગાળો દેવાથી કશું વળવાનું નથી. આપણા સામાજિક માળખામાં જ એવો ફેરફાર થયો છે કે આવી બદીઓને વકરવાની જગ્યા મળી. આપણે આ અનિષ્ટને ચલાવી લઈએ છીએ. પૈસા કમાવવામાં પડેલા બાપને ખબર પણ નથી હોતી કે તેના ટીનએજર સંતાનો ભાંગતી રાત સુધી ક્યાં કળા કરી આવે છે. સંતાનોના ખિસ્સામાં નોટોના થોકડા ઠાંસીને તેઓ પ્રેમ આપ્યાનો અને બાપ તરીકેની ફરજ બજાવ્યાનો સંતોષ લે છે. સંતાનોને છૂટ આપીને પોતે પ્રોગ્રેસિવ હોવાનું ગૌરવ લે છે. આ બઘું ક્યારેક ભારે પડી જાય છે.

Copyright   © Gujarat Samachar