જેની લાઠી તેની
ભેંસ
કર્ણની રામાયણ
કર્ણના મહાભારત વિશે એટલે કે કે મહાભારતના
કર્ણ વિશે તો ઘણા બધા જાણે છે પણ મારે તો કર્ણની રામાયણની કથા
માંડવી છે પણ વાચકોને વિનંતી કે કુંતીના જ્યેષ્ઠપુત્ર કર્ણની વાત અથવા
કથા મારે કરવાની નથી. અને મારા કર્ણને રામાયણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ
અરે બાદરાયણ સંબંધ પણ નથી.
હું તો મારા વિશાળ મસ્તકની આજુબાજુ
સિક્યુરીટી જેવા બે કર્ણ એટલે કે કાન ભગવાને ગોઠવી દીધા
છે તેની કથની કરવા માંગું છું. એ કર્ણને કારણે જ મારે જ્યારે ને ત્યારેે
રામાયણ થાય છે.
હું જન્મ્યો ત્યારથી મારા કાન વિશે સગા-સંબંધી
જુદા જુદા અભિપ્રાયો આપવા માંડ્યા હતા. મારા દાદા
કહેતા કે બાબલાના કાન કેવા મઝાના ગોળમટોળ છે. મારા ફઇબા ટીકા કરતા
કે બાબાના તો હાથીના કાન છે. મારા મામીએ તો વળી જોરદાર અભિપ્રાય
આપેલો કે એના કાન તો શુર્પણખાના કાન જેવ લાંબા લટકતા છે. મામીએ
શુર્પણખાને ક્યાં અને ક્યારે જોઈ હશે તેનો વિચાર કરવા જેવી એ વખતે મારી
ઉંમર નહોતી, પણ મારી વહાલી માસી મારા કર્ણપ્રદેશના ઊંડાણમાં તેમનું
મુખ ખોસીને જોરથી ‘કૂકડે.. કૂ...ક..’ કરતા ત્યારે મારો કર્ણપ્રદેશ
હચમચી ઉઠતો.
મારે કહેવું જોઈએ કે એકંદરે
મારા કાન વિશે કોઈનો ખાસ ઊંચો અભિપ્રાય નહોતો અને મારા કાન વિશે
અનેક દંતકથાઓ કુટુંબમાં વહેતી થઈ હતી. અને જેમ જેમ મારી વય
વધતી ગઈ તેમ તેમ મારા કાનના આકાર પણ બદલાવા લાગ્યા. કેટલાકની
નજર મારા સુંદર મુખ પર પડવાને બદલે મસ્તકની આસપાસ વિચિત્ર
રીતે ગોઠવાઈ ગયેલા આકારહીન કાન ઉપર પડતી.
એકવાર ગાંધીજી કોઈક રસ્તેથી પસાર
થતા હતા ત્યારે એક મેડમના બાળકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ગાંધીજીના
કાન કેવા લાગે છે !
ગાંધીજી એ સાંભળીને ખુશ થઈ ગયા
અને બાળકને સાચું બોલવા માટે થાબડ્યો હતો. પણ એ તો ગાંધીજી
હતા. મારા કાનની કોઈ ટીકા કરે તે અણગમતું લાગવા માંડ્યું હતું. ખીજ
પણ ચડતી હતી કે લોકો મારા શરીરમાં માત્ર કાન પર જ કેમ નજર નાંખતા
હશે ? હું નિશાળમાં દાખલ થયો ત્યારે સ્પેલંિગની બાબતમાં હું ઓરિજિનલ
એટલે કે મૌલિક હતો. એકવાર Teacher
નો સ્પેલંિગ મેં Cheater
કર્યો મારા ટીચર ઘૂંધવાઈ
ઊઠ્યા. એમની આંખ ફાટી અને એમણે મારી પાસે આવીને જોરથી મારો કાન
આમળ્યો. મારા કાનમાં તો તમરાં બોલી ગયા પણ મને લાગે છે કે આપણા
શરીરમાં ગુસ્સો કરીને ખેંચવાલાયક કોઈ એક અંગ હોય તો તે કાન જ છે.
નાક કોઈ ખેંચતું નથી, કદાચ સાસુ માટે અનામત રાખવામાં આવતું
હશે.
ટીચરે મારો કાન એવો ખેંચ્યો ને સરપાવ
આપ્યો ‘ગધેડા’ તારા કાન પણ ગધેડા જેટલા જ લાંબા છે.
મારા કાનનું ટીચરે જે રીતે અભિવાદન
કર્યું તે મને ગમ્યું નહીં મને મારા પપ્પા ય ચિડાય ત્યારે કાન ખેંચીને જ
ઠપકારતા. આમ મારા કાન મારે માટે ત્રાસરૂપ બની ગયા. અને ટીચરે તો મને
લંબકર્ણનો ખિતાબ પણ આપી દીધો.
મને કેટલીકવાર વિચાર આવે છ - માણસ
તરીકે વિચારશીલ હોવાને કારણે કે શરીરમાં કાનની શી જરૂર હતી ? પંચેન્દ્રિયમાં
એક કર્ણેન્દ્રિય ભગવાને ઓછી આપી હોત તો શું નુકસાન હતું ?
કાન સાંભળવા માટે છે પણ માણસ જાત એકબીજાનું
સાંભળી સાંભળીને જ મગજમાં તનાવ પેદા કરે છે. સાંભળવામાં જ નહિ
પણ નહિ સાંભળવામાં સુખ છે. બહેરા માણસ કેટલા સુખી છે ? એમને ગાળ દઈએ
તો ય હસે કડવી મીઠી બધી વાતોની બાબતમાં એ સ્થિતપ્રજ્ઞ છે. માણસને
કાન ના હોત તો કાનભંભેરણી કોણે કરી ? કેવી રીતે કરી ? અમારા એક
વડીલ છે. એ એમના પત્નીની વાત ઘ્યાનથી સાંભળે છે એટલે એમને એમની મમ્મી
કાચા કાનનો કહે છે. કાન કાચાય હોય ને પાકેય ખરા !
એક ભાઈ માને છે કે, ભગવાને બે કાન
એટલા માટે આપ્યા છે કે, અણગમતી વાત એક કાનેથી સાંભળીને બીજા કાને
કાઢી નાંખવી, મને તો કાન, ચાડી ચુગલી કરનારા ચાડિયા જેવા લાગે છે.
એ ગમે તે વાત સાંભળીને સીધી મગજને પહોંચાડે છે અને પછી મગજ
છટકે છે કે ફટકે છે.
મારા કાન મોટા હોવાથી મચ્છરોને તેનું
વિશેષ આકર્ષણ થાય છે. કાનની આસપાસ ધૂમતા રહીને ગુન ગુન કરતા મારા
કાનના ગુણગાન ગાયા કરે છે. ભગવાને કાનની બાબતમાં મહિલાઓ પ્રત્યે પક્ષપાત
કર્યો જણાય છે. એમના કર્ણ પર કવિઓ વારી જાય છે. કર્ણફૂલ ધારણ
કરનારી શકુન્તલા પર કવિવર કાલિદાસની કલમ કોળી ઊઠે છે. એમના લલાટ
પરથી સુંવાળા કેશની લટ કાન પર લહેરાતી જોઈને કેટલાય જીવ ઘાયલ થઈ જાય
છે. રસિકજનો મહિલાના કર્ણમાં લટકતાં બુટિયાં જોઈને મુગ્ધ બને છે.
(જો કે હવે પુરુષો ય કાનમાં બુટ્ટી પહેરતાં થઈ ગયા છે. અને હવે નાકમાં
ચૂની પહેરવાનાય દિવસો આવી રહ્યા છે !)
સંસારમાં બખેડા અને છબરડાય કાનને કારણે
થાય છે. એકવાર એક સ્નેહીને ત્યાં મળવા ગયો હતો. એમના બંને કાન હડતાલ
પર હતા. થોડી વાતચીત પછી મને પૂછ્યું ‘‘કાંઈ લેશો ?’’
મેં કહ્યું ઃ ‘‘ચા લઈશ
?’’
‘‘એમ ? ચા વિના ચાલશે ?
ત્યારે કોફી પીશો ?’’
મેં કહ્યું ઃ ‘ભલે જે હશે તે
ચાલશે.’
‘‘કોફીય નહી ? કોફી વિનાય
ચાલશે ? ત્યારે શું લેશો ? કોકો તો પીઓ !’’
મને થયું કે એમને હું મોટેથી જવાબ
આપીશ તો એમના હડતાળિયા કાન મારો કોકોય ખોવડાવશે’
એટલે મેં ઇશારાથી જ ડોકું હલાવીને
હા પાડી.
મારા કાનને કારણે મારે ઘણી રામાયણ થાય
છે. વન વટાવ્યા પછી કાન હડતાળ પર ઉતર્યા પછી લોકો મારા કાનની દયા
ખાવાને બદલે
‘આમનું તો કાનપુર ઉજ્જડ થઈ ગયું
છે.’ ‘આ તો સાવ બહેરામજી.’
‘કાન છે કે કોડિયા ?’ એવી ટીકાઓ
‘બહેરા કાને ય’ સાંભળવી પડે છે.
કેટલીકવાર મિત્રોની મહેફિલમાં જોક્સ
ચાલી હોય છે, બધા મિત્રો જોરજોરથી હસતા હોય, મારા બહેરા કાને
અથડાઈને પાછી ફરી ગઈ હોય છતાં બધાંની સાથે હસવું પડે છે. બહેરો
બે વાર હસે એમ મારેય બે વાર હસવું પડે છે.
ઘરમાં હું મોટેથી બોલું છું એટલે
ગૃહલક્ષ્મી છંછેડાય છે. પણ બહેરો બીજા બધાનેય બહેરા સમજીને મોટે
મોટેથી બોલતો હોય છે એ કોણ સમજે ?
|