home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કક્કો અને બારાખડી

ઐશ્વર્યા જોડે ટેલિફોન...

પરણશે, નહીં પરણશે, પરણશે, નહીં પરણશે.. ઐશ્વર્યા અભિષેકની આ વાતો ચાલ્યા કરે છે.. એની પાછળ શું આયોજન છે?

કક્કો બારાખડી રોજેરોજ

ઐશ્વર્યા અભિષેક વિષે ‘‘કક્કો બારાખડી’’નો આ છેલ્લો લેખ છે. ઐશ્વર્યાએ અમને રિકવેસ્ટ કરી છે- અંકલ, અમારો છાલ છોડોને, પ્લીઝ!.. એટલે આજે જાણી લો છેલ્લામાં છેલ્લું સ્કુપ- સમાચાર...

અમારે એશને ફોન કરવો પડ્યો!

‘‘એશ, તું કોને રમાડે છે? અમને? કે અભિષેકને?’’ અમારે સીઘું જ પૂછવું પડ્યું.

તરત તો એને અમારો પ્રશ્ન ન સમજાયો.

પણ પછી અમે સમજાવ્યું કે (૧) પહેલાં ઐશ્વર્યા અને અભિષેકનું ગોઠવાઇ ગયું છે એવા સમાચાર આવ્યા. (અમે રાજી થયા) (૨) પછી સમાચાર આવ્યા કે ઐશ્વર્યાને મંગળ છે એટલે જયા બચ્ચન મનાઇ કરે છે કે અભિષેકે મંગળવાળીને ના પરણવું. (આ વાત પર ગુસ્સે થઇને અમે ‘‘અભિષેકનું ગજું નહીં મંગળવાળી વીરાંગનાને પરણવાનું!’’ એવો લેખ પણ બુધવાર તા. ૧૭મીએ લખી નાખ્યો. (૩) અને હવે પાછા સમાચાર આવે છે કે એશ અને અભિષેકનું ઓ.કે. છે.

તો પછી વચ્ચે તમારૂ તૂટ્યું એવા સમાચાર કેમ આવેલા? અમે ઐશ્વર્યાનેજ પૂછયું ‘‘આમ વારંવાર ઉંધાચત્તા ઉંધાચત્તા સમાચાર ફેલાવ્યા કરે એમાં અમારા યંગસ્ટરો, કોલેજીયન યુવકોયુવતીઓની શી દશા? તારા યુવાન ફેન્સના હૃદયો જોડે રમવાનું બંધ કર, ઐશ્વર્યા!’’ અમારે કહેવું પડ્યું.

‘‘પણ અંકલ.. પ્લીઝ ડોન્ટ ગેટ એંગ્રી.’’

ઐશ્વર્યાએ અમને જે સંબોધન કર્યું તે ભલે વ્યાજબી હતું પણ મને બે ઘડી શોક આપી ગયું. બિચારી બહુ વિવેકથી વાત કરતી હતી. પેલી કોકાકોલાની જાહેરખબરમાં સીસોટી વગાડનારની ફિલમ ઉતારે છે એવા અવિવેકથી તો વાત ન જ કરે, પણ આ જરા અંકલ-બંકલનું મને જરા અકળાવી તો ગયું.

પણ શું થાય!

અમે જરા ચિડાઇને કહ્યું- હવે ચિડાવાનો શો વાંધો?-અમે કહ્યું, ‘‘જો છોકરી યુવાન હૈયા જોડે ખિલવાડ બંધ કર!’’

‘‘અરે પણ અંકલ અભિષેક બઘું જાણે છે.’’

‘‘શું જાણે છે? કે તારે મંગળ એ જ ને? એ પોચકાની તાકાત નથી તારા જેવી ધમધમાટ મંગળવાળીનો હાથ પકડે! છાપામાં આવ્યું કે તરત જ અમને લાગેલું- આ પોચકાભાઇને તો હસ્તમેળાપ વખતે તારો હાથ પકડતાં જ પરસેવો પરસેવો થઇ જવાનો...’’

‘‘બટ અંકલ મને મંગળ નથી!’’

‘‘તો પછી વાત કેમ ઉડી કે તને મંગળ છે આ અભિષેક ડરી ગયો છે! તમારૂં જોઇને અમારા ઓળખાતી ત્રણ પોચકાઓએ પોતાની બિચારી મંગળવાળીને છોડી દીધી!’’

‘‘ઓહ, આઇ એમ સો સોરી!’’

‘‘એશ, તું પ્લીઝ હવે ફાઇનલ જવાબ નક્કી કરી નાખ!- અભિષેકને પરણવાની કે નથી પરણવાની? અમારાથી આ ટેન્શન સહન નથી થતું. ડઝનેક યુવાનોની તો પરીક્ષા બગડી, આ તમારી કચકચ ટકટક આનાકાનીમાં! તું સ્પષ્ટ કહી દે, યસ કે નો? અભિષેક જોડે પરણવાની છું કે નથી પરણવાની?’’

‘‘અંકલ કંઇ ફાઇનલ તો ના કહેવાય... બટ વી આરઓન પ્રેટી ગુડ ટર્મ્સ!’’

‘‘મંગળવાળી જન્મપત્રિકા ફાડી નાંખી!’’

‘‘છે જ પણ.. યુ સી.. આઇ... વી.. અમારે તરત ડીસીઝન કરવાની જરૂર નથી. ઉમરાવજાન પૂરૂં થાય પછી ફાઇનલ કરીશું.’’

‘‘આમાં ઉમરાવજાનને શું લેવા દેવા છે?’’

‘અંકલ, અમે જોડે છીએ, અંકલ હું એમાં હીરોઈન છું અને પેલો હીરો છે...’

પેલો કોણ? પેલો મંગળવાળો? હું ચમક્યો.

‘‘એ મંગળવાળો નથી! હું મંગળવાળી છું- અભિષેક તો નોન-મંગળ છે.’’

‘‘હા પણ એમાં ઉમરાવજાનને શું છે?’’

‘‘અમારો પ્રોડ્યુસર કહે છે મારો મંગળ પાવરફૂલ છે...’’

‘‘મંગળવાળીઓ બધી જ પાવરફૂલ હોય..’’

‘‘મંગળ ધન લાવે! ઉમરાવજાન બોક્સ ઓફિસ પર હિટ જશે.’’

‘‘એક કોમ્પ્લીમેન્ટરી મોકલી આપજે- આટલી બધી એડવાઇસ મફતમાં આપું છું એના બદલામાં!’’ મેં એડવાન્સ બુકંિગ કરાવી દીઘું.

‘‘ઓ.કે. અંકલ! પણ હવે મને છોડશો?’’ ઐશ્વર્યાએ વિનંતિ કરી.

‘‘વોટ ડુ યુ મીન, ‘‘મને છોડશો’’ એટલે? મેં તને પકડી રાખી છે? કોઇ સાંભળે તો શું કહે? તારો પેલો અભિષેક સાંભળશે તો ગિન્નાશે! એ તો તને પકડી રાખી શકતો નથી- મંગળવાળી મંગળવાળી કહીને ગભરાયા કરે છે..’’

‘‘સોરી, અંકલ વોટ આઇ મીન ઈઝ, મારે ઉમરાવજાનની સ્ક્રીપ્ટ જરા ફરીથી જોઇ જવાની છે... અને તમારેય કક્કો બારાખડી લખવાની બાકી હશે..’’

‘‘કક્કો બારાખડી કેન વેઇટ! તારા આ પ્રશ્નનો નિકાલ લાવી દે. દેશનો આખો યુવાવર્ગ રાહ જોઇ રહ્યો છે. હવે કોલેજો ખુલવા આવશે. અને તારા અને અભિષેકના પ્રશ્નનો નિકાલ નહીં આવ્યો હોય તો વિદ્યાર્થીઓનું ઘ્યાન ભણવામાં નહીં ચોંટે!.. ઉમરાવજાનની શી બાબત છે?’’ મેં જરા કડક અવાજે કહ્યું.

‘‘પ્રોડ્યુસર કહે છે કે હું મંગળવાળી છું...’’

‘‘તે તો આખો દેશ જાણે છે!.. પણ એનું છે શું?’’

‘‘પ્રોડ્યુસર કહે છે તમારા મંગળને લીધે ફિલ્મ હીટ જવાની! પણ..’’

‘‘પણ શું?’’

‘‘અભિષેકને કારણે મુશ્કેલી છે! એ શુટંિગમાં મારી સામે જ જોયા કરે છે અને એક્ટંિગ કરવાનું ભૂલી જાય છે..’’

‘‘અરરર...’’

‘‘એટલે અભિષેકને ભાનમાં લાવવા પ્રોડ્યુસરે વાત ઉડાવી છે કે મારા મંગળને કારણે એ મને પરણવાનો નથી..’’

‘‘એની મમ્મી શું કહે છે?’’

‘‘પ્રોડ્યુસરની મમ્મી? એ તો બિચારી કંઇ જાણતી નથી આમાં..’’

‘‘પ્રોડ્યુસરની મમ્મી નહીં, અભિષેકની મમ્મી! જયાબેન ભાદુરી.. આઈ મીન બચ્ચન..

‘‘પ્રોડ્યુસર એનેય વચમાં લાવ્યા કરે છે જાતજાતની વાતો ફેલાવવામાં! ગમે તે હિસાબે પ્રોડયુસરે મને અભિષેકને ન્યુસમાં રાખવા છે... જેથી અભિષેકની એક્ટંિગ નબળી છતાં ઉમરાવજાન હીટ જાય... એક્ટિગને કારણે નહીં ગપગોળાને કારણે..’’

‘‘પણ ફીલ્મ પત્યા પછી પેલો પોચકો તને છોડી દેશે તો?’’

‘‘હુ કેર્સ?’’ ઐશ્વર્યાએ છણકો કર્યો.

‘‘ઐશ્વર્યા?’’ હું ચમક્યો, ‘‘તારૂ હૈયુ ભાંગી નહીં જાય! અમારા જમાનામાં તો દિલિપકુમારે મઘુબાલાને..’’

‘‘ઓ.કે. ઓ.કે. અંકલ! ડોન્ટ બોર મી વીથ ધેટ ઓલ્ડ સેન્ટીમેન્ટલ સ્ટફ!..’’

‘‘મને તો તારી ચંિતા થાય છે, બેન!’’ મેં જરા સેન્ટીમેન્ટલ થઇ જતાં કહ્યું. ‘‘આમ જાતજાતના ઢીલાપોચા અભિષેકો જોડે તારૂ નામ એસોસિએટ થાય અને પછી લગન ન થાય... નાતમાં સારૂ કહેવાય? જો બેન, તારીય હવે ઉમ્મરથઇ..’’

‘‘ડેમ યુ અંકલ! વોટ ડુ યુ મીન બાય.. ઉમ્મર થઈ!.. ડોન્ટ યુ બ્રીંગ ઉમ્મર ઈન્ટુ બિઝનેસ ટોક!... નાઉ યુ સી, અંકલ, યુ આર એ ગુડ મેન.. આમાં દેશની ચંિતા કરો છો.. આઇ નો.. પણ પ્લીઝ, હવે હમણાં સોનિયાજીએ રાહુલને વારસદાર તરિકે પસંદ કર્યો ને પ્રિયંકાદિદિને રિજેક્ટ કરી એ વાતના જસ્ટિસ ઈનજસ્ટિસ પર તમે ઘ્યાન આપો! પ્લીઝ!.. મારી અને અભિષેકની વાતમાં માથું ન મારો! અભિષેક? ઈઝ અભિષેક સિરિયસ- એન્ડ કરેજીયસ- એબાઉટ યુ?’’

‘‘હુ કેર્સ એબાઉટ અવર બીઈંગ સિરિયસ? વી ઓલ આર સિરિયસ એબાઉટ ધ બોક્સ ઓફિસ ફયુચર ઓફ ઉમરાવજાન!.. એટલે અંકલ દર અઠવાડિયે નવા નવા ન્યુસ ઊભા કરવા જ પડે?.. અંકલ યુ આર એ કાઇન્ડ મેન... બટ નાઉ ફર્ગેટ અબાઉટ અસ ફોર સમ ટાઇમ.’’

‘‘ઠીક’’ મેં કહ્યું, ‘‘પ્રિયંકાદીદીનો મોબાઇલ નંબર તારી પાસે છે?’’

‘‘ડોન્ટ ગેટ ..., અંકલ!.. તમને ઉમરાવજાનની કોમ્પલીમેન્ટરી ટીકીટ જરૂર મોકલી આપીશ.. અને એઝ એ ગીફટ એક વધારાનું સ્કૂપ આપતી જઉં તમને?.. જ્યોતિષીઓનું કહેવું છે કે અભિષેક સામો મજબૂત શનિ છે.. એટલે અમે- હું અને અભિષેક મંગળ-રાહુ એકબીજાને પહોંચી વળીશું!’’

‘‘આ તમારૂ છેલ્લામાં છેલ્લું રૂમર- અફવા?’’

‘‘હોવ! નેકસ્ટ વીકમાં ચમકાવશે અમારો પ્રોડ્યુસર!’’

Copyright   © Gujarat Samachar